૨૯૮ - સંતોએ સહિત વૃષપુર પધાર્યા
આગળ જતાં દહીંસરામાં ખબર પડવાથી ગામને પાધર હરિભક્તો સૌ હર્ષભર્યા આવીને દંડવત્ કરવા મંડ્યા. પછી મુક્તરાજ કેસરાભાઈ તથા ખીમજીભાઈ આદિકે બાપાશ્રીને ફૂલના હાર પહેરાવ્યા ને બોલ્યા જે, ‘ભાઈ! બસ! આમ જ હોય? પાધરા વયા જશો? મને તો તમે સુખ કરી દીધું છે, પણ એકાદ-બે રાત રોકાઈ જાઓ તો નાનામોટા બધાય રાજી થાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સંતો ઉતાવળ કરે છે, નહિ તો ખમત.’ ત્યારે કહે, ‘ભલે ભાઈ! જેમ તમે ને સંત રાજી થાઓ તેમ કરો.’ આમ વાત થતી હતી ત્યાં તો હરિભક્તો બાપાશ્રીને તથા સંતોને હાર પહેરાવવા લાગ્યા, પણ સંતોને કેરાની નદીમાં પ્રસાદીના ધરે નાહવાનો વિચાર હતો તેથી ઉતાવળા થયા ને ગાડાં ચાલતાં કર્યાં, એટલે હરિભક્તો કીર્તન બોલતા બોલતા સાથે ચાલ્યા. ઘણે છેટે સુધી એમ ને એમ આવતા જોઈ બાપાશ્રીએ ગાડાં ઊભાં રખાવી એ સૌને પાછા વાળ્યા ને ધીરે ધીરે ચાલતાં કેરાની નદી આવી એટલે બાપાશ્રી તથા સૌ મુક્તો ગાડાંમાંથી ઊતર્યા ને બહિર્ભૂમિ જઈ આવી ધરામાં નાહવા લાગ્યા. તે વખતે પાટડીવાળા નાગજીભાઈ તથા કડીના છગનભાઈ, જે શરીરે દુર્બળ હતા તેમને બાપાશ્રી કહે, ‘તમે આજ થાકી ગયા હશો.’ ત્યારે તે કહે, ‘બાપા! આવાં બ્રહ્મયજ્ઞમાં તો અનંત જન્મના થાક ઊતરી જાય છે.’ એવાં વચનથી રાજી થઈને તેમને પોતાને હાથે પાણી ઉછાળી નવરાવતાં ‘સખી, નાહવા પધાર્યા મહારાજ રે, જીવન જમુનામેં, સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજને વિસામે’ એ કીર્તનની ટૂંક બોલી સૌને જળમાં મળ્યા ને કહ્યું, ‘હવે ઉતાવળ રાખો, મોડું થાય છે.’ પછી કોરાં વસ્ત્ર પહેરી ગાડામાં બેઠા ને સંધ્યા-આરતીનો સમય થઈ ગયો હોવાથી ગાડામાં બેઠાં બેઠાં આરતી-ધૂન્ય કરતા સહુ વૃષપુર આવ્યા..
સંત-હરિભક્તોને એક જ તાન કે અનાદિ મુક્તરાજ બાપાશ્રીનો આપણા ઉપર રાજીપો કેમ થાય? તેથી વૃષપુરમાં આવ્યા પછી હમેશાં સહુ વહેલા જાગી નિત્યવિધિ કરી લેતા. પછી બાપાશ્રી નાહીને પૂજા કરે ત્યારે પાસે બેસે. એ વખતે બાપાશ્રી સૌને ઉઘાડે શરીરે મળે. પછી વસ્ત્રો પહેરી મંદિરમાં આવે ને ત્યાં ઠાકોરજીને દંડવત્ કરી દર્શન કરે, પછી સંતોને આસને આસને ફરી ‘જય સ્વામિનારાયણ’ કરે; વળી થોડી વાર ઘેર જઈ આવી, પાછા સભામાં પધારે ને કથા ચાલતી થાય તે ઠાકોરજીના થાળ થઈ રહે ત્યાં સુધી સૌ બેઠા જ હોય. પંક્તિ થાય ત્યારે સંતોને દંડવત્ કરે. પોતે સભામાં બેઠા હોય ત્યારે કાંઈ ને કાંઈ નવીનતા જણાવ્યા કરે. કોઈ વખત ઉઘાડે શરીરે એક ધોતિયાભર બેઠા હોય તો કોઈ વખત બધાં વસ્ત્રોએ સહિત. ક્યારેક જાડું કેડિયું પહેર્યું હોય ને માથે ટૂંકા ધોતિયાના બે આંટા વીંટ્યા હોય. ક્યારેક ઉઘાડે માથે તો કોઈ વાર આખે શરીરે મોટો ચોફાળ ઓઢીને ધ્યાનસ્થ બેઠા હોય. જ્યારે સંત-હરિભક્તો ચંદન ચર્ચી હાર પહેરાવે ત્યારે પોતે પણ તેમની સામી પૂજા કરી માથે હાથ મૂકે. સભામાં મહારાજ ને અનાદિ મુક્તના મહિમાની વાતો નીકળે ત્યારે બહુ વાર સુધી વાતો કરે ને કોઈ સંત વાતો કરતા હોય ત્યારે ઘણી વાર એમ જણાય જે, પોતે ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા છે; પણ જાગે ત્યારે જે વાત ચાલતી હોય તે જ પૂછે, તેથી સૌ આશ્ચર્ય પામે. સંતોની સાથે બપોરે વાડીએ જાય ત્યાં પરસ્પર હેતથી સૌને નવરાવે તથા પોતે પણ નાહ્ય. વાડીમાં પોતાના પુત્ર-પૌત્રાદિકે હાર તૈયાર કરી રાખેલ હોય તે લઈ સંતોની પૂજા કરે. રોજ નવાં નવાં વૃક્ષ હેઠે બેસી માનસીપૂજા કરે. ક્યારેક વાતો કરે, એમ સૌને નવા નવા પ્રકારે સુખિયા કરતા હતા.