૩૭૩ - ઘેર બેઠાં દર્શન થયાં
દહીંસરાના ખીમજીભાઈ જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે તેમના પિતા મુક્તરાજ કેસરાભાઈએ અતિ હેત જણાવી તેને એક પછી એક વાતો પૂછવા માંડી, તે ખીમજીભાઈ સંભારી સંભારીને કહેતા આવે. વચમાં કોઈ વાત ભૂલે તો પોતે કહી દે, તેથી આશ્ચર્ય પામતાં ખીમજીભાઈ કહે, ‘બાપા! તમને અહીં બેઠે કેમ ખબર પડી?’ ત્યારે તે કહે, ‘ખીમજી! ૧૯૫૬ની સાલમાં બાપા છપૈયે જવા નીકળ્યા એ વખતે હું સાથે જવા તૈયાર થયો હતો પણ મને પોતે એમ આજ્ઞા કરી જે, ‘તમારો દેહ ખમી નહીં શકે, તેથી તમો અહીં રહો.’ એ ટાણે મારું હૈયું ભરાઈ આવ્યું. તે જોઈ પોતે રાજી થઈને એમ બોલ્યા જે, ‘ભાઈ! દિલગીર ન થાઓ, તમને સાથે આવ્યા જેવું જ સુખ મળશે’ –એમ કહી વચન આપ્યું જે, ‘તમે અહીં રોકાઈ જશો તો તમને ઘેર બેઠાં, અમે જે જે સ્થળે જશું, દર્શન કરશું ને જે જે કરશું તે બધુંય દેખાશે.’ તેથી હું વચન માની સાથે ન ગયો. તે દિવસનું બધુંય મને ઘેર બેઠે દેખાય છે.’ આ વાતથી ખીમજીભાઈને બાપાશ્રીનો અદભુત પ્રતાપ જણાતાં ઘણો જ આનંદ થયો.