૧ – અ. મુ. બાપાશ્રીનું પ્રાકટ્ય
અક્ષરાધિપતિ પ્રકટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ ભરતખંડમાં કેવળ કૃપા કરી અનંત જીવોનાં આત્યંતિક મોક્ષ કરવા દર્શન આપ્યાં. તેમાં ગુજરાત, કાઠિયાવાડ, ઝાલાવાડ, સોરઠ આદિ દેશોમાં વધુ રહ્યા; કચ્છ દેશમાં તો સળંગ સાત વર્ષ સુધી રહી અનેક સ્થાવર તીર્થો કરવા ઉપરાંત ત્યાંના પવિત્ર અને આજ્ઞાપરાયણ ભક્તોને સુખ આપી સાથે સાથે અનંત જીવોના આત્યંતિક મોક્ષ કર્યા.
આવા પવિત્ર કચ્છ દેશમાં ભૂજથી નજીક પાંચ ગાઉ ઉપર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યાદિ ચારેય વર્ણથી શોભતું વૃષપુર (બળદીઆ) નામે એક પવિત્ર ગામ છે. ત્યાં કણબી નાથા નામના ભક્ત રહેતા હતા. તેમને ગંગદાસ, રૂડા અને તેજા એમ ત્રણ પુત્રો હતા. આ ત્રણેય ભાઈઓ શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત હતા. તેમાં ગંગદાસને દેવજી, કરસન, ભીમજી, અરજણ અને મૂળજી એમ પાંચ પુત્રો હતા અને રૂડાભાઈને પ્રેમજીભાઈ તથા પાંચાભાઈ એમ બે પુત્રો હતા. આ પાંચાભાઈને સત્સંગ સાધારણ હતો, પણ તેમનાં પત્ની દેવબાઈ મહાપ્રભુનાં દૃઢ ભક્ત હતાં. વૃષપુરમાં અન્ય બાઈ ભક્તોમાં આ બાઈ શ્રેષ્ઠ મનાતાં. તેમની દુર્બળ સ્થિતિ હોવાથી કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓ આવતી, તેમાં શ્રીજીમહારાજને સંભારી સુખિયાં રહેતાં. નિયમ-ધર્મમાં અને આજ્ઞા-ઉપાસનામાં દૃઢમતિવાળાં આ પવિત્ર બાઈને પુત્રીઓ તો ચાર હતી, પણ પુત્ર એક ય નહિ, તેથી મનમાં એ તાણ રહ્યા કરતી. ગામથી બહાર એક શ્રીજીમહારાજનું પ્રાસાદિક તળાવ કે જેને ગામના લોકો કાળીતલાવડી કહે છે, ત્યાં તેમને નિત્ય નાહવા જવાનો નિયમ હતો. આ બાઈની અનન્ય પતિવ્રતાની નિષ્ઠા અને દૃઢ ભક્તિભાવ જોઈ તેમના પર પ્રસન્ન થઈ એક સમયે શ્રીજીમહારાજે તે બાઈને દર્શન આપ્યાં. આ રીતે અલૌકિક દર્શન થતાં દેવબાઈ ગદગદ કંઠે મહાપ્રભુની સ્તુતિ કરવા લાગ્યાં. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, ‘અમો તમારા ઉપર બહુ જ રાજી છીએ, જે જોઈએ તે માગો.’ આવું શ્રીજીમહારાજનું કૃપામય વચન સાંભળી પોતાને પુત્રની ઇચ્છા હોવાથી શ્રીજીમહારાજને અતિશય રૂપાળા જોઈ એમ બોલાઈ ગયું, ‘હે મહારાજ! તમ જેવા પુત્ર ખપે.’ આ વચન સાંભળી શ્રીહરિએ મંદ મંદ હાસ્ય કરતાં કહ્યું, ‘અમ જેવા તો અમે એક જ છીએ; પણ અમારા અનાદિ મુક્ત અમારા તુલ્ય જ કહેવાય, તે તમારે ઘેર પ્રકટ થઈને અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે, અને તમારા સઘળા મનોરથો પૂરા કરશે.’ આવું વરદાન દઈ શ્રીહરિ અંતર્ધાન થઈ ગયા.
ત્યાર પછી એ બાઈ ઘર તરફ વળ્યાં, તે સમયે શ્રીજીમહારાજે તેમને પોતાના આપેલ વરદાનની પ્રતીતિ આવે તે માટે બેય બાજુએ મુક્તોની પંક્તિઓ દેખાડી. તે સર્વે મુક્તો એમ બોલે જે, ‘બાઈ, તમારે પુત્ર થશે; પુત્ર થશે.’ એમ ઘેર પહોંચ્યાં ત્યાં સુધી દેખાણું. આ સર્વે વાત દેવબાઈએ પોતાના પતિ(પાંચાભાઈ)ને કરી, તેથી પાંચાભાઈ પણ રાજી થયા.
થોડો સમય વીત્યા પછી દેવબાઈ તો જેમ સૂર્યોદયથી પૂર્વ દિશા ઝળકી ઊઠે તેમ આ અનાદિ મુક્તના આવિર્ભાવથી શોભવા લાગ્યાં. કુટુંબી, સગાંવહાલાં, નાતજાતમાં તેમની વિખ્યાતિ થવા લાગી. સૌ કોઈ તેમને જોઈ હેત જણાવે, વાતો કરે, ત્યારે દેવબાઈ તેમને શ્રીજીમહારાજના મહિમાની વાતો કરી રાજી કરતાં. રાત્રે બાઈઓ ભેળાં થઈ કીર્તન બોલે ત્યારે સૌના દેખતાં દેવબાઈનાં નેત્રમાંથી પ્રેમનાં આંસુ ટપકે, અને બોલી શકે નહિ. આવો શ્રીજીમહારાજને વિષે તેમનો પ્રેમ જોઈ સૌને તેમના ઉપર અત્યંત પ્રીતિ વધતી ગઈ.
સમય જતાં સંવત ૧૯૦૧ના કાર્તિક સુદ ૧૧ એકાદશી ને સોમવારે રાત્રે નવ વાગ્યા પછી આ અનાદિ મુક્તરાજ બાળસ્વરૂપે પ્રકટ થયા. એ વખતે અનંત મુક્તોએ સહિત કોટિ કોટિ સૂર્યચંદ્રને લજ્જા પમાડે એવા દિવ્ય તેજોમય મહારાજે આ દેવબાઈને ફરી વાર દર્શન આપ્યાં. શ્રીજીમહારાજનું આવું મનોહર સ્વરૂપ જોઈને દેવબાઈએ ગદગદ કંઠે અને પ્રેમભીનાં નેત્રે સ્તુતિ કરતાં કહ્યું, ‘હે મહારાજ! તમે આવા દયાળુ! મારો મનોરથ પૂરો કર્યો ખરો! વાહ, મહારાજ, વાહ! બહુ દયા કરી!’ આમ એ બોલે છે ત્યાં તો શ્રીજીમહારાજ તેમને સુખના સમુદ્રમાં ડુબાડી પોતે અદૃશ્ય થઈ ગયા.
થોડી વાર પછી દેવબાઈ જાગ્રત થઈને જુએ છે ત્યાં તો શ્રીજીમહારાજને ન જોતાં કંઠમાં પુષ્પનો હાર પહેરેલ એવા બાળરૂપ મુક્તરાજને જોઈને અતિ હેતભરેલા હૃદય અને પ્રેમભીનાં નેત્રે આનંદથી ગરકાવ થઈ બે હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યાં, ‘હે પુત્ર! આ વખતે જેવું શ્રીજીમહારાજનું મને દર્શન થયું તેવું ને તેવું અખંડ રહે તથા તમારા બાળસ્વરૂપમાં ક્યારેય મનુષ્યભાવ ન આવે એવી દયા કરજો.’ આવાં વચન બોલતાં દેવબાઈ અતિ હેતથી ઘણી વાર સામું જોઈ રહ્યાં.
શ્રીજીમહારાજના સંકલ્પથી પ્રકટ થયેલા આ અનાદિ મુક્ત દ્વારે અનંત જીવોના આત્યંતિક મોક્ષ થશે, એ આનંદથી સંત, હરિભક્તોનાં હૃદય પ્રફુલ્લિત થયાં હતાં; એ વખતે મંદ સુગંધ વાયુ વાતો હતો, આકાશમાં પણ જાણે મંગળનાદ થતા હોયને શું? એમ સર્વત્ર આનંદ આનંદ વર્તી રહ્યો હતો.
એક વાર માતુશ્રીને નિદ્રા આવી ત્યાં તો કેટલાક દિવ્ય પુરુષો આવી પોતાના પુત્રને ચંદન, કુંકુમ તથા પુષ્પહારથી પૂજે છે એવાં દર્શન થયાં. જાગીને જોયું તો પાછા એમ ને એમ દેખ્યા. આ વખતે મંદ મંદ હાસ્ય કરી માતાજીને હેત ઉપજાવતા આ અનાદિ મુક્તરાજે જાણે મૂર્તિના સુખભોક્તાપણાનો આનંદ જણાવવા માંડ્યો હોય એમ લાગતું હતું.
આવા દિવ્ય પુત્રને જોઈ પાંચાભાઈના હર્ષનો પણ પાર રહ્યો નહિ. ઘરમાં તથા ગામમાં પણ નાનાંમોટાં સૌ બાઈભાઈ રાજી રાજી થઈ ગયાં. મોટી ઉંમરે પુત્રજન્મ થવાથી સગાંવહાલાંઓ હર્ષવધામણી કરવા આવતાં, તેમને ગોળસાકર વહેંચી તથા જ્ઞાતિના રિવાજ પ્રમાણે યથાશક્તિ દાન આપ્યું. દેવબાઈને આવા દિવ્ય પુત્રને છાતી સાથે ચાંપતાં હર્ષ સમાય નહિ, પણ જ્યારે ધવરાવવા માંડે ત્યારે ન ધાવતાં સામું જોઈને મંદ હાસ્ય કરી તેમને સંતોષ પમાડે! આવી રીતે પાંચ દિવસ વીત્યા.
છઠ્ઠીને દિવસે દેવબાઈ સવારમાં વહેલાં જાગ્યાં ત્યાં તો આ મુક્તરાજની કેડે ફૂલનો કંદોરો, માથે ફૂલની ટોપી, એક પાતળું અંગરખું પહેરેલું, કપાળમાં ચંદનની આડે સહિત તિલક ચાંદલો! આવું જોઈ પોતે આશ્ચર્ય પામ્યાં. આ વાતની સગાંવહાલાંઓને ખબર પડતાં એ પણ જોઈને રાજી થયાં. એ ફૂલમાં જુદા જુદા પ્રકારની સુગંધી આવતી હતી. બીજે દિવસે તે ફૂલો ક્યાં ગયાં તેની કાંઈ ખબર પડી નહિ; તેથી દેવબાઈ આશ્ચર્ય પામતાં બોલ્યાં, ‘આ તો ભારે વાત થઈ.’ પછી એમ વિચાર કર્યો જે, કોઈ દેવતાઓ એમનો મહિમા જાણી પૂજા કરી ગયા હશે!
આ મુક્તરાજને જન્મથી હજુ એક મહિનો પૂરો થયો ન હતો, ત્યાં તો એક દિવસ ઓચિંતાના કોઈ ત્રણચાર નવા પુરુષો ઓરડામાં આવ્યા. આવતાં જ આ મુક્તરાજને પગે લાગી અદૃશ્ય થઈ ગયા. દેવબાઈ વિચારમાં પડ્યાં કે, આ અજાણ્યા કોણ ઘરમાં ચાલ્યા આવ્યા? ત્યાં તો આ મુક્તરાજ બોલ્યા, ‘મા, અમે અક્ષરધામમાંથી મહારાજના મૂક્યા આવ્યા છીએ એમ જાણી મોટા દેવો દર્શને આવ્યા હતા, એમને અમે અક્ષરધામમાં મહારાજ પાસે લઈ જઈશું. મહારાજનો એવો સંકલ્પ છે.’ આવા એક મહિનાના બાળરૂપ મુક્તરાજનાં વચન સાંભળી દેવબાઈને હર્ષનો પાર રહ્યો નહિ. પછી અતિ હેતથી સ્તનપાન કરાવવા લાગ્યાં, ત્યાં પોતે નેત્ર મીંચી ધ્યાનમાં ઊતરી ગયા હોય તેમ સૂઈ રહ્યા અને ઘણી વારે જાગ્રત થઈ હસવા માંડ્યું.
આ અનાદિ મુક્તરાજને માતુશ્રી દેવબાઈએ સ્તનપાન કરાવવા ઘણી વાર પરિશ્રમ લીધો, પણ બધો નિષ્ફળ! કોઈ વખત તેમનું હૃદય પ્રેમથી ઊભરાઈ જાય ત્યારે તેમને સંતોષ પમાડતા હોય એવું લાગે, પણ પોતે તો એક-એક બે-બે મહિના, ક્યારેક ત્રણચાર મહિના સ્તનપાન વિના જ સૂઈ રહેતા. વચમાં જાગે, જુએ પણ જાણે સમાધિમાં જ રહેતા હોય તેમ લાગે. દેવબાઈ મનોરથ કરે ત્યારે સામું જોઈ મંદ હાસ્ય કરતાં એવું તો હેત ઉપજાવે કે તેમના સર્વે વિચારો બંધ થઈ જાય. ક્યારેક દેવબાઈને એમ વિચાર થાય જે, આ મારા પુત્ર બહુ રૂપાળા છે તેથી કોઈની નજર તો નહિ લાગી હોય! એવું જાણી ગદગદ કંઠે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કહી માથે હાથ ફેરવે, છાતી સાથે દાબે, તેડે, રમાડે, પણ એ તો સદાય હસતા, રમતા અને આનંદ કરતા જ જણાય!
આ મુક્તરાજ લાંબા વખત સુધી સ્તનપાન ન કરે, છતાં એવા ને એવા તાજા જોઈ દેવબાઈને અતિ આશ્ચર્ય થતું. રુદન કરવામાં જાણે સમજતા જ ન હોય! અંગ સર્વે ભરાવદાર, ભીનેવાન, રમાડનાર કે જોનારના મન-ચિત્તને આકર્ષણ કરી લે તેવા આ મુક્તરાજે સૌના અંતરમાં એવો તો પ્રભાવ પાડી દીધો કે આ કોઈ મોટા યોગી હશે કે શું? કપાળ જોતાં બહુ જ મોટા ભાગ્યવાળા જણાય; સૌ અટકળ-અનુમાન કરે પણ અનુભવ તો એક દેવબાઈને હતો જે, ‘શ્રીજીમહારાજે પ્રસન્ન થઈ પોતા તુલ્ય સમર્થ એવા અનાદિ મુક્તરાજના દર્શનનો લાભ આપવા આ બાળરૂપ મુક્તરાજને મોકલ્યા છે;’ તેથી નીરખી નીરખીને બહુ જ રાજી થતાં.
એક વખત આ અનાદિ મુક્તરાજે ઘણા દિવસ સ્તનપાન ન કર્યું, તેથી દેવબાઈએ ઉદાસ થઈ ચિંતા કરવા માંડી. ત્યારે એક દિવસ સ્વપ્નમાં શ્રીજીમહારાજે તેજોમય દર્શન આપીને કહ્યું, ‘બાઈ, તમે કેમ ભૂલી જાઓ છો? આ તો અમારી મૂર્તિમાં રહેનારા અનાદિ મુક્ત છે. તે તો એક અમને જ જુએ છે, એને અમારી મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ. એમનાં દર્શન-સેવા તે તો અમારાં દર્શન-સેવા તુલ્ય જાણજો. એમના જન્મથી તમે તો કૃતાર્થ થઈ ગયાં છો. તમારે હવે કાંઈ કરવું રહ્યું નથી, પણ ક્યારેય મનુષ્યભાવ આવવા દેશો નહિ.’ આવા દર્શનથી દેવબાઈ હર્ષાયમાન થઈ ગયાં અને આ વાત તેમના પતિ પાંચાભાઈને કરી.
આ રીતે આ બાળરૂપ મુક્તરાજ દિવસે દિવસે અલૌકિક રીત જણાવતા મોટા થવા લાગ્યા; માતાજી પારણામાં પોઢાડે, હાલરડાં ગાય, તેડે, રમાડે, રાજી કરે, હાથમાં કાંઈક આપે, ગલગલિયાં કરી હસાવે, એમ કરતાં પૃથ્વી ઉપર બેસાડવા, ચંદ્રદર્શન તથા અન્નબોટણાં કરાવવા વગેરે તેમની જ્ઞાતિના રિવાજ પ્રમાણે કરાવવા માંડ્યું, અને અબજીભાઈ એવું નામ ધારણ કરાવ્યું. આ નામમાં કેવું રહસ્ય સમાયેલું છે, તે જાણવા એક અનુભવી કવિએ સવૈયો કર્યો છે :-
‘અ’ક્ષરકોટિ પર પુરુષોત્તમની મૂર્તિમાં રહે જોડાઈ,
‘બ’હુ જીવને કરવા હરિ સન્મુખ એ જેની છે વડી વડાઈ;
‘જી’વનદાતા સત્સંગીના, જેની કીર્તિ અતિ ગવાઈ,
‘ભ્રાતા’વત્ હિતચિંતક જનના, નામ રૂડું શ્રી અબજીભાઈ.
આવા અનાદિ મુક્તરાજને રમાડીજમાડી જેણે લાડ લડાવ્યાં તેનાં અહોભાગ્ય!! મૂર્તિમાં રસબસ રહેલા અનાદિ મુક્ત જ્યારે પ્રકટ થાય ત્યારે તેમના દર્શનમાત્રે જીવને અલૌકિક ભાવ સમજાઈ જાય, એવો એમની દૃષ્ટિનો પ્રતાપ છે, ત્યારે તેમની સેવા-પ્રસન્નતા મેળવે તેને શું બાકી રહે?
આ પ્રસંગે મૂર્તિમાં અખંડ રસબસ રહેલા અનાદિ મુક્તરાજ સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની (પોતે પ્રકટ થયા પહેલાંની) એક વાત જાણવા જેવી છે. તેમના પૂર્વાશ્રમના પિતા શંભુદાન ગઢવી આબુની તળેટીમાં ખાણ ગામમાં રહેતા હતા. ત્યાં એક વખત અનાદિ મુક્તરાજ સદ્ગુરુશ્રી રામાનંદ સ્વામી ફરતા ફરતા જઈ ચડ્યા. આ ગઢવી તથા તેમનાં પત્નીએ સ્વામીશ્રીનું સારી રીતે સ્વાગત કરી હેતે સહિત ઠાકોરજીનો થાળ કરી તેમને જમાડ્યા. આ વખતે શ્રીજીમહારાજે મનુષ્યરૂપે પ્રકટ થઈ પૃથ્વી ઉપર દર્શન આપ્યાં ન હતાં, એટલે પરોક્ષપણે વાતો થતી. કથા, કીર્તન, ધ્યાન, ભજન વગેરેમાં શ્રીકૃષ્ણ ભગવાનનો મહિમા કહેવાતો. રાત્રે પતિ-પત્ની વાત સાંભળવા બેઠેલાં ને રામાનંદ સ્વામીએ વાતોમાં શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રપ્રતાપનું બહુ વર્ણન કરવા માંડ્યું. એ જોઈ અનાદિ મુક્તરાજ સદ્ગુરુશ્રી બ્રહ્માનંદ સ્વામી કે જેમને પ્રકટ થવાની વાર હતી એવા તે સ્વામી, પોતાની માતા જે લાલબાઈ તેમના ઉદરને વિષે રહ્યા થકા બોલ્યા, ‘સ્વામી, પ્રકટ ભગવાન મનુષ્યરૂપે પૃથ્વી ઉપર પધારી અનેક જીવોના આત્યંતિક મોક્ષ કરશે એવી વાતો કરોને?’ આ અનાદિ મુક્તરાજનું સામર્થ્ય! હજુ પોતે દર્શન આપ્યાં નથી, તોપણ અનંત જનના સંશય છેદી ભેદી નાખે ને પ્રકટ મૂર્તિમાં જોડે એવા ચમત્કારી જણાય! ત્યારે પ્રત્યક્ષ દર્શન આપે તે વખતે સેવા-સમાગમે કરી રાજી કરનારને પ્રકટ મૂર્તિ જે શ્રીજીમહારાજ તેમના સુખમાં પહોંચાડી દે તેમાં શી નવાઈ? એવા મોટા મુક્તને ઉદરમાં આવ્યા એમ કહેવું ઘટિત ન લાગે, પણ એ બધું લૌકિક રીતે કહેવાય. આવા અનાદિ મુક્તરાજનો જેને યોગ થાય, સેવા મળે, તેના ભાગ્યનું કોણ વર્ણન કરી શકે?
ધન્ય છે એ માતાપિતાને, કે જેને ઘેર આવા અનાદિ મુક્તે જન્મ ધારણ કર્યો, ધન્ય છે! એ કુટુંબને કે જેણે પોતાના સગા ભાઈ, બાપ, કાકા, મામા કહીને લા’વ લીધો! ધન્ય છે પુરવાસી જનોને, જેણે અખંડ બેસતાં, ઊઠતાં, હાલતાં, ચાલતાં, સૂતાં, જાગતાં, નાહતાં, ધોતાં, રમતાં, જમતાં આવા મહામુક્તરાજનાં દર્શન કર્યાં! ધન્ય છે તેમને, કે જેમણે એમના કુટુંબમાં જન્મ લીધો અને એમના કહેવાણા. આવા અનાદિ મુક્તરાજને જેમણે ઓળખી લીધા તેમને પણ ધન્ય છે! આ સર્વેના અહોભાગ્યનું વર્ણન કોણ કરી શકે!!
હવે આ અનાદિ મુક્તરાજની બાળલીલા જોઈએ. એક વખત દેવબાઈએ તેડેલા તે કાખમાં જ સૂઈ ગયા, જગાડ્યા જાગે નહિ, તેથી ઘોડિયામાં સૂવાડી મૂક્યા; તે ટાણે શ્વાસ ધીમો પડી ગયો. માતાજી ગભરાઈ ગયાં. હવે શું કરવું! ઘણાય વિચારો કર્યા, પછી પાંચાભાઈને વાત કરી, તેથી એ પણ દિલગીર થયા. છેવટે એમ સૂજ્યું કે કોઈ જેવીતેવી જમીનમાં ચાલતાં આમ થયું હોય તો કહેવાય નહિ. પછી તો મહારાજને પ્રાર્થના કરતાં, ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કહી આખા શરીર પર હાથ ફેરવતાં બોલવા લાગ્યાં, ‘હે મહારાજ! આ પુત્રને જે કાંઈ થયું હોય તે દયા કરી મટાડી દેજો.’ એમ કહે અને સામું જુએ, ત્યાં તો આ મુક્તરાજે જાગ્રત થઈ હસવા માંડ્યું, એ જોઈ દેવબાઈ આનંદ પામતાં, ‘શ્રીજીમહારાજે બહુ દયા કરી’ એમ બોલી હર્ષભર્યાં રમાડવા લાગ્યાં, અને વિચાર આવ્યો કે આ પુત્ર આ લોકના બાળક જેવા નથી, તોય હું કેમ ભૂલી જાઉં છું? આ તો શ્રીજીમહારાજે રાજી થઈને મોકલ્યા છે. આમ દિવ્ય ભાવ આવે ત્યારે મનમાં ને મનમાં આનંદ પામતાં પણ ગરીબ સ્વભાવ અને દુર્બળ વ્યવહારને લીધે કોઈને આવી વાત કહે તો ન મનાય એવું જાણી કહેતાં નહિ.
એક વખત ઘરમાં સુવાડ્યા હતા અને દેવબાઈ બહાર કાંઈ કામ લઈ બેઠેલાં. ઘડી ઘડી વારે નજર તો એમના તરફ જ રહેતી. થોડી વાર થઈ ત્યાં તો ઘરમાંથી ખસતા ખસતા પોતાની મેળે બહાર આવ્યા. દેવબાઈએ જોયું તો કપાળમાં ચંદનની આડ ને કુંકુમનો મોટો ચાંદલો, કંઠમાં ફૂલનો હાર પહેરેલ! એથી વિસ્મિત થયાં કે આ શું!! ઘરમાં જઈને જોયું તો ત્યાં પણ કુંકુમ તથા ફૂલ પડેલાં દીઠાં, પછી વિચાર કરવા લાગ્યાં જે, હું આંગણામાં બેઠી છું અને અહીંથી તો કોઈ ગયું-આવ્યું નથી! આ તે કેમ થયું હશે! એમ આશ્ચર્ય પામતાં રમાડવા લાગ્યાં.
એક વખત દેવબાઈને શરીરે તાવ આવ્યો તે ઉઠાય નહિ, તેથી પોતાના પુત્ર સામું સૂતાં સૂતાં જુએ. એ પણ સૂઈ રહેલા. એમ ને એમ ત્રીજો પહોર થયો, ત્યારે નિરાંત થઈ એટલે ઊઠીને પાણી પીધું. પછી ઘોડિયામાં જુએ તો આ મુક્તરાજને હસતા-રમતા જોયા, તેથી હર્ષાયમાન થઈ તેડ્યા, અને હેત જણાવતાં છાતી સાથે ચાંપી રમાડવા લાગ્યાં. વળી પોતે જમવા બેઠાં ત્યારે આ મુક્તરાજને દૂધ પાવા માંડ્યું, તે એક શ્વાસે મોટા માણસ જેમ પીવે તેમ એક વાટકો દૂધ પી ગયા. માતાજીએ વિચાર્યું જે, આજ આખો દિવસ પાણી પણ પાયું નહિ, તેથી બહુ ભૂખ લાગી જણાય છે. એમ જાણી છાતી સાથે દાબી હેત જણાવતાં માથે હાથ ફેરવ્યા!
એક વખત દેવબાઈએ તેડ્યા હતા ત્યારે બહુ જ ભાર જણાવ્યો, તેથી આશ્ચર્ય પામી હેઠા ઉતારી દીધા. વળી લાંબા હાથ કર્યા ત્યારે ફરી તેડ્યા, તોપણ એમ ને એમ જ ભાર દેખ્યો, પછી કાખેથી હેઠે ઉતારી દીધા. ત્યારે ત્રીજી વાર તેડવા જણાવ્યું. દેવબાઈ કહે, ‘આજ તો એવું કરવા માંડ્યું છે કે, હવે કોઈ તેડી રમાડે જ નહિ.’ એ વચન સાંભળી પોતે માતાજીના મુખ સામું જોઈ હસવા લાગ્યા, એટલે બેત્રણ વાર ઊંચા ઉપાડી ઉપાડીને તેડતાં બોલ્યાં જે, ‘આમ હળવા હોય તો કોઈ હોંસે કરી તેડે તો ખરા!’
એક વખત બપોરના જરાય સૂતા ન હતા, એમ જાણી દેવબાઈએ આ મુક્તરાજને આંખોમાં આંજણ આંજ્યું, ને પાણી પાઈ ઘોડિયામાં સુવાડ્યા; ઘણા હીંચકા નાખ્યા, તોય ઊંઘ ન આવે, એટલે આંખો ઉઘાડી વારે વારે સામું જુએ. પછી તો દેવબાઈ ઉતાવળાં હીંચકા નાખી આ દિવ્ય પુત્રને હાલરડું ગાવા લાગ્યાં. ‘ભાઈ, ખમા તુંને! હમણાં સૂઈ જા! મારે વાડીએ જાવું છે, હજુ નાહવું છે, તને સવારમાં સોનારૂપાનાં સાંકળાં પહેરાવીશ, માંહી ઘૂઘરીઓ ખખડશે; તું પહેરીને ઠમક ઠમક ચાલજે, એટલે ગામના લોક તને જોવા આવશે, તું સૂઈને જાગીશ ત્યારે હું તને સેવો અને કંસાર રાંધીને ખવરાવીશ, મોટો થા ત્યારે પાટી લઈને નિશાળે ભણવા જજે અને પંડિત થઈને ઘેર આવજે; પછી ફુમકાવાળી એક તેજણ ઘોડી લાવશું, તે પર બેસીને દેશ બધાયમાં ફરજે; ખમા! ખમા! ભાઈ! મારી આંખોના તારા! હવે વહેલો વહેલો સૂઈ જા.’ આવાં હેતનાં વચન સાંભળી આ મુક્તરાજ તરત પોઢી ગયા, તેથી દેવબાઈને ઘણો આનંદ થયો. આવી રીતે જ્યારે જ્યારે આ મુક્તરાજને પોઢાડવા હોય ત્યારે ત્યારે દેવબાઈ આવાં હેતભર્યાં વચનો બોલતાં.
જ્યારે આ મુક્તરાજે ઘૂંટણીઆભર ચાલવા માંડ્યું, ત્યારે તો દેવબાઈ ઝાલવા જાય પણ ઘડીક તો હાથમાંય ન આવે, કાલું કાલું બોલે, જમીન પર ચત્તા સૂઈ જાય. એક વખત ઘૂંટણીઆભર બેઠા બેઠા જાણે સૂઈ ગયા હોય તેમ ઘણી વાર બેસી રહ્યા. દેવબાઈએ જાણ્યું જે, ક્યારેક ઘોડિયામાં આવી રીતે સૂતા રહે છે, તેમ આ બેઠા જણાય છે તે હમણાં ઊઠશે; બહુ વાર થઈ ત્યારે જાગ્યા અને એમ ને એમ ચાલવા માંડ્યું. આ રીતે ઘૂંટણીઆભર ચાલે, ઘૂઘરો હાથમાં લઈ ફરે, ટેકો દઈ બેઠા થાય, ઊભા રહે, ભીંતે હાથ રાખી ચાલે, થોડુંક દોડે અને પડી જાય, ક્યારેક ઘોડિયામાં સૂતા સૂતા લાંબા હાથ કરે, ત્યારે બહેન કે બીજાં કોઈ પાસે ઊભાં હોય તે તેડીને રમાડે.
આ અનાદિ મુક્તરાજનું શરીર પ્રથમથી જ ભરાવદાર અને હૃષ્ટપુષ્ટ હતું, તેમ નાનપણથી આનંદી સ્વભાવ હોવાથી માતાપિતા તથા સગાંસંબંધી જનો તેમને જોઈ જોઈને રાજી થતાં. શરીરની કાંતિ પણ એવી જ સુંદર લાગતી, આંખો ઘણે ભાગે લાલાશ પર જણાતી, ભાલ વિશાળ, નાસિકા અણિયાળી, ભ્રમરો પાંખી, કાન બહુ મોટા અને હોઠ રાતા હતા; હસતા હોય ત્યારે દાંત બહુ શોભતા. મુખ તો અજબ આકર્ષણ કરી લે તેવું મનોહર લાગતું; ખભા ઊંચા, હાથ લાંબા, કાંડાં મજબૂત, આંગળીઓ જાડી, કંઠ સરખો, છાતી ઊપડતી: કેડ, સાથળ, પિંડી, પાની, ઘૂંટી, ચરણ-તળાં –એમ દરેક અવયવ બહુ શોભાયમાન હોવાથી આ કોઈ ચમત્કારિક દિવ્ય પુરુષ છે એમ સહેજે હરકોઈને જણાયા વિના રહે જ નહિ.
હવે આ અનાદિ મુક્તરાજે ભણવાનું ચાલુ કર્યું. પોતે બાળકો સાથે રોજ નિશાળે જતાં-આવતાં કક્કો-બારાખડી શીખ્યા. પછી તો પોતાની મેળે પાટી ઉપર લખે ને ગમે તે ચોપડી હોય તોય ધીરે ધીરે વાંચે, એવી નવીનતા જણાવી. પાંચા પિતાનો વ્યવહાર દુર્બળ, જેથી વધુ ભણાવવાની સગવડ નહિ. તેમ વાડીએ પણ જવું પડતું, તેથી નિશાળે જઈને ભણવાનું સાધારણ બન્યું હતું. બ્રહ્મવિદ્યાના અનુભવી તો પૂર્વના જ હોવાથી બાળચરિત્રમાં દરેક પ્રસંગે તેમનું યોગૈશ્ચર્ય ઝળકતું.
હવે આ મુક્તરાજ સૌને હેત ઉપજાવતા બાળરમત કરવા લાગ્યા. તેમનું રમવું બધાં બાળકોને પ્રિય લાગતું. હાલના જે વૃદ્ધો તેમની સાથે નાનપણમાં રમેલા, તેમની પાસેથી સાંભળતાં એમ જણાયું છે કે, તેમનો સ્વભાવ પ્રથમથી જ શાંત, પ્રિય અને આનંદી હતો. રમતગમતમાં એ સૌથી પહેલા રહેતા. સાંજે બધાં બાળકોને લઈને મંદિરમાં આવતા, અને ઓસરીમાં બેસી વાતો કરતાં બાળકોને એમ કહે જે, ભગવાનની મૂર્તિ આંખો મીંચીને ધ્યાનમાં ધારો, થોડી વારે પૂછે કે, ‘કેમ? તમને મૂર્તિ દેખાય છે કે નહિ? હું તો આંખો મીંચીને બેસું તો જાણે ભગવાન વિના બીજું કાંઈ દેખાતું જ નથી,’ એમ વાતો કરતાં આરતી થાય ત્યારે પોતે આરતી વગાડે, મૂર્તિ સામું ઝાઝી વાર જોઈ રહે, ધૂન્ય કરે, પ્રસાદી મળે ત્યારે ઘેર જાય. દેવબાઈ આંગડી- ટોપી પહેરાવે, આંખોમાં આંજણ આંજે, કોઈની નજર ન લાગે તે સારુ ગાલે મસો કરે, એમ પોતાના દિવ્ય પુત્રને લાડ લડાવતાં.
એક વખત ડોકમાં હાંસડી પહેરાવી દેવબાઈએ પોતાના કોડ પૂરા કર્યા. આ મુક્તરાજ તો એમાં રાજી ન થયા. ઘરમાં જમવા બેઠા ને માતાજીએ પીરસવા માંડ્યું, ત્યારે પોતે હળવે રહી હાંસડી હાથમાં ઝાલીને બોલ્યા, ‘મા, આ શું કામ ડોકમાં ઘાલી છે? આથી શું થાય? ડોકમાં તો કંઠી ખપે. આ તો ગળાબંધણું કહેવાય. કંઠી તો કલ્યાણ કરે ને આ તો અમથો ભાર કરે. કંઠી ન પહેરી હોય તો સત્સંગી છે એમ કોઈ ઓળખેય નહિ. હાંસડી તો ગળે ફાંસડી જેવી લાગે ને કંઠી પહેરી હોય તો ભગવાન રાજી થાય.’ આવાં મધુરાં વચન સાંભળી દેવબાઈને અત્યંત હેત આવ્યું, અને માથા ઉપર હાથ મૂકી આનંદિત થયાં. પોતે પણ તેમના કોડ પૂરા કરવા ખોળામાં લટી પડ્યા. પછી દેવબાઈએ હર્ષભર્યા જમાડી જોયું તો આ મુક્તરાજની ડોકમાં કંઠી તૂટી ગઈ હતી તે તરત જ પહેરાવી.
એક વખત દેવબાઈ કામ પ્રસંગે ગામમાં સગાંવહાલાંને ત્યાં ગયાં હતાં. વાંસેથી બીજા છોકરાઓને સાથે લઈ પોતે ઘેર આવ્યા. દેવબાઈ છીંકામાં ગોળ રાખતાં, તે ઉતારવા એકબીજા છોકરાઓને ઉપરાઉપર ઊભા રખાવી માટલી છોડી ગોળ કાઢ્યો, અને થોડી વાર આંખો મીંચી કહ્યું, ‘લ્યો, આ ભગવાનની પ્રસાદી’ –એમ કહી કટકો કટકો ગોળ આપી સૌ બાળકોને રાજી કર્યા. પછી પોતે ઘંટીના હાથાને દોરડું બાંધી, માંહી થોડો બાજરો નાખી, આમતેમ ફેરવવા લાગ્યા. ઘણી મહેનતે થોડો લોટ થયો એટલે માંહી ગોળ ભેળવી, કુલેર કરી જમવા લાગ્યા. એ વખતે દેવબાઈ ઓચિંતાં આવ્યાં, ત્યારે મુખ લોટવાળું તથા હાથ પણ ગોળ ને લોટવાળા! બીજા છોકરાઓ પણ પાસે ઊભેલા! આવું જોઈને દેવબાઈને રીસ ચડી, તેથી વઢવા માંડ્યું. વઢતાં વઢતાં પોતાના હાથમાં છાશનું વાસણ લાવેલ તે જ્યાં હેઠું મૂકવા જાય છે ત્યાં તો બીજા છોકરાઓ દોડતા ભાગી ગયા. દેવબાઈ તેમની વાંસે બોલતાં બોલતાં બારણા સુધી જઈ પાછાં વળ્યાં.
હવે રહ્યા એક મુક્તરાજ! દેવબાઈ સામું જોઈ વઢવા લાગ્યાં. હેતમાં ને હેતમાં કહે, ‘હું શું કરું? મારે આ એકનો એક ખોટનો દીકરો છે, જો બીજો હોત તો માર્યા વિના મેલત નહિ.’ પછી ગોળની માટલી છીંકામાંથી ઉતારી જોયું તો માંહી ગોળ તો એમ ને એમ જ દીઠો. ઘંટીમાં જોયું તો માંહી બાજરાનો લોટ જ નહિ! એ જોઈને દેવબાઈ રાજી થયાં. ત્યારે પોતે બોલ્યા જે, ‘અમે કાંઈ બીજા છોકરા જેવા નથી તે તોફાન કરીએ! અમે તો ભગવાનને ગોળ અને કુલેર જમાડી, તેમાં આવડું શું વઢો છો!’
આ અનાદિ મુક્તરાજનાં દરેક પ્રસંગે આવાં અમૃતભર્યાં વચનોથી રાજી થઈ પાડોશી, સગાંવહાલાં તથા પુરવાસી બાઈ-ભાઈ તેમને પોતાને ઘેર આવતા જોઈ અત્યંત રાજી થતાં. એ બેઠા હોય ત્યાં સહેજે સૌને આનંદ વર્તતો. તેમનું સૂવું, જાગવું, બેસવું, ઊઠવું, દોડવું વગેરે બીજાં બાળકોથી જુદું જ જણાતું, જેથી તેમને કોઈ ટૂંકે નામે ન બોલાવતાં. ‘ભાઈ આવ્યા! અબજીભાઈ આવ્યા! અબજીભાઈ આવો!’ એમ કહેતાં. બાઈઓને હેત આવે ત્યારે કોઈ કહે, ‘મારે ઘેર આવો તો તમને રોટલો ને ગોળ જમાડું, દૂધ ને ખીચડી જમાડું,’ ત્યારે કોઈ એમ કહે જે, ‘હું તમને માતર અને શીરો જમાડીશ.’ એવાં એવાં વચનો કહી ઢીંગલો, ઢબુ કે ત્રાંબીઓ હાથમાં આપીને રાજી કરે. આ અનાદિ મુક્તરાજ પણ તેમના સાચા ભાવથી એ આપેલ ઢીંગલો, ઢબુ કે ત્રાંબીઓ હાથમાં ગ્રહણ કરી પાછો આપે. એકબે વખત જો પાછો આપતાં ન લે તો ફગાવી નાખે. સગાંવહાલાંઓને હેત આવે ત્યારે ચોરણી, કેડિયું પહેરાવે; માથે ટોપી ઓઢાડે, રમૂજ કરી હસાવે. એ વખતે આ મુક્તરાજ ત્યાં જ નેત્ર મીંચીને સૂઈ રહે, તે બેત્રણ કલાક ન ડગે, કે ન ડોલે. જે જુએ તે એમ ને એમ વિચારી રહે. સૌને એવી તો ખબર જે, આ નાનપણથી જ આમ કરે છે. જ્યારે જાગે ત્યારે બાઈઓ ભેળાં થઈને પૂછે તો કહે જે, ‘હું તો અક્ષરધામમાં જઈ આવ્યો, તમને ભગવાન ખપે? જોઈએ તો ચાલો, મંદિરમાં હું દેખાડું, ઓ બેઠા સોનેરી લૂગડાં ને સોનાના દાગીના પહેરીને; રાત્રે અમે જઈએ છીએ, આરતી વગાડીએ છીએ, ત્યારે અમને જમીને પ્રસાદી આપે છે; બધા આરતી કરે ત્યારે હું તો ઠેઠ અક્ષરધામમાં જતો રહું છું, તેની બીજા કોઈને ખબર ન પડે. એ તો અક્ષરધામમાં આવતા હોય તે જાણે. તમે તો ઘેર બેઠાં ખાઓ, પીઓ, સૂઓ, છોકરાં રમાડી રાજી થાઓ. અમે તો એવું કાંઈ કરીએ જ નહિ; એક મહારાજ સામું જોઈ રહીએ. કથામાં ભગવાન તમને કહે છે તોય તમે ક્યાં માનો છો? સવારસાંજ કથામાં એવી જ વાતો આવે છે. હું તો એ બધુંય જાણું,’ –એમ વાત કરતા કરતા દોડીને ઘેર જતા રહે; તેથી સૌ બાઈઓ આશ્ચર્ય પામે; પણ આ અનાદિ મુક્તરાજે વાતની વાતમાં ઉપદેશ કર્યો તેની તેમને ખબર ન પડે. પોતે રોજ સવારે મંદિરમાં જાય. મહારાજને દંડવત્ કરી પગે લાગે, હરિભક્તો પૂજા કરતા હોય તો તેમને પગે લાગે, પાસે બેસે, પૂજા કરતા હોય તે એમના કપાળમાં તિલક કરી ચાંદલો કરે, ત્યારે કોઈ વાર મર્મ કરતાં બોલે, ‘આ ચાંદલો અક્ષરધામનો કર્યો કે કુંકુમનો કર્યો?’ એમ કહી મંદ મંદ હસે, પણ ચાંદલો કરનાર આ વાતનો મર્મ ક્યાંથી સમજી શકે?
આ અનાદિ મુક્તરાજને ચાર બહેનો હતી. તેમાં એકનું નામ માનબાઈ, બીજાં હીરબાઈ, ત્રીજાં રૂડીબાઈ ને ચોથાં નાનબાઈ –એ બધાં આ મુક્તરાજને બહુ રમાડતાં, હસાવતાં, લાડભરેલાં વચનો કહી હેત કરતાં, જમાડતાં, સુવાડતાં, વખાણતાં, એમ ઘણા રાજી કરેલા; તેમના પર પ્રસન્ન થઈ ક્યારેક આ મુક્તરાજ એમ કહેતા કે, ‘ભાઈ કોણ! અને બહેન કોણ! સર્વે મહારાજના મુક્ત છે. બધાય મહારાજ ભેગા છે એમ જુઓને! ભાઈ-ભાઈ શું કરો છો?’ આવાં વચનથી તેઓ બહુ જ આનંદ પામતાં.
જ્યારે બહેનો આ મુક્તરાજને વાડીએ લઈ જાય ત્યારે પોતા જેવડા બાળસખાઓને ભેળા કરી પાણા ઉપરાઉપરી ગોઠવી મંદિર કરે અને વાતો કરતાં કહે કે, ‘જુઓ, આમાં મૂર્તિ છે, દર્શન કરો.’ થોડી વાર થાય એટલે પાંદડાં તોડી લાવે, તેની પ્રસાદી કરે, ફૂલ લાવી ઠાકોરજીને ચડાવી દંડવત્ કરે, પાણાની આરતી વગાડી આરતી કરે. ધૂન્ય બોલાવી સૌ બાળકોને પ્રસાદી વહેંચી ધ્યાન કરાવે. બીજા ધ્યાન કરવા થોડી વાર આંખો મીંચી રાખે ત્યાં તો આ મુક્તરાજ મૂર્તિના સુખમાં ઊતરી જાય! બાળકો જગાડવાનું કરે, પણ કોણ જાગે? વાટ જોઈને સહુ થાકે ત્યારે બીજે સ્થળે રમવા મંડે, ઘણી વારે પોતે ઊઠીને સૌ રમતા હોય તે ભેળા જઈને રમવા લાગે, એટલે બાળકો કહે, ‘ભાઈ ઊંઘી ઊંઘીને આવ્યા!’ ત્યારે પોતે કહે કે, ‘ઊંઘ્યો હોય તે મરે, હું તો ધ્યાન કરતો હતો. ત્યાં મહારાજ તેજોમય દેખાતા હતા. તમે પાણા અને ધૂળથી રમવા મંડ્યા અને હું તો મહારાજ ભેળા મોટા મોટા સાધુ હતા, તે ભેળો રમતો હતો’ એમ કહે, પણ એ બાળકો આ મુક્તરાજની આવી અલૌકિક વાત ન સમજી શકે તેથી કહે, ‘તમે તો જૂઠું બોલો છો;’ ત્યારે પોતે કહે જે, ‘જૂઠુસાચું સ્વામિનારાયણ જાણે.’ વળી સમ ખાય તોપણ એ બાળકો ક્યાંથી સમજી શકે!
આવી રીતે આ અનાદિ મુક્તરાજ બાલચંદ્રની પેઠે દિનપ્રતિદિન વધવા લાગ્યા. બીજાં બાળકો કરતાં તેમનામાં કાંઈક જુદી જ ચમક હતી. તેથી સૌ તેમને જોઈ જોઈને રાજી થતા. પોતે બાળઅવસ્થામાં જ માથે ટૂંકી ધોતલી બાંધવા મંડ્યા, તે એવી શોભે કે તેમના સામું જે જુએ તે હસ્યા વિના રહે જ નહિ.
એક વખત ભૂજથી મોટા સંત સદ્ગુરુ સ્વામીશ્રી અચ્યુતદાસજી વૃષપુરમાં આવ્યા. તેમની પાસે લઈ જઈને પાંચાભાઈએ વર્તમાન ધરાવવાનું કહ્યું, તેથી સ્વામીશ્રીએ રાજી થઈને તેમને વર્તમાન ધરાવ્યાં. આ અનાદિ મુક્તરાજના મુખ સામું જોઈને જ સ્વામીશ્રીએ તેમને ઓળખી લીધા, અને જાણ્યું જે, આ લોકનાં બીજાં બાળકો જેવા આ નથી, તેથી અતિ હેત જણાવતા ભાલે ચંદન ચર્ચી, વચ્ચે કુંકુમનો ચાંદલો કર્યો; અને કંઠી પહેરાવી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. તે વખતે પાંચાભાઈએ પણ આ અનાદિ મુક્તરાજના હાથે એ મહાસમર્થ સદ્ગુરુ સ્વામીશ્રીને ચાદર ઓઢાડી સાકર તથા નાળિયેર મૂકી દંડવત્ કર્યા. આ અનાદિ મુક્તરાજ પણ ગુરુ કર્યા જાણી દંડવત્ કરવા લાગ્યા. તેને સ્વામીશ્રી ‘રાખો-રાખો’ કહેતાં હાથે ઝાલી લઈ છાતી સાથે ચાંપી મળ્યા; અને ઠાકોરજી પાસેથી ફૂલનો હાર લઈ પહેરાવ્યો. પછી પાંચાભાઈને કહ્યું જે, ‘આ તો અનેક જીવનાં કલ્યાણ કરે એવા છે. દેખાય છે નાના પણ બહુ મોટા છે. તમારાં ને આ દેશનાં ભાગ્ય મોટાં બહુ. આમની તો આગળ જતાં ખબર પડશે, સત્સંગ બધોય દીપાવશે. કંઈકનાં કલ્યાણ કરશે. મોટા મોટા સંતો આ મુક્તરાજનો જોગ-સમાગમ કરવા દરિયા ઊતરી ઊતરીને અહીં આવશે એવા છે.’ એમ કહી માથે હાથ મૂકી બહુ પ્રસન્નતા જણાવી ‘જય સ્વામિનારાયણ’ કર્યા.
આ રીતે દિનપ્રતિદિન નવાં નવાં ચરિત્ર કરતા ને આનંદ ઉપજાવતા, થોડાં વર્ષ વીત્યાં ત્યારે ગામધણી સાથે ગામના લોકોને કાંઈક વિક્ષેપ થયો. તેથી પાંચાભાઈ થોડો વખત ભારાસર રહેવા ગયા હતા. ત્યાં પણ પોતે મંદિરે જતા, કીર્તન બોલતા, આરતી કરી ધૂન્ય કરતા અને રાત્રે મંદિરમાં જ સૂઈ રહેતા.
એક વખત એ ગામના તળાવમાં નાના નાના હરિભક્તોએ સહિત પોતે નાહવા ગયેલા. સૌની સાથે વસ્ત્રો ઉતારી જ્યાં જળમાં ડૂબકી મારી ત્યાં તો શ્રીજીમહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપી બહુ હેત જણાવી મસ્તક ઉપર હાથ ફેરવ્યા. બીજાં બાળકોને એવાં દર્શન થયાં, પણ આ વાતનો મર્મ એ ક્યાંથી જાણી શકે? સૌ આનંદમાં કૂદતા હતા, ત્યાં આ મુક્તરાજે બહાર નીકળી વાત કરી જે, ‘તમને મહારાજનાં દર્શન થયાં? આ તળાવમાં દિવ્ય મૂર્તિ ઘનશ્યામ મહારાજ આપણા ભેગા નહાતા હતા.’ બાળકો કહે, ‘અમને એવાં દર્શન કેમ નહિ થયાં હોય?’ ત્યારે પોતે એમ કહ્યું જે, ‘તમે નકરા પાણીમાં નહાઓ છો કે શું? હું તો તમારા ભેગો દેખાતો હતો, પણ મને તો ઘનશ્યામ મહારાજને જોઈને બહુ સુખ આવતું હતું. તમે સાથે ને સાથે હતા, તોય દર્શનેય કર્યાં નહિ?’ આ વાતથી બાળકોને નવીન જ લાગ્યું. પછી ગામમાં આવીને વાત કરી તેથી સૌ આશ્ચર્ય પામ્યાં. આવી રીતે ભારાસરવાસી હરિભક્તો બાઈભાઈને તેમના દિવ્ય દર્શનનો લાભ થોડો વખત મળ્યો હતો. ત્યાર પછી ગામમાં સંતોષ થઈ જવાથી પાછા વૃષપુર આવી રહ્યા હતા.
આ અનાદિ મુક્તરાજના સખામંડળમાં, મુખ્યપણે કુંવરજીભાઈ, કેસરાભાઈ, વિશરામભાઈ, જાદવજીભાઈ, નાથાભાઈ, ગાંગજીભાઈ, નારાયણભાઈ, કરસનભાઈ તથા કાનજીભાઈ વગેરે હતા. આ સખાઓ સાથે પોતે દિવ્ય રમતો રમતા. મંદિરમાં આવે ત્યારે આ સખાઓમાંથી કોઈ ને કોઈ સાથે હોય જ. જ્યારે સૌ ભેગા બેસે ત્યારે સત્સંગના નિયમની તથા મહારાજના મહિમાની વાતો પોતે કરતા, ક્યારેક ભેળા થઈ કીર્તન પણ બોલતા.
આવી રીતે અનાદિ મુક્તરાજ કૌમાર-અવસ્થામાં આવતાં જ મોટા હરિભક્તની પેઠે વર્તવા લાગ્યા. સવારમાં વહેલા ઊઠી નાહી, ધોઈ, પૂજા કરવા બેસી જાય. તિલકચાંદલો કરી માનસીપૂજા કરે. પછી પૂજા કરી દંડવત્ પ્રદક્ષિણા કરે. થોડું ભણવા છતાં શિક્ષાપત્રી વાંચે. કીર્તનની ચોપડીમાંથી એક ચોસર કીર્તન બોલી, એક વચનામૃત વાંચી, ઘેર જાય; એકાદશી કે મોટા દિવસે મંદિરમાં ઉત્સવ થતો હોય ત્યારે ઉત્સવમંડળીમાં પણ સૌની સાથે ઝાંઝ લઈ બેસી જાય ને કીર્તન બોલે. મંદિરના ચોકમાં ગરબી ગવાય ત્યારે પણ હરિભક્તો સાથે બરાબર ભળી જતાં જોઈ સૌને એમ લાગે જે, આ ઘણા વખતના અભ્યાસી હશે કે શું? આવી રીતે આ અનાદિ મુક્તરાજની દરેક ચેષ્ટા દિવ્ય, મનોહર અને આકર્ષક લાગતી. બાળ-અવસ્થામાં એવાં એવાં દિવ્ય ચરિત્રો ઘણાં કર્યાં હતાં એમ કહેવાય છે. પરંતુ તેમનાં વૃદ્ધ બહેનો તથા વૃદ્ધ હરિભક્તો પાસેથી જે કાંઈ યાદી મળી તેટલેથી જ આપણે સંતોષ માનીએ.
આ અનાદિ મુક્તરાજ હવે વ્યાવહારિક કાર્યમાં કાંઈક ભાગ લેવા મંડ્યા. પોતે વાડીએ જાય, ત્યાં કીર્તન બોલતાં કોસ હાંકે, ધ્યાન કરતાં કોસ હાંકે. એમ કરતાં એક વખત પોતાના જોડીઆ મિત્રો વાડીએ આવ્યા, એટલે આ મુક્તરાજ તો કોસ છોડીને એક ઝાડ તળે આવીને બેઠા અને ધૂન્ય કરવા લાગ્યા. પછી કહ્યું, ‘સૌ મહારાજની મૂર્તિ સામું જોઈ રહો. હું એક નવીન વાત કરું. આ વાત ધ્યાનની છે.’ એમ કહી સૌને ધ્યાન કરતાં પોતે વાત કરવા માંડી. તેમાં શ્રીજીમહારાજનાં અંગોઅંગનું વર્ણન થતાં બાળમિત્રોને અલૌકિક દર્શન થયાં. કોઈને અમદાવાદમાં શ્રીનરનારાયણદેવ તથા શ્રીજીમહારાજ સાથે ધર્મભક્તિ અને રાધાકૃષ્ણદેવનાં, કોઈને વડતાલમાં હરિકૃષ્ણમહારાજ, લક્ષ્મીનારાયણદેવ, રણછોડજી આદિ તથા ગઢપુર, મૂળી, જૂનાગઢ, ધોળકા વગેરે મંદિરોમાં જે જે મૂર્તિઓ બિરાજે છે તેનાં જુદાં જુદાં દર્શન થતાં હતાં. ત્યાં પોતે ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી સૌને જગાડીને મહારાજના અદભુત પ્રતાપ અને મહિમાની વાતો કરીને કહ્યું જે, ‘આજ તમારા ઉપર શ્રીજીમહારાજની બહુ દયા થઈ, તેથી તમારે ઘેર બેઠાં તીર્થ થયાં. આવી વાત જેનેતેને કહેશો નહિ,’ એમ કહી સૌને રજા આપી પોતે કોસ હાંકવા મંડ્યા.
આ અનાદિ મુક્તરાજને નાનપણથી તરતાં આવડતું હતું, તેથી કોઈ વખત પોતાના સખાઓ સાથે તળાવ કે કૂવામાં ધૂબકા મારી નાહતા, ડૂબકીઓ મારતા, પાણીમાં ચત્તા તરતા, શ્વાસ રૂંધી પાણી પર પડ્યા રહેતા; આવી ઘણા પ્રકારની તેમની તરવાની આવડત જોઈ સૌ આશ્ચર્ય પામતાં.
એક વખત પોતાની વાડીના કૂવામાં બાળમિત્રો સાથે ધૂબકા મારી નાહવાનું ઠરાવ્યું. તેમાં એવી બોલી કરી જે, ધૂબકો મારવો તેમાં કોઈએ પાણીમાં ઊંડા ઊતરી જવું નહિ, પણ અડધું શરીર તો બહાર જ રાખવું. પછી તાળી વગાડી ‘સ્વામિનારાયણ’ કહી ધૂબકા મારતાં મારતાં એક પછી એક બાળકો પાણીમાં પડ્યાં, પણ કોઈ અડધું શરીર પાણીથી બહાર રાખી શક્યાં નહિ. હવે રહ્યા આ એક મુક્તરાજ! પછી તેમણે પણ તાળી વગાડી ‘સ્વામિનારાયણ’ કહી ધૂબકો માર્યો, તે બરાબર કેડ સુધી જ શરીર પાણીમાં બૂડ્યું. તે જોઈ સર્વે બાળકો આશ્ચર્ય પામ્યાં ને કહેવા લાગ્યાં જે, ‘તમે આમ કેવી રીતે રહી શક્યા?’ આ મુક્તરાજે ઉત્તર આપ્યો, મેં ‘સ્વામિનારાયણ’ નામ બરાબર મૂર્તિ સંભારીને લીધું ને ધૂબકો માર્યો, ત્યાં તો મહારાજનાં દર્શન થયાં, તે જાણે મહારાજે પણ ભેળો ધૂબકો માર્યો, તેથી આમ પાણીમાં રહેવાણું.’ ત્યારે બાળકો કહે, ‘તમે તો જ્યાં ને ત્યાં મહારાજની જ વાત કરો છો. ઊંઘતાં મહારાજ, જાગતાં મહારાજ, જમતાં મહારાજ, દોડતાં મહારાજ, નાહતાં મહારાજ’ એમ બોલ્યા, પણ આ દિવ્ય ચેષ્ટાનો મર્મ એ ક્યાંથી સમજી શકે?
એક વખત આ મુક્તરાજ પોતાના બાળસખાઓ સાથે કાળીતલાવડીએ નાહવા ગયેલા. ત્યાં ડૂબકી મારી ઝાઝી વાર પાણીમાં કોણ રહે છે, એવી રમત કરવા લાગ્યા. થોડો વખત એમ રમતાં રમતાં પોતે ડૂબકી મારી પાણીમાં આસન વાળી ધ્યાનમાં બેસી રહ્યા. ઘણી વાર થઈ એટલે બાળકો મૂંઝાયાં. સૌ ડૂબકી મારી આમતેમ ગોતવા લાગ્યા, પણ મળ્યા નહિ, તેથી ઉદાસ થઈ ગયા અને જાણ્યું જે, આજ તો બૂડી ગયા લાગે છે, એમ જાણી પ્રાર્થના કરવા લાગ્યા, ‘હે મહારાજ! અમે ગામમાં જઈને શું મોઢું દેખાડશું? અમારા ઉપર દયા કરી એમને પાણીમાંથી બહાર કાઢો. એમનાં માબાપ જ્યારે આ વાત જાણશે ત્યારે તેમને તો દુઃખનો પાર નહિ રહે,’ –એમ કહી પાંચ પાંચ ડૂબકીઓ મારી ફરી વાર ગોતવા એવું ઠરાવી સૌ પાણીમાં પડવા તૈયાર થયાં. ત્યાં તો ‘હે મહારાજ! સ્વામિનારાયણ!’ એમ કહેતા આ મુક્તરાજ બહાર આવ્યા; એ જોઈ સખાઓ આનંદિત થઈ પૂછવા લાગ્યા જે, ‘તમે આટલી વાર બૂડી ગયા હતા કે શું?’ ત્યારે પોતે બોલ્યા, ‘હું તો છપૈયામાં શ્રીજીમહારાજનાં દર્શન કરી નારાયણ સરોવરમાં ને ખાંપાતલાવડીમાં નાહ્યો. ત્યાંથી ગઢડા, વડતાલ, અમદાવાદ, જેતલપુર, જૂનાગઢ, મૂળી, ભૂજ આદિ ધામોનાં દર્શન કરવા ગયો હતો.’ આ વચન સાંભળી બાળકો હસવા લાગ્યાં અને બોલ્યાં જે, ‘પાણીમાંથી દર્શન કરવા કેમ જવાય? આ તો નવાઈની વાત!’ ત્યારે પોતે એમ બોલ્યા, ‘મને પણ ખબર ન પડી કે એ કેમ થયું! હું ડૂબકી દઈને ધ્યાન કરવા બેઠો ત્યાં તો મહારાજનાં તેજોમય દર્શન થયાં. એ નવીન દર્શન કરતો હતો ત્યાં વળી છપૈયામાં શ્રીજીમહારાજ દેખાણા, તે રૂપેરી કોરવાળી ધોતી અને બીજાં બધાંય વસ્ત્રો સોનેરી પહેરેલાં, માથે ટોપી, હાથમાં રૂમાલ, મંદ મંદ હસતા હસતા દર્શન દેતા હતા. પછી હું નારાયણ સરોવર અને ખાંપાતલાવડીમાં નાહ્યો. ત્યાંથી ગઢડા, વડતાલ આદિ બધાં ધામોમાં ગયો, પણ એ દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ તો સાથે ને સાથે જ હતા.’ આમ કેટલાંય ધામોનાં દર્શન થોડી વારમાં કરી આવ્યાની વાત કોઈને મનાય એવી નથી, પણ શ્રીજીમહારાજના અદભુત પ્રતાપમાં જેની નજર પહોંચતી હોય તેને એ સમજાય. આ વાતથી બાળકો આશ્ચર્ય પામતાં ઘેર આવી તેમનાં માતાપિતાને આ સર્વે હકીકત કહી. દેવબાઈ તો આ પુત્ર કેવા છે તે જાણતાં જ હતાં, તેથી હેતે સહિત જમાડી આનંદ પામતાં, આ બધી વાત ફરીથી તેમની પાસે કહેવરાવી.
એક વખત નદીની રેતમાં બાળસખાઓ સાથે પોતે રમતા હતા. તેમાં સાત તાળી વગાડીને એક દોડે, તેને બીજો પકડી લે, એમ કરતાં આ મુક્તરાજનો વારો આવ્યો; તેમને પણ તાળી વાગી રહે ત્યારે દોડવું અને બીજાઓને પકડવાનું હતું. હજી સૌ જોઈ રહ્યા છે, ત્યાં તો તાળી વગાડી એવા તો દોડ્યા કે કોઈના પકડવામાં જ ન આવે! બાળકો જોરથી દોડીને પકડી લે, ત્યારે બાથમાંથી નીકળી જાય, એની ખબર ન પડે જે, કેમ નીકળી ગયા? રમત પૂરી થઈ રહી ત્યારે બધાએ ભેળા મળી ઝાલી લીધા; અને કહ્યું જે, ‘તમે બાથમાંથી કેમ નીકળી જતા હતા?’ ત્યારે આ મુક્તરાજ કહે કે, ‘એ વાતની મને કાંઈ ખબર નહિ. હું તો મહારાજને સંભારીને દોડતો હતો અને મહારાજ ભેળા દેખાતા હતા. પછી એમને મૂકીને તમારી પાસે હું શું કરવા ઊભો રહું?’ આ વાતનો મર્મ એ બાળકો ન સમજ્યાં, તેથી હસવા લાગ્યા.
એક દિવસ આ મુક્તરાજ બાળસખાઓની સાથે નદીના કાંઠે ખજૂરીની ઘાટી ઝાડીમાં રમવા ગયા. ત્યારે બધાં બાળકોને એમ જે, આ ‘અબજીભાઈ’ દોડે છે તે પકડાતા નથી અને આપણે બહુ દોડીને પકડીએ છીએ તો બાથમાંથી નીકળી જાય છે, માટે એવી રમત કરીએ જે, બધા તેમને પકડે તો એ કેમ નીકળી જાય છે તેની ખબર પડે. એ રીતે નક્કી કરી, તાળી વગાડી, સૌ તેમને પકડવા દોડ્યા; ત્યાં તો જે બાળક દોડતો હોય તેની આગળ પોતે દોડતા જણાય. દોડનાર બીજી તરફ જુએ તો ત્યાં પણ દેખાય. એમ સહુની પાસે જુદા જુદા રૂપે જણાતા, ને આગળ દોડતા દેખી કોઈ પકડી ન શક્યા; તેથી બાળકો સૌ એક પછી એક થાકીને બેઠા; ત્યારે પોતે પણ એકરૂપે પ્રથમ હતા તેમ જ હસતા હસતા આવીને સૌની વચમાં બેઠા. બાળકો પૂછવા લાગ્યાં જે, ‘આજ તમે આવું નવીન શું કર્યું?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘મેં તો કાંઈ કર્યું નથી; મહારાજે તમને જે દેખાડ્યું હોય તે મહારાજ જાણે. મને તો એમ લાગે છે કે, તમારામાં બળ નહિ, તેથી મને પકડી ન શક્યા. મને પકડવાની હિંમત ખપે! તમે દોડતા દોડતા આમતેમ જોતા હતા. પણ હું કોઈ બીજા સામું જોતો ન હતો. હું તો મહારાજને જોઉં ને મહારાજ સાથે દોડું, અને તમે તો જેનેતેને જોતાં દોડો, તે મને ક્યાંથી પકડી શકો?’ એમ કહી હસ્યા. આ રમતથી સૌને એમ જણાયું જે, આ કોઈ ચમત્કારિક તો છે, પણ આ અનાદિ મુક્તરાજ અનંત જીવને મૂર્તિના સુખમાં પહોંચાડવા આવ્યા છે, એવી તે બાળકોને – જ્યાં સુધી પોતાની સાથે રમતો કરતા હોય ત્યાં સુધી – ક્યાંથી ખબર પડે!
આવી રીતે નિત્ય પ્રત્યે દિવ્ય અલૌકિક ચેષ્ટાઓ કરતા, બાળમિત્રોને સુખ ઉપજાવતા હતા. પોતે તો અખંડ મૂર્તિમાં જ રહ્યા હોય અને બાળકોને એમ દેખાય જે, આપણા ભેળા રમે છે, પણ તેમનું રમણ તો મહારાજની મૂર્તિમાં જ હતું; તેથી જે જે ક્રિયાઓ કરે તેમાં મૂર્તિનું જ અનુસંધાન રાખતા હોય તેમ જણાતું.
કોઈ વખત વાડીએ, તો કોઈ વખત ડુંગરા ઉપર, ને કોઈ વખત ઝાડની ઘટાઓમાં બાળસખાઓ સાથે મનગમતી રમતો રમતા. ક્યારેક કેરાના ધરામાં નહાવા ગયા હોય તે સાંજે આવે. ઘેર આવી એકબીજા વાતો કરે જે, અબજીભાઈએ તો આજ આમ કર્યું, તેમ કર્યું. પણ જ્યાં સુધી જે વાતની જેને ખબર નહિ તે શું સમજી શકે! તેમનાં આવાં ચરિત્રોથી માતાપિતાને આનંદ થતો. દેવબાઈને તો સદાય એમ રહેતું જે, ‘શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને કહ્યું છે જે, અમારા દર્શન જેવું સુખ આવે એવા અનાદિ મુક્ત તમારે ઘેર મોકલશું, તે પ્રમાણે આ પુત્રની બધી વાત છે.’ આ અનાદિ મુક્તરાજને જોઈને કોણ જાણે અંતરમાં કેવી શાંતિ થઈ જાય છે કે, કાંઈ કહ્યું જાતું નથી. આવા પુત્ર ક્યાંથી મળે! આવા અલૌકિક પુત્રને લાડ લડાવવાં, રમાડવા, જમાડવા વગેરે મનોરથો પૂરા કરવા દેવબાઈને ઇચ્છા તો ઘણી થાય, પણ શું કરે! પોતાનો વ્યવહાર દુર્બળ! તેથી તે હોંશ હૈયામાં ને હૈયામાં જ રહેતી. ક્યારેક દેવબાઈને એવા વિચાર આવે જે, આ મારો દેવ જેવો દીકરો તેને સારું સારું ખાવાનું કરી દેવું હોય તોય ઘરમાં કાંઈ ચીજ ન મળે! વળી સારેભલે ટાણે સારાં લૂગડાં પહેરાવવાં હોય તોય ક્યાંથી લાવવાં? ભગવાને દયા કરીને દીકરાની હોંશ તો પૂરી કરી, પણ વ્યવહાર આવો કેમ રાખ્યો હશે? તે વખતે અંતર્યામીપણે માતુશ્રીના વિચાર જાણી આ મુક્તરાજ બોલે, ‘મા, તમે શ્રીજીમહારાજ વિના બીજા સંકલ્પ કેમ કરો છો? મૂર્તિ સંભારોને! મહારાજની મૂર્તિ દેખાય તો બધી તાણ પૂરી થઈ જાય. મૂર્તિ વિના મોટા મોટા રાજાને ઘેર રાજ્ય હોય તોય સુખ નથી મળતું. અજ્ઞાની જીવો આવી વાત જાણ્યા વિના રાત ને દિવસ હેરાન થાય છે, પણ એ બિચારાને ખબર નથી. આપણા ઉપર તો મહારાજની દયા ઘણી છે, તેથી આપણને તો વધુ સુખિયા કર્યા છે. ઘરમાં કાંઈ ન મળે, એટલે મહારાજનું દર્શન કે ધ્યાન કરતાં કાંઈ આડું જ ન આવે.’ આ રીતે દેવબાઈને શાન્તિ પમાડવા વાત કરતા, તેથી તેમને પાછો આનંદ વર્તતો.