૨૭ - દેવબાઈને અંતસમયે અલૌકિક દર્શન

0:000:00

બીજે દિવસે સવારમાં પાંચાભાઈને પાસે બેસારી દેવબાઈ કહેવા લાગ્યાં જે, ‘હવે મારા દેહનો નિરધાર નથી. મહારાજની એવી મરજી હશે કે, છેલ્લી ઘડીએ મારે તમારી પાસે આટલી ચાકરી કરાવવી પડી. હવે મારે તમને એટલું કહેવાનું છે કે, આપણે ઘેર શ્રીજીમહારાજના આશીર્વાદથી આ અનાદિ મુક્તરાજ પુત્રરૂપે આવ્યા છે, તે બહુ મોટા છે. મારો દીકરાનો સંકલ્પ મહારાજે પૂરો કર્યો, તેમાં બધી ખામી ભાંગી નાખી! આજ સુધી એમનાં બધાં ચરિત્ર આપણે જોતાં આવ્યા, પણ જાણે નિત્ય નવાં ને નવાં! એમની વાતોમાં પણ ‘મહારાજ! મહારાજ! ને મહારાજ!!’ મોટા મોટા સાધુ આવે છે, તેય એમને રાજી કરે છે. સૂરજબા તો શ્રીજીમહારાજ સાથે વાતો કરે એવાં સમર્થ, તોય આમનો મહિમા જાણતાં. રામપુરવાળાં ધનબા છે, તે પણ બહુ મોટાં છે. મને ઘણી વાર કહેતાં કે, હું અહીં આવું છું, તે ઝાઝું તો એમના સારુ. આટલી વાત કરીને મારે તમને કહેવાનું એ છે કે, હું ધામમાં જાઉં ત્યાર પછી એમને ક્યારેય વઢશો નહિ; એટલું વચન મારું જરૂર માનજો. મને ઘણી વાર મહારાજ ભેગાં એમનાં દર્શન થતાં, પણ હું તમને ઘણું કહેતી નહિ. એમને તો મહારાજ વિના બીજું કાંઈ છે જ નહિ; માટે વાડીનું કે ઘરનું કામકાજ કરે – ન કરે, પણ તમારે એનો ધોખો ન કરવો. ક્યારેક એ દિવસ આખો સૂઈ રહ્યા હોય ને પછી જાગે ત્યારે હું પૂછું કે, ‘ભાઈ! કેમ આજ આવડી ઊંઘ આવી?’ ત્યારે તે કહે, ‘માં! હું તો મહારાજની મૂર્તિ દેખતો હતો, બીજી કાંઈ મને ખબર પડતી નથી.’ આવા મોટા છે. ઝાઝું શું કહું! હવે એટલું તો જરૂર જાણજો કે, આપણે ઘેર આવ્યા છે તે આપણાં મોટાં ભાગ્ય છે. પણ આ મારા પુત્ર છે કે અમારા જેવા છે, એવું ક્યારેય ન ધારશો. મને શ્રીજીમહારાજે એમ કહ્યું હતું કે, અમારા અનાદિ મુક્ત તે અમારા જેવા કહેવાય, તેવા આ છે; એનો કેટલો મહિમા કહું? તમે ઘરમાં બધું દેખો છો. એને માન-અપમાન નથી, સુખ-દુખ નથી, હર્ષ-શોક નથી, તેમ કોઈ વાતની મોટપ નથી, એને તો જ્યારે જુઓ ત્યારે એક મહારાજની જ લગની છે. નાના હતા ત્યારે છોકરાં સાથે વાતો કરતા તોય એની એ જ વાત. બાઈઓ બોલાવતાં-રમાડતાં, ત્યારે તેને પણ એ જ વાત કરતા. મોટા સાધુ આવ્યા હોય તે તો એમ જાણે જે, આ તો ધ્યાનમાં જ બેસી રહે છે. કોઈ સૂઈ રહ્યા જાણતા હોય; પણ જ્યારે એ વાત કરે ત્યારે એમ જાણે જે, આ તો મહારાજનાં દર્શન જ કરતા હશે. પાણીમાં ડૂબકી દે ને છપૈયે-ગઢડે દર્શન કરી આવે તે કાંઈ જેવી તેવી વાત ન કહેવાય! આ તો બહુ મોટા છે.’ એમ કહી ગદગદ થઈ ગયાં, ને હાથ જોડ્યા; ત્યારે પાંચાભાઈએ કહ્યું જે, ‘તમારે એની કાંઈ ચિંતા ન રાખવી. એ તો કેટલાયને સાચવે તેવા છે. સત્સંગમાં એમનાં દર્શને ઘણાય રાજી થાય છે, ને મોટા મોટા સાધુ આવીને તેમનો જોગ કરે છે તે શું હું નથી જાણતો? તોય આપણા ઉપર કરજ છે ને તે કામકાજ કરતાં સૂઈ રહે, ભૂજ જતા રહે, સાધુ મંદિરમાં આવે ત્યારે વાડીએ આવે નહિ ને કામકાજ મારાથી થોડું બને, એટલે કાંઈક એમના ઉપર ક્યારેક ધોખો થયો હશે, તેથી મારે પણ તેમને હવે રાજી કરવા છે. જ્યારે મોટા સ્વામી ભૂજથી આવ્યા ને હું વર્તમાન ધરાવવા લઈ ગયો હતો, ત્યારે તેમણે મને ઘણુંયે કહ્યું હતું, પણ વ્યવહારમાં આપણે અછત, તેથી કોઈ વાર વઢી લેવાણું હશે. એમની સ્થિતિ જોતાં, આપણાથી એવું થાય એ મોટી ભૂલ કહેવાય ને મહારાજ રાજી ન થાય, માટે મારા ઉપર રાજી થાય તેમ પ્રાર્થના કરજો. હું પણ હવે કોઈ દિવસ તેમને કાંઈ કહીશ નહિ.’ આવાં વચનથી દેવબાઈને શાંતિ શાંતિ થઈ ગઈ. એ જ વખતે આ અનાદિ મુક્તરાજને પાસે બોલાવી માતાપિતાએ વિનયવચન કહ્યાં. આ મુક્તરાજે પણ તેમને મહારાજ તથા મોટા મુક્તના પ્રતાપની વાતો કરી સંતોષ પમાડ્યા.

થોડા દિવસ પછી દેવબાઈને શરીરે જરા જરા તાવ રહેવા લાગ્યો. ઊઠતાં-બેસતાં જાણે શરીરમાં શક્તિ જ નહિ. તેથી ઘડીક સૂઈ રહે, ઘડીક ઊઠીને બેસે, થોડું હરેફરે, એમ કરતાં કરતાં શાંતિ હોય ત્યારે આ મુક્તરાજ તેમની પાસે બેસી મહારાજના મહિમાની વાતો કરે કે કીર્તન બોલે, ત્યારે પોતે ઘણા રાજી થાય. જમવાની રુચિ થાય ત્યારે રાબ કે ખીચડીશાક કરાવી જમાડે, શરીર દાબે, દેવુબાઈ તથા બહેનદીકરીઓ બનતી સેવા કરે; પાંચા પિતાને મનમાં એમ થઈ ગયું કે, આનો દેહ હવે ઘણો વખત રહેશે નહિ, તેથી એ પણ સાંજસવાર પાસે બેસે. દેવબાઈ એ સર્વેને ઘડી ઘડી આ અનાદિ મુક્તરાજનો મહિમા જાણવાની તથા તેમને રાજી રાખવાની ભલામણ કરે. એમ કરતાં દેવબાઈને તાવ ચડતોઊતરતો તે હવે અખંડ રહેવા લાગ્યો, તેથી આ મુક્તરાજ પાસે ને પાસે રહેતા. એક દિવસ તાવની પીડા વધુ જણાઈ. શરીર ઠંડું પડવા માંડ્યું ને શ્વાસ વધ્યો, ત્યારે દેવબાઈએ પોતાના આ દિવ્ય પુત્રને પાસે બેસારી તેમના મુખ સામું જોઈ હાથ જોડીને કીર્તન બોલવા કહ્યું ને પોતે મહારાજની મૂર્તિ ધારવા લાગ્યાં. એ વખતે આ અનાદિ મુક્તરાજ ‘વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ’ –એ બોલવા લાગ્યા, એ વખતે આ મુક્તરાજનો ઘેરો મધુરો સ્વર ને મહારાજનાં અંગોઅંગનું વર્ણન! પછી શું બાકી રહે? થોડી વાર એ રીતે ધ્યાન થતાં દેવબાઈને શ્રીજીમહારાજ તથા અનંત મુક્તોનાં તેજોમય દર્શન થયાં, એટલે બેઠાં થઈ હાથ જોડ્યા કે તુરત આ ભૌતિક દેહ ત્યાગ કરી દિવ્યદેહે મૂર્તિના સુખમાં પહોંચી ગયાં.

પછી પાંચાભાઈએ લૌકિક રીત પ્રમાણે તેમના દેહનો વિધિ, અગ્નિસંસ્કાર આદિ કરાવી સગાંવહાલાંઓને આશ્વાસન આપી તેરમાના દિવસે ઉત્તરકાર્ય કર્યું. ભૂજમાં ઠાકોરજી તથા સંતોને રસોઈ આપી. આ રીતે દેવબાઈને શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને પુત્રનું વરદાન આપેલ, તે પ્રમાણે દેહના અંત સુધી એવું ને એવું દર્શન આપી મૂર્તિના સુખે સુખિયા કર્યા.

દેવબાઈ ધામમાં ગયા પછી પાંચાભાઈ આ મુક્તરાજનો બહુ મહિમા જાણવા લાગ્યા. મંદિરમાં કોઈ હરિભક્ત કે સંતો આવ્યા હોય ત્યારે આ મુક્તરાજ તેમની પાસે બેઠા હોય, ને પોતે વાડીમાં વાટ જુએ, ઘણી વારે ખબર કઢાવે, પણ આ કામ બગડે છે કે મોડા કેમ આવ્યા, એમ ક્યારેય કહે નહિ. આ વાત મુક્તરાજના ધ્યાન બહાર નહોતી, તેથી તેમણે પણ ઘણું કામ થોડા વખતમાં કરી નાખવા રૂપ ચમત્કાર બતાવવા માંડ્યા. એક વખત વાડીમાં પાણી પાવું હતું, તેથી પાંચાભાઈએ રાત્રે ભલામણ કરી કે, ‘સવારે વહેલા કોસ ચાલતા કરવા છે.’ આજ્ઞા થતાં સવારે વહેલા પરવારી વાડીએ જઈને કોસ ચાલતા કર્યા. હજુ થોડી વાર થઈ નહોતી ને પાચાભાઈ આવ્યા, ત્યાં તો વાડીમાં બધેય પાણી પાણી થઈ રહેલું જોયું, તેથી તેમને દેવબાઈનાં ભલામણવચનો યાદ આવ્યાં ને જાણ્યું જે, આ મુક્તરાજ ચમત્કારી તો છે જ.

એક વખત પાંચાભાઈની સાથે પોતે વાડીએ જવા નીકળ્યા. કોઈએ માર્ગમાં વાત કરી જે, ‘કેરેથી સંત આવતા હતા.’ એ સાંભળી પિતાની રજા લઈ પાછા વળ્યા. મંદિરમાં ગયા તો સંત આવેલ નહિ. પછી ગામમાં કોઈને પૂછ્યું તો કહે, ‘કાળીતલાવડીએ નાહવા ગયા હશે.’ તરત પોતે ત્યાં ગયા; ત્યાં પણ સંતો નહિ. તેથી પાછા વળીને બળધેશ્વર પાસે થઈને વાડીએ જતા હતા ત્યાં એમ સાંભળ્યું કે, ‘સંતો કાળીતલાવડીએ નાહીને પરબાર્યા નારાયણપુર ગયા.’ તરત જ પોતે પાછા વળી નારાયણપુર ગયા ને મંદિરમાં જઈને સંતોને દંડવત્ કર્યા. જાદવજીભાઈ તથા ધનજીભાઈ આદિ હરિભક્તોએ પૂછ્યું જે, ‘અત્યારે તડકાના એકલા આવ્યા?’ ત્યારે કહે, ‘મારે તો તડકોયે નથી ને છાંયોયે નથી, જ્યાં મહારાજ ને સંત હોય ત્યાં તો જવું ખપે ને?’ પછી કથાવાર્તા કરીને સાંજે વૃષપુર ગયા. પાંચાભાઈ કહે, ‘આવડી વાર!’ ત્યારે કહ્યું જે, ‘સંત તો નારાયણપુર હતા.’ પછી કાંઈ બોલ્યા નહિ. પણ જાણ્યું જે, ‘આમને તો સાધુ દેખ્યા એટલે થયું!’