વાત : ૪૯૨

અને જીવ કિયે ઠેકાણે રહે છે ? જો સુષુમ્ણા નાડીમાં રહે છે એમ કહીએ તો એ તો મુક્તની નાડી છે. તેનો ઉત્તર જે જીવની દૃષ્ટિ દૃશ્ય સામી રહે છે માટે બદ્ધ રહે છે તેને પતંગિયાને દૃષ્ટાંતે કરીને સ્વામીએ બહુ વાત કરી.।।૪૯૨।।



ટિપ્પણી

સુષુમ્ણા નાડીઃ ઇડા ને પિંગળા એ બે નાડીની વચ્ચે આવેલી નાડી. સિદ્ધપુરુષોનો આત્મા આ નાડીમાં રહે છે. (વચનામૃત : ગઢડા પ્રથમ ૬૫)

પતંગિયાનું દૃષ્ટાંતઃ સારંગપુરના ૧૭મા વચનામૃતમાં શ્રીજી કહે છે : ‘‘જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો ત્યારે એ જીવમાં ખદ્યોત (જેનામાંથી તેજ નીકળે તેવું પતંગિયું-આગિયો) જેટલો પ્રકાશ હતો, પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવાનળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશ પણ વૃદ્ધિને પામ્યો ને સામર્થી પણ વૃદ્ધિને પામીને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય ને અંત જે ભેદ કહ્યા તે સર્વે મુક્તના ભેદ છે, તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા તેમ તેમ મુક્તપણામાં વિશેષપણું આવતું ગયું.’’