૩૪૫ - હરિભક્તો સાથે મહિમાની વાતો
ત્યાર પછી આસો માસમાં ગામ માલણીઆદથી મુક્તરાજ ચતુરભાઈ, ભૂરાભાઈ, ત્રિભોવનભાઈ તથા દેવચંદ ને તલકસી આદિ પાંચ હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયેલ હતા. તે વખતે તેમના પર ઘણી પ્રસન્નતા જણાવી પોતે મળ્યા ને ઠાકોરજીના થાળ કરાવી સૌને જમાડ્યા. એ વખતે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી એક સંત સાથે ભૂજથી દર્શન કરવા આવેલા, તેમ બહારગામના થોડા હરિભક્તો વૃષપુરમાં હોવાથી સભામાં કથાવાર્તાનો પ્રસંગ બહુ સારો ચાલતો.
બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પર બાપાશ્રીની અત્યંત પ્રસન્નતા હોવાથી તે બેઠા હોય, ત્યારે પોતે મૂર્તિના સુખની ચમત્કારી વાતો કરતા ને કોઈ વાર એ પ્રશ્ન પૂછે તેના પોતે ઉત્તર કરતા. પછી તો સવાર-સાંજ બાપાશ્રી તેમને હાર પહેરાવે, ચંદન ચર્ચે, મળે, રમૂજ કરે, એમ બહુ પ્રકારે સુખ આપતા, રોજ બપોરે કાળીતલાવડીએ નાહવા જાય. પછી જે દિવસ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને ભૂજ જવું હતું, તે દિવસ પણ અતિ રાજીપો જણાવી કાળીતલાવડી સુધી ભેળા વળાવવા ચાલ્યા ને ત્યાં નહાયા. નાહતા નાહતા બાપાશ્રી સહુ પર પાણીના લોટા રેડી જળમાં ઉઘાડે શરીરે બે વાર મળ્યા, પછી બહાર નીકળી વસ્ત્રો બદલી ફરી વાર મળતાં બોલ્યા જે, ‘આ મળવું બહુ મોંઘુ છે, પણ સોંઘા થયા એટલે મળાય છે,’-એમ કહી પોતાના ગુંજામાંથી પાનબીડીની પ્રસાદી કાઢી સૌને વહેંચી. એ વખતે બ્રહ્મચારી પાણી લાવ્યા તે પોતે પીધું ને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી ભૂજ જવાની રજા આપી.
એક દિવસ પોતે સવારમાં પૂજા કરી ઘેર ગયેલા, તે થોડી વારે આવ્યા ને સભામાં મધ્ય પ્રકરણનું ૩૬મું વચનામૃત વંચાતું હતું, તે જોઈ પૂછ્યું જે, ‘શું પ્રસંગ ચાલે છે?’ ત્યારે ત્રિભોવનભાઈ કહે, ‘બાપા! આમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડવૃત્તિ રાખવાના ચાર ઉપાયની વાત આવી ને પછી એમ કહ્યું જે, જેના ઉપર ભગવાન કૃપા કરે, તેની વાત જુદી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આ વખતે મહારાજ ને મોટાની કૃપા તો ઘણી છે, પણ જીવ ગરજુ થઈને કૃપાનો ઉપયોગ કરી શકતો નથી. મોટા મોટાએ આ દેહ ચિંતામણી જેવો કહ્યો છે, તેથી જો સવળું ચિંતવતાં આવડે તો મહારાજના સુખમાં ચાલ્યું જવાય, પણ જીવને ત્રણ ગુણ બહુ નડે છે. સત્ત્વગુણ સારો કહેવાય છે, પણ એ મલિન સત્વ છે. મલિન સત્વવાળાને જરાક છંછેડ્યો હોય તો ક્રોધે ભરાઈ જાય. પછી એ ક્રોધ વડે મહારાજ તથા મોટા મુક્તમાં દોષ પરઠે, તેથી એને ઘણું નુકશાન થઈ જાય, પણ એ ત્રણ ગુણે રહિત થઈને વર્તે, ત્યારે તેને કોઈ ઉપર ક્રોધ કે બીજા ઘાટ થાય નહિ, પછી મહારાજ ને મોટાની કૃપાએ અલૌકિક દૃષ્ટિએ વર્ત્યા કરે ને ભગવાનને સુખે સુખિયો થઈ જાય.’
થોડી વાર પછી વળી એમ વાત કરી જે, ‘જેવો પરોક્ષ એટલે ધામના મુક્તનો મહિમા છે તેવો જ પ્રત્યક્ષ દૃષ્ટી ગોચર વર્તતા હોય તેનો મહિમા સમજે તો ઝટ કામ થઈ જાય. આ વખતે શ્રીજીમહારાજે સત્સંગમાં અનાદિ મુક્તને મોકલ્યા છે, તે શ્રીજીમહારાજની મૂર્તિનો રસ લઈને તે રસ સત્સંગમાં સહુને આપે છે, તેણે કરીને નાનામોટા અનેક સુખિયા થાય છે. ભગવાનનું સુખ તો જે ઠેકાણેથી આવતું હોય ત્યાંથી જ પમાય. મુક્ત તો મહારાજના પડછંદા છે, તે જેમ આ ડુંગરામાં જઈને કોઈ બોલે તે બોલનાર જેવા જ પડછંદા બોલે તેમ છે. શ્રીજીમહારાજનો મહિમા ને સુખ અપાર છે, તે મુક્ત મળ્યા વિના સમજાય કે પમાય નહિ ને મોટા મુક્તને એ દિવ્ય સુખ આપવું તેમાં કાંઈ વાર ન લાગે, પણ જીવ પાત્ર નહિ તેથી ઝીલી શકે નહિ. જેમ માટીના વાસણમાં પાણી નાખેલ હોય, પણ કાણું પડે કે પાણી નીકળી જાય, તેમ પાત્ર થયા વિના મહારાજનું સુખ ટકી શકે નહિ, માટે પાત્ર થઈને મોટાનાં વચન અધરથી ઝીલવાં. આપણે તો શ્રીજીમહારાજ પ્રગટ થયા ત્યારથી શરદઋતુ બેઠી છે ને સ્વાંતના વરસાદ થાય છે; જો અનાદિ મુક્તના શબ્દ શ્રદ્ધા ને વિશ્વાસ સહિત ઝીલે તો પુરુષોત્તમરૂપ થઈ જાય. આજ તો પુરુષોત્તમના અનાદિ મુક્ત આવ્યા છે, તેણે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીની સભામાં જીવોને બેસાર્યા છે પણ જીવ જો અપૂર્ણપણું રાખે તો તેના અભાગ્ય! મહારાજ ને મોટા મુક્ત તો કેવળ દયાએ કરીને જીવોના મોક્ષ કરવા સારુ આ પૃથ્વી પર દેખાય છે, એવું જાણી તેમનો મહિમાએ સહિત કેફ રાખવો. આ લોકમાં પણ સહુને વધારે પૈસા હોય તેના જેવા થવાના સંકલ્પ રહે છે, તેમ આપણે મહારાજની આજ્ઞા પાળી મોટા મોટા મુક્તો સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ જેવા થવાની ત્વરા રાખવી. જગતમાં કોઈ વાઘરીના વૈભવને ઇચ્છતા નથી, તેમ સત્સંગમાં ઊતરતા જેવા થવા ઇચ્છવું નહિ. મહારાજના મુક્તનો મહિમા તો અતિશય સમજવો, કારણ કે મહારાજના સુખનું દ્વાર મુક્ત છે, પણ સમજ્યા વિના મહિમા કહે ને આજ્ઞા ઉપર સુરત ન રાખે તો મોટી ખોટ આવે. કેટલાક તો એકબીજામાં દાદાખાચર, મૂળજી બ્રહ્મચારી, બ્રહ્માનંદ સ્વામી એવાં નામ ઠરાવી મોટપ કહે ને આજ્ઞા પાળવાનું તો કાંઈ ઠેકાણુંય ન હોય, તેથી મોક્ષરૂપી કામ ન સરે, ઊલટો મહારાજનો કોપ થાય. માટે આજ્ઞામાં ખબડદાર રહેવું.’
આસો સુદ પૂનમના રોજ દહીંસરાવાળા મુક્તરાજ કેસરાભાઈના દીકરા ખીમજીભાઈ દર્શને આવ્યા, તેમણે વાત કરી જે, ‘મારા બાપા આજ છત્રીએ દર્શન કરવા આવવાના છે.’ તે વાત સાંભળી બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું જે, ‘ચાલો આપણે કેસરાભાઈના સામા જઈએ,’-એમ કહી ને સૌની સાથે કાળીતલાવડીએ છત્રી છે, ત્યાં જઈ નારાયણપુરના રસ્તા તરફ જોયું, તો પાંચ હરિભક્તો ચાલ્યા આવતા જણાયા. ત્યારે બાપાશ્રી કહે, ‘એ એમ ને એમ ગામને માર્ગે ચાલ્યા જશે, માટે આપણે એક લૂગડું ઊંચું ઝાલી રાખી તેમને ખબર કરો, એટલે આપણને જોઈને એ પરબારા અહીં આવે.’ પછી હરિભક્તોએ લૂગડું ઊંચું ઝાલી રાખ્યું તે જોઈ એ હરિભક્તો પાધરા છત્રીએ આવ્યા, પણ કેસરાભાઈ સાથે નહિ; પછી બાપાશ્રીએ ગાડામાર્ગે જોયું તો ઘોડી ઉપર બેસીને બે હરિભક્તોએ સહિત આવતા દેખાણા. થોડી વારે ઢૂકડા આવ્યા કે તુરત ઘોડીથી હેઠે ઊતર્યા. ત્યારે બાપાશ્રી સામા ચાલીને મળ્યા, તેથી પોતે ગદગદ થઈ ગયા ને બોલ્યા જે, ‘ભાઈ! આમ ને આમ સાથે ને સાથે રાખજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે ક્યાં જુદા છો; આપણે તો સદાય સાથે જ છીએ.’ પછી બાપાશ્રી તથા કેસરાભાઈ છત્રીએ દર્શન કરી વંડાની અંદર દક્ષિણાદિ ખૂણમાં ઉત્તરાદે મુખે બેઠા ને સામા સર્વે હરિભક્તો બેઠા, તે વખતે કેસરાભાઈએ બાપાશ્રી તથા સૂરજબાના મહિમાની ઘણીવાર વાતો કરી અને બાપાશ્રીએ પણ મૂર્તિના સુખની વાતો કરી. પછી મુક્તરાજ કેસરાભાઈને નારાયણપુર જવું હતું, તેથી એ સૌને મળી ઘોડીએ બેસી નારાયણપુર ગયા ને બાપાશ્રી હરિભક્તોએ સહિત કાળીતલાવડીમાં નાહ્યા ને પરસ્પર મળ્યા; પછી હેત-રુચિવાળાની વતી મળ્યા ને પાણીમાંથી બહાર નીકળી થોડી વાર છત્રી પાસે આવી બેઠા ને માલણીઆદથી આવેલ મુક્તરાજ ચતુરભાઈ આદિ હરિભક્તોને હાથમાં જળ આપી મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા ને બોલ્યા જે, ’તમારી ઇકોતેર પેઢીઓનો ઉદ્ધાર થઈ ગયો.’ પછી હરિભક્તો કહે, ‘બાપા! મૂર્તિ પધરાવો.’ ત્યારે પોતે બોલ્યા જે, ‘મૂર્તિ તો પધરાવેલી જ છે, પણ સ્મૃતિ રાખતાં રાખતાં જણાશે.’ એમ કહી ત્યાંથી સહુ મંદિરમાં આવ્યા.
બીજે દિવસ પોતે હરિભક્તોએ સહિત વાડીએ પધાર્યા હતા, ત્યારે એમ વાત કરી જે, ‘આ જીવને વર્તમાન ધરાવે, એટલે અનંત જન્મનાં કર્મ શ્રીજીમહારાજને ચરણે મુકાવે છે. ત્યાર પછી કર્મ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત કરવું, તે કર્મ ચાર પ્રકારનાં છે; જો ઝીણાં જંતુઓ અજાણમાં મરી જાય, તો ‘સ્વામિનારાયણ’ નામના મહામંત્રનો જપ કરવો, તેણે કરીને એ જંતુનો મોક્ષ થાય ને આપણું પ્રાયશ્ચિત થાય; બીજું, મનમાં વર્તમાન બહાર સંકલ્પ થઈ જાય તો મહારાજ તથા મોટા મુક્તને સંભારી પ્રાર્થના કરવી ને જતા-આવતાં જે કોઈ હરિભક્ત રસ્તામાં મળે તેને હેતે સહિત બે હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કરવા; ત્રીજું, દેશકાળે વર્તમાનમાં ફેર પડી જાય, તો સંતોને પૂછીને એ કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત કરવું; ચોથું, પશુ, પક્ષી કે કૂતરાં, બિલાડાં આદિ અજાણમાં મરી જાય, તો તેનું પણ પ્રાયશ્ચિત કરી નાખવું ને ભગવાનના ભક્તનો અવગુણ તો ક્યારેય લેવો જ નહિ ને જાણે અજાણે જો અવગુણ લેવાઈ જાય તો દીનઆધીન થઈ માફી માગવી.’ એમ વાત કરતાં હરિભક્તોને સાથે લઈ બાપાશ્રી કાકરવાડીએ ગયા. ત્યાં વાડીમાં આંટો દઈને આવતાં ઉગમણી તરફ વોંકળી આવી ત્યાં બેઠા, પછી ત્રિભોવનભાઈએ પ્રાર્થના કરી જે, ‘બાપા! કૃપાપ્રસાદી આપો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘મહારાજ તથા મોટા મુક્તને આપવામાં કાંઈ વાર ન લાગે, પણ મોટા તો એક મૂર્તિ જ રાખે છે, તે કહો તો મૂર્તિ આપીએ.’ એમ કહી સૌના હાથ ઝાલીને એમ આશીર્વાદ આપ્યો જે, ‘તમને સર્વેને તથા હેત-રુચિવાળાને વ્યતિરેક મૂર્તિના સુખમાં મૂક્યા.’ એમ કહી સૌને મળ્યા ને રાજી થઈને માથે હાથ મૂક્યા.
પછી રતના ભક્તની વાત કરી ને, ‘તેમણે દેહ મૂક્યો ત્યારે જેમ મણિનો ઘાટ બંધાઈ જાય તેમ આખા બ્રહ્માંડમાં મુક્ત ઠસાઠસ ભરાઈ ગયા; પછી તેને એવો સંકલ્પ થયો જે, ‘હવે મહારાજ પાસે કેમ જવાશે?’ એમ વિચારી પોતાની પાસે સંત હતા તેમને એ વાત કરી, ત્યારે તે કહે, ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, ધૂન્ય કરો.’ આથી તેમણે એમ કરવા માંડ્યું કે તુરત મુક્તોની વચ્ચે રસ્તો દેખાણો, એટલે મહારાજના અલૌકિક દિવ્ય સુખમાં પહોંચી ગયા.
વળી બીજે દિવસ કાકરવાડીએ આવ્યા, ત્યારે આંબા નીચે બેસીને એમ વાત કરી જે, ‘મહારાજના મુક્તને વિષે મનુષ્યભાવ ન આવે ને સદાય દિવ્યભાવ રહે, તો અખંડ આનંદના સમુદ્રમાં ઝિલાય. મુક્ત તો પુરુષોત્તમ ભગવાનની સભાના છે; તોપણ કેટલાક અક્ષરના મુક્ત કહે છે, તે તો પ્રથમથી શબ્દ પ્રવર્તેલ છે, તેથી એમ કહેવાય છે; પણ જે અક્ષરદરજજાવાળા છે, તેની સભા તો જુદી જ છે અને અક્ષરધામ છે, તે તો મહારાજના અંગનો પ્રકાશ છે.’ –એમ કહી હરિભક્તો નાહતા હતા ત્યાં આવી પોતાને હાથે લોટા ભરી સહુને માથે પાણી રેડી નવરાવ્યા ને ત્યાંથી ચાલતાં વાડીના શેઢા ઉપર દડીંગાનું ઝાડ હતું, તેમાં બે ફળ હતા તે ઉતારવા સહુને કહ્યું એટલે હરિભક્તોએ પાંચસાત પથરાના ઘા કર્યા, પણ પડે નહિ; પછી પોતે લાકડી વતે ડાળને નમાવી એક ફળ ઉતાર્યું ને બીજા ફળ માટે પોતે ઝાડ ઉપર ચડીને ઉતારી આવ્યા ને સૌને પ્રસાદી આપીને કહ્યું જે, ‘નિશ્ચયને માહાત્મ્યરૂપી ખટાઈ ચડે, એટલે કાંઈ વાંધો ન રહે’ –એમ કહી વાતો કરતા કરતા હરિભક્તોએ સહિત મંદિરમાં આવ્યા.