૬૬૩ - સેવા કરનારાઓ પર પ્રસન્નતા તથા વાતો
પછી જ્યારે કૂવો ફેરવવાનું કામ ચાલતું કર્યું ત્યારે બાપાશ્રી સભામાં કથાપ્રસંગે વાત કરતા એમ બોલ્યા જે, ‘જેમ કૂવામાં જુદા જુદા પ્રકારનાં પાણી નીકળે છે, તેમ પાત્રની તારતમ્યતાએ સુખમાં ફેર પડે છે. સત્સંગમાં સંત-હરિભક્તો સર્વેને કારણમૂર્તિ એક જ છે. તોપણ સુખભોકતામાં જે ભેદ પડે છે તે પાત્રને લઈને છે, માટે ઉત્તમ પાત્ર થવું ને અનાદિ મુક્તનો જોગ કરવો, કેમ જે, એમને તો મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહિ.’
સવારે, બપોરે ને સાંજે પુરાણી કેશવપ્રિયદાસજી વચનામૃત વાંચે, ત્યારે પોતે ધ્યાને યુક્ત બેઠા હોય અને કોઈ વાર તેમને રાજી કરવા ચમત્કારી વાતો પણ કરતા. કોઈ વાર મંદિરનું કામ કરનારા હરિભક્તોને બાપાશ્રી બોલાવે, કાંઈ પૂછે, પ્રસાદી આપે, તેથી એ સહુ પોતાનાં અહોભાગ્ય માની હોંશભર્યા સેવા કર્યા કરતા અને બાપાશ્રી તેમને ઘણી વાર એવી ભલામણ કરતા જે, ‘તમે સહુ કામ કરો છો તેમાં સર્વેના કારણ જે શ્રીજીમહારાજ, તે સામી નજર રાખજો; મહારાજે આ લોકમાં દર્શન આપી અક્ષરધામતુલ્ય સુખ વર્તાવી દીધું છે, તમે સેવા કરો છો તે બધું મહારાજ જોઈ રહ્યા છે.’
એક વાર સંતો પર અત્યંત રાજીપો જણાવીને બોલ્યા જે, ‘તમો આ કામમાં દાખડા બહુ કરો છો ને કથાવાર્તા પણ ચાલતી રાખો છો. વળી ટાણે ટાણે થાળ કરી મહારાજને જમાડો છો; આવી તમારી સેવાથી મહારાજ બહુ રાજી થાય છે અને અહીં જે જે સેવાઓ કરે છે તેમના પર અમૃતનજરે જોઈ રહ્યા છે.’ આવી રીતે મહિમાનાં વચનોથી સૌને પોતે રાજી કરતા.
એક દિવસ સાંજે સંતો ગોડી બોલ્યા, તેમાં ‘ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગતસેં ન્યારી’ એ ટૂંક બોલી રહ્યા ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘સંતો! તમારી તો રીત ન્યારી છે. અમારે વ્યવહારમાર્ગમાં કુટારા ઘણા. આજ તો અમે ઘેર જઈને છોકરાંઓને થોડું વઢ્યા જે, ‘કથામાં મોડા કેમ આવો છો? એટલું ગુણમાં આવી જવાણું.’ ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, ‘બાપા! આપ તો સદાય નિર્ગુણ છો ને આપને જોગે અનેક નિર્ગુણ થઈ જાય છે, તો તમારે ગુણમાં આવ્યાનું શું હોય!’ એવાં વચન સાંભળીને પોતે એમ બોલ્યા જે, ‘આ તો અમે ગુણમાં આવીને વઢવું નહિ, એવી ભલામણ કરીએ છીએ. અમે તો મૂર્તિ વિના બીજું કાંઈ રાખ્યું નથી ને રાખવુંય નથી. મહારાજના અનાદિ મુક્ત તો મૂર્તિના સુખરૂપ અમૃત વિના બીજો આહાર કરતા જ નથી.’ એમ કહી ઘણી વાર મહારાજ તથા અનાદિ મુક્તના મહિમાની વાતો કરી.
આ રીતે જ્યારે જ્યારે કોઈ વાતનો પ્રસંગ નીકળે ત્યારે પોતે દિવ્ય ભાવની અને મહારાજના પ્રતાપની અલૌકિક વાતો કરતા, તેથી સંત-હરિભક્તો બહુ રાજી થતા.
એક દિવસ સંત-હરિભક્તો ‘આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ’ એ કીર્તન બોલ્યા પછી પોતે એમ વાત કરી જે, ‘મહારાજની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે, દેહધારી એ તેજ ઝીલી ન શકે, એ તેજ શીતળ ને શાંત છે, એવા તેજોમય શ્રીજીમહારાજ આપણને મળ્યા છે, તેથી દેહ, લોક, ભોગ, અને વિષય, એ બધાયમાંથી વૃત્તિઓ ઉખાડી એક મૂર્તિ આકારે રહેવું. આ સમયે શ્રીજીમહારાજ પ્રગટ થયા ત્યારથી શરદઋતુ બેઠી છે અને આનંદના ફુવારા છૂટ્યા કરે છે, તેથી આવા જોગમાં જીવ બહુ સુખિયા થાય છે. આપણે તો એમ જાણવું કે, જે જોઈએ તે આ સભામાં છે. આ સભા અક્ષરધામની છે. આ રીતે જેને મહારાજના સુખનો અનુભવ થયો હોય તેને બીજું કાંઈ નજરમાં જ આવે નહિ.’
એક દિવસ સવારે સભામાં પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, ‘મુનિ સ્વામી! કથા ચલાવો ને અમૃતરસ વરસાવો. એટલે મૂર્તિના સુખની વાતો કરો.’ એમ કહી તેમના માથે હાથ મૂકી બોલ્યા જે, ‘આ મંદિર, આ સભા ને આવી વાતો જે સંભારે તે તુરત મૂર્તિના સુખમાં પહોંચે.’