૨૯૪ - સંતદાસજીને મૂર્તિ આપી
ત્યાર પછી ફાગણ માસમાં મૂળીથી સ્વામી ભગવતસ્વરૂપદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, સંતદાસજી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદસજીના શિષ્ય સાધુ પુરુષોત્તમપ્રિયદાસજી આદિ સંતમંડળ અને મેથાણના કેશવજીભાઈ તથા લીલાપુરના વલ્લુભાઈ આદિ હરિભક્તો બાપાશ્રીના જોગ-સમાગમ માટે વૃષપુર ગયા હતા, તે વખતે રોજ સવારમાં બાપાશ્રી વહેલા ઊઠી નિત્યવિધિ કરી લેતા. પછી આઠ વાગ્યા સુધી કથા કરાવી થોડી વાર ઘેર જઈ આવી પાછા ઓશરીમાં બેસતા. સંતો કથા વાંચે ત્યારે પોતે ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા હોય તેમ બેસે. ક્યારેક વાતો કરે, પંક્તિ ટાણે સંતોને દંડવત્ કરે, ક્યારેક છાશ, અથાણું ઘેરથી ઉપાડતા આવે, ક્યારેક સંતો પંક્તિમાં ઠાકોરજીને જમાડતા હોય ત્યારે સામા આવી બેસે ને તાણ કરી પીરસાવે. સંત-હરિભક્તો ચંદનપુષ્પથી પૂજા કરે ત્યારે રાજીપો જણાવી પોતે અંગીકાર કરે. બપોરે સંતો નાહવા જાય ત્યારે પોતે ભેળા જાય. વાડીમાં સભા કરી બેસે. રાત્રે સૂતા હોય ત્યાંય ઘણી વાર વાતો કરે. એમ બહુ પ્રકારે સંતોને સુખિયા કરતા.
એક દિવસ સૌને હાથમાં પાણી આપી પોતાનો એક હાથ હેઠે ને બીજો હાથ ઉપર રાખી આશીર્વાદ આપ્યો કે, ‘તમને અમારા ભેળા મૂર્તિમાં રાખશું.’ એ વખતે સંતદાસજી તુંબડું ભરવા ગયેલ હોવાથી તેને પાછળથી ખબર પડી, તેથી પ્રાર્થના કરવા મંડ્યાં ને કહ્યું જે, ‘હું એક રહી ગયો.’ ત્યારે બાપાશ્રીએ તેમનો હાથ ઝાલ્યો એટલે પાણી માગવા મંડ્યાં. બાપાશ્રી કહે, ‘ પાણી શું કરવું છે? પાણી અધિક કે વચન અધિક? લ્યો, આ તમને મૂર્તિ આપી. पृथ्वी चलति तारकाश्चलन्ति, नैव चलति सत्पुरुषवाक्यं धर्मश्च निश्चल:| હવે વિશ્વાસ રાખજો,’ એમ બોલ્યા, ત્યાં તો એમને પાધરી જ અંતર્વૃત્તિ થઈ ગઈ. પછી તો પંક્તિ થઈ તોય જાણે સ્મૃતિ નહિ. બપોરે સંતોએ જરા વાર વિશ્રાંતિ લીધી, ત્યારે પણ આ સંતદાસજી તો એમ ને એમ આંખ્યો મીંચી બેસી જ રહ્યા. પછી કાકરવાડીએ સૌ નાહવા ગયા, તે ભેળા જઈને નાહ્યા તો ખરા, પણ નાહીને બીજા સંતો આંબા નીચે બેઠા, ત્યારે પોતે સૌથી નોખા તડકે જઈને બેઠા. તે જોઈ સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીએ કહ્યું, ‘સંતદાસજી! અહીં આવોને.’ ત્યારે કહે, ‘મને તાવ આવી ગયો છે, તે તડકો ઠીક લાગે છે.’ પછી સંતોએ જોયું તો શરીરમાં તાવ ઘણો હતો, તેથી સહુ મંદિરમાં ગયા ને કૂવા પાસેની ઓરડીમાં આસન કરાવી સૂવાર્યા કે ઊંડા ઊતરી ગયા, તે બોલાવ્યા પણ બોલે નહિ. ઉધરસ બહુ આવે, ત્યારે સંતો પાણીનું પૂછે, તોયે શુદ્ધ નહિ. ઊઠે, બેસે, પડખું ફરે એમ દેહ ની ક્રિયા થાય, પણ બધુંય સ્મૃતિ વિના. જ્યારે બાપાશ્રી આવે ને કાંઈ પૂછે, ત્યારે જવાબ આપે. ક્યારેક પોતે ઘેરથી દૂધ લઈને આવે ને બેઠા કરી કહે, ‘સંતદાસજી! જરા દૂધ પીઓ, આ અક્ષરધામનું દૂધ છે!’ ત્યારે બેઠા થઈ સામું જુએ, એટલે બાપાશ્રી તેમને દૂધ પાય ને પૂછે જે, ‘સ્વામી, શું થાય છે?’ ત્યારે તે એમ બોલે જે, ‘મને મહારાજ ની મૂર્તિ વિના બીજી કાંઈ ખબર પડતી નથી,’ –આમ તેમની સ્થિતિ તદ્દન ફરી ગઈ. પછી જે દિવસ તેમને દેહ મૂકવાનો હતો, તે દિવસ બાપાશ્રીએ થોડાં ગાજર ઘેરથી લાવી પોતાના હાથે સુધાર્યાં ને ઠાકોરજીને જમાડી સંતોને પ્રસાદી આપી બોલ્યા જે, ‘સાધુ બલદેવચરણદાસજી ધામમાં ગયા, ત્યારે સૌને જામફળની પ્રસાદી જમાડી એમનો દા’ડો કર્યો હતો, તેમ આજ સંતદાસજી ધામમાં જવાના છે, તેથી તેનો રાતડીઆનો દા’ડો કરીએ છીએ.’ ત્યારે સ્વામી શ્વેતવૈકુંઠદાસજી કહે, ‘સંતદાસજીનાં ભાગ્ય બહુ મોટાં. એમનું તો કામ પૂરું થઈ ગયું.’ પછી બાપાશ્રી સંતદાસજી પાસે ગયા ને તેમના શરીરે હાથ ફેરવ્યા, બોલાવ્યા, પણ તેને કાંઈ શુદ્ધ નહોતી, તેથી સ્વામી ભગવત્સ્વરૂપદાસજી તથા શ્વેતવૈકુંઠદાસજી આદિને ભલામણ કરી કે, ‘હવે આમની ખબર રાખજો, બહુ વાર નથી,’ એમ કહેવાથી સંતો સર્વે પાસે રહ્યા ને પોતે મંદિરમાં જઈ ધ્યાનમાં બેસી ગયા. થોડી વારે સંતદાસજીને દિવ્ય તેજોમય દર્શન થયાં, તે જાણે અનહદ પ્રકાશમાં શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને અનંત મુક્તો બિરાજે છે ને સર્વેને એક ક્ષણવારમાં અનંત દંડવત્-પ્રદક્ષિણાઓ કરીને મળ્યા, તેથી પોતાને આનંદ આનંદ ને સુખ સુખ થઈ ગયું. પછી બાપાશ્રીને કહેવા લાગ્યા જે, ‘દયા કરી બધાય સંતોને આવા સુખમાં લઈ લ્યોને!’ ત્યારે બાપાશ્રીએ કહ્યું કે, ‘તમે તમારું કરો. વખત આવ્યે સૌને આ સુખ મળશે.’ એવાં વચન સાંભળી પોતે કરગરવા મંડ્યા ને કહ્યું, ‘તમારે ક્યાં વાર લાગે એમ છે?’ ત્યારે બાપાશ્રીએ તેમને આશીર્વાદ આપ્યા કે, ‘સૌને અંતકાળે અમે આ દિવ્ય સુખમાં રાખશું.’ આવાં વચનથી પોતે અત્યંત રાજી થયા ને ઊંડા ઊતરી ગયા. આમ છેલ્લી ઘડીએ મહા અલૌકિક સુખનું વર્ણન કરતાં સંતદાસજીએ તરત દેહ મૂકી દીધો, તેથી મૂળીથી આવેલા સંતો તથા ગામડાના હરિભક્તો સૌ આશ્ચર્ય પામી ગયા.
આ વાતને થોડા દિવસ થયા ત્યાં પાટડીથી મુક્તરાજ નાગજીભાઈ તથા કડીના છગનભાઈ આદિ હરિભક્તો વૃષપુર આવ્યા, તેમને બાપાશ્રીએ સંતદાસજીની વાત વિસ્તારીને કરી, તેથી તે પણ રાજી થયા. પછી તો આ મુક્તમંડળ સવાર-સાંજ નવા નવા બ્રહ્મયજ્ઞ કરતા ને ગામપરગામના ઘણા હરિભક્તો આવી આવીને લાભ લેતા. એમ કરતાં જ્યારે હરિનવમી આવી, ત્યારે સંત-હરિભક્તોએ સહિત અનાદિ મુક્તરાજ બાપાશ્રી ભૂજ દર્શને ગયા.