પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના
તત્ત્વજ્ઞાનના ઉન્નત શિખરેથી વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણરૂપી જ્ઞાનધોધમાં અનેક અર્થવાળા શબ્દપ્રયોગ વડે થયેલ રહસ્ય-ગોપનના કારણે જ્યાં સુધી તે ઉપરનાં ભાષ્યો દ્રારા એ નિર્ભેળ જ્ઞાનજળ નિતારી ન શકાય ત્યાં સુધી મનુષ્યની તૃષાને તે શાંત કરી શકતું નથી. પરંતુ મહાપુરુષોના જીવનચરિત્રરૂપી નિર્મળ ઝરણાં જગત સન્મુખ સરી પડે તેમાંથી તો વિના પ્રયાસે જ શીતળ અને નિર્ભેળ જ્ઞાન-જળ પિપાસુઓને શાંતિ પમાડવા ત્વરિત કાર્યસાધક નિવડે છે.
હવે જે દિવ્ય પુરુષનું આ જીવનચરિત્ર છે તે શ્રી અબજીબાપા કોણ હતા ને તેમણે જગતને શું આપ્યું તે જોઈએ.
ઈતિહાસ તરફ નજર કરતાં જણાય છે કે એક વખત એવો હતો કે મનુષ્યના સુખની હદ કેવળ દેહનિર્વાહ પૂરતી જ હતી. એટલે કે દેહનું ભરણપોષણ થાય અને ટાઢ તડકાથી દેહનું રક્ષણ થાય એટલે તે સંતુષ્ટ થતો. આ કાર્યમાં સહાય અર્થે તે કોઈ દૃષ્ટ કે અદૃષ્ટ શક્તિની આરાધના કરતો –જેમ કે પહાડ, વૃક્ષ, નદી, સર્પ, ભૂત, પ્રેત વગેરે. પછી જેમ જેમ ઋષિ-મહર્ષિઓનું અવતરણ થતું ગયું તેમ તેમ તેમણે મનુષ્યને તેથી ઉચ્ચ કોટિની આરાધના બતાવી, જેમ કે સૂર્ય, ઇન્દ્ર, બ્રહ્મા, મહાદેવ, ગણપતિ વગેરેની. ત્યાર પછી પતંજલિ આદિ મુનિઓએ ઉચ્ચતર શિક્ષા દેવા માટે યોગદર્શનાદિ શાસ્ત્રો બનાવ્યાં અને અષ્ટાંગયોગ વડે પ્રયત્નપૂર્વક સમાધિમાં એટલે બ્રહ્મરંધ્ર સુધી મનુષ્યને પહોંચવાનું બતાવ્યું, કે જેથી ધારે ત્યારે દેહ છોડી શકવા આદિનું સામર્થ્ય મનુષ્ય પ્રાપ્ત કરી શકે, પણ તેમાં જીવના મોક્ષનું સાધન કાંઈ ન હતું. શ્રી કપિલભગવાને સાંખ્યશાસ્ત્ર લખીને આત્મા-અનાત્માની સ્પષ્ટતા કરી કે જેથી ચોવીશ તત્ત્વનું તમામ કાર્ય નાશવંત ગણી આત્મા પોતાને તેથી ભિન્ન સમજે, છતાં જીવના મોક્ષને અર્થે કોઈ ઉપાસના તેમણે પણ બતાવી નથી. દરમિયાન શ્રી રામાવતારે એૈશ્વર્યો તથા આદર્શ નીતિમાર્ગ તથા અદભુત શૌર્ય દેખાડી, રાવણાદિ મહાદુષ્ટોનો સંહાર કરી જગતને ત્રાસમાંથી મુક્ત કર્યું અને છેવટ સદેહે વિમાનમાં બેસી સર્વેના દેખતાં વૈકુંઠ પધાર્યા, તેથી જગતને તેમના તરફ ભક્તિભાવ પેદા થયો. પછીથી વાલ્મિકાદિ ઋષિઓ તથા શ્રી તુલસીદાસાદિ સંતોએ તેમની ઉપાસના ચલાવી અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ તે વડે બતાવી. આમ જગત જ્યાં કેવળ દેહનિર્વાહ પૂરતું જ સુખ સમજતું હતું અને તે માટે જ મનુષ્યો ભૂત, પ્રેત તથા પહાડ, વૃક્ષને પૂજતાં હતાં, ત્યાં સમય જતાં તેમને યોગ તથા સાંખ્યશાસ્ત્રો તથા જીવની સારી ગતિ માટે ઉપસનામાર્ગ મળ્યાં, પરંતુ હજુ આત્યંતિક જ્ઞાનમાર્ગમાં નોંધપાત્ર પ્રગતિ તે વખત સુધી જોવામાં આવતી નથી.
આ જ્ઞાનમાર્ગમાં થોડી વધુ પ્રગતિ શ્રીકૃષ્ણાવતારે કરાવી દેખાય છે. તેમણે કર્મયોગ તથા જ્ઞાનયોગ વડે કર્મબંધનથી છૂટવાનો માર્ગ બતાવ્યો, અને પોતાને પુરુષોત્તમ તરીકે ઓળખાવીને પોતાની ઉપાસના કરવાનું કહ્યું. આમ કર્મફળથી છૂટવાનો માર્ગ તેમજ માયાને તરવાનો ઉપાય જે પોતાનું શરણ એટલે ઉપાસના તે બતાવ્યાં. શ્રી વ્યાસજીએ તે જ્ઞાન સરખી રીતે ગીતામાં ગૂંથીને જગત પાસે મૂક્યું, અને તે ઉપર શાંકર આદિ આચાર્યોએ ભાષ્યો કરી તે જ્ઞાનની છણાવટ કરી અને છેવટ શ્રી વલ્લભાચાર્યે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસના પ્રવર્તાવી અને તે વડે ગોલોકધામની પ્રાપ્તિ બતાવી.
શ્રીકૃષ્ણાવતારથી આગળ વધુ ઉચ્ચ ભૂમિકાઓ છે એ બતાવવાનું કાર્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય પહેલાં થયું હોય તેવું દેખાતું નથી.
શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી અયોધ્યાનગરી પાસે છપૈયાપુરને વિષે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદિ નવમીની રાત્રે પ્રગટ થયા ત્યારે પોતાની માતાને દિવ્ય તેજોમય દર્શન આપ્યાં. વળી અસુરગણ એવી કૃત્યાઓનો તથા ચૌલ સંસ્કાર (બાળ મોવાળા ઉતરાવવા)ના દિવસે કાલીદત્ત નામના દૈત્યનો સંકલ્પ માત્રે નાશ કર્યો, તે છપૈયામાં સર્વેએ નજરે નિહાળ્યું. નાની ઉંમરમાં જ શાસ્ત્રોનો અભ્યાસ કરી, તે સર્વેનો સાર તારવીને એક ગુટકો બનાવ્યો. આ પણ એક મનુષ્યપણા કરતાં વિશિષ્ટતા બતાવી. ત્યાર પછી પ્રથમ પોતાની માતાના અને પછી પિતાના અંત સમયે તેમને અક્ષરધામમાં પોતાની મૂર્તિનું દિવ્ય દર્શન કરાવી દેહ છોડાવ્યા. તે પછી તુરત પોતે વન ભણી પ્રયાણ કર્યું અને ત્યાં પણ અસુરો તેમને મારી નાખવા આવતા તેમની અસુરી વૃત્તિને પોતે દૃષ્ટિ વડે નાશ કરતા. ગોપાળ યોગી પાસે યોગ શીખવાના નિમિત્તે રહીને તેમને પોતાનું તેજોમય દર્શન કરાવી દેહ છોડાવી દીધો. પિબેક આદિ અસુરગણોનો પરાભવ કરી સિદ્ધોની રક્ષા કરી, તેમને પોતાના આશ્રિત કર્યા. નવલખા પર્વતમાં જઈ ત્યાં તાપ કરતા યોગીઓને દર્શન દીધાં અને તેમને પોતાનું તેજોમય સ્વરૂપ દેખાડ્યું. ત્યાર પછી કાઠીયાવાડમાં શ્રી ઉદ્ધવી સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે પોતાના સંતો પાસે અતિ ઉગ્ર તપ કરાવ્યાં, કે જે સામાન્ય મનુષ્યથી થઈ જ ન શકે. માંગરોળ ગામે જુદા જુદા મતપંથવાળાઓ આવેલા તેમને પોતપોતાના જે જે ઇષ્ટદેવો તેમનાં દર્શન કરાવ્યાં, અને તે સર્વે દેવોને પોતાનામાં લીન થતા દેખાડ્યા. જેનો લેખ હજુ ત્યાં હયાત છે. હજારોની સંખ્યામાં મનુષ્યોને સમાધિ કરાવતા. યજ્ઞો અને સદાવ્રતોની પરંપરા ચાલતી જેમાં પણ અલૌકિક ઐશ્વર્યો બતાવતા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને ભક્તિરૂપ ચારે અંગવાળો ભાગવત ધર્મ ચલાવ્યો. સ્ત્રી-પુરુષ મર્યાદા બરાબર જળવાય એ હેતુથી બાઈઓ તથા ભાઈઓની સભાઓ તેમજ મંદિરો જુદાં જુદાં કરવાની રીત ચલાવી. શિક્ષાપત્રી, નિષ્કામશુદ્ધિ, ધર્મામૃત આદિ ગ્રંથો લખી ગૃહસ્થ તથા ત્યાગીના ધર્મોનું સ્પષ્ટ નિરૂપણ કરી આપ્યું. તત્ત્વજ્ઞાન તો એવું સ્પષ્ટ કર્યું કે ક્યાંક સંભ્રમ જ ન રહે. ગૃંથત્રય-ઉપનિષદ્, વ્યાસસૂત્ર અને ગીતા ઉપર ભાષ્યો કરાવી તેની સાથે પોતાના વિશિષ્ટ સિદ્ધાંતોનો સમન્વય કરાવ્યો. મોટા મોટા શાસ્ત્રીઓની સભાઓમાં પોતે તેમજ પોતાના સંતો પાસે શાસ્ત્રાર્થ કરી-કરાવીને સભાઓ જીતી અને પોતાના સનાતન સિદ્ધાંતો સ્થાપિત કર્યા. જ્ઞાનમાર્ગ તો એવો સરળ અને નિર્ભેળ બતાવ્યો કે જેથી જીવને સંદેહ ક્યાંય રહે જ નહિ. નિત્ય, નૈમિત્તિક, પ્રાકૃત અને આત્યંતિક એ ચાર પ્રકારના પ્રલય તથા ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું, તેમજ સાકાર-નિરાકાર સ્વરૂપ –આ બધાનું સ્પષ્ટ નિરૂપણ કર્યું. યોગ, સાંખ્ય, ઉપનિષદ્, ભગવદગીતા, શ્રીમદભાગવત, પુરાણ, સ્મૃતિઓ વગેરેનું પ્રતિપાદન કરીને તે ઉપરના ભાષ્યો-ટીકાઓ આદિની છણાવટ કરી. ભગવાનને તત્ત્વે કરીને ઓળખવાની રીત બતાવી તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, અને પરબ્રહ્મ એ પાંચેયના સ્વરૂપ સમજાવીને તેમાંથી ઈશ્વર તથા બ્રહ્મના ધામો, ઐશ્વર્યો, સામર્થ્ય આદિ સર્વેને પરબ્રહ્મની અપેક્ષાએ ગૌણ બતાવીને જીવને આત્યંતિક મોક્ષનો માર્ગ સ્પષ્ટ કરી આપ્યો. પોતાને પામનાર અને બીજા ધામોને પામનારની પ્રાપ્તિમાં કેટલો ભેદ છે તે તથા અનેક મનુષ્યોને તે બધાં ધામો સમાધિમાં બતાવીને પોતાને જેવાં જેવાં જાણીને ભજે તેને તેવાં તેવાં ધામની પ્રાપ્તિ થાય છે તે પ્રત્યક્ષ દેખાડ્યું. આમ સમજણ, બુદ્ધિ, અનુભવ, તેમજ પ્રત્યક્ષ પુરાવાઓએ કરીને પોતાનું સર્વોપરીપણું બતાવ્યું અને તે રીતે પોતાને અવતારી પરબ્રહ્મ જાણી ભજે તેને જ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય તેની પ્રતીતિ કરાવી.
શ્રી સ્વામિનારાયણ ભગવાને આ જ્ઞાન તેમની વાતોમાં સરળ ભાષામાં આપ્યું હોવાથી હર કોઈને સમજવામાં સહેલું પડે છે. તેમાં ઉચ્ચતમ જીવનઘડતર માટે સરળતાથી ગ્રાહ્ય થાય એવી જ્ઞાનરીતિ સ્પષ્ટ રીતે બતાવ્યા ઉપરાંત તત્ત્વજ્ઞાનના ઉંડા રહસ્યો પણ એમાં સમાયેલા છે, જે સમજવા માટે પરમ પદને પામેલા સત્પુરુષોની જરૂર પડે. પોતાની આ આત્યંતિક મોક્ષકારી વાતોને પોતાના પાંચ સમર્થ વિદ્રાન સંતો પાસે સંગ્રહ-સંશોધન કરાવી, ૨૭૩ વચનામૃતોનો એક ગ્રંથ “વચનામૃતમ” ના નામથી પોતાની હયાતીમાં જ પ્રગટ કરાવ્યો, જે શ્રી સ્વામિનારાયણ ભગવાનના તત્ત્વજ્ઞાનને નિરૂપણ કરતું અદ્રિતીય આધ્યાત્મિક શાસ્ત્ર છે. હજુ માત્ર થોડા જ વર્ષો આ કાર્ય પર વીત્યા છે. વખતના વહન સાથે આ ગ્રંથની કિમત સમગ્ર વિશ્વને સમજાતી જશે, શ્રી સ્વામિનારાયણ ભગવાને બતાવેલ વિશેષ અલૌકિક પ્રભાવ, ઐશ્વર્યો, તેમણે સ્થાપેલી અનોખી સર્વોત્તમ પ્રણાલિકાઓ તથા તેમના મુખકમળ થકી નિ:સૃત સર્વોપરી તત્ત્વજ્ઞાન પરથી જગત તેમને અવતારી પરબ્રહ્મ સ્વરૂપ તરીકે સ્વીકારશે એ નિ:શંક છે. પરંતુ સમયના વહેણ સાથે આ વાત સમજાતી જશે ને સર્વગ્રાહ્ય બનશે. ‘ગીતા’ આદિ શાસ્ત્રો પણ એવી રીતે વખત જતાં જ સમજાયા તથા મનાયા છે.
આમ આપણે જોયું કે અગાઉ થઈ ગયેલા ઋષિ મુનિઓએ તેમજ અવતારાદિએ જગતને શું શું આપ્યું અને છેવટ શ્રી સ્વામિનારાયણ ભગવાને જગતને શું આપ્યું. આપણે એ પણ જોઈ ગયાં કે જેમ ‘ગીતા’ તે વખત સુધીના શાસ્ત્રોની અપેક્ષાએ સર્વોત્તમ જ્ઞાનગ્રંથ હતો તેમજ શ્રી “વચનામૃત” અન્ય તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ આજે સર્વોત્તમ અને અદ્રિતીય જ્ઞાનગ્રંથ છે. આવા સર્વજીવહિતાવહ અને સર્વસમન્વયી જ્ઞાનગાંભીર્યને સમજાવવાનું કાર્ય કેવળ પરમાર્થી અને અન્ય જીવોના કલ્યાણ માટે પ્રગટ થયેલા અલૌકિક સત્પુરુષો જ કરી શકે. પરમાત્માના સંકલ્પથી વિશ્વમાં એવાં સત્પુરુષોનું અવતરણ થતું જ રહે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલ શ્રી “શિક્ષાપત્રી” ઉપર સ.ગુ. શ્રી શુકાનંદ મુનિએ ભાષ્ય કરેલું છે. તેમ “વચનામૃત” ઉપર રહસ્યાર્થ પ્રદીપિકાટીકા અ.મુ. શ્રી અબજીબાપાશ્રીએ કરેલ છે અને તે ટીકાનો સદ્ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીએ સંગ્રહ કરી યથાર્થ રીતે સંશોધન કરાવી બાપાશ્રીની હયાતીમાં જ મૂળ સાથે શેઠશ્રી બળદેવદાસ વલ્લભદાસ પરીખ પાસે સવંત ૧૯૮૨ (ઈ.સ.૧૯૨૫)માં “શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકાવાળા વચનામૃત” નામે પ્રસિદ્ધ કરાવેલ છે અને તે શ્રી “વચનામૃત” ગ્રંથ ઉપર એક ભાષ્યરૂપ જ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃતોમાં જે ગૂઢ રહસ્ય સાદી ભાષામાં કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ મૂળ સાથે સુસંગત રાખી આ ભાષ્ય (ટીકા)માં બતાવ્યું છે. જે શ્રમ અને કાળજી તે ગ્રંથ તૈયાર કરવા પાછળ લેવાયાં છે તેને માટે સદ્ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીને ધન્યવાદ આપ્યા સિવાય રહેવાતું નથી. જેને તે ટીકા સત્પુરુષ થકી સમજાશે તે તો એમ જ કહેશે કે જગત ઉપર બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામીશ્રીએ અનહદ ઉપકાર કર્યો છે. મને આ “શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકાવાળા વચનામૃત” માટે આટલું બધું કેમ માન છે તે ટૂંકમાં કહું તો મારે જે જોઈતું હતું તે તેમાંથી મળ્યું.
આ “શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકાવાળા વચનામૃત” નું (મૂળ તથા ટીકા બંનેનું) સંસ્કૃત ભાષાંતર પણ સદ્ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીએ છપાવી પ્રસિદ્ધ કરાવેલ છે. વળી તે જ પ્રમાણે તે ટીકા તથા મૂળનું અંગ્રેજી તથા હિન્દી ભાષાંતર કરાવવાનો વિચાર છે કે જેથી વધુમાં વધુ મનુષ્યો આ દિવ્ય ગ્રંથનો લાભ લઈ શકે.
આ ટીકાઓમાં સ્વાનુભવના આધારે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી તત્ત્વજ્ઞાનની જે યથાર્થ છણાવટને સરળ સમજૂતી રજૂ થયેલ છે તે ઉપરથી અબજીબાપાશ્રીનું આધ્યાત્મિક બાબતમાં સ્થાન ક્યાં હોવું જોઈએ તે સહેજે સમજી શકાય એમ છે. આ સિવાય તેઓશ્રીએ સભામાં તેમજ અન્ય પ્રસંગે કરેલી વાર્તાઓનો સંગ્રહ બે ભાગમાં “બાપાશ્રીની વાતો” ના નામથી બહાર પાડેલ છે. આ બંને ભાગો અમૃત રસથી છલકાતાં ઝરણાં જેવાં શીતળ જ્ઞાનજળથી ભરેલાં છે કે જે વાંચતાં જ શાંતિ શાંતિ થઈ જાય છે. આ બંને ભાગો બાપાશ્રીની સ્થિતિની પરાકાષ્ટા બતાવે છે. તદઉપરાંત તેમની સાદાઈ, નરમાશ, ધર્મપરાયણતા, જીવના મોક્ષ માટેની તત્પરતા, સહૃદયતા વગેરે –આ બધું ખરેખર અજોડ હતું. મહાયજ્ઞો દ્રારા તથા દેશ-પરદેશમાં ફરી સૌને શ્રી હરિના સુખે સુખિયા કર્યા, આવા સમર્થ અને અલૌકિક પુરુષ કે જેને શ્રીહરિએ વચનામૃતમાં કહ્યું છે તેમ ભગવાનને લઈને ભગવાન જેવા કહી શકાય તેવાં અનાદિમુક્તનું જીવનચરિત્ર એટલે અમૃતનો ઝરો. વળી તેમના દિવ્યભાવને ઓળખનારા અને જેને ભગવત્પરાયણતા એજ એક પ્રવૃત્તિ છે એવા મુક્તરાજ શ્રી સોમચંદભાઈ જેવા લખનારા –એટલે સુવર્ણ અને સુગંધનો સુયોગ. આખો ગ્રંથ એવી સરળ અને સાદી રીતે લખાયો છે કે જેવા સાદા અને સરળ બાપાશ્રી પોતે હતા. ગ્રંથની લીટીએ લીટી અને પાને પાનું વાંચીને જીવમાં ટાઢું ટાઢું થઈ જાય છે. બાપાશ્રીના મુખકમળમાંથી જ્ઞાનરસ ડગલે ને પગલે સરતો જ હતો, શબ્દ ને વાક્યે ટપકતો જ હતો. આ રસની ઝીણી ઝરમર મુક્તરાજ શ્રી સોમચંદભાઈએ આ જીવનચરિત્રના ગ્રંથ સોંસરી જાળવી રાખી છે. તેના માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. વળી વિગતોથી ભરપુર આ દિવ્ય ગ્રંથમાં રસ તો આરંભથી તે અંત સુધી એકધારી રીતે એવો તો જળવાઈ રહ્યો છે કે વાચક વર્ગને નથી જરાય કંટાળો આવતો કે નથી શ્રમ અનુભવાતો. એ માટે બાપાશ્રીની અલૌકિક જીવનશૈલી અને શ્રી સોમચંદભાઈની વિશિષ્ટ-સરળ લેખનકળા જ કારણભૂત છે.
જ્ઞાન સાથે ધર્મ અને ભક્તિરસથી છલકાતાં છતાં અતિશય સાદા અને સરળ જીવનચરિત્રના આ ગ્રંથને સમાજ સમક્ષ મૂકતાં હર્ષની પરાકાષ્ટા અનુભવાય છે. કેમ કે સદ્ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજીના સંકલ્પ મુજબ આ ગ્રંથનું વાંચન અનેક મોક્ષાર્થીઓને શ્રીહરિની મૂર્તિના દિવ્ય અને અવિનાશી સુખમાં પહોંચાડવામાં સહાયક થશે. આ કેવું મહદ્ ભાગ્ય?
કૃપાભિલાષી
હીરજી ભીમજી ચાવડા