૫૫૭ - દિવાળીબાઈને છેલ્લી ઘડીએ દિવ્ય દર્શન
આ વખતે તે બાઈઓના સમૂહ ભેળાં ગુજરાતનાં દિવાળીબા નામનાં એક નાગર બ્રાહ્મણી બાઈ હતાં, તેને ત્યાં ઓચિંતાનો મંદવાડ થઈ ગયો. માર્ગમાં એકબીજાં બાઈઓ હસતાં હસતાં પરસ્પર ધામમાં જવાની વાતો કરતાં હતાં. ત્યારે આ બાઈએ કહ્યું હતું જે, ‘આ ટાણે વૃષપુરમાં જેનો દેહ પડે તેનાં બહુ મોટાં ભાગ્ય!’ આમ તેમણે સહજ વાત કરી હતી, પણ તેમને જ બહુ આકરો તાવ આવતાં સહુને એમ જ થયું જે, ‘આ બાઈએ વાતની વાતમાં ધામમાં જવાનું પરિયાણ કર્યું કે શું?’ પછી તો તેમની પાસે બાઈઓ જાય, વાતો કરે, કાંઈ પૂછે, પણ તેમાં તેમનું લક્ષ નહિ. એ તો ‘હે, મહારાજ! હે દયાળુ!’ એમ બોલ્યા કરે, કાં સૂતાં હોય. પોતાને મહારાજનો મહિમા બહુ ને ઝાઝું જીવવાની ઇચ્છા નહિ, તેથી પોતે વાત કરે તોપણ એમ કહે જે, ‘આવા મોટા મુક્તની સમીપે દેહ પડે તેવાં ભાગ્ય ક્યાંથી! એ પાસે ઊભા હોય તો કાંઈ અધૂરું જ ન રહે.’ બાપાશ્રી તો ગરીબનિવાજ જેવા એટલે હવે એ દરરોજ સવાર-સાંજ કરાંચીના હરિભક્તોની સંભાળ લેવા પહેલાં બાઈઓને ઉતારે જઈ તેમની ખબર પૂછવા લાગ્યા તથા સેવક આશાભાઈ, છોટાલાલભાઈ અને પોતાની પુત્રીઓ વગેરેને કહી તેમને માટે ઔષધ કે તાપ, શેક આદિની સંભાળ રખાવતા, પણ જેમ કરે તેમ મંદવાડ તો વધતો જ ગયો તેથી એ બાઈએ જાણ્યું જે, ‘મારો દેહ અહીં પડે એવું મારું ભાગ્ય ક્યાંથી હોય?’ એમ કરતાં એક દિવસ બાપાશ્રીએ તેમની પાસે જઈને ‘જય સ્વામિનારાયણ’ કરી પૂછયું જે, ‘બાઈ! કેમ છે?’ ત્યારે તે બાઈ બેઠાં થઈ ગયાં ને કહેવા માંડ્યું જે, ‘બાપા! ભલે પધાર્યા, બહુ દયા કરી, મને ઠીક છે, મહારાજને સંભાર્યા કરું છું. ભેગા તમેય સાંભર્યા કરો છો, મને હવે આ દુખ:રૂપ દેહમાં રહેવાની જરાય ઇચ્છા નથી, તેથી દયા કરી મહારાજના સુખમાં મેલી દ્યો, મારે પાછું આવું ટાણું ક્યાંથી આવે!’ આવાં તેમનાં વચન સાંભળી બાપાશ્રી કહે, ‘ભલે બાઈ! કાલે તમને મહારાજના સુખમાં મૂકી દઈશું, એમ ને એમ મહારાજને સંભાર્યા કરજો.’ એમ કહી પોતે મંદિરમાં આવ્યા. પછી તે જ દિવસે તેમની દેહક્રિયા માટે પોતે લાકડાં તૈયાર કરવા માંડ્યા, તેથી સેવક આશાભાઈ વગેરેને આશ્ચર્ય થયું જે, ‘બાપા આ બાઈને કાલે નક્કી દેહ મુકાવવાના જણાય છે.’ પછી આ વાતની ગામમાં તથા મંદિરમાં ખબર પડતાં સહુ વાટ જોઈ રહ્યા હતા, ત્યાં તો બીજે દિવસે સવારમાં બીજાં કેટલાંક બાઈઓ પાસે બેઠાં હતાં ને તે બાઈએ એકનજરે સામું જોઈ ઘણી વાર હાથ જોડી રાખ્યા. તે જોઈ પાસે બેઠેલાં બાઈઓ કહેવા લાગ્યાં જે, ‘દિવાળીબા શું થાય છે?’ ત્યારે તે કહે, ‘જુઓ તો ખરાં! મહારાજ ને બાપા પધાર્યા છે.’ એટલું બોલતાં ઘણી વાર દર્શન થયાં ત્યાં સુધી એમ ને એમ હાથ જોડી રાખ્યા. પછી તુરત દેહ પડી ગયો! એ વખતે કરાંચીના હરિભક્ત લાલજીભાઈને પણ એવાં જ દર્શન થયાં. આમ તે બાઈનું નિર્વાસનિકપણું જોઈ બાપાશ્રીએ તેમને ઘણાં સાધને અને ઘણાં કષ્ટે પામી ન શકાય એવું મહામોંઘું મૂર્તિનું સુખ પમાડ્યું.
આ રીતે ચમત્કાર-પ્રતાપ જણાવતા બાપાશ્રીએ કરાંચીથી આવેલા હરિભક્તોને તથા સેવક આશાભાઈ તથા બાઈઓ વગેરેને પણ થોડા દિવસ રાખી પોતપોતાને ગામ જવાની રજા આપી.