૨૭૩ - વિદાયગીરી
આ પ્રકારે કરાંચીનાં હરિભક્ત બાઈ-ભાઈ સર્વનો સંકલ્પ પૂરો કરી પાછા જવા વખતે આગબોટમાં બેસવા પધાર્યા, ત્યારે પણ સૌ હરિભક્તોએ ચંદન, પુષ્પહારથી પૂજા કરી સૂકા તથા લીલા મેવાઓ ભેટ ધરી આત્યંતિક મોક્ષનાં વરદાન માગ્યાં. તેમ જ બાઈઓમાં પણ મુક્તરાજ ધનબાને ત્યાગી તથા ગૃહસ્થ બાઈઓએ અનેક પ્રકારે રાજી કરી મૂક્યાં. આમ આ બન્ને મહામુક્તો સેવકોએ સહિત કચ્છમાં જવા તૈયાર થયા, તે વખતે બાપાશ્રીના સેવક કણભાવાળા આશાભાઈ પ્રથમથી આવેલા, તે પણ આગબોટમાં સાથે ચાલ્યા.
આગબોટ રવાના થઈ એટલે કરાંચીના હરિભક્તોએ તારથી કચ્છમાં ખબર આપ્યા હોવાથી ઘણા હરિભક્તો માંડવીના કાંઠા સુધી સામા આવેલા. જ્યારે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા ધનબા વગેરે કાંઠે ઊતર્યાં, ત્યારે સૌ હરિભક્તોએ બાપાશ્રીને ‘જય સ્વામિનારાયણ, કરી હાર પહેરાવ્યા ને દંડવત્ કર્યા. આ વખતે માંડવીના હરિભક્તોએ તાણ કરી રોકવાનો આગ્રહ કરવા માંડયો, પણ બન્ને મુક્તોની રોકાવાની મરજી જોઈ નહિ, તેથી વધુ તાણ ન કરી. પછી થોડી વાર ત્યાં રોકાઈ ગાડામાં બેસી રવાના થયા, એ વખતે કેટલાક હરિભક્તો ગાડાંને આગળ-પાછળ દર્શન કરતા ચાલ્યા આવે ને રાજી થાય.