૫૭૦ - મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોવરાવ્યું
સંતો ગયા પછી થોડા દિવસે નારાયણપુરના મંદિરમાં હનુમાનજી તથા ગણપતિ પધરાવવા નિમિત્તે કામ ચાલતું હતું તથા ત્યાં બાઈઓના મંદિરમાં મૂર્તિઓ પધરાવવી હતી. તેથી એ ગામના કેટલાક હરિભક્તો ધનજીભાઈને લઈને વૃષપુરમાં બાપાશ્રી પાસે આવ્યા ને પૂછ્યું જે, ‘બાપા! મૂર્તિઓ તૈયાર છે, તે પધરાવવાનું હવે કેવી રીતે કરવું?’ ત્યારે બાપાશ્રી કહે, ‘એમ ને એમ પધરાવશો કે કથા બેસારશો?’ ત્યારે તેઓ કહે, ‘અમારે તો તમે જેમ કહો તેમ કરવું એવો ઠરાવ છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તો તો તમે પહેલા ભૂજ જઈ સંતોને વાત કરો ને મુહૂર્ત જોવરાવો ને થોડીઘણી કથા થાય તો સારું.’ આમ આજ્ઞા થતાં ધનજીભાઈ વગેરે ભૂજ ગયા. ત્યાં સદ્ગુરુ સ્વામી મહાપુરુષદાસજી તથા ભક્તિપ્રિયદાસજી વગેરેને આ વાત કરી. ત્યારે તેઓ કહે, ‘પહેલાં બ્રાહ્મણને બોલાવી મુહૂર્ત જોવરાવીએ.’ એમ કહી જોશી હિંમતરામને બોલાવીને પૂછ્યું તો તે કહે, ‘કથા કરાવીને પ્રતિષ્ઠા કરાવવી હોય તો જ્યેષ્ઠ સુદિ આઠમથી તેરશ સુધી સારું મુહૂર્ત છે અને સમાપ્તિને દિવસ પ્રતિષ્ઠા પણ થશે.’ આથી સંતોએ હા પાડી ને ‘શિક્ષાપત્રીભાષ્ય’ની કથા કરવાનું ઠરાવ્યું. પછી સંતોને આગળથી પધારવાનું નક્કી કરી, ધનજીભાઈ વગેરે વૃષપુર આવ્યા અને આ મુહૂર્તથી બે દિવસ પહેલાં બાપાશ્રીને નારાયણપુર આવવા તાણ કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘તમે કથા તો આદરો, હું એ વખતે આવી પહોંચીશ; નારાયણપુર ક્યાં છેટું છે! જો હું અહીંથી તાણીને હાકલ પાડું તો તમે ત્યાં બેઠા સાંભળો એટલું છે.’ એમ રમૂજ કરી તેમને પોતાને ઘેર લઈ જઈને જમાડ્યા. પછી તે હરિભક્તો નારાયણપુર ગયા.