૪૧૨ - દૂધી તથા કાળીંગું મંગાવ્યું
બીજે દિવસ સવારમાં કથા ચાલતી હતી તે વખતે મંદિરમાંથી પૌત્ર જાદવજી ભેળું પોતાની દીકરી રાધાબાને કહેવરાવ્યું જે, ‘થોડું દૂધીનું શાક કરીને મોકલાવજો.’ આવા ખબર આવતાં ઘરમાં વાલબા તથા કાનબા આદિ વિચારમાં પડી ગયાં કે, ‘આ ટાણે દૂધી ક્યાં મળશે?’ પછી એક હરિભક્તને દૂધી લેવા મોકલ્યો, તેણે અડખેપડખેનાં બે-ચાર ગામની વાડીઓમાં જઈ ખબર કાઢી, ત્યારે મેઘપુરની વાડીમાંથી બે દૂધી મળી તે સાંજે લઈને ઘેર આવ્યો. અહીં બાપાશ્રી તો પોતાના પૌત્ર જાદવજીને ઘડી ઘડી ઘેર ખબર કાઢવા મોકલે કે, શાકને આવડી બધી કેમ વાર લાગી! આથી રાધાબાએ બાપાશ્રીને કહેવરાવ્યું જે, ‘તમે ન મળે એવી ચીજ માગો ને પાછા ઉતાવળ કરો, તે ઝટ ક્યાંથી થાય? દૂધી હજી આવી નથી; હરિભક્તને મોકલેલ છે તે આવે ત્યારે થશે.’ પછી સાંજના જ્યારે દૂધી આવી ત્યારે શાક તૈયાર કરીને મોકલાવ્યું. તે જોઈ પોતે એમ બોલ્યા જે, ‘મને શું ખબર કે આ ટાણે દૂધી નહિ મળતી હોય! હવે લાવ્યા છો તે લ્યો જમાડું.’ –એમ કહી થોડું જમ્યા.
એક દિવસ કાળીગું જમવાની ઇચ્છા બતાવી ઘેર કહેવરાવ્યું, તે પણ ન મળતાં માણસ મોકલી ભૂજથી મગાવ્યું હતું. આ રીતે મંદવાડમાં મનુષ્યભાવ જણાવી નવાં નવાં સંભારણા કરતા, તેમ જ કેટલીક વાર સંત-હરિભક્તો પર પ્રસન્નતા જણાવી મોક્ષના આશીર્વાદ આપતા હતા.