૫૪ - નવું ચરિત્ર!
એ વાતને હજુ થોડા દિવસ થયા નહોતા ત્યાં તો ભાઈશ્રીએ વળી એક નવું ચરિત્ર કર્યું. કેરાગઢમાં એક હરિભક્ત દેહ મૂકી ગયેલ, તેનું કારજ હતું. તેમાં ટપ્પર, સુરજાપર, વૃષપુર એટલાં ગામનાંને જમવાનું હતું. તેથી સૌને નોતરાં ફેરવ્યાં; મુક્તરાજ ભાઈશ્રીને મળીને કહેવું હતું પણ પોતે વાડીએ કે ઘેર મળ્યા નહિ, તેથી તેમની દીકરી વાલબાઈને કહ્યું કે, ‘ભાઈને જમવા મૂકજો.’ ત્યારે તે કહે, ‘ભલે! હું વાડીએ જાઉ છું તે કહીશ,’ એમ કહીને તે વાડીએ ગયાં, ત્યાં તો ભાઈશ્રીને સમાધિ થઈ ગયેલ, તે એક કોરે પડ્યા હતા. આ દીકરીએ જોયું, હલાવ્યા, બોલાવ્યા, પણ કોણ હલે કે બોલે! એણે તો પાધરું રોવા જ માંડ્યું. થોડી વાર પછી વિચાર આવ્યો જે, ‘એમને સમાધિ થાય છે તે સમાધિમાં તો નહિ જતા રહ્યા હોય? હવે ઘેર કઈ રીતે આવશે? પછી હિંમત કરી પડખે ગાડું પડેલ તે ઉલાળી, પૈડે પાણા ભરાવી હાથેથી ખેંચી, ખસેડી ખસેડીને માંડ માંડ ગાડામાં ચડાવ્યા, પછી ગાડે બળદ જોડીને ઘેર લઈ જવા હાંકવા માંડ્યું; પણ મનમાં એમ થાય જે, ‘મારા બાપને આવડું બધું શું થઈ ગયું હશે. કેવી ખબર! બેઠા તો થશે ને?’ એમ વિચાર કરતાં વળી રૂવે ને ગાડું હાંકે. માર્ગમાં ચાલતાં ગોવિંદ ભક્ત સામા મળ્યા, તેણે આ મુક્તરાજને જોઈને વાલબાઈને પૂછ્યું કે, ‘આમ કેમ?’ ત્યાં તો તેનું હૈયું વધુ ભરાઈ આવ્યું ને ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું. પછી ગોવિંદ ભક્તે જાણ્યું જે, ‘આ દીકરી ગભરાઈ ગયેલ છે,’ તેથી તેના હાથમાંથી રાશ લઈ પોતે ગાડું હાંકીને ઘેર લાવ્યા. ત્યાં તો ઘેર પણ કોઈ નહિ. એક દેવુબા હતાં. બીજાં બહેનો વગેરે કેરે જમવા ગયેલાં. આથી મુક્તરાજ ભાઈશ્રીની આવી સ્થિતિ વિષે ગોવિંદ ભક્તે દેવુબાને પૂછ્યું કે, ‘આમ ક્યારેય થાય છે?’ પણ એ તો રોવા લાગ્યાં ને કાંઈ બોલે નહિ. આ દીકરી વાલબાઈ તો પ્રથમથી જ રોતાં હતાં, તે પણ એમ ને એમ બેસી રહ્યાં, તેથી ગોવિંદ ભક્તે ઘરમાં સુવારી માથે લૂગડું ઓઢાડી મૂક્યું. અને અટકળ કરી કે માર્ગમાં ઝાંખું પટ (મેલી જમીન) છે, ત્યાં ચાલ્યા હોય ને કાંઈક થઈ ગયું હોય તો કેવી ખબર! પણ એમ હોય નહિ, કેમ કે આ પોતે મહા સમર્થ છે, તેથી કોઈને ગણતા નથી. પછી ગામના માણસો તથા હરિભક્તોને ખબર પડતાં, એ સૌ આવ્યા ને જુદું જુદું કહેવા લાગ્યા. થોડી વાર ધૂન્ય કરી, ઘીનો દીવો કર્યો. કોઈએ નારાયણકવચ ને હનુમાનસ્તોત્રના પાઠ કર્યા, પણ જરાયે ફેર પડ્યો નહિ. ત્રણ દિવસ સુધી એમ ને એમ વાટ જોઈ, પછી ઘરમાંથી સૌ થાક્યા ને ભૂજ સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી હતા તેમને માણસ મોકલીને આ બધી વાત જણાવી, ત્યારે સ્વામીએ કહાવ્યું જે, ‘કાંઈ કરશો મા! એ તો સમાધિમાં જતા રહ્યા હશે.’ પછી ચોથે દિવસે સાંજના પોતાની મેળે જાગીને બેઠા થયા. તે જોઈ ઘરમાં બહેન, દીકરીઓ સૌ રાજી થયાં. પછી નહાઈ પૂજા કરી એટલે દેવુબાએ બાજરાનો રોટલો ઘી-ગોળમાં ચોળીને ઠાકોરજીને જમાડીને આપ્યો, તેમાંથી થોડુંક જમ્યા. પછી મંદિર જઈ દર્શન કરી આવ્યા; પણ કાંઈ બોલે નહિ. જે કોઈ પૂછે તેના સામું જોઈ રહે. થોડી વારે સૂઈ ગયા. પડખું ફર્યા, બેઠા થયાં, તેથી ઘરમાં સૌને એમ જે ચાર દિવસ થયા સમાધિને લીધે કાંઈ ખાધુંપીધું નથી, તે કંઠ ઝલાઈ ગયો હશે.
બીજો દિવસ થયો ત્યાં તો સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી ભૂજથી પધાર્યા. ગામમાં તો આ સમાધિથી હાહાકાર થઈ ગયો હતો. કેટલાક ગામોમાં પણ એવી ખબર પહોંચી ગઈ જે, ‘ભાઈશ્રીને કાંઈક થઈ ગયું છે!’ સ્વામીશ્રીએ તો આવતાંની સાથે હરિભક્તોને ઘેર મોકલી મુક્તરાજને બોલાવ્યા ને એકાંતે બેસારી બધું પૂછવા માંડ્યું. ત્યારે પણ બહુ બોલ્યા નહિ. પછી થોડી વાર થઈ એટલે પોતાની મેળે ઊઠી દંડવત્ કર્યા. ત્યારે સ્વામીશ્રીએ ઝાલી રાખ્યા ને કહ્યું જે, ‘આ શું?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘આપ બધુંય જાણો છો, સદાય મહારાજ ભેળા છો, ને મને કેમ પૂછો છો?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘તમે આ બધાયને બીવરામણી દેખાડી હતી કે શું?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘ના સ્વામી, ખરી વાત એ છે જે, લોક બધા જેમતેમ શબ્દ બોલતા હતા, તેથી ધામમાં જતું રહેવું એવો વિચાર હતો. પણ મહારાજને રાખવા છે, એટલે શું કરવું? જેમ એમની મરજી. કોઈ કહે મેલી જગ્યામાં ચાલ્યા હશે! અને કોઈ કહે પાઠ કરો, કોઈ વળી કેમ બોલે, એ બધું કોણ સાંભળે? આપણે તો મૂર્તિ વિના કાંઈ ન હોય ને અજ્ઞાની લોકને એ વાતની ખબર નહિ, તેથી શું કરવું?’ આવા વચન સાંભળી સ્વામીશ્રી બહુ રાજી થયા, ને સભામાં હરિભક્તોને આ મુક્તરાજના મહિમાની ઘણી વાતો કરી. કેટલાક અજાણ્યે મનમાં આવે તેમ બોલતા હતા તે સૌને મહારાજ પાસે માફી માંગવાનું કહ્યું, પછી પોતે બીજે દિવસ ભાઈશ્રીને મળી આ લોકમાંથી ઉદાસ ન થવાની ભલામણ કરી ભૂજ પધાર્યા. આ સમાધિથી ભાઈશ્રી વધુ પ્રસિદ્ધ થયાં.
અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની આમ ઉત્કૃષ્ટતા વધતી જોઈને એ જ ગામની એક બાઈથી તે સહન ન થયું. તેણે ભાઈશ્રીના નામથી જૂઠી વાત કરવા માંડી. એ સાંભળી પોતે બહુ ઉદાસ થઈ ગયા, તે પાંચછ દિવસ થયા, પણ જમે જ નહિ. ઘરમાં તથા સગાંવહાલાં સૌ હાથ જોડે, પ્રાર્થના કરે, ‘ભાઈ, અજ્ઞાની બોલે તેના કેવા ઓરતા? જુઓને આગળ દુષ્ટ જીવો, શ્રીજીમહારાજ ભગવાન હતા તોય કેટલું કરતા! મોટા મોટા સંતોને પણ દુઃખ દેતા, આળ્યું નાખતા, ગામમાંથી કાઢી મૂકતા, તિરસ્કાર કરતા. આપણને હજુ એવું કાંઈ થયું છે? આવા આસુરી જીવની વાત સાંભળે કોણ?’ એમ સમજાવીને જમવાનું કહે. પણ ભાઈશ્રી માને નહિ. એક દિવસ પોતાને એમ થયું જે, ‘આ વાતનો નિર્ણય હું ભૂજ જઈને કરી આવું તો ઠીક.’ પછી પોતે ચાલીને ભૂજ ગયા. તે વખતે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તથા સ્વામી અક્ષરજીવનદાસજી એ બન્ને ત્યાં હતા. તેમને દંડવત્ કરી આ વાત કહી સંભળાવી ને કહ્યું જે, ‘હવે નિર્ણય કરવો હોય તે કરો. આજ છ દિવસ થયા જમવાનું બંધ છે.’ આ સાંભળી સદ્ગુરુ નિર્ગુણદાસજી ઘણા દિલગીર થયા ને પૃથ્વી ઉપર હાથ પછાડી બોલ્યા જે, ‘તમારી જૂઠી જૂઠી વાતો કરનાર કોણ? તમને આવી રીતે દુ:ખવનાર સાત જન્મ ધરે તોય મોક્ષ ન થાય. એ જીવે તેના સાત જન્મ ખોટા કરી નાખ્યા.’ આ વાતથી અક્ષરજીવનદાસજી સ્વામી તથા સંતોને પણ ઘણું માઠું લાગ્યું. ભાઈશ્રી તો ઠાકોરજી પાસે જઈને બેઠા. સ્વામીશ્રીએ જાણ્યું જે, ‘આવા મહા મુક્ત આ લોકમાંથી ઉદાસ થઈ અદૃશ્ય થશે તો અનેક જીવના મોક્ષનું દ્વાર બંધ થઈ જશે,’ એમ જાણી આસને બેસાડી મહારાજ તથા મોટા મુક્તના પ્રતાપની ઘણી વાતો કરી, ધીરજ આપી ને પાસે બેસી જમાડ્યા. પછી બીજે દિવસે સમજાવી વૃષપુર મોકલ્યા.
આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રી તો સદાય મહારાજના સુખે સુખિયા હોવાથી તેમને માન-અપમાન કે રાગ-દ્વેષનું શું હોય? નિંદા-સ્તુતિ જેમને સમાન થઈ ગયાં છે, તેમને આવી રીતે કોઈ દ્વેષથી વાત કરે, એટલામાં આવું દુઃખ કેમ થાય? પણ મોટા મુક્તોને અનેક જીવને શ્રીજીમહારાજના વચનમાં વર્તાવવાનું તાન હોવાથી પોતે એ રીતે વર્તી બતાવે, ત્યારે બીજા જીવ એ માર્ગે ચાલે. આ વાતમાં આપણે એ જોવાનું છે કે કોઈ દ્વેષી જીવે ફક્ત અસત્ય વાત કરી તેમાં જેને આટલું બધું દુઃખ લાગ્યું, ત્યારે તેમને ધર્મ પાળવા-પળાવવા ઉપર તથા મહારાજની નાની મોટી આજ્ઞામાં વર્તવા-વર્તાવવા ઉપર કેવું તાન હશે?
થોડો સમય વીત્યા પછી ભાઈશ્રીને ઘેર નાના પુત્ર મનજીભાઈનો જન્મ થયો. હજુ તેને દોઢબે મહિના માંડ થયા હશે, ત્યાં તો દેવુબા તેને તેડીને વાડીએ આવ્યાં. થોડી વાર થઈ એટલે પોતાની દીકરી વાલબાઈને એ પુત્ર રમાડવા આપી પોતે વાડીમાં આંટો દેવા ગયા. વાલબાઈ તો રમાડતાં રમાડતાં થાકીને, ભાઈને લૂગડામાં ભોંય સુવાર્યો. પડખે ક્યારામાં પાણી છલી જતું જોઈને તે સરખું કરવા ગયાં, એટલામાં એક નોળીઓ આવ્યો, તે આ બાળક ને સૂંઘવા મંડ્યો. તેના પર ભાઈશ્રીની છેટેથી નજર પડી એટલે હાકલ મારી પોતે દોડતા આવ્યા. તેથી એ નોળીઓ ચાલ્યો ગયો. પછી વાલબાઈને જરા ઉતાવળા ઠપકો દેતા વઢ્યા કે, ‘હમણાં એ છોકરાને નોળીઓ લઈ ગયો હોત! તું ક્યાં ફરતી હતી?’ એમ કહી દેવુબાને એ પુત્ર લઈ લેવા કહ્યું. પછી સાંજે ઘેર ગયા, ત્યારે એ દીકરીને પાસે બેસારી તે રાજી થાય, એવી વાતો કરી પ્રસાદી આપી. બે દિવસ પછી ભૂજથી સંતો આવ્યા, ત્યારે તેમને પૂછયું જે, ‘મારાથી ઉતાવળું બોલી અમારી દીકરીને વઢી લેવાણું છે, તેનું શું કરવું ખપે?’ ત્યારે સંતો કહે, ‘એમાં શું? એ તો વ્યવહારમાં રહ્યા હોય તેને એમ થઈ જાય, એનું કાંઈ નહિ. તમારાં હિતનાં વચન દીકરીએ સાંભળ્યાં તે એનાં મોટાં ભાગ્ય,’ તોપણ જ્યારે કોઈ એવો પ્રસંગ હોય ત્યારે પોતે એ વાત જણાવીને કહેતા જે, ‘એક વખત મારાથી આટલી ભૂલ થઈ હતી.’ ( આમાં પણ પોતાના નિમિત્તે શ્રીજીમહારાજના વચનમાં ખટકો રાખવાનો સચોટ ઉપદેશ છે. )