૫૧૭ - કરાંચી પધારતાં આનંદોત્સવ
અમદાવાદથી ચાલતી વખતે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ કરાંચીના હરિભક્તો ઉપર તાર કરેલો કે, ‘બાપાશ્રી કરાંચી પધારે છે, તેથી ગાડી પહોંચવાના સમયે નાનામોટા હરિભક્તો ફૂલના હાર લઈ લઈને તથા મોટરો હાજર રાખીને સ્ટેશને વાટ જોઈને ઊભા હતા, ત્યાં ગાડીમાં બાપાશ્રી તથા સંતો વગેરેને દેખ્યા એટલે ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલતાં સૌને હર્ષનો પાર રહ્યો નહિ. પછી ગાડીથી હેઠા ઊતર્યા ત્યારે સૌએ દંડવત્ કરી બાપાશ્રી તથા સંતોને ચંદન ચર્ચી કુંકુમના ચાંદલા કરી ફૂલના હાર પહેરાવવા માંડ્યા. એ વખતે આખું સ્ટેશન હરિભક્તોથી ને મુમુક્ષુઓથી ઊભરાતું હતું અને સૌ આ અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી સામું જોઈ જ રહેતા. કેમ કે બેયનાં સ્વરૂપ મોટાં ને વળી ફૂલહારથી ગરકાવ, ભાલમાં ચંદન ને કુંકુમે શોભતા, તેમાં વળી બાપાશ્રીનું તો કેડિયું ને પાઘડી નવીન. તેથી જેને પ્રથમ દર્શન થયાં હોય તેને તો અતિ અદભુત સ્વરૂપ લાગે. આમ ઘણા સમૂહે વીંટાયેલા બાપાશ્રી અને સંતો ધીરે ધીરે ચાલતા સ્ટેશન બહાર આવીને મોટરમાં બેઠા, ત્યાં તો નાનાં નાનાં સત્સંગી બાળકોનું મંડળ પ્રથમથી જ મોટરની આગળ ગોઠવાઈ ગયું હતું, તેમાં સહુથી આગળ બે મોટાં બાળકોએ ‘હે પ્રભુ! ધર્મની રક્ષા કરો.’ એવા લૂગડામાં લખેલા સોનેરી શબ્દનો વાવટો ઝાલ્યો હતો, તેની આગળ ઉત્સવિયા હરિભક્તોની મંડળીઓ હતી, તેણે પણ ઉત્સવનાં કીર્તન બોલવાં શરૂ કર્યા. મોટા મોટા ગૃહસ્થ હરિભક્તો તો તેનાથીયે આગળ ચાલ્યા. વચમાં બાપાશ્રી તથા સંતોની બે મોટરો, તેની પાછળ પણ હજારો મુમુક્ષુજનો ચાલ્યા આવે. આ પ્રકારે બાપાશ્રીને શહેરમાં લઈ જવા સહુએ ધીરે ધીરે ચાલવા માંડ્યું. કરાંચીના હરિભક્તોનું આવું હેત જોઈ બાપાશ્રી પ્રેમને આધીન થઈ, જે કોઈ માર્ગમાં આવી હાર પહેરાવી જાય કે છૂટાં ફૂલ માથે ઉછાળે કે કોઈ ભાલે કુંકુમના ચાંદલા કરી જાય તે સર્વે સેવા અંગીકાર કરતા ને એ સહુને માથે હાથ મૂકી આશીર્વાદ આપી ઘણી પ્રસન્નતા જણાવતા હરિભક્તો આ શું કરે છે! ક્યાં લઈ જાય છે! મંદિર કઈ તરફ છે! એવું કાંઈ પણ વિચાર્યા વિના એ તો ચારે તરફ નજર ફેરવતા ને સહુ પર કૃપાદૃષ્ટિ કરતા જાણે મોક્ષની લહાણી કરવા નીકળ્યા હોય તેવી રીતે મોટરમાં શોભતા હતા. હરિભક્તો પણ હેતભર્યા ઉચ્છરંગમાં ને ઉચ્છરંગમાં ગાજતેવાજતે શહેરના મોટા મોટા ભાગમાં ફેરવી બાપાશ્રી તથા સંતમંડળનાં સહુને દર્શન કરાવતા કરાવતા મંદિરના મોટા દરવાજા પાસે લાવ્યા. ત્યાં સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી વગેરે સંતોની મોટર આગળ કરી, તેથી તે સર્વે મંદિરમાં ગયા ને મંદિરની બહાર મોટા ચોગાનમાં બાઈઓનો સમૂહ બાપાશ્રીનાં દર્શન કરવા તલપી રહ્યો હતો, તેણે બાપાશ્રી મોટરમાંથી ઊતર્યા એટલે હેઠે બેસી છેટેથી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. કેટલાકે તો બાપાશ્રીના આ દિવ્ય સમૂહે સહિત માર્ગમાં પણ શેરી, બજાર કે ઘરની બારીએથી દર્શન કર્યાં હશે. કરાંચીમાં રહેતાં સાંખ્યયોગી બાઈઓ લીરુબા તથા ડાહીબા વગેરે મર્યાદી અંગવાળાંના જોગમાં બાઈઓ સહુ રહેતાં હોવાથી જ્યારે જ્યારે આવો સમય હોય ત્યારે સહુ મર્યાદા સાચવીને દર્શન કરી મહિમા જાણતાં.
હવે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંતોએ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કર્યાં તે વખતે મહારાજ મંદ મંદ હસતા હોય તેવાં દર્શન સહુને થતાં હતાં. આ જોઈ સેવામાં રહેલા બ્રહ્મચારી પુરૂષાનંદજીએ અત્યંત રાજી થઈ, મહારાજના કંઠમાંથી ગુલાબનાં ફૂલનો હાર લઈ બાપાશ્રીને પહેરાવ્યો, તેથી બાપાશ્રી પણ તેમના પર ઘણા રાજી થયા; પછી બ્રહ્મચારી, પાર્ષદ તથા હરિભક્તો વગેરેને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. પછી સહુએ મેડા પર ઉતારા કરી નાહવાનું કર્યું, ત્યાં તો આસને સભા ભરાઈ ગઈ. હરિભક્તોને ઘણા દિવસની દર્શનની તાણ હોવાથી એ તો દર્શન કરતાં જાણે તૃપ્ત જ ન થતા હોય તેમ કોઈ દંડવત્ કરે, હાથ જોડે, પ્રાર્થના કરે, પણ સહુના અંતરમાં આનંદ જણાતો હતો.
સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી નહાઈને આવ્યા એટલે સૌને સુખસમાચાર પૂછ્યા. થોડી વારે બાપાશ્રીએ પણ નાહી લીધું. એ ટાણે થાળ તૈયાર હતા, તેથી સૌએ ઠાકોરજીને જમાડ્યા ને ગાડીમાં પરિશ્રમ પડ્યો હશે, એમ જાણી હરિભક્તોએ વિશ્રામ કરવા પ્રાર્થના કરી. કેટલાક સેવા કરવા લાગ્યા. આ રીતે કરાંચીવાસી હરિભક્તોને દર્શનની તાણ પૂરી થતાં સૌ રાજી રાજી થઈ ગયા. મોડેથી બાપાશ્રી તથા સંતો જાગ્યા. પછી તો હરિભક્તો આવી આવીને પગે લાગે, કોઈ પ્રાર્થના કરે, કોઈ મેવાનાં પડીકાં કે ફળફૂલ લાવી ભેટ મૂકે. કોઈ તો મોટા મોટા ફૂલના હાર લેતા આવે ને પહેરાવી રાજી થાય. બાપાશ્રી પણ એ સહુને રાજી કરવા કોઈ વાતની ના ન પાડે. કોઈને વર્તમાન ધરાવે તો કોઈને બોલાવે. લાલુભાઈ, મહાદેવભાઈ જેવા મુક્તોને તો મહારાજના મહિમાની ને મૂર્તિના સુખની વાતો કરે, એમ સૌને સુખ આપવા માંડ્યું. રોજ સવારે ચાર વાગ્યે ત્યાં તો બાપાશ્રી નાહી પૂજા કરે. એ વખતે હરિભક્તો ઘેરીને બેઠા હોય ને કોઈ દંડવત્ પ્રદક્ષિણા કરે. પૂજા કરી રહ્યા પછી એ સહુને ઠાકોરજીને જમાડેલી પ્રસાદી પોતે મૂઠીમાં રાખી થોડી થોડી વહેંચવા માંડે તે ટાણે હરિભક્તો ઘણા હોય, પણ સૌને પ્રસાદી પૂરી થઈ રહે. પણ કોઈ રહી જાય નહિ, તેથી સહુને વધુ આશ્ચર્ય થાય. પછી પોતે ઊભા થઈ સંત-હરિભક્તોને ઉઘાડે શરીરે મળે, તે પછી વસ્ત્રો પહેરી થોડી વાર આસને બેસે. ત્યાં તો મોટી સભા ભરાઈ જાય. એ વખતે પોતે મૂર્તિના સુખની વાતો કરે કાં કીર્તન બોલાવે. કથાનો સમય થાય ત્યારે સભામાં પધારે. કથા વંચાતી હોય ને કોઈ પ્રશ્ન પૂછે અથવા સભામાં કોઈ પ્રસંગ નીકળે ને વાતો કરવા માંડે, ત્યારે પોતે ઘણી વાર મૂર્તિના સુખની વાતો કરે. કોઈ મંદવાડવાળા હરિભક્ત પોતાને સંભારતા હોય તો તેની પાસે જઈને દર્શન દઈ આવે. બાઈઓ તો જતાં-વળતાં દર્શન કર્યા જ કરે. સાંખ્યયોગી બાઈઓએ થાળ કરેલ હોય, ત્યાં સેવક આશાભાઈ સાથે જઈને ઠાકોરજીને જમાડી આવે.
હરિભક્તો વારાફરતી રસોઈઓ આપે તેમાં મગજ કે મોહનથાળ આદિ પકવાન વધુ કરાવી બાપાશ્રી તથા સ્વામીશ્રીના હાથથી સહુને પ્રસાદી વહેંચાવે, તે વખતે પણ પોતે મોક્ષના આશીર્વાદ આપે. સિંધી માણસો કોમળ બહુ, તેથી કેટલાક તો આ બહુ મોટા પુરુષ છે એમ જાણી પ્રાર્થનાઓ કરે, સેવા કરવાની તાણ બતાવે, દરરોજ શહેરમાંથી મોટા મોટા સદગૃહસ્થો આવી દર્શન કરે, હાથ જોડે, વર્તમાન લે; ઉપરાંત નાનાં નાનાં બાળકોને સારાં લૂગડાં પહેરાવી તેડીને તેનાં સગાંવહાલાંઓ વર્તમાન ધરાવવા લાવે, તેને પોતે કંઠી પહેરાવે, કપાળે ચાંદલો કરે, માથે હાથ મૂકે, સ્વામીશ્રીને કહે કે, ‘કરો સંકલ્પ! આ જીવ શ્રીજીમહારાજની હજૂરમાં રહેવા આવ્યા છે, તેના ગુના બધાય માફ કરી મહારાજ શરણે લે.’ આમ કૃપાભરેલાં વચનો સાંભળી હરિભક્તો રાજી થાય જે, ‘આવડાં નાનાં બાળકનાં પણ બહુ મોટાં ભાગ્ય! નહિ તો આવા દિવ્ય પુરુષ પાસે વર્તમાન ધરાવવાનો જોગ આમ સહેજે ક્યાંથી આવે?’ હરિભક્તો ઘેર ઘેર તેડી જવા પ્રાર્થના કરે ત્યારે પોતે પ્રસન્ન થકા જાય, રાતદિવસ હરિભક્તોનો સમૂહ તો બાપાશ્રી પાસે રહ્યા જ કરે. જ્યારે હરિભક્તો પોતાને ઘેર તેડી જવાના હોય ત્યારે આગળથી ચંદન-કુંકુમ ને ફૂલના હાર તથા મેવા તૈયાર રાખ્યા હોય એટલે બાપાશ્રી તથા સંતો પધારે કે તુરત પૂજાઓ થવા માંડે ને કીર્તનો બોલાય. પછી મેવા વગેરે પ્રસાદીઓ વહેંચાય, આડોશીપાડોશીનાં છોકરાંઓને વર્તમાન ધરાવવાનું તો ત્યાંય કામ ચાલ્યા કરે; કેટલાક ભૂતપ્રેતના વળગાડવાળા આવે, તો પાણીમાં સંતના હાથ બોળાવી પોતાને હાથે મહારાજનું નામ લઈ તેને અંજલિ ભરી છાંટે એટલામાં તો જે હોય તે રાડ પાડીને નીકળી જાય. આ રીતે એ ટાણે શહેરમાં જ્યાં ને ત્યાં મોક્ષની લહાણી થઈ રહી હોય તેમ લાગતું હતું.