વાત : ૪૫૮
જેને દસ, વીસ, પચાસ કે સો મનુષ્ય માનતા હોય તેને ગંડવા થાય છે. તેના ભેળા મનુષ્ય રહેતા હોય તે જો તે રોગને ઓળખે નહિ તો તેમને પણ ગંડવા થાય છે માટે જ્ઞાનાંશનું એવે ઠેકાણે જરૂર કામ પડે છે. ને જેને જ્ઞાન હોય તે તો એ રોગને ઓળખી રાખે ને તે મોટ્યપમાં લેવાય નહિ ને જે આવા ખોટા સ્થાનકને વિષે રહેતા હોય તેને તો જ્ઞાનાંશની વાર્તા જરૂર સમજવી જોઈએ કેમ જે કોઈક કઠોર જોગ હોય ને કોઈક તો ભંડાર જોગ હોય ને કોઈક તો મંદિરમાં પૂજા કરવાને વિષે જોગ હોય, એવા અનેક પ્રકારના મનુષ્ય હોય છે. તે સર્વેને ઓળખીને જેને જ્યાં જેમ ઘટે ત્યાં તેને તેમ પ્રવર્તાવ્યું જોઈએ કેમ જે કોઈક તો બેઠાળુ હોય તે વાતચીતે કરીને સમાસ કરતો હોય તે પણ જાણ્યું જોઈએ. માટે જ્ઞાનનું કામ તો બહુ પડે છે ને માણસ ભેળા કરવા એ તો કાંઈક કઠણ જ નથી પણ તેને રૂડી બુદ્ધિ આપીને હરિભક્ત કરવો એ કઠણ છે. એ તો જ્ઞાની ભક્તને જ આવડે છે ને તે ગંડવા તો માસ, બે માસ કે છ માસ રહે ને વર્ષ, બે વર્ષ ને દસ, વીસ વર્ષ પણ રહે ને કોઈકને તો આવરદા પર્યંત રહે છે તે તો લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, ઇત્યાદિક સંબંધી હોય છે તેને જ્ઞાનવાન ઓળખે છે ને બીજાને તો ઓળખાય જ નહિ. તે ઉપર વિવેકસારની વાર્તા કરી દેખાડી ને આચાર્યની રુચિના લોયાના ૧૪ના વચનામૃતની પણ વાર્તા કરી દેખાડી.।।૪૫૮।।
ટિપ્પણી
ગંડવાઃ (પોતે કાંઈક છે તેવા માન-અહંરૂપી) ગાંડપણ.
વિવેકસારની વાર્તાઃ સ. ગુ. શ્રી પ્રેમાનંદ સ્વામીએ ‘વિવેકસાર’ નામનો ગ્રંથ લખ્યો છે, તેમાં કેટલાય પ્રકારના વિવેક વિષે વાત લખી છે એની વાર્તા.