૫૯૬ - કુંભારીઆમાં ગોવાભાઈ નિમિત્તે પારાયણ

0:000:00

બાપાશ્રી ભૂજ જઈ આવ્યા પછી વળી કાર્તિક માસમાં કુંભારીઆમાં મિસ્ત્રી મનજીભાઈ તથા અમરશીભાઈએ પોતાના પિતા ગોવામલભાઈ પાછળ ‘સત્સંગિજીવન’ની દસ દિવસની પારાયણ બેસારી હતી, તે પ્રસંગે તેમના આગ્રહથી બાપાશ્રી ત્યાં પધારેલા; તેમ અમદાવાદથી સદ્‍ગુરુઓ તથા સંતો ઘણા આવ્યા હતા. એ પારાયણમાં પણ બાપાશ્રીએ બહુ જ પ્રસન્નતા જણાવી તેમના કુંટુંબને રાજી કરી મૂક્યા હતા. રોજ સવારમાં કથા વંચાય, પુસ્તક, પુરાણી અને સભાની પૂજાઓ થાય, સમાપ્તિ થયે કીર્તન બોલાય, પછી જમવાનો સાદ થતાં સંત-હરિભક્તોની પંક્તિઓ થાય. બપોર પછી પણ કથા વંચાય તે સાંજ સુધી બ્રહ્મયજ્ઞ ચાલે. પારાયણ પ્રસંગે સદ્‍ગુરુઓ અથવા ભૂજના સંતો વાતો કરે, તેથી હરિભક્તો રાજી થાય. રાત્રે આરતી, ધૂન્ય ને કથાવાર્તા થતાં સહુને આંનદ વર્તે. એમ કરતાં સમાપ્તિને આગલે દિવસે મંડળીઓ આવી અને ધામધૂમે સહિત ઠાકોરજીની પાલખી ગામમાં ફરવા નીકળી ત્યારે ગાજતેવાજતે સહુ આખા ગામમાં ફર્યા. બાપાશ્રી સભામાં પધારે કે ઉતારે જાય, પણ જ્યાં જાય ત્યાં ભીડ મટે નહિ. સમાપ્તિ વખતે ઠાકોરજીને ભેટો અપાણી, પછી પુસ્તક, પુરાણી તથા સંતોની પૂજા કરી વસ્ત્રો ઓઢાડ્યાં. બાપાશ્રીને પણ એ વખતે મનજીભાઈએ મોટી પાઘડી બંધાવી, હાર પહેરાવી રાજી કર્યા; પછી પંક્તિ થઈ ત્યારે બાપાશ્રી સહુને દર્શન દેવા ઘણી વાર ફર્યા. બીજે દિવસ પોતે ચાલવાની તૈયારી કરી ત્યારે ગામના હરિભક્તો ઘણે છેટે સુધી વળાવવા આવ્યા. મિસ્ત્રી મનજીભાઈ, અમરશીભાઈ આદિ સહુને ચારપાંચ દિવસ રોકવાની તાણ ઘણી હતી, પણ બાપાશ્રી તે વખતે રોકાણા નહિ.

આનું કારણ પોતાના પુત્ર કાનજીભાઈની આંખમાં પ્રથમ શૂળ લાગેલી તે ભૂજ જઈ દવા કરાવવાથી આંખને ઠીક થયું જણાતું હતું, પણ થોડા દિવસે પાછો બહુ દુ:ખાવો ઊપડ્યો. એ વખતે વીરમગામથી ડૉક્ટર નાગરદાસભાઈ કચ્છમાં દર્શન કરવા માટે આવેલા, તેમને એવી પ્રાર્થના કરી જે, ‘બાપા! આપ સમર્થ છો, તેથી આપની પાસે અમારે દૈહિકદૃષ્ટિની વાત કરવી નકામી, પણ અમારી ડૉક્ટરી રીતે પ્રમાણે એક આંખ બગડી હોય ને તેનો દુ:ખાવો ઊપડે એટલે તે કઢાવી નાખવી જોઈએ, જો ન કઢાવે તો બીજી આંખને પણ નુકસાન થાય. પૌત્ર રામજીભાઈને પણ એમ જ છે.’ આવી વાત થયેલ હોવાથી એ વિચારે બાપાશ્રી તુરત વૃષપુર આવ્યા.