૧૧૮ - સ્વામીશ્રીનાં દર્શને જવાની ભલામણ
બપોરે ઠાકોરજી જાગ્યા ને સંતો નાહી આવ્યા ત્યારે સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી તથા બીજા સંત-હરિભક્તોને ભેળા કરીને ભાઈશ્રીએ વાત કરી જે, ‘હવે તમારે સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીનાં દર્શન કરવાં હોય તો અમદાવાદ જઈને વહેલા કરી આવો; સ્વામી હવે ઝાઝું રહેશે નહિ; આટલી વાતમાં બધુંય સમજી લેજો. તમે મારી બહુ સેવા કરી, તેમ આ પુરુષ પણ સેવા કરી રાજી કરી લેવા જેવા છે. અહીં દેખાય છે પણ એ તો સદાય મૂર્તિ ભેળા છે. અનાદિ મુક્તરાજ પર્વતભાઈએ સાત્વિક યજ્ઞ કરી અનંત જીવોને દૃષ્ટિમાત્રે શ્રીજીમહારાજ પાસે મોકલી દીધા, એવી આ સદ્ગુરુની વાત છે.’ એ વખતે સંત-હરિભક્તો બોલ્યા જે, ‘અત્યારે અષાઢ મહિનો બેઠો છે, તેથી વરસાદ હમણાં આવે, હમણાં આવે એવું થઈ રહ્યું છે ને દરિયામાં આખરના દિવસને લીધે તોફાન હોય તેથી હેરાનગતિ ઘણી થાય, માટે દિવાળી ઉપર જઈએ તો કેમ?’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘ત્યાં સુધી સ્વામી રહેશે નહિ. પછી તમારી મરજી!’ ત્યારે હરિભક્તોએ કહ્યું જે, ‘જન્માષ્ટમી ઉપર જઈએ તો?’ ત્યારે બોલ્યા જે, ‘એ વખતે દરિયામાં તોફાન ઘણું હશે, તે કરતાં હમણાં જશો તો દરિયામાં જરાય દુ:ખી નહિ થાઓ. માટે મારું મનાય તો હમણાં જ જાઓ. મને તો સ્વામીશ્રીનાં દર્શનની તાણ ઘણી જ થાય છે, પણ શું કરવું? શરીરે અશક્તિ ઘણી થઈ ગઈ ને મંદવાડ પણ છે; તેથી મારાથી હમણાં નહિ અવાય, પણ તમે તો જાઓ ને દર્શન કરી લ્યો! એ સ્વામી બહુ જબરા છે. અનાદિ મહામુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના ગુણ જેમાં આવ્યા હોય, તેમાં શી ખામી હોય? મારા એમને ‘જય સ્વામિનારાયણ’ કહેજો, દંડવત્ કરી મળજો ને રાજી કરજો. એવા મોટા સંતનાં દર્શન દુર્લભ બહુ! ફેર એવા પુરુષ ક્યાંથી મળે?’ એમ ગદગદ કંઠે બોલતાં હેતનાં આંસુથી નેત્ર ભરાઈ આવ્યાં.
આવી રીતે ભાઈશ્રીએ સૌને ભલામણ કરી, જેથી સ્વામીશ્રી આદિ સંતોને એમ થયું જે, સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના આવા ખબર ગામડે પહોંચાડવા, તેથી જેને અમદાવાદ જવાની સગવડ હોય તે ત્યાં જઈને આવા મોટા સંતનાં દર્શન કરી આવે, એમ વિચારી પોતે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને મળી રાજી કરી ભૂજ પધાર્યા ને ગામડેથી હરિભક્તો આવેલા તે પણ સૌ પોતપોતાને ગામ ગયા.
ભાઈશ્રીને મંદવાડમાંથી ઊઠ્યા હજુ પાંચછ દિવસ પૂરા થયા નહોતા, ત્યાં તો પોતે પરાણે પરાણે થોડું થોડું જમવા માંડ્યું તથા ઊઠવા-બેસવાનું ચાલુ કર્યું. ઘેર જાય ને મંદિર આવે, વળી મંદિરમાંથી ઘેર જાય, પણ મનમાં એમ જે, હાલતાં, ચાલતાં, ઠાકોર જમાડતાં, જરા જરા પહોંચ આવે તો સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીનાં દર્શન કરવા જવાય. પણ શરીરમાં મુદ્દલ શક્તિ નહિ, તેમ સાંજ-સવાર થોડું સૂઈ રહેવું પડે, આળસ રહે, કળતર થાય, કેમ જે સત્તાવીસ દિવસ મુદ્દલ જમાણું નહોતું, એવા મંદવાડની અસર ઘડીકમાં ક્યાંથી મટે? એક તરફ ભૂજના સંતો તથા ગામડાંના હરિભક્તો હજુ વિચાર કરતા હતા કે, હવે તુરતમાં અમદાવાદ જવું. ત્યાં તો અમદાવાદથી સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના મંદવાડનો પત્ર આવ્યો, તેમાં ભાઈશ્રી પર એમ લખેલ જે, ‘મારે શરીરે હાલ એકાદ માસ થયા મંદવાડ રહ્યા કરે છે. કથાવાર્તા કરી મહારાજની મૂર્તિ સંભારીએ છીએ, પણ શરીરમાં તાવને લીધે ઉઠાતું-બેસતું નથી. તમને પણ મંદવાડ બહુ ગયો, એમ સાંભળ્યું છે, ત્યારથી તમારી પાસે આવ્યાની તાણ મટતી નથી; કોઈ વાર તો એમ થાય છે કે, જાણે ઊડીને આવું? પણ શું કરવું? તમે પણ ત્યાં બેઠા અમને એવા જ સંભારતા હશો.’ વળી એવો મર્મ લખ્યો જે, ‘તમારા મંદવાડનું કારણ શ્રીજીમહારાજની કૃપાથી અમને અહીં બેઠા જાણવામાં આવ્યું છે, તમો પણ જાણો છો, તેથી શું લખવું? થોડે લખ્યે ઘણું માનજો ને આ કાગળ વાંચી શરીરમાં હવે ઠીક રહેતું હોય તો વહેલા પધારી દર્શન દેજો. સાથે હરિભક્તો આવે તેમાં દહીંસરાના મુક્તરાજ કેસરાભાઈ, નારાયણપુરના જાદવજીભાઈ, રામપુરના વિશરામભાઈ તથા દેવરાજભાઈ, વૃષપુરના કુંવરજીભાઈ ને નારાયણભાઈ એટલા તો જરૂર લાવજો; તે ઉપરાંત જેને આવવું હોય તે સુખે આવે, કેમ કે મારા શરીરનો હવે નિરધાર નથી.’
આ પત્રના ખબર ભાઈશ્રીએ ગામડે મોકલ્યા ને કહેવરાવ્યું જે, ‘તમે આ સમાચાર મળે એટલે મુદ્દલ ઢીલ કરશો નહિ.’ આ વિગત જાણી સર્વે મુક્તો વૃષપુર આવ્યા. ભાઈશ્રીએ કહ્યું, ‘હું પણ તૈયાર થાઉં છું, તમે સહુ મને માર્ગમાં સાચવજો, અહીં રહેતાં મને સ્વામીશ્રીનાં દર્શનની તાણ નહીં મટે, અને ત્યાં આવી દર્શન કરીશ એટલે મારો મંદવાડ બધો મટી જશે. હવે જે શરીરમાં મંદવાડ જણાય છે, તે સ્વામીશ્રીના વિયોગનો છે,’ એમ કહી તૈયારી કરવા માંડી. પણ ઘડીક બેસે, ઘડીક ઊભા થાય, થોડી વારે પાછા પાઘડી ઓશીકે મૂકી સૂઈ જાય, ઊઠે ત્યારે લથડિયાં આવે. આવી અશક્તિ જોઈને મુક્તરાજ કેસરાભાઈ તથા જાદવજીભાઈ કહે, ‘ભાઈ! તમારી વતી અમે જઈએ ને તમે રહેવા દો; તમે ને સ્વામી કાંઈ નોખા નથી, તમને ઘણો મંદવાડ ગયો છે. તેથી માર્ગમાં વહાણ કે રેલમાં શરીર નહિ ખમે ને અમે સ્વામીશ્રીને આ હકીકત કહીશું.’ સૌના મનમાં એમ તો થતું હતું જે, ‘મુખ્ય તો સ્વામીશ્રીએ એમને તેડાવેલ છે, તેથી આપણે જતાં એમને સંતોષ ક્યાંથી થશે? પણ શું કરવું? એમનું શરીર હજી ક્યાં ખમી શકે તેવું છે?’ આમ વિચારી ભાઈશ્રીને પ્રાર્થના કરી અળસાવ્યા ને બીજા સૌએ તૈયારી કરી. ત્યાંથી ભૂજ ગયા ને ઠાકોરજી તથા સ્વામી આદિ સંતોનાં દર્શન કર્યા, ત્યારે ત્યાંથી સંતો આવવાના હતા તે પણ તૈયાર થયા. પછી બીજે દિવસ સવારમાં રવાના થઈ મોરબી રસ્તે સૌ અમદાવાદ ગયા.
ત્યાં મંદિરમાં જઈ ઠાકોરજીનાં દર્શન કરીને સદ્ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના આસને જઈ દંડવત્ કરવા લાગ્યા, ત્યારે સ્વામીશ્રી સૂતા હતા તે બેઠા થયા ને ચશ્મા ચડાવી કચ્છી સંઘનાં સંત-હરિભક્તો સામું નજર ફેરવી જોયું; પણ જેનું પોતાને કામ હતું, જેનાં દર્શનની પોતે વાટ જોતા હતા, તે મુક્તરાજ જોવામાં ન આવતાં સંતોષ ન થયો; પછી સંતો તથા મુક્તરાજ કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સર્વેને સ્વામી બેઠા બેઠા મળ્યા ને કહ્યું જે, ‘તમે આટલા બધા સંત-હરિભક્તો આવ્યા, પણ અમારા જીવનપ્રાણ મુક્તરાજ ભાઈશ્રી ક્યાં? એ કેમ ન આવ્યા?’ ત્યારે રામપુરવાળા વિશરામભાઈ બોલ્યા જે, ‘એ તો પડખું પણ બીજા ફેરવે ત્યારે ફરે એવા થઈ ગયા છે ને શરીરમાં અશક્તિ બહુ આવી ગઈ છે, તોપણ આવવા તૈયાર થતા હતા. અમને કહે, માર્ગમાં મને સાચવજો. પણ ઊભા થતાં લથડિયાં આવે તેવું શરીર. રેલ વગેરેના હડદા કેમ ખમી શકે? એમ જાણી અમે અળસાવ્યા. આપને ઘણા હેતે ‘જય સ્વામિનારાયણ’ કહ્યા છે ને કહ્યું છે કે મારી વતી સ્વામીશ્રીને દંડવત્ કરી મળજો’ –એમ કહી સૌ ફેર દંડવત્ કરી મળ્યા. પછી સ્વામીશ્રી કહે, ‘તેમને અમારી તાણ બહુ છે. ઘડી ઘડી એમ વિચાર કરે છે કે ક્યારે અમદાવાદ જાઉં? તમે એમને મૂકીને આવ્યા પણ એ ત્યાં રહી નહિ શકે! મને તો એમ થાય છે જે, કાલે બપોરે અહીં આવીને ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરશે ને સૌને દર્શન દેશે,’ ત્યારે હરિભક્તો કહે, ‘બાપજી! આપ ભલે કહો પણ હમણાં તો એ આવી શકે તેવા નથી. કદાચ આપ સમર્થ છો ને એ પણ એવા જ પ્રતાપી છે; તો કાંઈ ચમત્કાર જણાવો. તો કહી શકાય નહિ. એમાં અમારી નજર ન પહોંચે, મોટાની વાતો મોટા જાણે.’ આ રીતે કહ્યું તો ખરું, પણ મંદવાડમાં અશક્તિ થઈ ગયેલ તે નજરે જોઈને બે દિવસ પહેલાં ગયા હોય, તેને કાલે બપોરે આવવાનું કેમ મનાય?