વાત : ૮૭
ભગવાનના ભક્ત કેવા હોય તે કેવા ધામને પામે છે ? ઉત્તર જે, ભગવાનની દૃઢ ઉપાસના ને એકાંતિક ધર્મ એ બે જેમાં સંપૂર્ણ હોય તે તો દેહ મૂક્યા પછી અક્ષરધામને પામે છે. ને ધર્મને વિષે કસર હોય તો મૂળપુરુષને પામે છે ને એથી વધુ સવાસનિક હોય તો પ્રધાનપુરુષને તથા વૈરાજપુરુષાદિકને પામે છે ને જેને એ બેમાં કસર હોય તે બ્રહ્માદિક દેવ જેવો થાય ને ગુણબુદ્ધિવાળો હોય ને સાધુની સેવાચાકરી કરતો હોય તે તો ઇન્દ્ર જેવો થાય કેમ જે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પાંચ સાધને કરીને સંપૂર્ણ હોય તે તો અક્ષરધામને પામે ને કોઈ અંગમાં ન્યૂનતા હોય તો એ વિના બીજા ભગવાનના ધામને પામે, ને અતિ સવાસનિક હોય તે દેવલોકાદિકને પામે.।।૮૭।।