૪૨૧ - કરાંચીના હરિભક્તોને રજા આપી

0:000:00

મુક્તરાજ લાલુભાઈ તથા મહાદેવભાઈ આદિ ઘણા દિવસ થયા કરાંચીથી આવેલા, હરિભક્તોને એમ હતું જે, ‘બાપાશ્રી બરાબર ઠીક થઈ રહે ને ગામબહાર માર્ગ જતાં દેરી આવે છે, ત્યાં સુધી ચાલે પછી આપણે કરાંચી જવું.’ આવો તેમનો સંકલ્પ જાણી એક દિવસ બાપાશ્રીએ છત્રીએ જવાની ઇચ્છા બતાવી, તેથી સંત-હરિભક્તો તૈયાર થયા ને હીરજીભાઈ તથા જાદવજીભાઈ માંચી લાવ્યા, તેમાં બેસવાનું કહ્યું તો કહે, ‘આજ જરા ઠીક લાગે છે, તેથી સૌની સાથે ધીરે ધીરે ચાલશું.’ સંતોએ ઘણી તાણ કરી કહ્યું જે, ‘બાપા! હજી માંડ ઠીક થતું આવે છે ને ચાલશો તો બહુ થાક લાગશે.’ પણ બેઠા નહિ; તેથી હરિભક્તોને એમ થયું જે, ‘માર્ગમાં કદાચ થાક લાગે તો બેસારવા થાય.’ એમ જાણી માંચી સાથે લઈ ચાલ્યા. આગળ જતાં દેરી આવી ત્યાં હરિભક્તોએ આગ્રહ કર્યો ત્યારે બેઠા. પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, ‘આટલે સુધી ચાલ્યા તે થાક બહુ લાગ્યો હશે, પણ હરિભક્તો મંદિરમાંથી તાણ કરતા હતા ત્યારે જ બેઠા હોત તો સૌ વધુ રાજી થાત. હજી શરીરમાં ચાલી શકાય એવું ક્યાં છે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! આ લાલુભાઈ ને મહાદેવભાઈએ અમે ચાલીને અહીં સુધી આવીએ ત્યારે કરાંચી જવું એવો સંકલ્પ કર્યો છે, તે એમને હવે રજા આપશું.’ આ વાત સાંભળી તેમને ઘણો પસ્તાવો થતાં આંખોમાં હેતનાં આંસુ આવી ગયાં ને જાણ્યું જે, ‘હવે આપણે જવું જોશે,’ ત્યારે બાપાશ્રી કહે, ‘લાલુભાઈ! અમે કચ્છમાં જ રહીએ છીએ એમ ન જાણશો. અમે તો કરાંચીમાં પણ છીએ, અને જ્યાં મહારાજ હોય ત્યાં ભેળા ને ભેળા જ રહીએ છીએ.’ એમ વાત કરતા કરતા છત્રીએ આવ્યા, ત્યાં દર્શન કર્યા પછી સંતોએ ચંદન ચર્ચી બાપાશ્રીની પૂજા કરી, એ વખતે બાપાશ્રીએ પણ સંતોને ચંદન ચર્ચી રાજી કર્યા ને પરસ્પર મળી સહુ મંદિરમાં આવ્યા. પછી બીજે દિવસ કરાંચીથી આવેલા લાલુભાઈ આદિ હરિભક્તોને રાજી કરી વિદાય કર્યા.