૬૨૮ - મંદિરમાં ફોટો તથા સમુદ્રકિનારે સભા

0:000:00

એક દિવસ સાંવલદાસભાઈ, શિવજીભાઈ અને ગોવિંદભાઈ આદિ હરિભક્તોએ સભાનો ફોટો લેવા બાપાશ્રી પાસે પ્રાર્થના કરી ત્યારે પ્રથમ તો એમ બોલ્યા જે, ‘આમ ને આમ આ દિવ્ય સભા સંભારી રાખવી, તેમાં બધુંય આવી ગયું. આ સભા દિવ્ય તેજોમય ને અક્ષરધામની છે, અનાદિ મુક્તની છે, શ્રીજીમહારાજ વચ્ચે બિરાજે છે એવી અખંડ સ્મૃતિ રાખવી.’ એમ દિવ્યભાવ રાખવાની વાતો કરી, પણ હરિભક્તોનો આગ્રહ જોઈ કહે, ‘ભલે! સાજી સભા બેસે તો અમારી ના નથી,’ એમ કહી સંતોએ સહિત હરિભક્તોના સમૂહ વચ્ચે આવીને બેઠા. તે વખતે ફોટોગ્રાફવાળાએ સભાની છબી પાડી લીધી. પછી આસને આવી મહારાજ તથા મોટા મુક્તના મહિમાની ઘણી વાર વાતો કરી સૌને રાજી કર્યા. (આ વખતે બીજાં સ્થળોએ પણ હરિભક્તોએ પ્રસન્નતા લઈ છબીઓ પડાવી લીધી હતી.)

વચમાં એકાદશીને દિવસે હવાબંદર, જ્યાં સમુદ્રકિનારો છે ત્યાં તેડી જવા હરિભક્તોએ પ્રાર્થના કરી, ત્યાં પણ મોટરમાં હરિભક્તોએ સહિત પધારી ત્યાંથી માંચીમાં બેસી સૌની સાથે સમુદ્રકિનારે આવ્યા, ત્યાં સર્વે નાહ્યા ત્યારે પોતે રમૂજી વચનોથી સૌને આનંદ પમાડતા, આગળ જ્યાં બેઠક જેવું સ્થાન હતું ત્યાં આવી સભા કરી મહારાજના મહિમાની બહુ વાતો કરી તથા હરિભક્તો મેવો લાવેલા હતા તેની પ્રસાદી સૌને વહેંચી. એ વખતે હરિભક્તોએ ઘણી વાર ઉત્સવ કર્યો, પછી પોતે પ્રસન્નતા જણાવી બોલ્યા જે, ‘સહુ આવો ને આવો આનંદ રાખજો. શ્રીજીમહારાજને આવું બહુ ગમે છે. સંત-હરિભક્તોનાં આવાં હેત જોઈને મહાપ્રભુ ઘણા રાજી થાય છે,’ –એમ કહી ત્યાંથી પાછા મોટરમાં બેસી સૌની સાથે મંદિરમાં આવ્યા.