૫૦૧ - પૌત્ર હરજીને મંદવાડ તથા પોતાને ‘વા’

0:000:00

હવે અહીં વૃષપુરમાં શું બન્યું? તો બાપાશ્રી જન્માષ્ટમીના સમૈયામાં ભૂજ જઈ આવ્યા પછી પોતાને જમણે પડખે થોડો થોડો ‘વા’ જણાવા લાગ્યો. પછી તો ઊઠવા-બેસવાનું ને હરવા-ફરવાનું પણ ધીરે ધીરે થાય. આવું જોઈ પોતાના પૌત્ર માવજી ને જાદવજી સાંજ-સવાર સગડી કરી કરીને શેક કરવા લાગ્યા. ઘણા દિવસ એમ કર્યું, પણ ફેર ન પડતાં પછી ગૂગળ ને હીરાબોળની ચીટકીઓ ચોડવા માંડી, એટલે તેનાથી જરા જરા ઠીક થયું, પણ પાછો પૌત્ર હરજીને તાવ બહુ આવવા માંડ્યો, તેથી એ તાવમાં ને તાવમાં ઝંખના કર્યા કરે ને વારે વારે કહે કે, ‘બાપા! તમે મને ધામમાં મેલી દ્યો. મારાથી આ વાતનું દુઃખ ખમાતું નથી.’ તેને બાપાશ્રી રોજ પાસે જઈ ધીરજ આપે ને સમજાવે, પણ તાવ જરાયે ઊતરે નહિ.

એવામાં એક દિવસ રામપુરથી દેવરાજભાઈ આવ્યા. તેમણે દર્શન કરી પ્રાર્થના કરી જે, ‘બાપા! ધનબાએ મંદવાડમાં પારાયણ કરવાનો સંકલ્પ કર્યો હતો ને તેના મનમાં એમ રહેતું હતું જે, ‘આ ફેરે તો મારો દેહ નહિ જ રહે,’ પણ તમે આવી ગયા પછી ઠીક થઈ ગયું છે, તોય હમણાં તેમણે હરિભક્તને ભૂજ મોકલીને સંતોને તેડાવ્યા ને સાત દિવસની વચનામૃતની કથા વંચાવવાનું નક્કી કર્યું છે, તો તમે રામપુર પધારો; મને એમણે તેડવા મૂક્યો છે.’ આવું સાંભળી બાપાશ્રી કહે, ‘મને હમણાં જમણે પડખે ‘વા’ આવ્યો હતો તે માંડ માંડ ઠીક થયું ત્યાં અમારો હરજી માંદો થઈ પડ્યો છે.’ એમ કહી બાપાશ્રી તથા દેવરાજભાઈ, એ બન્ને હરજીભાઈ પાસે આવ્યા. તે વખતે તેને તાવ બહુ ચડ્યો હતો, પણ બાપાશ્રીને જોઈને તેણે હેતમાં ને હેતમાં બોલવા માંડ્યું, ‘બાપા! ભલે આવ્યા, હું તમને બહુ જ સંભારતો હતો. હવે તો મારી પાસે ને પાસે રહેજો, તમને જાવા નહિ દઉં. હું તાવમાં પીડાઉં ને તમે બેઠા જુઓ, એ તમને કેમ ઠીક લાગે છે?’ એમ બેફોમમાં બોલે ને બકારિયું આવે, થોડી થોડી વારે ઊલટી પણ થાય. આવું જોઈ દેવરાજભાઈ તેની પાસે બેસી ધીરજનાં વચનો કહેવા લાગ્યા એટલે જરા શાંતિ આવી. પણ થોડી વાર પછી એને ખબર પડ્યા કે, દેવરાજભાઈ તો બાપાશ્રીને રામપુર તેડી જવા આવ્યા છે એટલે એણે તો પાછું રોવા જ માંડ્યું. બાપાશ્રી કહે, બચ્ચા હરજી! કેમ રુએ છે? ‘તો કહે, તમે મને મૂકીને રામપુર જતા રહેશો તો પછી મારા શું હાલ થાશે? ભલે તમારે જવું હોય તો મારી ના નથી, પણ પહેલાં મને ધામમાં મૂકી દ્યો; પછી સુખેથી જાઓ, પણ મને આમ ને આમ મૂકીને જાશો મા.’ આવાં વચન સાંભળી બાપાશ્રીએ તેના શરીર પર હાથ ફેરવ્યા ને કહ્યું, ‘હરજી! બચ્ચા, તું ઝાઝું બોલ મા, હું નહિ જાઉં; તારો તાવ હમણાં મહારાજ ઉતારી દેશે.’ એમ કહીને પોતે થોડી વાર તેના પાસે આસન પથરાવી સૂતા ત્યાં તો તેને તાવ હલકો પડી ગયો. પછી પોતે એમ બોલ્યા જે, ‘હરજી! હવે તને તાવ નહિ આવે, તું મૂંઝાઈશ મા, મહારાજને સંભારજે.’ પછી દેવરાજભાઈને કહ્યું જે, ‘તમે હમણાં જાઓ, હું એકબે દિવસ ખમીને જરૂર આવીશ.’ એમ કહી તેમને રામપુર મોકલ્યા. પછી પૌત્ર હરજીને બીજે દિવસ સાવ નિરાંત થઈ ગઈ, તેથી ઘરમાં સહુ રાજી થયા ને જાણ્યું જે, ‘બાપાશ્રી ને રામપુર જવું છે, એટલે દયા કરીને આને સાજો કરી દીધો, નહિ તો તાવ ઊતરે એવું જણાતું નહોતું.