વાત : ૩૧
કોટી સૂર્યના તેજથી કોટી ગણું તેજ તે વૈકુંઠના મુક્તમાં છે અને તેથી કોટીગણું તેજ તે ગોલોકના મુક્તમાં છે અને તેથી અનંત કોટીગણું તેજ તે અક્ષરધામના મુક્તના રોમને વિષે છે ને તે સર્વે મુક્તોનું તેજ તે અક્ષરધામના એક દેશને વિષે સમાઈ જાય છે એવો અનંત અપાર જે અક્ષરધામનો પ્રકાશ તે સર્વે ભેળો કરીએ તો સર્વે અવતારના અવતારી જે શ્રી હરિકૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમના એક રોમના કોટીમા ભાગની પાશંગના બરોબર નથી આવતો એવા પુરુષોત્તમ છે. તે દિવ્ય તેજ, ઐશ્વર્ય, પ્રતાપ, બલ, કીર્તિ, સ્વરાટ, સત્યસંકલ્પ એવા અનેક દિવ્યગુણો યુક્ત એ મૂર્તિ છે ને અનવધિકાતિશય અનેક નિરંકુશ દિવ્ય એવાં ઐશ્વર્ય તેણે યુક્ત થકા ને શ્રી ધર્મદેવ ને ભક્તિ થકી છે જન્મ જેમનો એવા જે શ્રી સ્વામિનારાયણ તે જ અક્ષરાતીત સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છે. તેમાંથી સર્વ અવતાર પ્રકટ થાય છે ને પાછા તેમને વિષે લીન થાય છે તે જેમ તારા ચંદ્રમાને વિષે લીન થાય છે અને જેમ ચંદ્રમા સૂર્યને વિષે લીન થાય છે તેમ લીનતા છે, પણ જેમ જળમાં જળ મળે છે ને અગ્નિમાં અગ્નિ મળે છે તેમ નથી. અવતાર ને અવતારીમાં તો ઘણો ભેદ છે એમ જાણવું. તે માટે દિવસે દિવસે શ્રદ્ધા, જ્ઞાન, માહાત્મ્ય, વિશ્વાસ, પ્રીતિ, આશ્રય અને અનુવૃત્તિ તે અધિક અધિક સમજાય તેવો શાંતપણે ઉપાય કરવો ને તેવા સંગ ને તેવાં શાસ્ત્રોનો જોગ રાખવો એ સર્વે મોટા સંતોનો ને શ્રીજીમહારાજનો પરમ રહસ્ય અભિપ્રાય છે. ।। ૩૧ ।।
ટિપ્પણી
પાશંગઃ ત્રાજવાનાં બંને પાસાં સરખાં રાખવા માટે એકબાજુ મુકાતું વજન. ધડો - ની સરખામણીમાં નહીંવત્.
સ્વરાટઃ સ્વયંપ્રકાશ