૩૦૧ - વડનો મોક્ષ કર્યો
ત્યાર પછી થોડા દિવસ બાપાશ્રી સવારમાં પોતાનું નિત્યનિયમ કરી કથાવાર્તા કરતા, બપોરે વાડીએ જતા ને રાત્રે સભામાં કે આસને હરિભક્તોને વાતો કરી સુખિયા કરતા હતા ત્યાં જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. તે દિવસ પોતે સવારમાં પૂજા કરી હરિભક્તોએ સહિત ભૂજ જવા નીકળ્યા. દિવસ ઉઘાડો હતો પણ ભારાપર પહોંચ્યા ત્યાં તો વાદળાંની ઘટા ચડી ગઈ, વાયુ વાયો, પક્ષીઓ કલાહોલ કરવા મંડ્યા ને અંધકાર જેવું થઈ જતાં સાથે હરિભક્તો હતા તે કહેવા લાગ્યા જે, ‘બાપા! કેમ થશે?’ ત્યારે કહે, ‘વરસાદ તો થાય તેમ લાગે છે, આપણે થોડી વાર બેસીએ તો ઠીક.’ પછી વાડીઓની નજીક એક વડનું મોટું ઝાડ દેખ્યું ત્યાં ગયા. ત્યાં તો વરસાદ બહુ જ મોટે ફોરે વરસવા લાગ્યો તેથી એમ ને એમ પછેડી ઓઢી એ ઝાડને ઓથે સૌ બેસી રહ્યા. વરસાદ થોડી વાર વરસ્યા પછી ઉઘાડ થયો, એટલે સૌએ ચાલવાનું કર્યું ત્યારે પોતે અડખેપડખે પાણી ભરાયેલ હતું તેમાંથી ચાપું ભરીને એ ઝાડને વર્તમાન ધરાવ્યા ને બોલ્યા જે, ‘વરસાદ વરસ્યો તેમાં આ વડનું કામ થઈ ગયું.’