૩૮૯ - બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનાં હેતભર્યાં વચનો
આ વાત કોઈને જણાવવા જેવી નહોતી, પણ મંદિરમાં જઈ પોતે ઠાકોરજીનાં દર્શન કરતા હતા, ત્યાં ધૂળવાળાં લૂગડાં જોઈ સંત-હરિભક્તો પૂછવા લાગ્યા કે, ‘બાપા! આમ કેમ?’ ત્યારે કહે, ‘એ તો માર્ગમાં જમીન ભીની હતી, ત્યાં જરા ખસી જવાયું છે; બીજું કાંઈ નથી.’ આમ વાત કરતા હતા ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ બાપાશ્રીની આવી હાલત જોઈ તથા ધનજીભાઈની ધોડી લાવ્યા છે એ વાત જાણી એટલે તુરત એ બોલવા લાગ્યા કે, ‘ધનજીભાઈના ઘરમાં આટલાં આટલાં મનુષ્ય છે, પણ કોઈ ભેળાય ન આવ્યા. આવા શું કામગરા થઈ ગયા હશે? નારાયણપુરથી આવ્યા ને ઘોડી તૈયાર કરીને આપી, તે કાંઈ વિચાર નહી કર્યો હોય કે આપણે ભેગા જવું જોઈએ?’ આવાં વચન સાંભળી બાપાશ્રીએ તેમને કહ્યું કે, ‘તમે અમથા બોલો છો, એ તો આવતા હતા પણ મેં ના પાડી, એમાં એમનો શું વાંક?’ પછી તો એ કાંઈ બોલ્યા નહિ ને ઉતાવળા જઈ આસન તૈયાર કરાવ્યું. બાપાશ્રીને જરા પગ દબાણો હતો, તેથી પુરાણી કેશવપ્રિયદાસજી પાસે ગૂમડા પર પાટો બંધાવી ઘણી વાર સૂતા. મોડેથી હિંડોળામાં ઠાકોરજી પધરાવ્યા, ત્યારે સંતોની સાથે જઈ દર્શન કર્યા. પછી જવાનો વિચાર કરી કહ્યું કે, ‘આ ફેરે મારાથી નહી ખમાય! કેમ કે ઘોડી ભેળી છે.’ ત્યારે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી કહે, ‘આ વખતે ચાર-પાંચ રાત ખમી જાઓ, પછી જજો.’ તમે તો આ આવ્યા ને આ ચાલ્યા, એવું કરો છો. આ ગામના હરિભક્તોને તમારી તાણ ને તાણ. તમે ઓચિંતાના આવીને જતા રહો, પછી ખબર પડે એટલે બધાય આવી આવીને મને પૂછે કે, ‘બાપા આવ્યા હતા ને અમને કેમ દર્શન થયાં નહી? એ સર્વેને હું ઠીક લાગે તેમ કહી રાજી કરું છું. પણ સૌને દર્શનની તાણ કેમ મટે? માટે આપને જ્યારે અહીં આવવાનું થાય, ત્યારે દયા કરી ચાર-પાંચ દિવસ રોકાતા હો તો સૌને સંતોષ થાય.’ આવાં હેતભર્યા વચનો સાંભળતાં બાપાશ્રી કહે, ‘ભલે, બ્રહ્મચારી મહારાજ! જેમ તમે રાજી થાઓ તેમ કરો.’ આમ કહ્યાથી તેમણે નારાયણપુરના હરિભક્તો દર્શને આવેલ તે ભેળી ધનજીભાઈની ઘોડી પાછી મોકલાવી દીધી ને પોતે ઘણા રાજી થયા. પછી કહ્યું જે, ‘બાપા! બહુ દયા કરી, હવે સંત-હરિભક્તો બધાય રાજી થશે,’ –એમ કહી દંડવત્ કરી મળ્યા ને બહુ હેત જણાવ્યું.
થોડી વારે સંધ્યાઆરતી થઈ, એટલે હરિભક્તો દર્શન કરવા આવ્યા તેમને ખબર પડી, તેથી સહુ દર્શન કરતા ને રાજી થતા સભામાં પણ એમ ને એમ બેસી રહ્યા. મોડેથી કથાવાર્તા તથા ચેષ્ટા આદિ નિત્યનિયમ થઈ રહ્યા પછી બાપાશ્રી આસને આવીને સૂતા તો ત્યાં પણ કેટલાક હરિભક્તો આવીને બેઠા. સૌને એમ જે, બાપાશ્રી કદાચ ઉતાવળથી જવાનું કરે ને ન રોકાય તો પછી આપણને આવો લાભ ક્યાંથી મળે? આવા વિચારથી તેઓ સેવા કરવા લાગ્યા, ત્યાં તો બાપાશ્રીએ સૂતા સૂતા ઘણી વાર વાતો કરી. પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ ધૂળવાળાં લૂગડાં કેમ થયાં, તે વાત પૂછી, ત્યારે પોતે કહેવા લાગ્યા જે, ‘બ્રહ્મચારી મહારાજ! જે ઘોડી પર બેસીને હું અહીં આવ્યો તેને જ્ઞાન ને મહિમા બહુ, પણ માખીઓએ માર્ગમાં અકળાવી એટલે રેતવાળી જમીન આવી ત્યાં એ આડેપડખે થઈ, પણ મારો પગ હેઠે આવ્યો છે એમ એના જાણવામાં આવતાં પાછી એ ઊંચી થઈ ગઈ ને મેં મારો પગ કાઢી લીધો, ત્યારે એને આળોટવું હતું તેટલું ધીરે ધીરે આળોટી લીધું. પછી મારે પડખે આવીને ઊભી રહી. આમ રમૂજ કરી, પણ સૌને એમ થયું જે, ‘બાપાશ્રી કાંઈ જણાવતા નથી પણ લાગી ગયું હશે,’ –એમ જાણી ઘણી વાર સેવા કરી ને બાપાશ્રી જરા પોઢી ગયા. થોડી વારે જાગ્યા ત્યારે હરિભક્તોને પાસે બેઠેલા જોઈ બોલ્યા જે, ‘તમે હજી બેઠા છો? રાખો, હવે ઘણું મોડું થઈ ગયું છે, તે ઘેર જાઓ. આ ઘોડીએ તો તમને બધાયને સેવાનો લાભ આપ્યો,’ –એમ કહી સૌના માથે હાથ મૂકી બોલ્યા જે, ‘હવે અમે રોકાશું. તમારી વતી બ્રહ્મચારીએ બહુ તાણ કરી, ઘોડી લાવ્યા હતા તે પાછી મોકલાવી દીધી.’ એમ તેમના પર વધુ પ્રસન્નતા જણાવી પછી જળપાન કરી પોઢ્યા.
ઘોડી લઈ જનાર હરિભક્ત રાત્રે નારાયણપુર પહોંચ્યા પછી તેમની પાસેથી ધનજીભાઈએ સમાચાર સાંભળ્યા કે, ‘બાપાશ્રી ઘોડી પરથી પડી જતાં લૂગડાં બધાં ધૂળવાળાં થયાં હતાં,’ આથી ચિંતા કરતા બીજે દિવસ એ ભૂજ આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રીને દંડવત્ કરી મળ્યા ને પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે પણ ઘોડી બહુ સારી ને સોજી હતી, એવાં બાપાશ્રીએ વખાણ કર્યા ને કહ્યું જે, ‘તમે કાંઈ ચિંતા ન કરો; મને કાંઈ લાગ્યું નથી.’ એ વખતે સંત-હરિભક્તોના આગ્રહથી બાપાશ્રી ભૂજમાં પાંચ દિવસ રોકાણા હતા, તેથી ત્યાંના સંતો તથા ભોગીલાલભાઈ, ધનજીભાઈ, સોની મોતીભાઈ વગેરે નાનામોટા હરિભક્તો મહિમા જાણી કથાવાર્તા તથા સેવા-સમાગમનો લાભ બહુ જ લેતા. બાપાશ્રી પણ તેમને બોલાવતા, મળતા ને વાતો કરી રાજી કરતા.