૧૬૮ - ‘બાપા’ અથવા ‘બાપાશ્રી’
હવે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની દિવસે દિવસે સત્સંગમાં વધુ પ્રસિદ્ધિ થતાં નાનામોટા સંત, હરિભક્તો તેમનો બહુ જ મહિમા જાણવા લાગ્યા, તેમ આ મુક્તરાજની હવે ઉંમર પણ પચાસ વર્ષ ઉપરની થઈ, તેથી ઘણા હરિભક્તો તેમને ભાઈ કે અબજીભાઈ નામે બોલાવતા તે હવે ‘બાપા!’ કે ‘અબજીબાપા!’ એ રીતે બોલાવવા લાગ્યા. સદ્ગુરુ સ્વામી નિર્ગુણદાસજી અંતર્ધાન થયા પછી નાની ઉંમરના હરિભક્તો તો આ મુક્તરાજને પ્રથમથી જ બાપા કહી બોલાવતા, પણ હવે તો બહુધા એ રીતે જ સહુ કોઈ બોલવા લાગ્યા જે, ‘આ બાપા આવ્યા,’ ‘અબજીબાપાએ આમ વાત કરી.’ ‘આજ બાપા ભૂજમાં આવ્યા હતા.’ દર્શન કરીને ઘેર ગયા હોય ત્યારે પણ માંહોમાંહી વાતો કરે જે, ‘હમણાં બાપા ઘેર ગયા. બાપા અમને માર્ગમાં મળ્યા હતા. બાપાએ અમને બોલાવીને પ્રસાદી આપી, બાપાએ સૌને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા છે, અબજીબાપા અમારે ઘેર આવ્યા હતા’ વગેરે. મોટા વૃદ્ધ સંતો આવ્યા હોય અથવા વૃદ્ધ હરિભક્તો પોતાના સરખી ઉંમરના હોય તે તો ‘ભાઈ!’ અથવા ‘અબજીભાઈ!’ કહીને જ બોલાવતા, પણ બીજા સહુને તો હવે ‘બાપા!’ કે ‘અબજીબાપા!’ કહેતા વધુ ઠીક પડતું હતું, કેમ કે આ મુક્તરાજનું શરીર પ્રથમથી જ દેખાવે પુષ્ટ અને ભરાવદાર હતું, તેમ પચાસ વર્ષની ઉંમર થયા પછી તો બહુ જ મોટું સ્વરૂપ લાગતું, તેથી સહેજે તેમને ‘ભાઈ!’ કહેવા કરતાં ‘બાપા!’ કહેવામાં ઠીક જ લાગે. તેમ ગુણે-દેખાવે અને સ્થિતિ-સામર્થીએ કરીને એમના સમાન બીજા કોઈ જણાતા ન હોવાથી વધુ તો નાનામોટા હરિભક્તો તેમને હવે ‘બાપા!’ કે ‘અબજીબાપા!’ એમ જ કહેતા. આથી જ્યાં જ્યાં એમને વિષે વાતોમાં કે અન્ય સ્થળે લખાણો થયાં છે ત્યાં ‘અબજીભાઈ’ કે ‘અબજીબાપા’ કરતાંય ‘બાપા!’ અથવા ‘બાપાશ્રી!’ એમ વધુ લખાયું છે, તેથી હવે પછીના તેમના આ જીવનવૃત્તાંતમાં તેમને અનાદિ મુક્તરાજ બાપાશ્રી, કે અબજીબાપા! અનાદિ મુક્તરાજ કે મુક્તરાજ! કરતાં વધુ તો ‘બાપાશ્રી’ અને વૃદ્ધ સંત હરિભક્તોના સંબંધમાં ‘ભાઈશ્રી’ એ રીતે લખાશે.