૮૫ - ધનબા નિમિત્તે મુક્તરાજ સૂરજબાનો મહિમા
થોડા દિવસ વીત્યા પછી, એક વખત બપોરના એ જ ગામના રામજી નારણ નામના હરિભક્ત, જે નારાયણપુરમાં નાત પટેલીઆઓએ ભાઈશ્રીને તેડાવ્યા ત્યારે સાથે ગયા હતા તે, લખાઈવાડીએ આવ્યા, ત્યારે ભાઈશ્રી તો ખાટલો પાથરીને ઉઘાડે શરીરે સૂતા હતા. તેમણે તો જઈને દંડવત્ કરવા માંડ્યા. ભાઈશ્રી કહે, ‘રામજી, આ શું?’ ત્યારે કહે, ‘ભાઈ! મારા ઉપર તમે રાજી થાઓ, તમારો મહિમા ધનબા જેવાં મોટાં જાણે ને અમે ભેગા રહીએ તોય એવી ખબર ન પડે.’ પછી ભાઈશ્રીએ તેના માથા પર હાથ મૂક્યા ને ઘણા રાજી થયા, ત્યારે તેના મનમાં એમ થયું જે, ‘રામપુરવાળાં મુક્ત ધનબા કેવાં મોટાં હશે? ધ્યાનમાં મહારાજની મૂર્તિને દેખતાં હશે કે કેમ? એ વાત આજ ભાઈશ્રી નિરાંતે સૂતા છે તે પૂછું.’ એમ મનમાં ને મનમાં સંકલ્પ કરતા હતા. (આનું કારણ ધનબાએ તેને ભાઈશ્રીનો મહિમા ઘણો કહ્યો હતો. વળી પોતાની સાથે કલ્યાણ કરવાનો આશીર્વાદ આપ્યો હતો.) થોડી વાર એમ ને એમ સંકલ્પ કર્યા પણ પૂછ્યું નહિ. ત્યારે ભાઈશ્રી કહે, ‘કેમ જવાના સંકલ્પ કરો છો?’ ત્યારે તે કહે, ‘કાકા, સાચેસાચું કહું, મને પૂછવાનું મન ક્યારનુંય થાય છે કે ધનબા કેવાં મોટાં હશે? એને ધ્યાનમાં મહારાજનાં દર્શન થતાં હશે?’ ત્યારે ભાઈશ્રીએ કહ્યું કે, ‘એમની મોટપ તો સૂરજબા થકી આવી છે.’
એ સૂરજબા ભૂજમાં રહેતાં તે તો તમે સાંભળ્યાં હશે! પોતે નિરાવરણ દૃષ્ટિવાળાં ને બહુ મોટાં હતાં. શ્રીજીમહારાજને અખંડ દેખતાં.
એક વખત એ અમદાવાદ સમૈયે જવા તૈયાર થયાં ત્યારે કોઈએ વાત કરી જે, ‘ત્યાં તો હમણાં ટૂંટિયાનો રોગ ચાલે છે,’ તેથી તેના સગા નાગર બ્રાહ્મણો કહેવા લાગ્યા કે, ‘બા! તમે હમણાં જવું રહેવા દ્યો. તમારી સાથે બીજી બાઈયું તથા હરિભક્તમાંથી કોઈ આવે, તેમાં કોઈક ત્યાં મરી જાય તો તેનાં માબાપ તથા સગાંવહાલાંને કેવું વસમું લાગે?’ ત્યારે સૂરજબા કહે, ‘મારો વિશ્વાસ હોય તે આવે. મારા ભેગા જે ચાલશે તેમાં મહારાજને પ્રતાપે કોઈની એક નાકોરીએ ફૂટવા નહિ દઉં.’ પછી એમનો જેને વિશ્વાસ હતો તે સૌ સમૈયે ગયા, પણ ત્યાં કોઈને કાંઈ થયું નહિ.
બીજી વાર સંઘ લઈને રણમાર્ગે ચાલીને જતાં હતાં ત્યાં માર્ગમાં એક માણસ આવ્યો ને કહ્યું કે, ‘મને દસ રૂપિયા આપો તો તમને ખરી વાત કહું.’ ત્યારે સૂરજબા કહે, ‘અમારા પાસે રૂપિયા કેવા?’ પછી તે કહે, ‘પચ્ચીસ મિયાણા તમને લૂંટવા વાંસે આવે છે.’ આવું સાંભળી સંઘમાં સહુ બીવા લાગ્યા. ત્યારે સૂરજબા કહે, ‘મિયાણા કાંઈ ભગવાનથી બળિયા નહિ હોય ને?’ થોડી વાર થઈ ત્યાં તો વાંસે ધમધમ કરતો રથ આવ્યો, તેમાં ઝગમગ ઝગમગ થાતું આવે! સૌ કહે, ‘મિયાણા આવ્યા.’ ત્યારે સૂરજબા કહે, ‘એ તો લૂંટવા દે નહિ એવા છે.’ પછી સવાર સુધી એમ ને એમ રથ દેખાતો આવ્યો; અજવાળું થઈ ગયું, ત્યારે સૂરજબાએ વાત કરી જે, ‘શ્રીજીમહારાજ સંઘની રક્ષા કરવા રથમાં બેસી પડખે પડખે ચાલ્યા આવતા હતા.’
ભૂજમાં સૂરજબાને ઘેર મંદિરમાંથી નરનારાયણદેવ ને હરિકૃષણ મહારાજ ઘણી વાર જમવા પધારતા; ને કોઈ વાર તો એમ કહેતા જે, ‘આજ ધર્મ વિનાના માણસે થાળ કરાવેલ છે, તે અમે ત્યાં નહિ જમીએ,’ એમ કહીને જમી જતા. પછી તો થોડે થોડે એમનો મહિમા સૌને જણાયો ત્યારે ગામડેથી બાઈઓ તથા હરિભક્તો ભૂજ દર્શને જાય; ત્યારે એમની પાસે કોઈ કોરડ લઈ જાય ને કોઈ કાંઈ લઈ જાય, પણ પોતે તો તેની પ્રસાદી કરી સૌને વહેંચી દેતાં; આ રીતે સૂરજબાનો મહિમા વધતો જતો જોઈ ગામના ને મંદિરના કેટલાક માણસોએ સમજ્યા વિના ઉપાધિ કરી ઠપકો આપ્યો કે, ‘તમારે આમ પૂજાવું હોય તો મંદિરમાં આવવાનું શું કામ?’ સૂરજબાને આ વાતથી માઠું લાગ્યું. તે ત્રણ દિવસ મંદિર જ ગયાં નહિ. પણ શ્રીજીમહારાજ તથા નરનારાયણદેવ રોજ તેમને ઘેર જમવા જાય. પછી ત્રીજે દિવસે મંદિરમાં સંતોને મહારાજે દર્શન દઈને કહ્યું કે, ‘અમે ત્રણ દિવસ થયા અહીં જમતા નથી. જ્યારે સૂરજબા મંદિરમાં આવશે ત્યારે જમશું.’ પછી તો સૌ પસ્તાવો કરવા લાગ્યા કે, ‘આપણે બહુ ખોટું કર્યું. હવે એમને રાજી કેમ કરવાં?’ એમ વિચાર કરે છે ત્યાં તો ધનબાને વાંસેથી આ ખબર પડ્યા હતા, તેથી ગામગામનાં બાઈઓને ભેળાં લઈને એ ભૂજમાં આવ્યાં ને સૂરજબાને જેમણે ઠપકો આપી કહ્યું હતું તેમને બોલાવીને વઢવા લાગ્યા કે, ‘તમને આ શું થયું છે? આવાં મુક્તને મંદિરમાં આવવાની ના પાડી તે તમે સમજ્યા શું?’ પછી તો સાધુઓમાં દર્શન થયાં હતાં એ વાતની પણ ખબર પડી, તેથી સૌએ ઘણો પસ્તાવો કર્યો. પછી ધનબાએ સૂરજબાને સમજાવ્યાં ને કહ્યું જે, ‘આ બિચારા હાથ જોડે છે, માટે રાજી થઈ મંદિર ચાલો.’ એમ પ્રાર્થના કરી બાઈઓએ સહિત કીર્તન બોલતાં બોલતાં રાજી કરીને તેમને મંદિર તેડી ગયાં. આમ ધનબાએ પક્ષ રાખ્યો હતો, તેથી સૂરજબા તથા શ્રીજીમહારાજ તેમના પર ઘણાં રાજી થયાં હતાં.
એક વખત મુક્તરાજ સૂરજબા ધ્યાન કરતાં હતાં, ત્યાં મહારાજે તેમને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યાં કે તુરત તે જાગી ગયાં ને સન્મુખ જુએ તો એ જ રીતે મહારાજ મંદ હાસ્ય કરતા ઊભેલા તે આગળ ચાલવા લાગ્યા. સૂરજબા પણ પાછળ પાછળ ચાલતાં થયાં તે એમ ને એમ ગઢડા સુધી ચાલ્યાં ગયાં; ત્યાં મહારાજે ઊભા રહી કબૂતરોને જાર નાખવા માંડી, ત્યારે સૂરજબા પગે લાગી બોલ્યાં જે, ‘મહારાજ! આ શું કરો છો?’ ત્યારે મહારાજ કહે, ‘સૂરજ! અમે કબૂતરોનાં કલ્યાણ કરીએ છીએ.’ પછી તો સૂરજબા પણ એ જારમાંથી મૂઠીઓ ભરી ભરીને કબૂતરોને નાખવા મંડ્યાં. એ જોઈ મહારાજે હસતાં હસતાં કહ્યું કે, ‘સૂરજબા, તમે આ શું કરવા માંડ્યું?’ ત્યારે તે કહે, ‘મહારાજ! તમે જાર નાખો છો તેમ હુંય નાખું છું.’ ત્યારે મહારાજ કહે, ‘તમારા હાથ ને મારા હાથ સરખા?’ એ વચન સાંભળી સૂરજબા ગળગળાં થઈ બોલ્યાં, ‘મહારાજ! તમારા હાથ તો કલ્યાણકારી જ છે, પણ આ હાથે કરીને તમને થાળ જમાડ્યા અને બીજી કેટલીય સેવાઓ કરી તેનું ફળ ત્યારે કેવું?’ આવાં વચનથી મહારાજે રાજી થઈ કહ્યું જે, ‘ભલે! જાર નાખો. જેવું મારા હાથે કલ્યાણ થશે તેવું જ તમારા હાથે થશે,’ – એ વર આપ્યો ને કહ્યું કે, ‘તમે તો અમારી મૂર્તિ જોઈ ખેંચાઈ જાઓ છો, તેથી તમારાં દર્શને પણ કલ્યાણ થાય છે,’ – એમ વધુ પ્રસન્નતા જણાવી રાજી કર્યાં.
એક વખત ધનબાએ રામપુરમાં તુલસીવિવાહ કરેલ, ત્યારે સૂરજબાને ભૂજથી તેડાવ્યાં ને ભારે ધામધૂમ કરી, પણ દહીંસરાવાળા મુક્તરાજ કેસરાભાઈ જઈ શક્યા નહોતા, તેથી ધનબા સૂરજબાને કહે, ‘બા! મારા ટાણામાં બધાય આવ્યા, પણ એક મારો ભાઈ કેસરો ન આવ્યો, તેની મને ઘણી તાણ રહે છે.’ પછી સૂરજબાએ સંકલ્પ કર્યો ને થોડી વાર થઈ ત્યાં તો કેસરાભાઈ દર્શન કરવા આવ્યા. ત્યારે સૂરજબાએ તેમને જમાડ્યા ને કહ્યું, ‘ભાઈ! ધનબાએ તારી વાટ બહુ જોઈ ને ઝંખના ઘણી કરી, તેથી તેમને રાજી કરવા તારે આજ ખમવું જોશે.’ ત્યારે કેસરાભાઈ કહે, ‘મા! તમે કહો છો એ સાચું, પણ મેં હમણાં કોરડ વાઢેલી છે તે રાતમાં ભૂંડિયાં ખાઈ જાય છે, તેથી રાતે રાતે જાગવું પડે છે, માટે નહિ ખમાય. જો રાત રહું તો ભૂંડિયાં રહેવા દે નહિ.’ ત્યારે સૂરજબા કહે, ‘કેસરા! તારે તો આજ ખમવું જ જોશે, તારી કોરડ હું ને મહારાજ સાચવશું; ભલે અમને દાખડો પડે.’ ત્યારે કેસરાભાઈ કહે, ‘ભલે મા! ત્યારે તમે જાણો ને મહારાજ જાણે.’ એમ કહી રાત રોકાઈ ગયા. વાંસે ખેતર રેઢું જાણી ભૂંડિયાં આવ્યાં ને બે પથારા ઉથલાવ્યા. પણ એક દાણોય કોરડ ખવાણી નહિ. આવાં સૂરજબા પ્રતાપી હતાં. આવાં મોટાં મુક્તનો જોગ-સમાગમ ને સેવા ધનબાએ ઘણી કરી તેનું બળ છે.