૬૨૨ - કરાંચી પધારવા માટે સ્વામીશ્રીની પ્રાર્થના

0:000:00

ત્યાર પછી થોડી વાર થઈ ત્યાં તો અમદાવાદથી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી આદિ સંતો તથા પાર્ષદો અને કરાંચીના શેઠ સાંવલદાસભાઈ વગેરે ભૂજથી સોની મોતીભાઈને સાથે લઈ વૃષપુર આવ્યા, તે સહુ દંડવત્ કરી બાપાશ્રીને મળ્યા. પછી એ જ વખતે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘બાપા! આપને કરાંચી પધારવાનું છે, કેમ કે ત્યાંના હરિભક્તોએ આ સાંવલદાસભાઈને તેડવા મોકલ્યા છે અને અમે પણ તેમની સાથે એટલા માટે જ આવ્યા છીએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘અત્યારે મારાથી કરાંચી નહિ આવી શકાય, તમારે જવું હોય તો જાઓ; અમે કાંઈ તમારા જેવા બાવા નથી, તમારે તો ‘બાવો ઊઠ્યો ને બગલમાં હાથ’ એવું છે. અમે તો ગૃહસ્થ કહેવાઈએ તે ઘર, વાડી તથા છોકરાં-છૈયાં વગેરેની ઘણી જાતની ચિંતા હોય, તેથી એમ તુરત ન અવાય. તમે તારથી કે કાગળથી પણ અમને ખબર આપતા નથી ને ઓચિંતાના કાળી રાતે આવીને કહો છો કે, ‘ચાલો કરાંચી.’ બીજું તો બધુંય ઠીક! પણ મારે શરીરે હજી ક્યાં ઠીક હતું? છોકરા કાનજી ને મનજી એ બેય વાડીએ ગયા છે, તેમ વડતાલથી સંતો આવ્યા છે તેને મૂકીને કેમ અવાય?’ પછી સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, ‘બાપા! આપ બીજી વાતો ભલે કરો! પણ આ સાંવલદાસભાઈ ભૂજથી મોટર લઈને આવ્યા છે, તેથી કરાંચી તો ચાલવું જ પડશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘મારે છોકરાંઓને તો પૂછવું પડે!’ -એમ કહી રાતના બાર વાગ્યે હરિભક્તને તેડવા મોકલીને કાનજીભાઈ તથા મનજીભાઈને વાડીએથી બોલાવ્યા. થોડી વારે એ આવ્યા ત્યારે પોતે કહેવા લાગ્યા જે, ‘આ સ્વામી મને કરાંચી તેડી જવા આવ્યા છે તે હું કેમ કરું?’ આ વચન સાંભળી એ બન્ને પુત્રો ભોળા ને વિશ્વાસી હોવાથી કહ્યું કે, ‘બાપા! આટલો દાખડો કરીને સ્વામી અમદાવાદથી આવ્યા તેથી ગયા વિના કેમ ચાલે? વળી કરાંચીના હરિભક્તોને હેતને લીધે તમારી તાણ ઘણી છે, માટે દર્શન દઈ આવો તો સહુ રાજી થાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તો તો ઠીક,’ -એમ કહી પોતે સદ્‍ગુરુ સ્વામી રઘુવીરચરણદાસજીને આ બધી વાત સમજાવી ને કહ્યું કે, ‘તમે થોડા દિવસ ગામડાંઓમાં દર્શન કરી આવો તો અમે કરાંચી જઈ આવીએ. પછી આપણે પાંચ દિવસ ભેળા રહીશું. અમને આ શેઠ કરાંચીથી તેડવા આવ્યા છે તે જવું પડશે.’ ત્યારે તે કહે, ‘બહુ સારું, ભલે સહુને રાજી કરી આવો.’ પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ પણ તેમને આ બધી વાત કહી ને કહ્યું જે, ‘કરાંચીના હરિભક્તોને ફૂલડોલમાં તેડી જવાની તાણ છે, નહિ તો તમે આવ્યા છો તે પાંચપંદર દિવસ જવાનું પાછળ રાખત.’ ત્યારે તે સંતો કહે, ‘સ્વામી! તમે સુખે પધારો. અમારી કાંઈ ચિંતા રાખશો નહિ, અમો હમણાં થોડા દિવસ ગામડાંમાં દર્શન કરી આવશું.’ એ રીતે તેમની સાથે વાતો કર્યા પછી સહુ સૂતા.