વાત : ૬
બીજા અવતાર કરતાં ઋષભદેવજી બહુ ગમે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે તેનો શો હેતુ છે ? તો ઋષભદેવજી ભગવાન તો વાસુદેવ ભગવાન સંગાથે એકત્વપણાને પામ્યા હતા તો ય પણ બીજા ત્યાગીને શિક્ષાને અર્થે સિદ્ધિયુંને ન ગ્રહણ કરતા હવા. એવી રીતે અસંગીપણું છે તથા જે જીવ જેવો હોય તેને તેવી રીતે ધીરે રહીને સમજાવવું, એવી રીતે દયાળુ સ્વભાવ છે તે હેતુ માટે ગમે છે. અને કપિલદેવ તથા દત્તાત્રેય તો ત્યાગી છે તથા એમને વિષે અસંગીપણું છે એ માટે એથી ઊતરતા ગમે છે. અને એથી કોટીગણું શ્રીકૃષ્ણને વિષે હેત છે તેનું શું કારણ છે ? તો એ શ્રીકૃષ્ણને વિષે જે જે ભાવે કરીને જોડાણા તે સર્વે જીવનો મોક્ષ કર્યો તે માટે એવી રીતે મહારાજે પોતાની રુચિ કહી તેમાંથી આપણે એમ સમજવું જે શ્રીકૃષ્ણ ભગવાને તો પોતાની મૂર્તિનો સંબંધ જેને થયો તે સ્નેહભાવ તથા ભયભાવ તથા દ્વેષભાવ ઇત્યાદિકે કરીને પોતાના સંબંધને પામ્યા તેનું કલ્યાણ કર્યું. જેમ પારસમણિને લોઢું અડે ત્યારે સોનું થાય તેમ આ કહ્યો જે અવતાર તેના ઉપયોગમાં આવે તેનું કલ્યાણ થાય. તથા વ્રજવાસીએ એમ કહ્યું જે તમે ભગવાન છો માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે એક વાર પોતાનું ધામ દેખાડ્યું અને શ્રીજીમહારાજે તો પોતાની કીર્તન ગાયું તેનું તથા કોઈ સત્સંગીનો ગુણ લીધો તેનું તથા જે જે સંતના ઉપયોગમાં આવ્યા તે સર્વેનું મહારાજે કલ્યાણ કર્યું તો પોતાના સંબંધને પામ્યા તેના મોક્ષમાં શું કહેવું ? તથા સાધુ દ્વારે, સત્સંગી દ્વારે, સોટી દ્વારે, લાકડી દ્વારે કરીને સમાધિ કરાવી તો પોતાને જોઈને સમાધિ થાય તેમાં શી મોટી વાત કહેવાય ? એવી રીતે મહારાજની સામર્થી જોઈને વિચારીએ તો એ પૂર્વના અવતાર કરતાં લાખગણું હેત શ્રીજીમહારાજને વિષે કરવું જોઈએ તથા પોતાને દર્શને કરીને હજારું, લાખું, સત્સંગી તથા કુસંગી તે સર્વેને સમાધિ થઈ અને બ્રહ્મપુરાદિક ધામ દેખાડ્યાં તે તો જેમ ચિંતામણિ હોય તેને વિષે જે જે ચિંતવે તે તે મળે તેમ મહારાજનો જેને સંબંધ થયો તથા સત્સંગીનો સંબંધ જેને થયો તે સર્વેનું કલ્યાણ શ્રીજીમહારાજે કર્યું. તે એવું સામર્થ્યપણું તો પુરુષોત્તમ વિના બીજા અવતારમાં ન હોય અને શ્વેત તેજને વિષે ભગવાનની મૂર્તિ છે તે તેજમાં ભગવાનની મૂર્તિને જોઈને આનંદ પામવો પણ તે મૂર્તિ વિના અક્ષરનું તેજ દેખાય તો પણ તે ભગવાનની મૂર્તિ વિના તે તેજે કરીને શાંતિ પામવું નહિ, અતિ તપી જાવું.।।૬।।
ટિપ્પણી
ઋષભદેવજી બહુ ગમેઃ જુઓ વચનામૃતઃ લોયા ૧૪.
અસંગીપણુંઃ ત્યાગ, અનાસક્તિ.
બ્રહ્મપુર : અક્ષરધામ