૫૨૭ - સવંત ૧૯૭૯ના મહા વદમાં કરાંચીમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી પધાર્યા તે સમયનું વર્ણન

0:000:00

-: પૂર્વછાયો :-

કરાંચીમાંહી પધારિયા મહા મુક્ત અનાદિ જેહ,

સુખ આપ્યું બહુ જનને કહું સંક્ષેપે કરી તેહ. . . .૧

વૃષપુર થકી ચાલિયા, આવ્યા મૂળી ધામ મોઝાર,

તિયાં પ્રતાપ જણાવિયો એક જીભે ન થાય ઉચાર. . . .૨

મહા મોટો યજ્ઞ થયો, જેમાં વિઘન હતાં અનેક,

તેહ બાપના પ્રતાપથી નડી શક્યું ન વિઘન એક. . . .૩

પ્રથમ જેતલપુરમાં દ્વિજે કર્યો હતો જે ઉપાય,

ઘૃતનાં ગાડાં રોકિયાં પણ કરી શ્રીહરિએ સહાય. . . .૪

તેવી જ રીતે આ યજ્ઞમાં બંધ કરાવવાને કાજ,

મણા ન રાખી બહુ કર્યું, શ્રીજીમહારાજે રાખી લાજ. . . .૫

પૂરો કરાવિયો યજ્ઞ ને બાપા ફર્યા ગુર્જર દેશ,

કંઈક જનને સુખ આપિયાં રૂડો આપીને ઉપદેશ. . . .૬

અમદાવાદ પધારિયા કર્યાં શ્રીજી તણાં દરશન,

ઊતર્યા બાપાશ્રી ગામમાં ભાઈ બળદેવને ભૂવન. . . .૭

તેહ સમે બાપા ઉપરે પત્ર આવ્યો કરાંચીનો એક,

દીન વચન હરિભક્તનાં કરગરી લખેલ વિવેક. . . .૮

દયાળુ દયા કરીને તમે પધારો કરાંચી ગામ,

ઘણા દિવસની આશ છે તે પૂરો હૈયાની હામ. . . .૯

વળી તમને તેડવા લીળુબાઈ આદિ હરિજન,

તિયાં આવ્યાં તમ પાસળે સ્તુતિ કરે છે નિશદન. . . .૧૦

જાણી પોતાના અમને દયા કરી પધારજો આપ,

સુખ થાશે જ્યારે આવશો ટળી જાશે ત્રિવિધ તાપ. . . .૧૧

થોડું લખ્યું બહુ માનજો, દયા કરી દીન દયાળ,

સુખ થાય તેવો આપજો પ્રતિ ઉત્તર જનપ્રતિપાળ. . . .૧૨

ચોપાઈ

પત્ર આવ્યો ટપાલમાં જ્યારે, પૂછ્યું સંતોને બાપાએ ત્યારે;

કેમ કરશું હે મુનિજન, ત્યારે બોલ્યા મુનિઓ વચન . . .૧૩

કરાંચીના હરિજનો જેહ, તેને છે અતિ આપમાં સ્નેહ;

આપનો છે મહિમા અપાર, માટે જાવું ઘટે નિરધાર . . .૧૪

પછી કહ્યું લીળુબાને એમ, તમે રાજી થાઓ બાઈઓ કેમ;

પછી મોંઘીબા કે બાપા જ્યારે, રાજી થાશું પધારશો ત્યારે . . .૧૫

પછી આપ્યું બાઈઓને વચન, સુણી બાઈઓ તે થયા મગન;

પછી તર્ત કરાવીયો તાર, બાપા પધારે છે નિરધાર . . .૧૬

રેલગાડીમાં બેઠા છે આપ, ભેળા સંત અતિ નિષ્પાપ;

આવ્યો તાર વાંચ્યો જને જ્યારે, વાધ્યો ઉચ્છરંગ અતિ ત્યારે . . .૧૭

અહોભાગ્ય માની સહુ જન, અતિ પ્રફુલ્લિત થયાં મન;

તાર વાંચી ભૂલ્યા તનભાન, ભૂલી ગયા ખાવું ખાનપાન . . .૧૮

એકબીજાને ચેતાવા કાજ, બાપા પધારે છે નક્કી આજ;

સમા જવાનું સહુને નક્કી, બાપા પધારે છે વાત પક્કી . . .૧૯

કોઈ હરિજન લેવા હાર, ગયા ગામ માંહી નિરધાર;

કોઈ મોટર ને ઘોડાવેલ, ઘણી ગાડિયું લઈ ગયા રેલ . . .૨૦

પુષ્પહાર લઈ હરિજન, સામા ગયા રાજી થઈ મન;

આખા શહેરમાં ફેલાણી વાત, આવે છે અબજીભાઈ તાત . . .૨૧

જેનો મહિમા અતિ અપાર, સત્સંગ તણા શણગાર;

એવા અબજીભાઈ છે જેહ, ભાઈઓ આજ પધારે છે તેહ . . .૨૨

સુણી વાત સહુ બાઈ-ભાઈ, એકબીજાને કહે વધાઈ;

હરિજનને હરખ ન માય, ક્યારે બાપાનાં દર્શન થાય . . .૨૩

પછી સામૈયું લઈ હરિજન, બહુ જન ગયા છે સ્ટેશન;

થઈ મનુષ્યની ભીડ ભારી, જોવા આવ્યાં ઘણાં નરનારી . . .૨૪

ત્યાં તો આવી રેલગાડી જ્યારે, બાપા ઊતર્યા રેલથી ત્યારે;

હરિજને પહેરાવિયા હાર, સ્તુતિ કરી અતિશે અપાર . . .૨૫

ગદગદ સ્વરે કરી પ્રણામ, ઘણે હેતે પૂરી હૈયે હામ;

પુષ્પવૃષ્ટિ કરે બાપા માથે, હેતેશું વધાવે સહુ હાથે . . .૨૬

આકાશમાં વૃષ્ટિ કરે દેવ, ભવ બ્રહ્મા આદિ તતખેવ;

જાણી મોટા આવ્યા સુર સહુ, તે સમાની શોભા હું શું કહું . . .૨૭

પછી બેઠા મોટરમાં આપ, સાથે સંત બેઠા નિષ્પાપ;

સદગુરુ જીવનઘનશ્યામ, સ્વામી ઈશ્વરચરણ નામ . . .૨૮

પુરાણી ધર્મકિશોરદાસ, આશાભાઈ બેઠા બાપા પાસ;

વળી સંત હતા સાથે જેહ, બીજી ગાડિયુંમાં બેઠા તેહ . . .૨૯

પછી ચાલ્યા ધીરે ધીરે ગાતા, અતિ આનંદ ઉત્સવ થાતા;

કીર્તનો હરિજન ગાય, સૌના હૈયામાં હરખ ન માય . . .૩૦

થાય આનંદઉત્સવ ભારી, જોવા આવ્યાં બહુ નરનારી;

કરે શહેરમાં સહુ દરશન, જાણી મહિમા પોતાને મન . . .૩૧

ઘણી ખમા બોલે જય-જય, વાધ્યો આનંદ તે અતિશય;

આજે મુક્ત પધાર્યા છે જેહ, સહુ કહે હરિરૂપ તેહ . . .૩૨

જેના ઉપર દૃષ્ટિ કરે છે, જન્મ સફળ તેનો કરે છે;

હેતે સહિત કરે પ્રણામ, તેને આપે છે અક્ષરધામ . . .૩૩

એવા મુક્ત પધાર્યા છે આજ, બહુ જીવનાં કરવા કાજ;

માટે સેવા કરો રૂડી રીત, જોગ કરી લ્યો થઈ ખચીત . . .૩૪

બાપા રાજી થાય વળી જેમ, સેવા કરી લિયો સહુ તેમ;

આજ અવસર આવ્યો છે એવો, ઘેર બેઠાં મળે પ્રભુ તેવો . . .૩૫

એમ કહેતાં ગાતાં કીર્તન, કરતા પવિત્ર ગામ સઘન;

કરતા સ્વામિનારાયણ ઉચ્ચાર, તાલી પાડીને વારંવાર . . .૩૬

સહજાનંદ સ્વામીની જય કહેતા, દૈવી જીવ જે ગામમાં રહેતા;

આવ્યા સહુ તે મંદિરમાંઈ, ગયો ચોક મંદિર ભરાઈ . . .૩૭

મનુષ્યની ભીડ થઈ ભારી, આવ્યા દર્શને બહુ નરનારી;

બાપા પરબારા માથે આવ્યા, હાથ ઝાલી સંત તેડી લાવ્યા . . .૩૮

કર્યાં શ્રીહરિ નાં દરશન, શ્રીજી થયા અતિશે પ્રસન્ન;

એકનજરે જોયા હરિને, દંડવત્-પ્રણામ કરીને . . .૩૯

આપ્યો શ્રીજીએ પુષ્પનો હાર, રાજી થઈને ધર્મકુમાર;

મંદ મંદ હસી મહારાજ, કહે ભલે પધારિયા આજ . . .૪૦

કરો અનેક જીવને સુખી, માને તેને ન રાખજો દુ:ખી;

દિવ્ય દૃષ્ટિવાળાએ તે જોયું, શ્રીજી મૂર્તિમાંહી મન મોહ્યું . . .૪૧

પછી બાપો હવેલીએ આવ્યા, હરિજન તણે મન ભાવ્યા;

સંત પણ ઊતરીયા તિયાં, બાપાશ્રીનું આસન છે જિયાં . . .૪૨

ઊને જળે કરી પછી દાસે, નવરાવ્યા બાપાને હુલ્લાસે;

પછી બાપાશ્રીએ પૂજા કીધી, શાસ્ત્ર પ્રમાણે કરીને વિધિ . . .૪૩

પછી બાપા સારુ તેહ વાર, થાળ બનાવ્યો ન લાગી વાર;

બાઈઓએ અતિ હેત કરીને, થાળ જમાડવા શ્રીહરિને . . .૪૪

જમ્યા શ્રીહરિ ને બાપા થાળ, ઘણે હેતે કરી ધર્મલાલ;

હમેશાં શ્રીજીને બાપા જેહ, થાળ જમે ભેગા બેસી તેહ . . .૪૫

તે તો દિવ્ય દૃષ્ટિવાળા દેખે, બીજા સાધારણ વાત પેખે;

બેસે જમવાને પોતે જ્યારે, હરિજન બેઠા હોય ત્યારે . . .૪૬

આપે પ્રસાદી શ્રીજીની જાણી, અતિ બાપા દયા ઉર આણી;

કહે શ્રીજી ભેગા છઈએ અમો, નિશ્વે માની લેજો વાત તમો . . .૪૭

જાણે મહિમા સૌ હરિજન, જમી પ્રસાદી થાય પાવન;

વળી લીલા કરતા અપાર, તેની સંખ્યા કોણ કરનાર . . .૪૮

હમેશાં આપતા પોતે સુખ, નથી કહ્યું જાતું એક મુખ;

વ્હેલા ઊઠે ચાર વાગે જ્યારે, કરે દેહની ક્રિયા તે વારે . . .૪૯

હરિજન તે હેત કરીને, મહિમા અતિ ચિત્ત ધરીને;

નવરાવે કરી ઊનું નીર, વસ્ત્ર પહેરાવે લૂઈ શરીર . . .૫૦

પોતે પૂજા કરે રૂડી રીત, રાખી શ્રીહરિમાં અતિ પ્રીત;

પૂજા કરે બાપા જેહ વારે, કરે પ્રકમ્મા સહુ જન ત્યારે . . .૫૧

કરે દંડવત્ હરિજન, મળે હૃદામાં ચાંપી પાવન;

પોતે ઉઘાડા શરીરે મળે, તાપ ત્રિવિધિના તેહ તળે . . .૫૨

આપે પ્રસાદી મિસરી સહુને, બેઠા હોય હરિજન બહુને;

બેઠા હોય હરિજન જેહ, સૌને વેં’ચી આપે પોતે તેહ . . .૫૩

પછી બેસે આસન ઉપર, કરે વાતો શ્રીજીની સુંદર;

કહે શ્રીજી તણો મહિમાય, અંતરમાં શાંતિ થઈ જાય . . .૫૪

એક વૃત્તિ રાખી હરિજન, સુણે વાતો થઈ રાજી મન;

કરે વાતો પ્રભાતમાં જ્યારે, અતિ આનંદ ઊપજે ત્યારે . . .૫૫

ખેંચાય વૃત્તિ સહુના મનની, તૂટે વાસના તન-મન-ધનની;

એમ કરતાં આરતી થાય, સહુ દર્શન કરવાને જાય . . .૫૬

બાપા પધારે દર્શને જ્યારે, ભેગા ચાલે સહુ જન ત્યારે;

સંત ઝાલીને બાપાને હાથે, લઈ જાય મંદિરની માથે . . .૫૭

બાપા કરે શ્રીજી દરશન, હેતે સહિત થઈ પ્રસન્ન;

કરે દંડવત્ હરિ આગે, વારે વારે પોતે પાય લાગે . . .૫૮

સ્તુતિ કરે હરિની અપાર, ધન્ય ધન્ય હે ધર્મકુમાર;

હસે મંદમંદ મહારાજ, તમે ભલે આવ્યા મુનિરાજ . . .૫૯

કરે પરસ્પર હરિ વાત, બાપા અને હરિ સક્ષાત્;

દિવ્ય દૃષ્ટિવાળા તેહ દેખે, બીજા મનુષ્ય સરીખા પેખે . . .૬૦

પછી ત્યાંથી સભામાં પધારે, સભા ભરાઈ જાય તે વારે;

સંત હરિજન નવ માય, એમ આનંદ-ઉત્સવ થાય . . .૬૧

જે કોઈ આવી કરે દરશન, તેના ઉપર થઈ પ્રસન્ન;

મૂકે મસ્તક ઉપર હાથ, વળી કેને મળે ભરી બાથ . . .૬૨

વળી કોઈ કરે ચરણસ્પર્શ, તેને ન માય હૈયામાં હર્ષ;

હોય કોઈ અભાગિયો જીવ, તેને ન ગમે આ લીલા દિવ્ય . . .૬૩

તે તો પરઠે પ્રાકૃત ભાવ, જેનો હોય આસુરી સ્વભાવ;

પણ આ બાપાનો મહિમાય, દુરભાગીને ને દુ:ખ દાય . . .૬૪

આ તો સ્વસિદ્ધ મુક્ત છે એવા, મોટા મોટાએ વંદવા જેવા;

જાણી મહિમા સહુ રૂડી પેર, હરિજને પધરાવ્યા ઘેર . . .૬૫

કરી પૂજા ષોડશ ઉપચાર, સ્તુતિ કરી પહેરાવિયા હાર;

દીનતા વડે વાણી ઉચ્ચારી, બાપા સહાય કરજો અમારી . . .૬૬

આપ્યા વર રાજી થઈ બાપે, કાળ, માયા હવે નહિ વ્યાપે;

અંતકાળે દરશન દઈ, જાશું અક્ષરધામમાં લઈ . . .૬૭

રાખશું શ્રીજીને અમે જિયાં, વાસના ન રાખો હવે કિયાં;

રાખજો હેત ને વિશ્વાસ, દેશું બ્રહ્મધામ માંહી વાસ . . .૬૮

વારે વારે વર આપે એવા, બીજા કોણ છે સમર્થ દેવા;

એવી રીતે આપ્યાં સુખ બહુ, એક જીભાએ કેટલાં કહું . . .૬૯

ગામમાંહી સહુ હરિજન, જાણી મહિમા પોતાને મન;

પોતાના ઘરમાં પધરાવ્યા, કેટલે વર્તમાન ધરાવ્યા . . .૭૦

નાનેમોટે ધાર્યા વર્તમાન, દીધાં કંઈકને અભયદાન;

કરવા અનેક જીવનાં કામ, બાપો પધાર્યા કરાંચી ગામ . . .૭૧

નિજ દાસનું કાપિયું દુ:ખ, આપ્યું અક્ષરધામનું સુખ;

આવ્યા પોતાના દાસને ઘેર, બોલ્યા રાજી થઈ રૂડી પેર . . .૭૨

આ તો આપણું પોતાનું ઘર, બોલ્યા હેતેશું મધુર સ્વર;

દાસ કહે બાપા તમ પાસે, મને ભેગો રાખજો હુલ્લાસે . . .૭૩

શ્રીજીને તમે રહો છો જિયાં, મુને પણ બાપા રાખો તિયાં;

વળી હે બાપા સર્વે જે દાસ, માગીએ છીએ આપની પાસ . . .૭૪

મહા બળવંત માયા તમારી, તેથી રક્ષા કરજો અમારી;

દેજો શ્રીજીના ચરણની સેવ, સુખ આપજો અખંડ અભેવ . . .૭૫

એવા ફગવા માગીએ અમે, દયા કરીને આપજો તમે;

કાળ માયાનો છોડાવો ત્રાસ, રાખો અમને શ્રીહરિ પાસ . . .૭૬

આપની સાથે રાખજો બાપ, દયા કરી વર દીઓ આપ;

બાપા બોલ્યા રાજી થઈ એમ, સત્ય માગ્યું થાશે તમે જેમ . . .૭૭

નહી બંધાઓ આ લોકમાંહી, હવે નહીં રહે અધૂરું કાંઈ;

આજ મળ્યા સહજાનંદ સ્વામી, કોઈ વાતની નહીં રહે ખામી . . .૭૮

દેશું અક્ષરધામમાં વાસ, રાખજો હેત ને વિશ્વાસ;

દાસે પૂજા કરી રૂડી પેર, કરી પોતે તિયાં લીલાલે’ર . . .૭૯

નાખ્યો પરસ્પર ગુલાલ, નિજ દાસને સંગે દયાળ;

રંગ ખેલ મચાવિયો ભારી, મળ્યા સૌને દયા ઉર ધારી . . .૮૦

દીધાં દાસને ચરણારવિંદ, સહુ જનને થયો આંનદ;

બંગલામાં લીલા કરી જેવી, વિસારતાં ન વિસરે તેવી . . .૮૧

કર્યા પવિત્ર દાસનાં ઘર, વારે વારે દીધાં ઘણા વર;

એક દિ’ ગયા મલીર માંઈ, લીલા કરી બગીચામાં ત્યાંઈ . . .૮૨

જે જે સ્થળે લીલા કરી જેહ, પાર પામી ન શકાય તેહ;

જેનો મહિમા મુનિવર ગાય, એક જીભે તે કેમ કહેવાય . . .૮૩

કહ્યું બાપાએ દયા કરીને, તમે રાખજો હૃદે હરિને;

શ્રીજી ભેગા રહીએ છીએ અમે, સત્ય માનજો વચન તમે . . .૮૪

રહેજો શ્રીહરિ વચનમાંઈ, રાખજો તેની સાથે સગાઈ;

નહિ માનો તો પામશો દુઃખ, ઘણું છેટું થઈ જાશે સુખ . . .૮૫

માટે રહેજો આજ્ઞા અનુસાર, એક રાખી શ્રીજીનો આધાર;

હવે જવાનું અમારે કાલ, થયા સાબદા સહુ તત્કાળ . . .૮૬

-: પૂર્વછાયો :-

એવી રીતે જન સહુને, આપીને રૂડો ઉપદેશ;

તૈયાર થયા જાવા દેશમાં, કહ્યું હેત રાખજો હંમેશ . . .૮૭

રાતની ટ્રેનમાં ચાલિયા, સંગે સંત સહિત હરિજન;

ધામધૂમથી વળાવવા, ચાલ્યા દાસ ઉદાસી મન . . .૮૮

સ્ટેશન ઉપર માણસો, ના’વે ગણતા તેનો પાર;

બાપાને નિરખવા આવિયા, તેની કોણ સંખ્યા કરનાર . . .૮૯

નિરખે સહુ નેણા ભરી, તેને આપે પ્રસાદી બાપ;

ખોબા ભરી ભરી સહુને તેનું કોણ કરી શકે માપ . . .૯૦

એક ઝોળીમાંથી સહુને, આપી પ્રસાદી જેહ;

ખૂટી ન રહી તોય તેટલી, પામ્યા આશ્ચર્ય તેહ . . .૯૧

સહુ ઉપર દયા કરી, સ્નેહે કહ્યું બાપાશ્રીએ એમ;

શ્રીજીમહારાજ સંભારજો, હેત રાખજો જેમ છે તેમ . . .૯૨

અંતકાળે અમે આવશું, સંગે હશે શ્રીજીમહારાજ;

વચનમાંહી વરતશો તો, થઈ જાશે પૂરૂં કાજ . . .૯૩

એમ કહીને ચાલિયા, ભેગા ચાલ્યા થોડા નિજ દાસ;

ગયા તે હૈદ્રાબાદમાં, જેને વચનનો વિશ્વાસ . . .૯૪

જેટલા દાસ ત્યાં ગયા, તેને સુખ આપ્યું તતખેવ;

સ્નેહ કરી વર આપિયા, સુખ આપ્યું અચળ અભેવ . . .૯૫

મળીયા ચાંપી હૃદયમાં, અને મૂક્યા શિર પર હાથ;

આપી મૂર્તિયું પ્રેમથી, કહ્યું રાખશું અમારી સાથ . . .૯૬

વારે વારે વિનતી કરી, દાસે પ્રણામ કર્યા વારંવાર;

અમને પોતાના જાણજો, હે દયાળુ ગરીબનવાજ . . .૯૭

બાપાએ દાસ સહુને, આપ્યાં આશિષ વચન;

જાઓ હવે તમો કરાંચી, છઈએ તમ ઉપર પ્રસન્ન . . .૯૮

પછી ત્યાંથી બાપાશ્રી ચાલિયા, શ્રીપુર પ્રત્યે તેણીવાર;

દાસ કરાંચી આવિયા દીધા સહુને સમાચાર . . .૯૯

કહી લીલા સંક્ષેપથી, પણ કરી છે અતિ અપાર;

કહેતાં સુણતાં વિચારતાં, રાજી થાશે ધર્મકુમાર . . .૧૦૦

આવી રીતે કરાંચીવાસી હરિભક્તોને દર્શન દઈને તથા આશીર્વાદવચને સુખિયા કરીને બાપાશ્રી આદિ મુક્ત મંડળ હૈદરાબાદ થી બપોરે ચાલ્યા, તે બીજે દિવસ મારવાડ જંકશન પહોંચ્યા, ત્યાં ધર્મશાળામાં જઈ નાહી, ધોઈ પૂજા કરવા લાગ્યા.

સંતો હજી પૂજા આદિથી પરવાર્યા નહોતા, ત્યાં તો બાપાશ્રી વહેલા પરવારી પોતાને જરા ટાઢ વધુ જણાતી હોવાથી સામે શિવના મંદિરની ઓશરીએ તડકો સારો જોઈ, સેવક આશાભાઈ સાથે ત્યાં જઈને ધ્યાને યુક્ત બેઠા. એ ટાણે ધર્મશાળામાં મારવાડીઓની ચારપાંચ જાનો ઊતરી હતી, તેને બાપાશ્રીનું અલૌકિક સ્વરૂપ જોઈને દિવ્યભાવ આવ્યો ને જાણ્યું જે, આમના ભેળા સાધુઓ છે, માટે આ કોઈ મોટા પુરુષ હશે, તેથી એક પછી એક આવી આવીને પગે લાગે ને કહે જે, બાપજી ! અમારા ઉપર રાજી રહેજો.’ આમ તેઓ મહિમા જાણી પગે લાગતાં જોઈ બાપાશ્રીએ સેવક આશાભાઈને કહીને સામી ઓશરીએ સંતો પૂજા કરતા હતા તેમના પાસેથી પ્રસાદી મગાવી સૌને આપીને કહ્યું જે, ‘આ પ્રસાદી સૌ જમી જજો. અમે તમારું કલ્યાણ કરીશું.’ એમ વાતની વાતમાં પ્રસન્નતા જણાવી તડકે બેસવાનું નિમિત્ત કરીને કેટલાયને મોક્ષના વર આપ્યા.

પછી ત્યાંથી સૌ ટીમણ કરીને ગાડીએ બેઠા તે ડાંગરવાના સ્ટેશને ગયા, ત્યાં સદગુરુ સ્વામી વૃંદાવનદાસજીને આગળથી તાર કરેલ હોવાથી તેઓ સંત-હરિભક્તો સાથે ગાડાં લઈને રાતના ત્રણ વાગ્યે આવીને સ્ટેશન ઉપર ઊભેલા ને સાથે મોટા બે ફૂલના હાર લાવેલ તે બાપાશ્રીને તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને પહેરાવી હેતે સહિતમળ્યા ને ઊતરવાનું કહ્યું કે, ‘ડાંગરવા ને કરજીસણના હરિભક્તોની પ્રાર્થના છે અને તે આપને તેડી જવા ગાડાં લઈને આવેલા છે.’ ત્યારે બાપાશ્રી કહે, સ્વામી કેમ કરશું ?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘બાપા ! આપની મરજી હોય તેમ કરો.’ તે વખતે બાપાશ્રીએ જવાની ઇચ્છા જણાવીને કહ્યું કે, ’અમને રાજી થઈને રજા આપો તો ઠીક. આપણે તો સદાય ભેગા જ છીએ ને ભેગા રહીશું.’ ત્યારે સદગુરુ સ્વામી વૃંદાવનદાસજી કહે, ’ભલે, જેમ આપ રાજી તેમ અમો સહુ રાજી છીએ,’ –એમ તેમને આશીર્વાદથી રાજી કરી બાપાશ્રી અમદાવાદના સ્ટેશને આવ્યા.

ત્યાં તો શેઠ બળદેવભાઈ મોટર લઈને ઊભેલા તેમ બીજા પણ ઘણા હરિભક્તો સામા આવેલા. તે સર્વેને મળી મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યા. ત્યાં હેતવાળા સંત-હરિભક્તોએ સુખ સમાચાર પૂછ્યા, તેમને કરાંચીવાસી હરિભક્તોના હેતની વાતો કરતા શેઠ બળદેવભાઈની સાથે પોતે અસારવા મિલમાં પધાર્યા.