૬૪૨ - ઘોડીથી પડી જતાં સેવા તથા પરોપકારભાવ
થોડા દિવસ પછી વળી ધનજીભાઈને પગે બહુ પીડા થવા માંડી તેના ખબર આવતાં, બાપાશ્રી ઘોડીએ બેસી તેમને જોવા નારાયણપુર ગયા ને પાસે બેસીને પૂછ્યું જે, ‘ધનજી! કેમ છે?’ ત્યારે તે કહે, ‘બાપા! પીડા બહુ થાય છે તે ખમાતી નથી. કોણ જાણે શુંયે થઈ ગયું છે!’ એમ કહી દિલગીર થઈ ગયા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘હવે ત્રણ દિવસે મટી જશે અને પીડા નહિ થાય.’ એમ આશીર્વાદ આપી તુરત જ ઘોડીએ બેસી પાછા વૃષપુરમાં પોતાની વાડીએ જ્યાં દરરોજ ઘોડી બાંધતા હતા ત્યાં આવ્યા પણ પડખે ગાડું પડેલું તેની ઊંપળીમાં ઘોડીના સામાનનું પેગડું અટકી રહેલું તેની ખબર નહિ ને ઘોડી આગળ ચલાવે પણ ચાલે નહિ, એ જોઈ તેમના પૌત્ર માવજીએ આગળ આવી ચોકડું ઝાલી જોરથી ઘોડી હાંકતાં એ ચમકી તેથી ગાડું તણાણું અને બાપાશ્રી ઉપરથી પડી ગયા, તે ડાબા ખંભા પાસે ગળાની હાંસડીમાં બહુ વાગ્યું. ખબર પડતાં વાડીમાંથી પોતાના પુત્રો દોડી આવ્યા ને બાપાશ્રીને ખાટલામાં સુવાર્યા, ત્યાં તો ઝીણા પટેલ તથા આણદા કેરાઈ આદિ હરિભક્તો જોવા આવતાં, મૂઢ માર બહુ થયેલો જાણી, આંબાહળદર તથા સાજીખારનો પાટો બાંધ્યો અને ઉપર ગરમ પાણીથી શેક કરવા માંડ્યો; પછી મોડેથી માંચીમાં બેસારી મંદિરમાં લાવ્યા, ત્યાં પણ સહુ સેવા કરવા લાગ્યા.
બીજે દિવસ ભૂજમાં ખબર પડતાં સોની મોતીભાઈ તથા પુરાણી કેશવપ્રિયદાસજી પોતાના સાધુ સાથે આવ્યા, ત્યાં તો પૌત્ર જાદવજી અને સેવક પ્રેમજી બેય શેક કરતા હતા અને બાપાશ્રી જાણે અંતર્વૃત્તિ કરી ગયા હોય તેમ સૂતા હતા. પછી એ સૌએ દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કર્યા ત્યારે પોતે તેમને સૂતા સૂતા મળ્યા ને માથે હાથ મૂકી પ્રસન્નતા જણાવી. પછી એ સહુએ આખી રાત એમ ને એમ શેક ચાલતો રાખ્યો.
બીજે દિવસ બપોરે બાપાશ્રી બેઠા થઈને કહેવા લાગ્યા જે, ‘પુરાણી! મને શેક બહુ થયો કે પછી ગમે તેમ, પણ ગરમી બહુ થાય છે, તે કાંઈ ટાઢક થાય એવું કરો તો ઠીક.’ આ વચન સાંભળી બાપાશ્રીના પુત્રો તથા મોતીભાઈ અને સંતોએ મળી ઓસરીના બે થાંભલે દોરડાં બાંધી ઉપર લૂગડાં નાખી તે પર પાણી છાંટવા માંડ્યું, એટલે વાયરો ટાઢો આવતાં પોતે રાજી થયા ને કહ્યું જે, ‘હવે ઠીક લાગે છે.’ એમ કરતાં ત્રણ દિવસ થયા ત્યારે નારાયણપુરમાં ધનજીભાઈના પગની પીડા મટી જવાથી એ ગાડે બેસી બાપાશ્રીને જોવા આવ્યા ને દંડવત્ કરી કહ્યું જે, ‘બાપા! તમે મને સાજો કરી ગયા ને તમને તો બહુ જ વાગ્યું છે.’ એમ કહેતાં રોઈ પડ્યા. ત્યારે બાપાશ્રીએ હિંમતનાં વચનો કહ્યાં કે, ‘ધનજી બચ્ચા! અમારે ક્યાં દુઃખ હતું! અમે તો બીજાના સુખ અર્થે દુઃખ લીધું છે. આટલામાં તો કેટલાયને સેવા થશે ને કલ્યાણ થશે.’ એમ કહી તેમના માથે હાથ મૂકી રાજી કર્યા.
ત્યાર પછી બે દિવસ થયા ત્યારે ભૂજના સંતો ગામડાંમાં હતા, તે બાપાશ્રીને જોવા આવ્યા ને દર્શન કરી પૂછ્યું જે, ‘બાપા! તમને બહુ લાગી ગયું! પીડા કેવીક થાય છે?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘દુઃખાવો તો એવો થાય છે કે જો દેહમાં રહીએ તો પીડા ખમાય નહિ, પણ અમે તો મૂર્તિમાં જોડાઈ જઈએ છીએ એટલે કાંઈ જણાતું નથી.’ એવાં દિવ્યભાવનાં વચનથી સંતો રાજી થયા.