વાત : ૨૮૯
જીવ કલ્યાણના માર્ગમાં ચાલે છે તો ખરો પણ તેને ઠેસું બહુ વાગે છે, તેણે કરીને આડોઅવળો પડી જાય છે. જેમ આંધળો માર્ગ ભૂલીને કુમાર્ગે ચાલે છે ને તેને જેમ ઠેસું વાગે છે ને તે પડી જાય છે તેમ. વિચાર અને વિવેક વિના સત્ અસત્ સંગને ઓળખતો નથી. માટે સત્પુરુષને ઓળખીને ને તેમનો સમાગમ કરીને પંચવિષય સંબંધી સંકલ્પ વિકલ્પરૂપ જે ઠેસું છે ને દેહાભિમાન સંબંધી જે ભારે ઠેસું છે ને પ્રાણને ક્ષુધા, પિપાસાદિક જે ઠેસું છે તે સર્વે સત્સંગને પ્રતાપે કરી કાઢી નાખીને અતિ શુદ્ધ થાવું. જેમ ખેડુ છે તે ખેતરને સમાર દઈને ચોખ્ખું કરે છે તેમ જીવને ચોખ્ખો કરવો ને ધર્મને વિષે અતિ દૃઢપણે વર્તવે કરીને સુખી થવાય છે ને કર્મને વિષે આસક્તિ રાખવે કરીને દેવતા થવાય છે ને વિષયમાં આસક્તિએ કરીને ભૂત, પ્રેત કે સ્થાવરાદિક થવાય છે ને સત્પુરુષના વિશ્વાસે કરીને તો બહુ મોટા થવાય છે.।।૨૮૯।।
ટિપ્પણી
ક્ષુધાઃ ભૂખ.
પિપાસાઃ તરસ.
ખેતરને સમાર દેવુંઃ ખેતરમાં ચાસમાં બી નાંખી ને ઢાંકવા, ઉપર લાંબું પાટિયું ફેરવવું.
પ્રેતઃ અવગતિયો જીવ, બારમાને દહાડે પિંડીકર્મ થાય ત્યાં સુધી મુએલાની સ્થિતિ.
સ્થાવરાદિકઃ સ્થાવર + આદિકઃ ચલાયમાન ન થઈ શકે તેવું વગેરે.