૪૧૮ - સૌને જમાડી આશીર્વાદ આપ્યા
હવે સંત-હરિભક્તોની પંક્તિ થવાની તૈયારી હતી, પણ તે વખતે વાયરો વધુ પડતો વાવા લાગ્યો, તેથી સૌ મૂંઝાણા. આગલે દિવસે હરિભક્તોએ માંડવા તૈયાર કરેલા, તેમ ચૂલો ગાળેલી, તેને બાપાશ્રીએ ફેરફાર કરવાનું કહ્યું હતું, પણ કામ કરનારા હરિભક્તોને એમ થયું જે, ‘અહીંથી ફેરવીને તળાવની પાસે કરશું તો સંકડાશ ઘણી થશે.’ એમ જાણી જેમ હતું તેમ રહેવા દઈ, એ વચન માન્યું નહોતું; તેથી આ ચરિત્ર થતાં સહુ કોઈ જાણી ગયા કે, ‘બાપાશ્રી કહેતા હોય તેમાં સુખ જ હોય. પણ હવે પંક્તિ ટાણે પવન ઊપડ્યો તેનું શું કરવું?’ પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને પ્રાર્થના કરી જે ‘પંક્તિ બેઠી ને સહુ મૂંઝાણા છે, તેથી વાયરો બંધ કરો તો ઠીક.‘ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! સહુને પીરસવાનું કહો, મહારાજ સારું કરશે.’ એમ કહ્યું કે તુરત વાયરો ધીમો પડી ગયો. પછી તો સારથિયા હરિભક્તો પીરસવા લાગ્યા ને ‘જય’ બોલાણી. એક કોરે સંતોની પંક્તિ થઈ ને બ્રહ્મચારીએ બાપાશ્રી માટે શીરો, શાક ને ખીચડી કરેલાં તે જમાડવા ઉતાવળ કરવા લાગ્યા ને કહ્યું જે, ‘બાપા! આપને તો બેચાર ગ્રાસ જમવાના છે, માટે સંતોની પંક્તિમાં સહુને ‘જય સ્વામિનારાયણ’ કરી આવી થોડું ઠાકોરજીને જમાડો તો પછી અમને છૂટી થાય,’ એમ રમૂજી વચન બોલતાં બાપાશ્રીને રાજી કરીને જમાડ્યા. સંતો પણ મહારાજને સંભારી જમતા હતા. થોડી વારે બાપાશ્રી માંચી ઉપડાવી હરિભક્તોની પંક્તિમાં ચારેકોર ફરી દર્શન દેતા ને કોઈને કાંઈ પૂછતા, કોઈને બોલાવતા, ભલામણ કરતા, કોઈ હાર પહેરાવે તે અંગીકાર કરતા, ભૂજના મોટા મોટા હરિભક્તોને પીરસાવતા, એમ સહુને રાજી કરવા સારુ ઘણી વાર ફર્યા અને જમાડવાનું કામ તો સાંજના પાંચ વાગ્યા ત્યાં સુધી ચાલતું રહ્યું. સંતો પંક્તિનાં દર્શન કરી તુરત જ મંદિરમાં ગયેલા ને બાપાશ્રી તો ખાટલો ઢળાવી, ઘણી વાર છત્રીએ જ સૂતા હતા અને ત્યાંથી જ કોઈ કોઈ હરિભક્તો ગામડે જવાનું કરતા તો તેને રજા આપી મળતા, કોઈ હાથ જોડી પ્રાર્થના કરે કે દંડવત્ કરે તેને પોતે સૂતા સૂતા માથે હાથ ફેરવતા ને આશીર્વાદ આપી રાજી કરતા, તેથી કેટલાક હરિભક્તો આનંદ પામતા પોતપોતાને ગામ જવા લાગ્યા. પછી સાંજના જ્યારે બાપાશ્રી મંદિરમાં આવ્યા ત્યારે પણ સંત-હરિભક્તોએ સેવાઓ કરેલી તેમના પર પ્રસન્નતા જણાવી પોતે આશીર્વાદ આપ્યા. ત્યાર પછી પાછળ રહેલા હરિભક્તો એકબે દિવસે બાપાશ્રી તથા સંતોને રાજી કરી પોતપોતાને ગામ ગયા.