વાત : ૨૭૨

જેવા તેવા જીવને શ્રીજીમહારાજનો યોગ થઈ જાય છે ને મુમુક્ષુને થાતો નથી તેનું શું કારણ હશે ? ઉત્તર : જે શ્રીહરિજીને જે દેશને વિષે ધર્મનું સ્થાપન કરવું હોય તથા જે દેશને વિષે મુમુક્ષુ બહુ હોય તે દેશને વિષે હરિજીને વિચરવાનું થાય છે એટલે મુમુક્ષુના તથા બીજા સર્વેના પણ મોક્ષ સહેજે થઈ જાય છે ને કોઈક મુમુક્ષુ હોય તેનો તો દૂર દેશને વિષે જન્મ હોય તેથી તે રહી જાય છે. મુમુક્ષુને કોઈ દેશની વાસના તથા નાતજાતની પણ વાસના ન રાખવી ને પ્રકૃતિપુરુષથી લઈને સર્વે પદાર્થને નાશવંત ને કામના મુવાળા જેવા ને અતિ તુચ્છ ને સ્વપ્ન તુલ્ય જાણવા ને શ્રીજીમહારાજ તથા તેમના મોટા સંત તથા જીવાત્મા એ ત્રણ વિના બીજે ક્યાંય પ્રીતિ ન રાખવી તેમ મહારાજની સેવા વિના શ્વેતદ્વીપાદિક ધામને વિષે પણ વાસના ન રાખવી ને શ્રીજીમહારાજ તો ગમે ત્યાં રાખીને પણ કસર માત્ર ટાળી નાખવાને સમર્થ છે માટે સત્તારૂપે રહીને તેમના એકાંતિક ભક્તનો સમાગમ અતિશય રાખવો ને તેને અર્થે શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, માન, અપમાન, હર્ષ, શોક એ સર્વનું સહન કરવું ને એને વિષે વૈરાગ્ય પામવો નહિ ને પંચવિષયને અર્થે જે ઉદ્યમ કરવો તેમાં વૈરાગ્ય પામવો ને આવી રૂડી ભગવદ્‌વાર્તા છે તે પણ કેટલાકને ગમતી હશે ને કેટલાકને ગમતી નહિ હોય.।।૨૭૨।।