૧૩૦ - સ્વામીશ્રીનો વિરહ તથા મહિમા
અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને આ સદ્ગુરુ સ્વામીશ્રી સાથે એકત્વ ભાવ હોવાથી, જે વખતે તેમણે અહીં દેહોત્સવ કર્યો તે જ વખતે વૃષપુરમાં પોતાને ખબર પડી, એટલે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ કરતા ઝબકીને ઊઠયા. ભૂજના સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી મંડળે સહિત ત્યાં હતા, તે પણ ભાઈશ્રીના ઊઠવાથી જાગ્યા ને પૂછ્યું જે, ‘ભાઈ! અત્યારે કેમ?’ ત્યારે આ વાત કરી જે, ‘આ ટાણે અમદાવાદમાં આપણા ગુરુ અંતર્ધાન થયા.’ પછી બીજા સંતો તથા ગામના હરિભક્તોને જગાડીને નવરાવ્યા ને ઓશરીમાં બેસીને ભાઈશ્રીએ સંતમંડળ તથા હરિભક્તો આગળ સ્વામીશ્રીના પ્રતાપ ને મહિમાની ઘણી વાર વાતો કરી સૌને ધીરજ આપી. એ વખતે પોતે સ્નાન કરીને બેઠેલા, પણ ચેન પડે નહિ. ઘડીક ઊભા થાય ને ઘડીક બેસે, થોડી વાર માથે વસ્ત્ર ઓઢી જાય, પણ જાણે અંતરમાં ઉદ્વેગ થઈ આવ્યો હોય તેમ જણાયા કરે. આ વાત સ્વામી અક્ષરજીવનદાસજી જાણી ગયા, કે ભાઈશ્રીને સ્વામીશ્રીની વિરહવેદના છે. પછી સવારે સભામાં પોતે સ્વામીશ્રીના પ્રતાપની ઘણી વાતો કરી, પણ ભાઈશ્રી તો જાણે અત્યંત ઉદાસ થઈ ગયા હોય તેમ બેઠેલા. સ્વામી કહે, ‘ભાઈ! આવા પુરુષની આપણે ઘણી ખામી આવી, જેની કૃપાએ અનેક જીવ સુખિયા થઈ જતા, એવા મોટા સંત હવે ક્યાંથી મળે? પણ જેમ શ્રીજીમહારાજ રાખે તેમ સૌએ રાજી રહેવું. એ તો મહારાજના સુખમાં પહોંચ્યા, પણ આપણને એ દુર્લભ થયા.’ પછી એમ વાત કરી જે, ‘ભૂજમાં સભામંડપ થયો તે વખતે સંતો-હરિભક્તો સેવા કરતા. તેની પોતે દેખરેખ રાખતા ને પાસે કથાવાર્તાનો અખાડો તો ચાલ્યા જ કરતો; તોપણ પોતાને તાણ રહી જે, આ વખતે સંત-હરિભક્તો વાતોચીતોનું સુખ બહુ લઈ ન શક્યા તેથી પોતે અમદાવાદ જઈને પાછા આવ્યા ને કહ્યું જે, આ ફેરે બાર મહિના તો કથાવાર્તા જ કરવી છે. પછી એવું પ્રકરણ ચલાવ્યું જે કોઈ ગ્રામવાર્તા તો કરી શકે જ નહિ. ગામડેથી હરિભક્તો સમાગમ કરવા આવે તેને પણ ત્યાગની જ રીત. સવારે, બપોરે, સાંજે, રાત્રે, સભા બેઠી જ હોય! એ વખતે ભાઈશ્રી બોલ્યા જે, ‘સ્વામી! એમની શું વાત કહેવી? એ તો એ જ! અહીં બેઠા હોય ને કેટલાયને ધામમાં મૂકી આવે.’
એક વખત પોતે મંડળે સહિત અહીં વૃષપુરમાં હતા, તે વખતે કપડવંજમાં ગણેશભાઈએ દેહ મૂક્યો, ત્યારે સવારમાં એક કલાક સુધી સાધુ કથા વાંચતા હતા ને પોતે ધ્યાન કરતા હતા, પછી જાગીને ઘણીવાર વાતો કરી. થોડીવાર થઈ ત્યારે મેં પૂછ્યું જે, ‘સ્વામી! આજ તો બહુ ધ્યાન કર્યું?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘ગણેશભાઈએ મારી પાસે વચન માગ્યું હતું જે, અંત વખતે મને દર્શન દઈને તેડી જજો,’ તે આ ટાણે એમણે દેહ મૂક્યો, તેથી મહારાજના સુખમાં મૂકી દીધા.’ આવી વાત દેહધારી ક્યાંથી જાણી શકે?
એક વખત સ્વામીશ્રી મને કહે,’ભાઈ! કચ્છમાં શ્રીજીમહારાજ સાત વર્ષ સુધી જ્યાં જ્યાં વિચાર્યા છે એ બધે ઠેકાણે જાણે દર્શન કરવા જાઉં; આમ ઘણી વાર મને વિચાર થાય છે.’ ત્યારે મેં કહ્યું,’સ્વામી! તમારું શરીર ખમે નહિ ને બધે પહોંચાય નહિ, એ કરતાં અહીં બેઠા જ દર્શન કરોને!’ આમ કહ્યું, એ જ વખતે પોતે ઊંડા ઊતરી ગયા. થોડી વારે જાગી ને કહે, ‘તમારી કૃપાથી મારે બધેય દર્શન થઈ ગયાં ને સર્વે સ્થાન દિવ્ય તેજોમય જણાયા’, (આવી તો એમની અનેક વાતો છે.), એમ કહ્યું, પછી હરિભક્તો ઊઠ્યા.
ત્યાર પછી ભાઈશ્રી ઘેર જઈ ‘મારે આજ જમવાનું નથી’ એમ કહીને સૂતા. ઘરમાં ને ગામમાં તો સહુ જાણતું હતું જે, ‘ભાઈશ્રી માંદા હતા ને સત્તાવીશ દિવસ સુધી જમ્યા નહોતા, તે દિવસે જ એમને બદલે સ્વામીશ્રી એ પોતાને જવાનું નક્કી કર્યું હતું’ તે સ્વામીશ્રીનો આ મુક્તરાજ ને આજ વિરહ છે.’
પછી સાંજે જાગ્યા ત્યારે મંદિર ગયા. રાત્રે પણ એમ ને એમ શરીરમાં મંદવાડ હોય તેમ બેસી રહ્યા. બીજે દિવસ પણ એ જ રીત. ઘર માં તો કહી દીધું જે, ‘મારે આજ ને કાલ બે દિવસ હજુ જમવાનું નથી.’ એમ ત્રણ દિવસ સુધી ઉપવાસ કરીને વિરહનું દુઃખ જણાવ્યું. પછી ચોથે દિવસે ઠાકોરજી જમાડ્યા. પોતે અખંડ મૂર્તિ માં જોડાઈ રહેતા ને સ્વામીશ્રી ને પણ દિવ્ય તેજોમય મૂર્તિમાં દેખતા, તો પણ મોટા મુક્ત અદૃશ્ય થાય, ત્યારે આ લોકમાં અનંત જીવોના મોક્ષનું દ્વાર બંધ થયું, તેથી મોટી ખામી આવી એમ જણાવ્યું.