વાત : ૬૭

સાત પ્રકારના મુક્તનાં લક્ષણ તથા તેને ઓળખવાની રીત કહીએ છીએ.

(૧) આ લોકનો મુક્ત હોય તેને એમ ઓળખવો જે તેને આ લોકમાં વિખ્યાતિ કરવી તથા આ લોકમાં માન વધે એવી ક્રિયા કરવી તથા તપ કરીને ધર્મ પાળવો તથા જ્ઞાન શીખવું તથા વૈરાગ્ય શીખવો તથા સત્સંગ કરાવવો તથા વાર્તા કરવી ઇત્યાદિક જે જે ક્રિયા કરે તે આ લોકમાં વિખ્યાતિ થાય તથા આ લોકમાં કીર્તિ થાય, તથા પોતાની મોટપ વધાર્યાને અર્થે કરે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે ન કરે જે હું આવી રીતે ધર્માદિકને દૃઢપણે પાળીશ તો ભગવાનનો મારી ઉપર રાજીપો થાશે. ઇત્યાદિક ભગવત્પ્રસન્નતા વિના બીજાં જે જે સાધન કરે તે કેવળ આ લોકની વિખ્યાતિને અર્થે કરે, આવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય તે પ્રકટ ભગવાનનો ઉપાસ હોય તો પણ તેને એમ જાણવો જે એ આ લોકનો મુક્ત છે.

(૨) દેવલોકના મુક્તને એમ ઓળખવો જે દેવલોકનો મુક્ત હોય તેને એવી ક્રિયા ગમે જે સારાં સારાં સ્મણીક પદાર્થને ભોગવવાં તથા વાજિંત્ર વજાડીને ગવાણું શીખવું તથા ગાવવું તથા ગવરાવીને સાંભળવું, તથા ભારે ભારે કાવ્યો બાંધવાં તથા ભારે રાગવાળા શ્લોક બોલવા તથા સૂક્ષ્મ વસ્ત્ર રાખવાં તથા છોકરાની સોબત રાખવી તથા બરોબરિયાની સોબત રાખવી તથા રજોગુણી મનુષ્ય સાથે હેત કરવું તથા રજોગુણી મનુષ્યમાં માગ કરીને હેત કરવું ઇત્યાદિક જે જે ક્રિયા કહી તે ક્રિયાનું મુખ્યપણું હોય ને ભગવાનનું ગૌણપણું હોય એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ દેવલોકનો મુક્ત છે.

(૩) વૈકુંઠના મુક્તને એમ ઓળખવો જે વૈકુંઠના મુક્તને કેવળ ધર્મ પાળવો તે ઉપર જ તેની દૃષ્ટિ હોય અને એ ભક્તને જો ભગવાન એમ કહે જે તમે એ ધર્મને મોળો પાડીને અમે કહીએ છીએ એમ વર્તો ત્યારે જો પોતના અંગમાં મળતું આવે એવું વચન હોય તો માને અને જો ધર્મથી વિરુદ્ધ વચન હોય તો તે વચનનો ત્યાગ કરે પણ ધર્મને મોળો પાડીને ભગવાનનું વચન મનાય નહિ. એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ વૈકુંઠનો મુક્ત છે.

(૪) બદ્રિકાશ્રમનો મુક્ત હોય તેને એમ ઓળખવો જે તેને કેવળ તપ કરવું તેને વિષે રુચિ હોય. પણ તે તપને ઘસારો આવે એવી કોઈક ક્રિયા હોય ને જોતે તપને મોળું પાડીને પંડે ભગવાન કહે જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો ત્યારે તે ભગવાનનું વચન પણ પોતાના અંગમાં મળતું આવે એવું હોય તો માને, અને જો પોતાના અંગને ઘસારો આવે તો પોતાનું તપનું અંગ હોય તે રાખે પણ ભગવાનનું વચન મનાય નહિ. એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ બદ્રિકાશ્રમનો મુક્ત છે.

(૫) શ્વેતદ્વીપના મુક્તને એમ ઓળખવો જે શ્વેતદ્વીપના મુક્તને દેહ, ઇંદ્રિયો તથા અંતઃકરણ તે થકી પ્રતિલોમપણે વર્તવું, તથા મનમાં કોઈ વિષયનો ઘાટ તથા સંકલ્પ તથા કોઈક માયિક પદાર્થનો મનમાં ઘાટ થાય ઇત્યાદિકનો મનમાં સંકલ્પ થવા ન દેવો, તથા મનમાં સંકલ્પ થાય છે તે સંકલ્પને જીતવા સારું નિરંતર જાણપણામાં વૃત્તિ રાખે ને જો તે પોતાનું અંગ મુકાવીને ભગવાન કહે જે આ પ્રવૃત્તિની ક્રિયા કરો ત્યારે તેમાં પોતાના અંગમાં મળતું આવે એવું વચન હોય તો માને અને જો પોતાના અંગને ઘસારો આવતો હોય તો તે વચન મૂકે પણ પોતાના અંગને મોળું ન પાડે, એવી રીતનાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ શ્વેતદ્વીપનો મુક્ત છે.

(૬) ગોલોકના મુક્તને એમ ઓળખવો જે તેને એવી જાતની ઇચ્છા હોય તે ભગવાનની ભક્તિ કરવી તથા ભગવાનને થાળ ધરવા તથા ભગવાનને અર્થે ભારે ભારે વસ્ત્ર તથા ઘરેણાં તથા ભગવાનનાં મંદિર કરાવવાં તથા ભગવાનને અર્થે ભારે ભારે બાગ બગીચા કરાવવા તથા ફરીને ગાવવું, ઇત્યાદિક ક્રિયાએ કરીને ભગવાનની ભક્તિ કરે. અને જો તેનું ભગવાન ખંડન કરીને એમ કહે જે તમારે હવે એ ક્રિયા ન કરવી અને આ અમે કહીએ છીએ એમ કરો. ત્યારે તે ભગવાન વચન કહે તો પણ મનાય નહિ અને તે ભગવાનનાં વચનનો ત્યાગ કરે પણ પોતાના અંગને ઘસારો ન લગાડે, એવાં લક્ષણ જેને વિષે જણાય ત્યારે એમ જાણવું જે આ ગોલોકનો મુક્ત છે.

(૭) અક્ષરના મુક્તને એમ ઓળખવો જે તેને સાધારણપણે તો પોતાને વિષે અતિ દૃઢ ધર્મ હોય તથા ભગવાનના માહાત્મ્યે સહિત અતિ પરિપક્વ જ્ઞાન હોય તથા અતિ દૃઢ વૈરાગ્ય હોય તથા ભગવાનના માહાત્મ્યે સહિત એકાંતિક ભક્તિ પોતે કરતો હોય અને જો પ્રકટ ભગવાન એમ આજ્ઞા કરે જે તમે ધર્મને તથા જ્ઞાનને તથા વૈરાગ્યને તથા ભક્તિ ઇત્યાદિક જે સાધન તેને મોળાં પાડીને આ અમે કહીએ છીએ એમ કરો, ત્યારે તે જેમ ભગવાન આજ્ઞા કરે તેમજ વર્તે. અને વળી એમ કહે જે હે મહારાજ ! જેમ તમે કહેશો તેમ હું કરીશ. એમ કહીને તે ભગવાનના વચનને ઉત્સાહે સહિત થકો પાળે પણ તેમાં સંશય લેશ માત્ર પણ ન કરે. અને જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે તો ભગવાને જેમ આજ્ઞા કરી હોય તથા જેમ ભગવાનને મર્યાદા બાંધી હોય તે ધર્મમર્યાદા પ્રમાણે પોતે વર્તે પણ તેને મૂકીને લગારે પણ આડોઅવળો ચાલે નહિ, તે નિયમ પ્રમાણે જ વર્તે. આવી રીતનાં લક્ષણ મુકાય, ત્યારે એમ જાણવું જે આ અક્ષરધામનો મુક્ત છે.

આ જે સાત પ્રકારના મુક્તનાં લક્ષણ કહ્યાં તે પ્રકટ ભગવાનના મળેલા તેમાં એ સાતે પ્રકારના સાધુ હોય, તે માટે મુમુક્ષુ હોય તેને આ વાતને વિચારીને હેત કરવું. અને પૂર્વે કહ્યા જે છ પ્રકારના મુક્ત તેમાંથી જો કોઈકની સાથે હેત થાય, તો જેમ પોતે સંસારરૂપી સમુદ્રને તરે છે. તેમ જે પોતા સાથે જોડાણો તેને પણ સંસારને વિષે તારે છે. પણ પૃથ્વીને દૃષ્ટાંતે જે ભગવાનની મૂર્તિ તેને વિષે ચોંટવા દે નહિ. અને અક્ષરના મુક્ત સાથે હેત કર્યું તે કેમ ભગવાનમાં ચોંટાડે તો જેમ હજાર મણનો પાણો હોય, તે ભેળો મણનો પાણો બાંધ્યો હોય તે તત્કાળ પૃથ્વીમાં ચોંટાડે તેમ અક્ષરના મુક્ત સાથે જોડાણો હોય તો ગમે તેવું આવરણ હોય તો પણ તેને તોડીને ભગવાનની મૂર્તિમાં જોડે છે. અને પૂર્વે કહ્યા જે છ પ્રકારના મુક્ત તેની સાથે જોડાણો હોય તો તે કેવી રીતે સંસારમાં તારે તો જેમ હજાર મણનું લાકડું તે ભેળો મણનો પાણો બાંધ્યો હોય તે પાણાને ઘણોય બુડવાનો સ્વભાવ છે તો પણ લાકડું પાણાને તારે છે. તેમ તેઓ પણ સંસારરૂપી સમુદ્રને વિષે તારે છે, પણ ભગવાનની મૂર્તિને વિષે ચોંટવા દે નહિ. તે માટે મુમુક્ષુએ આ વાતને વિચારીને હેત કરવું.।।૬૭।।