૬૮૩ - મંગળાચરણ વખતે ચમત્કાર
પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ મૂર્તિ ધારી કથા ચાલતી કરી ને બાપાશ્રી ચંદનનો વાટકો હાથમાં લઈ સંત-હરિભક્તોની પૂજા કરવા લાગ્યા. એ ટાણે કરાંચીથી આવેલ એક વૃદ્ધ હરિભક્ત લવજીભાઈ, જેને સત્સંગ સાધારણ હતો, તેને એવાં દર્શન થવા લાગ્યાં જે, ‘સભામાં સૌનાં અંગમાં તેજ જણાયા કરે, તેમાં પણ મહારાજની મૂર્તિ તથા બાપાશ્રીના અંગમાંથી તેજની વધુ સેડ્યો છૂટે, પોતાની વૃદ્ધાવસ્થાને લીધે તેમ જ હરિભક્તોની ભીડને લીધે દર્શનનું સુખ આવે, તે સારુ તેણે પોતાનું આસન સામેની ઓશરીમાં રાખેલ હોવાથી ત્યાં જ બેઠા બેઠા તેમને આવાં દર્શન થતાં હતાં.’
આ પ્રકારે પારાયણના આરંભમાં જ અલૌકિક પ્રતાપ જણાવતા બાપાશ્રી સૌને સુખિયા કરવા લાગ્યા. પોતાનું આસન સભામંડપમાં વચ્ચે રાખેલ હોવાથી સહુને એકસરખાં દર્શન થતાં, તેમ જ હરિભક્તો આવીને પગે લાગે, ‘જય સ્વામિનારાયણ’ કરે, કોઈ ચંદન ચર્ચી હાર પહેરાવે, કોઈ રાજી રહેવા પ્રાર્થના કરે, તે સૌનાં પર પોતે હાથ મૂકી અત્યંત પ્રસન્નતા જણાવતા. કથા ચાલતી હોય ને પોતે ઉઘાડે શરીરે હાથમાં ચંદનનો વાટકો લઈ સંત-હરિભક્તોની પૂજા કરે, કોઈ હરિભક્ત કહે કે, ‘બાપા! લાવો હું ચંદન ચર્ચું,’ ત્યારે પોતે એમ બોલે જે, ‘આ સભા દિવ્ય તેજોમય છે, આ તો મહારાજ તથા અનંત મુક્તોની પૂજાઓ થાય છે.’ એમ કહી પોતે જ ચંદન ચર્ચતા, કોઈના માથા પર, હેત જણાવી ચંદનવાળા હાથ લૂઈને કહે જે, ‘આ તો અક્ષરધામનું ચંદન છે, અમે તમને ચંદન ચર્ચવા અક્ષરધામમાંથી આવ્યા છીએ, -એમ જાણજો, આ અવસર બહું દુર્લભ છે, આ તો મહારાજે બહુ દયા કરી છે, તમે પણ દરિયા ઊતરીને અહીં આવો છો, તેથી અમે તમારા પર બહુ રાજી થઈએ છીએ.’ વળી કોઈ હરિભક્ત એમ કહે જે, ‘બાપા! તમે બહું દાખડા કરો છો,’ ત્યારે પોતે એમ બોલે જે, ‘અમે તમને આ અમારો છેલ્લો યજ્ઞ છે, એમ લખીને તેડાવ્યા છે, તેથી આ ફેરે સૌને રાજી કરવા છે.’ એવાં વચનો કહી સહુને રાજી કરતા હતા, ત્યાં સમય થયો એટલે કથાની સમાપ્તિ થઈ, ત્યારે સંતો ઝીલણિયાં કીર્તન બોલ્યા અને હરિભક્તો પ્રસાદી વહેંચવા લાગ્યા. પછી જમવાનો સાદ થતાં હરિભક્તોની પંક્તિઓ થઈ, ત્યાં પોતે માંચીમાં બેસી પધાર્યા, અને પિરસનારા હરિભક્તોને ભલામણ કરવા લાગ્યા કે, ‘જો જો! પિરસવામાં કસર મ રાખજો. મહારાજ આ પંક્તિમાં દિવ્યરૂપે દર્શન દેવા ફરે છે, મંદ મંદ હસે છે, તેથી કોઈને જમાડવામાં કસર રાખશો તો મહારાજ રાજી નહિ થાય, માટે સહુને તાણ કરી કરીને ખૂબ જમાડજો. કોઈ ગમે તેવો આવીને જમવા બેસે તોયે તેને ના પાડશો નહિ,’ એ રીતે ભલામણ કરી માર્ગમાં સહુને દર્શન દેતા, હરિભક્તોએ સહિત પોતે મંદિરમાં આવ્યા. પોતાને માટે ઘેર થાળ તૈયાર થઈ ગયેલ હોવાથી પુત્ર-પૌત્રાદિ સર્વે વાટ જોતા હતા, પણ બાપાશ્રી તેમને કહે, ‘તમે જાઓ, હું મારી મેળાએ સંતોની પંક્તિનાં દર્શન કરીને આવીશ.’ પછી થોડી વારે પંક્તિ થઈ ત્યારે પોતે સંતોને દંડવત્ કરવા લાગ્યા. સદ્ગુરુઓ ના પાડતા ઊભા થઈ ગયા કે, ‘બાપા! રાખો! તમારાથી આમ ન થાય.’ તોય પોતે દંડવત્ કરી ‘જય સ્વામિનારાયણ’ કરતા, સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જેા, ‘તમે સંતોને સારી રીતે જમાડવાનો ખટકો રાખજો.’ પછી પોતે ઘેર જઈ થોડી વારમાં ઠાકોરજીને જમાડી પાછા મંદિરમાં આવ્યા, ત્યાં સંતોએ વચનામૃતની કથા કર્યા પછી થોડી વાર વિશ્રાંતિ કરી. સૌ નાહી આવ્યા, ત્યાં તો પાછી બપોરની કથા ચાલતી થઈ. તે વખતે પણ બાપાશ્રીએ પુસ્તક તથા પુરાણી ઉત્તમપ્રિયદાસજીની ચંદન-પુષ્પથી પૂજા કર્યા પછી સંતોને ભાલે ચંદન ચર્ચવા માંડ્યું. એ જોઈ સદ્ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજી કહે, ‘બાપા! તમે તો સભામાં બેઠા બેઠા દર્શન આપો તો અમો બહુ રાજી થઈએ, આ સેવા તો બીજા ઘણાય સેવકો છે તે કરશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! બહુ સારું, જેમ તમે કહો તેમ,’ –એમ કહી સભામાં બેઠા. પછી હરિભક્તો આવી આવીને હાર પહેરાવી જાય, કોઈ પગે લાગી માથે હાથ મુકાવે, કોઈ પ્રાર્થના કરે, એ સહુને રાજી કરતા સમાપ્તિ થઈ ત્યાં સુધી પોતે સભામાં બેઠા. વળી સાંજે સમાપ્તિ થયા પછી જમવાનો સાદ થયો ત્યારે હરિભક્તો જમી આવ્યા; પછી આરતી, ધૂન્ય, કથાવાર્તા, કીર્તન, ચેષ્ટા આદિ નિત્યનિયમ થતાં સહુને આનંદ આનંદ થઈ રહ્યો.
આ રીતે રોજ સવાર-સાંજ સભામાં કથાપ્રસંગે ચંદન-પુષ્પથી પૂજાઓ થાય ને સમાપ્તિ થયે સહુ જમવા જાય. સભામાં સંતો અથવા બાપાશ્રી ક્યારેક વાતો કરે તે સાંભળવા સહુ તત્પર થઈ જાય, પંક્તિઓ થાય તે ટાણે પોતે દર્શન દેવા જાય, ત્યાં કોઈ નવા હરિભક્તોને જોઈને સમાચાર પૂછે જે, ‘તમે ક્યારે આવ્યા છો? કેટલા છો?’ વળી કોઈને કાંઈ જરૂર હોય તો પોતે વગર પૂછ્યે તેની તે તાણ પૂરી કરે, કોઈને અજાણ્યા થકા તેના અંતરની વાત કહે, સભામાં બેઠા હોય ને કોઈ પોતાને ઉતારે સંભારે તો ત્યાંય દર્શન આપે ને કહે જે, ‘તમારે કાંઈ ચીજ-વસ્તુ જોઈએ તો હીરજીભાઈ તથા જાદવજીભાઈને કહેજો અથવા અમારા મનજીને કહી આપણે ઘેરથી જોઈએ તે લઈ આવજો. કાંઈ મૂંઝાશો મા.’ કોઈને એમ કહે જે, ‘સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોએ આ યજ્ઞનું કામ માથે લીધું છે, તેથી તમને કાંઈ જોઈતું હોય તો તેમને કહેજો, તમે અજાણ્યા છો તેથી અમે તમને કહીએ છીએ.’ એમ કહી તેમને રાજી કરે. એવી જ રીતે સંતોની પંક્તિ વખતે પોતે દંડવત્ કરતાં મહિમાનાં વચનો કહી સંતોને આનંદ પમાડે.