૧૬ - કરાંચીમાંથી પાછા વળી આવ્યા
એક વખત વૃષપુરમાંથી ચાર-પાંચ હરિભક્તો કરાંચી કમાવા જતા હતા. તે વખતે પાંચાભાઈને એમ થયું જે, અહીં વાડીમાંથી કાંઈ એવી ઊપજ થતી નથી, ને દેણું વધી પડ્યું છે, તેથી કોઈ માણસ રાખીને એકાદ વરસ કરાંચી રહી આવ્યા હોઈએ તો દેણું ઊતરે. પછી આ અનાદિ મુક્તરાજને સાથે લેવાનો વિચાર કર્યો. દેવબાઈને તો પ્રાણસમાન આ પુત્ર વહાલા હતા, તેથી કહ્યું જે, ‘તમે એકલા જાઓ, આને શહેરમાં નહિ ફાવે.’ એવાં ઘણાં ઘણાં વચનો કહ્યાં, પરંતુ પાંચાભાઈને એમ જે, બાપદીકરો બેય કમાઈએ તો એકાદ વરસમાં દેણું હલકું થાય. દેવબાઈ તો કહેતાં જ રહ્યાં, પણ પાંચાભાઈ તો બીજાને વાડી સોંપી આ મુક્તરાજને સાથે લઈ વહાણમાં બેસી કરાંચી પહોંચ્યા. એ વખતે શહેરમાં કામ ચાલતાં હતાં, મંદિર નાનું હતું પણ પાસે રહેવાની સાનુકૂળતા થવાથી એ રાજી થયા. થોડા દિવસ પછી કોઈએ એમ વાત કરી જે, આ ગામમાં મુસલમાનની વસ્તી ઘણી ને અભક્ષ વસ્તુ બજારમાં વેચવા નીકળે, એ બહુ દુઃખ. આવું સાંભળી આ મુક્તરાજ તો મંદિરના ઓરડાથી બહાર નીકળે નહિ. પાંચાભાઈ તથા સાથે કમાવા આવેલા હરિભક્તો ઘણા સમજાવે કે, એવું નથી, ગામમાં આપણી વસ્તી હોય ત્યાં એ ન આવે, એ તો જેવાતેવા મનુષ્ય રહેતા હોય ત્યાં વેચે, પણ આમને તો એવી સૂગ પેસી ગઈ કે, ઘણુંયે સમજાવવા છતાં એ વખતે બહુ બહાર નીકળ્યા જ નહિ. છેવટે થોડા દિવસ રહી બન્ને પાછા વૃષપુર આવ્યા, તેથી દેવબાઈ પોતાના પુત્રને જોઈ અત્યંત રાજી થયાં.