૫૨૯ - ધ્રાંગધ્રામાં બાપાશ્રી પધારતાં થયેલી ધામધૂમ
ધ્રાંગધ્રામાં સત્સંગનો સમૂહ ઘણો તેમ બાપાશ્રી પધારવાના ખબર મળતાં ગામડેથી હરિભક્તો દર્શન કરવા આવ્યા હતા તે સર્વે સ્ટેશન પર સામા આવેલા, તેમણે બાપાશ્રી તથા સંતોને ગાડીમાં જોયા એટલે હેતભર્યા સહુ ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલતાં દંડવત્ કરવા લાગ્યા; પછી બાપાશ્રી તથા સંતો ગાડીમાંથી ઊતર્યા ત્યારે ફૂલના હાર પહેરાવતાં ‘જય સ્વામિનારાયણ’ કરી મળ્યા. પછી ત્યાંથી સહુ મંદિરમાં પધાર્યા, પણ એ જ વખતે ધ્રાંગધ્રા દરબારને ઘેર કુંવરનો જન્મ થવાથી શહેરમાં જ્યાં ને ત્યાં ખુશાલી ફેલાઈ રહી. માંગલીક વાજાં વાગ્યાં, તોરણો બંધાયાં અને પરસ્પર સૌ હર્ષભર્યા વાતો કરવા લાગ્યા જે, ‘રાજ્યમાં કુંવરનો જન્મ થયો.’ એ વખતે બાપાશ્રી એમ બોલ્યા જે, અત્યારે રાજ્યમાં કુંવરનો જન્મ થયો, તે રાજા થશે.’ આવાં આશીર્વાદવચનથી હરિભક્તો રાજી થયા. આ રીતે દિવ્ય મુક્તો પધારતાં આખા શહેરમાં આનંદ થવાથી એકબીજા મહિમાની વાતો કરવા લાગ્યા. સંત-હરિભક્તોને તો એમ જે, ‘બાપાશ્રીને મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ નથી, પણ રાજ્યમાં કુંવરનો જન્મ થવાના સમયે બાપાશ્રી પધાર્યા, તેથી સહુને સંભારણું બહુ સારું થયું.’
હવે બાપાશ્રી તો હરિભક્તોના સમૂહને રાજી કરવા પધાર્યા હતા તેથી તુરત એ કામ કરવા લાગ્યા. હરિભક્તોને પણ ઘેર બેઠાં દિવ્ય મુક્તોનાં દર્શન થવાથી અંતરમાં ઉમંગ સમાતો નહોતો. એક બાજુ સંતોએ નાહી-ધોઈ ઠાકોરજીના થાળ કરવા માંડ્યા અને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ સભામાં વાતો કરવા માંડી. એ જોઈ બાપાશ્રી ઘણા રાજી થયા. હરિભક્તો પણ એક પછી એક આવી આવીને બાપાશ્રીને પગે લાગે, દંડવત્ કરે, માથે હાથ મુકાવે, કોઈ ભેટ મૂકે. બાપાશ્રી પણ વગર બોલ્યા એ સહુને અમૃતનજરે જોતાં માથે હાથ મૂકે ને રાજીપો જણાવે. એમ કરતાં સભા ભરાઈ ગઈ. મોડેથી સંતોએ પંક્તિ કરી ઠાકોરજીને જમાડ્યા અને બાપાશ્રી માટે થાળ તૈયાર થયો હતો, તેથી તેમણે પણ ઠાકોરજીને જમાડ્યા.
હરિભક્તોને પોતપોતાને ઘેર પધરાવવાની તાણ બહુ તેથી સહુ એમ વિચારે જે, ‘બાપાશ્રી અહીં વધુ નહિ રોકાય અને શહેરમાં હરિભક્તોનો સમૂહ ઘણો છે, તેથી કદાચ આપણે રહી જઈએ નહિ.’ એમ જાણી જેમ જેમ જેને અનુકૂળ આવતું ગયું તેમ તેમ સહુ પોતાને ઘેર તેડી જવા લાગ્યા.
સવાર-સાંજ મંદિરમાં કથાવાર્તા વખતે સભા તો ભરી ને ભરી જ રહેતી. હરિભક્તો હાથ જોડે, પ્રાર્થના કરે, કેટલાય વર્તમાન ધરાવવા આવે, કોઈ મંદવાડવાળા કે દુઃખિયા હોય તે પણ બાપાશ્રી તથા સંતો પાસે આવી પ્રાર્થના કરે. સંતોને વસ્ત્રો ઓઢાડે; વળી સભામાં કે આસને જ્યારે બાપાશ્રી વાતો કરવા માંડે ત્યારે તો સહુ આનંદ પામી જાય.
એક દિવસ રાત્રે સભા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, ‘અનાદિ મુક્તરાજ પર્વતભાઈએ મૂર્તિ વિના બીજું કાંઈ દેખ્યું કે સાંભળ્યું હોય અથવા કાંઈ ભોગવ્યું હોય તે માટે પાંચસે પરમહંસના સમ ખાધા, ત્યારે કોઈએ મહારાજને રાવ કરી જે, ‘મહારાજ! પર્વતભાઈએ આ રીતે પરમહંસના સમ ખાધા.’ ત્યારે મહારાજે તેમને ઠપકો આપ્યો કે, ‘તમે અજાણે બોલો ને અમથા નિર્ણય કરો, પણ પર્વતભાઈ જેવા મુક્તનો મહિમા તમે શું જાણો? એમને તો અમારી મૂર્તિ વિના બીજુ કાંઈ છે જ નહિ.’ આમ મોટાની વાત જાણ્યા વિના કેટલાક કહે છે કે, ‘મૂર્તિમાં મુક્ત કેમ રહેતા હશે? પણ એ વાત મૂર્તિરૂપ થયેલા મુક્તની છે. તે દેહધારીને ક્યાંથી સમજાય! એ તો મોટા મુક્તને દિવ્ય જાણી તેમનો વિશ્વાસ રાખે ને મન, કર્મ, વચને જોગ કરી કૃપા મેળવે તો સમજાય. આ તો બહુ ભારે વાત છે. આ સમે શ્રીજીમહારાજ સૌને પળમાં ન્યાલ કરે છે, કેમ કે એ ન્યાલકરણ મૂર્તિ છે. એમને જેમ છે તેમ જાણે ને અખંડ જોગ રાખે તો કામ થઈ જાય, તે વિના બીજા સાધને કલ્પેકલ્પ વીતી જાય પણ કામ ન થાય. મહારાજ તથા મોટા મુક્તને તો મૂર્તિનું જ સુખ આપવું છે, તે લેવાની ખરી તાણ રાખવી. આ સભામાં અખંડ મૂર્તિની જ વાતો થાય છે, માટે વ્યાવહારિક વિક્ષેપ ન હોય ત્યારે તો મૂર્તિનું જ ધ્યાન કર્યા કરવું. ધ્યાન ન થાય એ ટાણે વળી જ્ઞાને કરીને એ જ વિચાર કર્યા કરવો ને આપણા જોગમાં કોઈ આવે તેને પણ સર્વે વાતમાં ભગવાનનું જ મુખ્યપણું રાખવાની વાત કરવી અને ઘડીવાર મહારાજથી છેટા રહેવું નહિ, તેમ મહારાજને છેટા રાખવા નહિ. આજ્ઞામાં પણ ખબડદાર રહેવું. મૂર્તિની સ્મૃતિ રાખ્યા વિનાના સાધનથી કામ ન સરે, માટે અખંડ સ્મૃતિ રાખવી. મહારાજે તો ‘અમારી મૂર્તિમાં વૃત્તિ ન રાખે તે અમારો ભક્ત જ નહિ’ એમ કહ્યું છે.’
એક દિવસ સવારની સભામાં બાપાશ્રીએ વાત કરી જે, ‘મહારાજે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુર આદિ ધામોની સભાથી પોતાની સભા અધિક કહી છે, તેનું કારણ શું? તો પોતે સર્વોપરી કારણ મૂર્તિ છે, તેથી એ સર્વે ધામના ધામી શ્રીજીમહારાજના અદભુત પ્રતાપને જાણી રાજી કરવા આ સત્સંગમાં આવેલા. આવી અલૌકિક દિવ્ય સભા આપણને મળી છે એમ જાણવું, પણ મહારાજ હવે જતા રહ્યા, આગળ મોટા મોટાએ બહુ સુખ લીધું, આ ટાણે એવું નથી, -એમ જાણે તેને મહારાજનો મહિમા ન કહેવાય અને તેના અંતરમાં સુખ ન આવે.’ મહારાજે પોતાના મુક્તનો મહિમા પણ એવો જ કહ્યો છે, એમ વર્ણન કરે પણ મનુષ્યભાવ દેખી મોહ પામે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય.
દુર્વાસા ઋષિ સર્વે ગોપીઓના થાળ જમી ગયા તોય ઉપવાસી કહેવાણા, અને યમુનાજીએ માગ દીધો. એ વાત શાસ્ત્રમાં લખાણી છે તેની સૌ હા પાડે છે, પણ શ્રીજીમહારાજના મુક્તોએ તો એવાં અનંત ચરિત્રો બતાવ્યાં છે, તે જુએ તેને ખબર પડે. મોટા મુક્ત ગોવરધનભાઈએ દાતણ કર્યા વિના સૂતરફેણી મહારાજની આજ્ઞાથી જમવા માંડી પણ પોતે જમ્યા નહોતા. એ સૂતરફેણી તો શ્રીજીમહારાજ એમના દ્વારે પોતે જ જમ્યા હતા. ને મહાસમર્થ સચ્ચિદાનંદ સ્વામીએ હજાર માણસ જમે એટલા પકવાનની કોરડ કરી ત્યારે કાઠીઓ કહે, ‘મહારાજ! આ તો દુર્વાસાના મોટાભાઈ’ એમ કહ્યું પણ એમની સ્થિતિની ખબર ન પડે. એક વાર ગઢડામાં પાંચસે પરમહંસની રસોઈમાં મહારાજે અનાદિ મુક્તરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ ચાર સંતોને જમાડી દીધા, તોય મહારાજ કહે, સંતો હજી ભૂખ્યા છે. આ વાતથી જેની રસોઈ હતી તે ડોશી આશ્ચર્ય પામતાં કહેવા લાગ્યાં જે, ‘હે મહારાજ! સંતો આટલું બધું જમી ગયા તોય લાવો, લાવો, એમ કેમ કરે છે?’ ત્યારે મહારાજે સંતોને પૂછ્યું તો કહે, ‘અમે તો એક એક પૈસાભાર જમ્યા છીએ, અને બીજું બધું આપના હાથની પ્રસાદી જાણી કેટલાય ધામોના મુક્તોને તાણ હતી તે સૌ જમી ગયા.’ આવી વાતમાં જીવની નજર શું પહોંચે! પણ સત્સંગમાં એવાં રત્નો શ્રીજીમહારાજે રાખ્યાં છે, નહિ તો કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. જ્યારે ઐશ્વર્ય, ચમત્કાર જણાવે ત્યારે મોટા મુક્ત લાગે અને એવું ન જણાવે ત્યારે એવો ભાવ ન રહે તો તો જેમ છે તેમ મહિમા જાણ્યો ન કહેવાય અને એવાને ક્યારેક વિધ્ન પણ ખરું, કેમ કે મોટા મુક્તનો મનુષ્યભાવ જોઈને તેને દિવ્યભાવ સમજતાં ન આવડે, તેથી ખસી જવાય, માટે શ્રીજીમહારાજ અને તેમના અનાદિ મુક્ત તો સદાય દિવ્ય, તેજોમય ને કલ્યાણકારી જ છે એવો મહિમા જાણવો.’
મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ‘મહિમા વિનાની ભક્તિ અંતે નાશ પામી જાય છે.’ માટે મહિમાએ સહિત બધું કરવું.
આવી રીતે વાતો સાંભળી સંત-હરિભક્તો ઘણા રાજી થયા અને એમ જાણ્યું જે, ‘બાપાશ્રીની આ ગામના હરિભક્તો પર બહુ દયા છે.’
બપોરના હરિભક્તો પોતપોતાને ઘેર બાપાશ્રી તથા સંતોને તેડી જાય ત્યારે બહુ જ હેત જણાવી ફૂલના હાર પહેરાવે, કુંકુમના ચાંદલા કરે, ઠાકોરજીને મેવા કે ફળ જમાડે, સાકર તથા પતાસાંની પ્રસાદીઓ કરી હરિભક્તોને વહેંચે. એ વખતે સંતો કીર્તન બોલતા હોય ત્યારે ઘર પણ ધામરૂપ જણાય. સવાર-સાંજ મંદિરમાં પણ હરિભક્તો સમાય નહિ.
આ શહેરમાં પણ હરિભક્તોએ સભાની સ્મૃતિ રહેવા પરસ્પર ગોઠવણ કરી ફોટો લઈ લેવા માગણી કરી. પુરાણી નંદકિશોરદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજીને એ વાત જણાવતાં, બાપાશ્રી સુધી વાત પહોંચાડી અને પ્રાર્થનાથી રાજીપો મેળવી સંતો તથા હરિભક્તોના જુદા જુદા સમૂહની બે છબીઓ પડાવી તથા ઠાકોરજીના સિંહાસન પાસે બાપાશ્રીને બેસાડી એક છબી લીધી. એમ એ શહેરમાં પણ શેઠ બળદેવભાઈની મિલના જેવું કાયમનું સંભારણું કર્યું.
આ વખતે બાપાશ્રીએ મૂળીથી નીકળ્યા ત્યારે કહ્યું હતું કે, ‘આ ફેરે સંત-હરિભક્તો જેમ રાજી થાય તેમ અમારે કરવું છે.’ તે પ્રમાણે દરેક કાર્યમાં પોતે પ્રસન્નતા જણાવતા હોવાથી સહુને વધુ લાભ મળતો. સાથે સંતો પણ એવા, એટલે હરિભક્તોને રાત્રિદિવસ મહારાજ તથા બાપાશ્રીનો તેમના પર કેમ વધુ રાજીપો થાય તેવી રીત બતાવતા.
એક દિવસ બાપાશ્રીએ સભામાં સ્વામી ભગવતસ્વરૂપદાસજીની પ્રશંસા કરી હરિભક્તોને કહ્યું જે, ‘આવા સંતનાં દર્શને મહારાજના દર્શનનું ફળ મળે. સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીના ગુણ આમણે રાખ્યા છે. મહારાજને આવી રીત બહુ ગમે. સંતોને તો ધર્મામૃત પ્રમાણે વર્તી અખંડ કથાવાર્તા ને ધ્યાનભજન કરવાનું મહારાજે કહ્યું છે, પણ એ વિચાર ન હોય તો બીજે માર્ગે ચડી જવાય.’ પછી પુરાણી ધર્મકિશોરદાસજી સામું જોઈને બોલ્યા જે, ‘આ પુરાણી પણ ખરેખરા છે. મોટાનો અભિપ્રાય જાણ્યો હોય તે મહારાજનો મહિમા જાણી તેમના વચનમાં ખબડદાર વર્તે.’ એમ કહી તેમના પર પણ બહુ પ્રસન્નતા જણાવી.
એક દિવસ સભામાં કથા વંચાતી હતી ત્યારે હરિભક્તોની ઘણી ભીડ જોઈ બાપાશ્રી બહુ રાજી થયા અને સંતોને કહ્યું જે, ‘આ ગામમાં સહુને કથાવાર્તાની રુચિ સારી છે. નાનામોટા સર્વેને હેત ને મહિમા બહુ છે.’ એમ કહીને બોલ્યા જે, ‘સહુ આમ ને આમ સત્સંગનો રંગ ચડતો રાખજો.’ આ રીતે સંત-હરિભક્તો પર પ્રસન્નતા જણાવતા. પોતાને બે દિવસ રોકાવાનું હતું. પણ એક દિવસ દરબારમાંથી સંતોને રસોઈ આવતાં, હરિભક્તોના આગ્રહને લીધે પોતે ત્રણ દિવસ ધ્રાંગધ્રામાં રહી સહુને કથાવાર્તા તથા દર્શન-સેવાએ સુખિયા કર્યા.
વચમાં એક દિવસ ભારદના દરબારે હેતે સહિત બાપાશ્રીને પોતાને ગામ તેડી જઈ દરબારમાં તથા ગામમાં સહુને દર્શન કરાવ્યાં હતાં. એવી જ રીતે એક દિવસ હરિપરના હરિભક્તોની તાણે ત્યાંય પણ બાપાશ્રી દર્શન દેવા પધાર્યા હતા.
ત્યાર પછી ધ્રાંગધ્રાથી બાપાશ્રી સંતોએ સહિત હળવદ પધારવાના છે એવા ખબર પડતાં સોલડી ગામના હરિભક્તોએ આવી તાણ કરવા માંડી જે, ‘આટલા આટલા હરિભક્તો દર્શન-સેવાએ રાજી થાય છે ત્યારે અમો થોડાક ગરીબ હરિભક્તો માર્ગમાં રહી જઈએ છીએ, માટે દયા કરી આપ અમારે ગામ પધારો.’ આવાં તેમનાં વિનયવચનોથી બાપાશ્રી સંતોએ સહિત ત્યાં પધાર્યા. તે વખતે નાનામોટા હરિભક્તોએ સામા આવી દંડવત્ કર્યા ને હર્ષભર્યા કીર્તન બોલતા બોલતા મંદિરમાં લઈ ગયા તથા થાળ કરાવી બાપાશ્રી તથા સંત-પાર્ષદોને જમાડ્યા ને ઘેર ઘેર પગલાં કરાવ્યાં. પછી મંદિરમાં સભા થઈ ત્યારે સંતો વાતો કરવા લાગ્યા ને બાપાશ્રી જરાક થાક જણાવી આસને સૂતા; એટલે હરિભક્તો સેવા કરતા પોતાનાં અહોભાગ્ય માનવા લાગ્યા. એમ એ ગામના હરિભક્તોને રાજી કરતા સવારમાં નિત્યવિધિ કરી બાપાશ્રી તથા સંત-પાર્ષદો રેલે બેસી હળવદ પધાર્યા.
સોલડીથી બાપાશ્રી હળવદ પધારે છે, એવા સમાચારથી ગામના તથા આસપાસનાં ગામડાંના હરિભક્તો સ્ટેશન પર દર્શન કરવા આવેલા, તે સહુ વાટ જોઈ ઊભા હતા ત્યાં ગાડી આવી એટલે સૌ આનંદ પામતાં દંડવત્ કરી મળ્યા. પછી સંત-હરિભક્તોએ સહિત સૌ મંદિરમાં આવ્યા. ત્યાં નાહી, થાળ કરી સહુએ ઠાકોરજીને જમાડ્યા. પછી સભા ભરાણી તે વખતે સ્વામીશ્રીએ ઘણી વાર વાતો કરી, પણ હરિભક્તોને બાપાશ્રીનાં પગલાં પોતાને ઘેર કરાવવાની તાણ હોવાથી પ્રાર્થના કરી, તેથી સંતોએ સહિત સૌને રાજી કરી, ત્યાંથી મોટરમાં બેસી સાંજે વાંટાવદર પધાર્યા. ત્યાં પણ હરિભક્તો બાપાશ્રીને આવતા જાણી સામા જઈ દંડવત્ કરી મળ્યા ને ઢોલ વગડાવી કીર્તન બોલતા બોલતા મંદિરમાં લઈ આવ્યા ત્યાં સૌએ ઠાકોરજીનાં દર્શન કર્યાં. એ ગામમાં રહેતા મુક્તરાજ ભૂરાભાઈની સ્થિતિ બહુ મોટી, તેમ બાપાશ્રીને વિષે તેમને અત્યંત હેત હોવાથી તેમણે તો આગળથી જ થાળ કરાવી રાખેલ હતો, એટલે બાપાશ્રી તથા પાર્ષદોને હેતે સહિત જમાડ્યા ને સંતો માટે મગજના લાડુ લાવીને તેમને પણ બાપાશ્રીના હાથે પ્રસાદી અપાવી.
રાત્રે અડખેપડખેનાં ગામોમાંથી હરિભક્તો આવી જતાં ત્યાં પણ મોટી સભા ભરાઈ ગઈ, જેથી સ્વામીશ્રીએ ઘણી વાર સભામાં વાતો કરી. પછી મુક્તરાજ ભૂરાભાઈએ બાપાશ્રીને કહ્યું કે, ‘બાપા! આ ફેરે આપે ઝાલાવાડના હરિભક્તો પર દયા ઘણી કરી, આપને પરિશ્રમ તો બહુ પડતો હશે, પણ કંઈકનાં કામ થઈ જશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભૂરાભાઈ! તમને મહારાજે જીવના કલ્યાણ સારુ આ દેશમાં રાખ્યા છે, તે કામ કરો છો ને?’ ત્યારે તે કહે, ‘બાપા! આપે સમજાવ્યું છે કે કલ્યાણના કર્તા એક મહારાજ છે ને મુક્ત તો સદાય મૂર્તિમાં રહ્યા છે, તે તો કાંઈ કરતા જ નથી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એટલી વાતમાં તો બધુંય આવી જાય છે; પણ જીવને એ વાતમાં નજર ન પહોંચે, એટલે દુઃખિયા મટે નહિ,’ એમ કહીને વાત કરવા લાગ્યા જે, ‘જુઓને! મહારાજની દયા કેવડી બધી છે, તે અહીં દર્શન આપી પોતાનું જ્ઞાન પોતે જ પ્રવર્તાવ્યું. મોટા મોટા મુક્તોની ઓળખાણ પડાવી. વળી સંકલ્પ કર્યો જે, મૂર્તિ રૂપે દેખાઉં એટલે મૂર્તિરૂપ દેખાણા. માટે જેમ પ્રત્યક્ષ મહારાજ તેમ પ્રત્યક્ષ મૂર્તિ છે. અને એ જ સૌનું કારણ છે. એ મૂર્તિમાં અનંત અનાદિ મુક્ત રહ્યા છે. અને બહાર પણ પરમ એકાંતિકની સભા છે તે સર્વે સેવક છે અને મહારાજ એ સૌના સ્વામી છે. મુક્ત ગમે તેવા મોટા હોય ને ભગવાન જેવા કહેવાતા હોય તોપણ મહારાજ પાસે એ સેવક; કોઈ ભગવાન નહિ. ભગવાન તો એક સ્વામિનારાયણ પોતે જ છે. એ સમજણ દૃઢ કરી રાખવી, કેમ કે આ ભગવાનની તડોવડ કોઈ નથી. આ તો ‘જોવા રાખી નહિ જોડ, પુરુષોત્તમ પ્રગટી’ એવી અકળ મૂર્તિ છે.
શ્રીજીમહારાજે કહ્યું છે કે, અનંત નરનારાયણ, અનંત વાસુદેવ તથા અનંત અક્ષર છે, પણ એ સર્વે અમારા આગળ પરતંત્ર છે અને કોટાનકોટિ મુક્ત છે તે પણ અમારી આગળ પરતંત્ર છે. કેમ કે એમનું અમે ચાલવા દઈએ તેટલું જ ચાલે પણ ન ચાલવા દઈએ તો લેશમાત્ર ન ચાલે. જેમ અનંત અપાર સમુદ્ર છે તેમાંથી છાંટો પાણી નોખું પાડીએ કે વધારે નોખું પાડીએ પણ એ કાંઈ સમુદ્ર થાય? ચક્રવર્તી રાજાના રાજ્યમાં રજવાડાં હોય, શેઠ-શાહુકાર કે સાધારણ મનુષ્ય હોય અને કેટલાક રાંક પણ હોય, તે જેમ રાજાની ગણતરીમાં ન હોય, તેમ મહારાજની આગળ બીજા કોઈ લેખામાં જ નથી. મહારાજના પ્રકાશમાં કોઈનો પ્રકાશ દેખ્યામાં જ ન આવે. અનંત અક્ષરકોટિ તથા અનંત મુક્તકોટિ આદિ સર્વેનો પ્રકાશ મહારાજના રોમના કોટિમા ભાગમાં લીન થઈ જાય, પણ મહારાજનો પ્રકાશ કોઈ ઢાંકી ન શકે તેમ લીન પણ ન કરી શકે. એવા પુરુષોત્તમનારાયણ તે મારા સ્વામી છે ને હું એમનો દાસ છું. અને એ મૂર્તિ વિના બીજે ક્યાંય હેત જ ન થાય એવી દૃઢ પતિવ્રતાની ભક્તિ કરવી.
આવી રીતે ચમત્કારી વાતો કરતાં સમય થયો ત્યારે સમાપ્તિ કરી ચેષ્ટા આદિ નિયમ કરી સૌ પોઢ્યા. પછી સવારમાં વહેલા ઊઠી નાહીને નિત્યવિધિ કરવા લાગ્યા.
એ વખતે નદીના કાંઠા પર રહેલ રાસંગપુર ગામના હરિભક્તો ગાડાં લઈને તેડવા આવ્યા ને બાપાશ્રી તથા સંતોનાં દર્શન કરી કહેવા લાગ્યા જે, ‘અમારું ગામ માર્ગમાં રહી ગયું છે, તે દયા કરી ગાડામાં બેસી દર્શન દઈ જાઓ, નહિ તો અમને આ વાત દેહ રહેશે ત્યાં સુધી ભુલાશે નહિ. આ તો વરસાદ વરસે ને મો’લ વાવ્યા વિના રહી જાય તેમ અમારા ગામના પાધરમાંથી આપ નીકળ્યા ને અમોને દર્શનનો લાભ ન મળ્યો; માટે દયા કરી પધારો.’ આવાં વચન સાંભળી બાપાશ્રી કહે, ‘સંતો થાઓ તૈયાર, આ હરિભક્તોને રાજી કરવા પડશે.’ એમ પ્રસન્નતા જણાવતા ગાડામાં બેસી રાસંગપુર ગયા. ત્યાં મદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી, જે જે હરિભક્તોએ પ્રાર્થના કરી તેને ઘેર જઈ આવી પાછા વાંટાવદર આવ્યા. ત્યાં પણ ઠાકોરજીને જમાડી ઘેર ઘેર ફર્યા. પછી વળી ધનાળા ગામથી હરિભક્તો તેડવા આવ્યા હતા, તેથી ત્યાં જઈ સૌને દર્શનદાને રાજી કર્યા. ત્યાંથી પ્રતાપગઢના હરિભક્તોને બાપાશ્રીના હાથથી મૂર્તિ પધરાવવાની તાણ હોવાથી ત્યાં જઈ પ્રતિષ્ઠાવિધિ કરી સૌને રાજી કર્યા. ત્યાંથી ઘાંટીલા ગામમાં ખબર પડતાં ત્યાંના હરિભક્તો પોતાના ગામથી ગાડાં લઈને તેડવા આવ્યા એટલે સંતોએ સહિત બાપાશ્રી ઘાંટીલે જવા નીકળ્યા. એ ગામમાં કણબીનો સત્સંગ બહુ ને હરિભક્તો ઘણા તે સહુને બાપાશ્રીના રાજીપાની તાણ હોવાથી ગાજતેવાજતે સહુ સામા આવી ગાડાં આવવાની વાટ જોઈ ઊભા રહેલા, પણ બાપાશ્રી તો ગાડાંવાળાઓને બીજે માર્ગે ગાડાં હાંકવાનું કહી મંદિરમાં પહોંચ્યા. પછી ખબર પડતાં હરિભક્તો મંદિરમાં આવી પ્રાર્થના કરવા લાગ્યા જે, ‘બાપા! આમ કેમ કર્યું?’ ત્યારે પોતે એમ કહ્યું જે, તમે માર્ગમાં ઝાઝી વાર લગાડો ને મને આજ થાક બહુ લાગ્યો છે તેથી ઉતાવળા પહોંચવા આમ કર્યું. તમારે તાણ રહી હશે તો કાલે પૂરી કરશું.’ ત્યારે હરિભક્તો કહેવા લાગ્યા જે, ‘બાપા! આપનાં દર્શનની આજ ગામમાં સૌને તાણ રહી ગઈ, તેથી દર્શન વિના શાંતિ નહિ થાય; જો થોડીક વાર ગાડામાં બેસી ગામ સોંસરા થઈને પાછા મંદિર પધારો તોય સહુ રાજી રાજી થઈ જાય.’ આમ તે હરિભક્તોની તાણ જોઈ બાપાશ્રી ઊઠ્યા ને હરિભક્તો સાથે મંદિર બહાર આવ્યા ત્યાં તો ગામના મનુષ્યની ભીડ ઘણી દેખાણી; સૌ છેટે ઊભા રહી પગે લાગતા હતા તેથી નાનામોટા સહુને દર્શનની તાણ છે, એમ કહી હરિભક્તોએ બાપાશ્રીને પ્રાર્થના કરી ગાડામાં બેસાર્યા; પછી તો હરિભક્તો હર્ષભર્યા આગળ ઉત્સવ કરતા ને કીર્તન બોલતા ચાલ્યા આવે ને માર્ગમાં નાનાંમોટાં બાઈ-ભાઈ દર્શન કરે, એમ ગામમાં ફરી સહુ ઉમંગભર્યા મંદિરમાં આવ્યા, ત્યાં થાળ તૈયાર કરાવેલા હોવાથી બાપાશ્રી તથા પાર્ષદોએ ઠાકોરજીને જમાડ્યા. પછી ઘણી વાર કથાવાર્તા તથા ચેષ્ટા આદિ નિયમ કરી સૌ પોઢ્યા.
બીજે દિવસ સવારમાં વહેલા સૌ નિત્યવિધિ કરી રહ્યા ત્યાં તો હરિભક્તોની સભા ભરાઈ ગઈ એટલે ઘણી વાર કથાવાર્તા કર્યા પછી સૌએ પ્રાર્થના કરી કે, ‘આજ દયા કરી અમારે ઘેર પધારવું જોશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આ ફેરે તો અમે જેમ હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ.’ આ વચનથી સૌ રાજી થયા ને ઘેર જઈ ઘર, આંગણાં ને શેરીઓ વળાવી, આસન પાથરવાં, પ્રસાદીઓ તૈયાર કરવી વગેરે કરવા લાગ્યા. એટલામાં તો બાપાશ્રી તથા સંતોએ પણ મંદિરમાં ઠાકોરજી જમાડી લીધા. આગલે દિવસ બાપાશ્રીને થાક વધુ જણાતો હતો તેથી હરિભક્તોએ વિચાર કર્યો કે, ‘આ ફેરે, બાપાશ્રી હરિભક્તો પર પ્રસન્નતા જણાવી જેમ સૌ રાજી થાય તેમ કરે છે, પણ આ ગામ મોટું ને ઘેર ઘેર લઈ જતાં શરીર ખમે નહિ, તો સેવા કરતાં અસેવા થઈ જાય.’ એમ જાણી પાલખી તૈયાર કરીને લાવ્યા ને પ્રાર્થના કરી તેમાં બેસારી ઘેર ઘેર ફેરવ્યા. તે વખતે હરિભક્તો બાપાશ્રીનાં દર્શન કરતા આગળ કીર્તન બોલતા ચાલે ને મહિમાવાળા સહુ ઘેર લઈ જાય. ત્યાં કોઈ ચાંદલા કરે, કોઈ હાર પહેરાવે, દંડવત્ કરે, માથે હાથ મુકાવે, આશીર્વાદ માગે, કોઈ ઠાકોરજીની મૂર્તિઓ પાસે આરતી ઊતરાવે, ગોળ-સાકરની પ્રસાદી કરી હરિભક્તોને વહેંચે, કેટલાંક નાનાં બાળકોને વર્તમાન ધરાવવા તેડી લાવે, વળી ગાય, બળદ, ભેંસ, વાછડાં, પાડાં જે ઘરમાં હોય તેને વર્તમાન ધરાવવા પાણી છંટાવે, એમ અનેક પ્રકારે આ અનાદિ મુક્તરાજની પ્રસન્નતા લઈ, ગામના તળાવમાં પાણી રહેતું નહોતું તે માટે પણ પ્રાર્થના કરી ત્યારે બાપાશ્રીએ રાજી થઈને કહ્યું જે, ‘શ્રીજીમહારાજ હવે તમારા ગામમાં પાણીનું દુઃખ નહિ રહેવા દે, સહુ એમને સંભારવાનો ખટકો રાખજો.’ પછી રાત્રે મંદિરમાં સભા થઈ ત્યારે પણ બાપાશ્રીએ મહારાજના મહિમાની ને આજ્ઞામાં ખબડદાર રહેવાની ઘણી વાતો કરી, તેથી સહુ હરિભક્તો આનંદ પામ્યા.
ત્યાંથી માલણીઆદના હરિભક્તોને એમને ગામ આવવા સંતોએ વચન આપેલ હોવાથી ત્યાં જવા બીજે દિવસ હરિભક્તોનાં ગાડાં જોડાવી બાપાશ્રી ચાલવા તૈયાર થયા ત્યારે પણ ગામના તમામ હરિભક્તો વળાવવા આવ્યા ને ઘણી પ્રાર્થના કરી રાજી કર્યા.
હવે બાપાશ્રી તથા સંતો માર્ગમાં સહુને દર્શન દેતા માલણીઆદ પહોંચ્યા એટલે ત્યાંના હરિભક્તોને ખબર પડતાં ઘણું હેત જણાવી સહુ સામા આવ્યા ને કીર્તન બોલતા બોલતા બાપાશ્રી તથા સંતોને મંદિરમાં તેડી ગયા. એ ગામમાં મુક્તરાજ અમીચંદભાઈ, મોતીભાઈ, છગનભાઈ આદિ સહકુટુંબને સત્સંગ માથા સાટે તથા તેમના કુટુંબમાં મુક્તરાજ ચતુરભાઈ પર આ અનાદિ મુક્તરાજની અત્યંત કૃપા હોવાથી એ તો વ્યવહાર કરતા હોય તોય અખંડ મૂર્તિમાં વૃત્તિ રાખે. વળી તેમના ભાઈઓ પણ બધા શૂરવીરના અંગવાળા તેથી ઘણી વાર તો કચ્છમાં ચાલી ચાલીને બાપાશ્રીનાં દર્શન કરવા જતા. આવા અનેક ગુણોથી રાજી થઈ બાપાશ્રીએ ત્યાં થાળ કરાવી ઠાકોરજીને જમાડ્યા તેથી સહુ રાજી રાજી થઈ ગયા. પછી હરિભક્તોની પ્રાર્થનાથી ઘેર ઘેર પધારી સહુને દર્શન આપ્યાં, તેમ જ કેટલેક ઠેકાણે દરબારમાં પધરાવવા પ્રાર્થના થતાં ત્યાં પણ પોતે દર્શન દેવા ગયા. આ રીતે ગામમાં સહુને રાજી કરી મંદિરમાં પધાર્યા. પછી આરતી-ધૂન્ય થઈ અને સભા ભરાણી ત્યારે સ્વામીશ્રીએ ઘણી વાર વાતો કર્યા પછી બાપાશ્રી મુક્તરાજ ચતુરભાઈને કહે જે, ‘ચતુરભાઈ! આજ તમે થોડી વાતો સંભળાવો! આવી આજ્ઞા થતાં એ તો વચનનિવાસી એટલે પાધરા જ બોલવા મંડ્યા કે, ‘બાપા! ભલે!’ એમ કહી મહારાજ તથા અનાદિ મુક્તના મહિમાની થોડી વાર વાતો કરી, તેથી બાપાશ્રી ઘણા રાજી થયા ને બોલ્યા જે, ‘સહુ આવા મુક્તને ઓળખજો. એમના પિતા અમીચંદભાઈએ તો ઝાલાવાડનો સત્સંગ દીપાવ્યો છે. આખું કુટુંબ બળિયું છે. અમે કચ્છમાં યજ્ઞ કરીએ છીએ ત્યારે આ બધા ભાઈઓ તથા ગામના હરિભક્તો સેવામાં હાજર થઈ જાય છે. મૂળીના યજ્ઞ વખતે પણ આમણે ભારે સેવા કરી હતી, કોઈ ઊંઘ-ઉજાગરો કે થાકનું તો ગણતા જ નહિ. સત્સંગમાં આવો મહિમા જોઈએ,’ -એમ કહી બહુ પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપ્યા.
બીજે દિવસે હળવદ થઈને ગઢડે દર્શને જવું ને ત્યાંથી પછી કચ્છમાં જવાનું કરવું, એમ સંતો સાથે બાપાશ્રીએ નક્કી કર્યું હતું તેથી પોતે સવારમાં વહેલાં ગાડાં જોડાવી માલણીઆદથી ચાલ્યા ત્યારે પણ ઘણા હરિભક્તો વળાવવા આવ્યા, તે એક ગાઉ સુધી કોઈ પાછા જ ન વળે. પછી ગાડાં ઊભાં રખાવી બાપાશ્રી તથા સંતોએ અતિ પ્રસન્નતા જણાવી તેમને પાછા વાળ્યા.
હવે બાપાશ્રીને ગઢપુરમાં દર્શન કરી કચ્છમાં જવું હતું, તેથી પોતે હળવદથી ધ્રાંગધ્રા આવ્યા ત્યાં ઘણા હરિભક્તો સ્ટેશને વળાવવા આવેલા તે વખતે એક ચંચળ નામે બ્રાહ્મણી બાઈએ બાપાશ્રીને એક કોર બોલાવી ગદગદ કંઠે ધામમાં લઈ જવાની પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રીએ તેને બીજે દિવસ સવારે તેડી જવાનું વચન આપ્યું. (આ બાઈ તો ગાડી ઊપડ્યા પછી ઘેર ગયાં ત્યાં જરા જરા શરીરમાં કસર જણાવા માંડી, તેથી જાણ્યું જે, ‘મારે તો હવે કાલે જ ધામમાં જવું છે.’ તેથી હેતે સહિત ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ’ કરવા લાગ્યાં. રાત્રે પોતાની પાસે બાઈઓ આવે તેને એમ કહે જે, ‘સૌ રાજી રહેજો, કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.’ સૌને એમ જે, ‘શું કાંઈ સવારમાં જ ધામમાં જશે?’ પણ આ બાઈને તો નક્કી હતું તેથી એ મહારાજને સંભારતાં હતાં ત્યાં તો સવારમાં જ તેમને મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થવા લાગ્યાં અને એ ટાણે જે પાસે હતા તેમને વાત કરી જે, ‘બાપાશ્રીએ મને કહ્યું હતું તે પ્રમાણે જુઓ, આ આવીને ઊભા! એમ કહેતાં દેહ મૂક્યો તેથી સૌ આશ્ચર્ય પામ્યા.)
બાપાશ્રી તો ધ્રાંગધ્રાથી ગયા પછી બોટાદ પહોંચ્યા; ત્યાં પાળિયાદના હરિભક્તો તેમને ગામ તેડી જવા સ્ટેશન પર આવેલા; તેમણે બાપાશ્રી તથા સંતોનાં દર્શન કરી તાણ કરવા માંડી જે, ‘બાપા! અમારે ગામ સહુ આપની વાટ જોઈ રહ્યા છે. અમદાવાદથી અમને ખબર મળ્યા હતા કે, આપ ગઢડે પધારવાના છો, તેથી હમણાં તો બેત્રણ દિવસ થયાં રોજ રોજ સ્ટેશને ખબર રાખીએ છીએ, પણ આજ દયા કરી દર્શન આપ્યાં; માટે ત્યાંના હરિભક્તોને રાજી કરી પછી સુખેથી ગઢડે પધારજો, અમે વધુ રોકશું નહિ.’ આ પ્રમાણે તેમની તાણથી બાપાશ્રી તથા સંતો પાળિયાદ ગયા.
એ ગામમાં અસલાલીવાળાં મુક્તરાજ કંકુબાનાં શિષ્ય મોંઘીબા રહેતાં હોવાથી તેમના પિતા, ભાઈઓ તથા ભાઈઓના પુત્રો, -એ સહકુટુંબને બાપાશ્રીને વિષે દિવ્યભાવ ઘણો તથા ગામમાં સહુ હેતવાળા હોવાથી બાપાશ્રી તથા સંતોને રસોઈ આપી જમાડ્યા તથા સંતોને વસ્ત્રો ઓઢાડી ઘેર ઘેર પધરાવ્યા. એ વખતે ધ્રાંગધ્રાના શિવલાલભાઈ, તેમની દીકરીનું સગપણ એ ગામમાં કરવા માટે આ દિવ્ય સમૂહ સાથે આવેલ હોવાથી તેમણે પ્રાર્થના કરી એટલે બાપાશ્રી સેવક આશાભાઈ તથા દલસુખભાઈ સાથે ઝવેરભાઈને ઘેર આવ્યા. ત્યાં શિવલાલભાઈએ બાપાશ્રી હસ્તક એ બાઈના સગપણની વાત કરાવી. પછી સૌને બાપાશ્રીના હાથે સાકર વહેંચાવી. તે ટાણે બાપાશ્રીએ શિવલાલભાઈને કહ્યું જે, ‘તમે તો ઓચિંતાનો યજ્ઞ કર્યો,’ પછી ત્યાંથી ઊઠ્યા ત્યારે મોંઘીબાનાં માત્રુશ્રીએ પ્રાર્થના કરી જે, ‘બાપા! તમે દયા રાખજો, એટલે અમારું કલ્યાણ થાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારું કલ્યાણ તો મહારાજની ઓળખાણ થઈ ત્યારનું થઈ જ રહ્યું છે, પણ જે તમારા હાથના રોટલા જમે તેનુંય મહારાજના પ્રતાપે કલ્યાણ થાય.’ એમ તેમને રાજી કરી, સૌને દર્શન દેતા પાછા મંદિરમાં આવ્યા.
પછી ઝવેરભાઈ આદિ સહકુટુંબને રોકવાની તાણ ઘણી હતી, પણ બાપાશ્રી કહે, ‘હવે સંતોષ રાખો.’ ત્યારે તેઓ કહે, ‘ભલે બાપા! તમે જેમ દયા કરીને પધાર્યા છો તેમ રાજી થાઓ તેમ કરો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘હવે તો રાજી થઈને રજા આપો તો ઠીક.’ આવાં વચન સાંભળી તેમણે તુરત સિગરામ તથા ગાડાં તૈયાર કરાવ્યાં, તેથી બાપાશ્રી સૌને રાજી કરી સંતોએ સહિત ત્યાંથી ચાલ્યા, પણ હરિભક્તોને હેત બહુ, તેથી એ ઘણે છેટે સુધી પાછા જ ન વળે તે સર્વેને બાપાશ્રીએ સિગરામ ઊભો રખાવી પાછા જવાનું કહ્યું.
હવે બાપાશ્રી તથા સંત-પાર્ષદો ગઢડે જતા હતા, ત્યાં માર્ગમાં તુરખા નામનું ગામ આવ્યું, ત્યાં અંધારું બહુ થઈ જવાથી રાત રહેવાનો વિચાર કરી સહુ મંદિરમાં ગયા, ત્યાં તો ચારપાંચ હરિભક્તો બેઠા હતા તેમણે આવા અદ્દભુત સ્વરૂપવાળા બાપાશ્રી તથા સ્વામીશ્રી અને સંત-પાર્ષદોને જોયા કે આનંદ આનંદ થઈ ગયો. પછી દંડવત્ કરી સમાચાર પૂછ્યા, ત્યારે સ્વામીશ્રી કહે, ‘અમારે ગઢડે દર્શન કરવા જવું છે, પણ અંધારી રાત હોવાથી અહીં રાત ખમીને સવારમાં વહેલા જઈશું.’ આ વાત સાંભળી તે હરિભક્તોએ રાજી થઈ આસન કરાવ્યાં, ને પાણી ભરાવવાનું કહ્યું. પછી આશાભાઈ આદિ સેવક ભેળા હતા તેને પૂછવા માંડ્યું જે, ‘આ મોટા ને જાડા છે તે કોણ છે?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘કચ્છમાં સમાધિવાળા અબજીબાપા કહેવાય છે તે આ પોતે છે.’ આ વચન સાંભળતાં તેમણે બાપાશ્રીનો પ્રતાપ સાંભળેલો, તેથી હર્ષભર્યા ગામમાં જઈ મોટા મોટા દસબાર હરિભક્તોને તેડી લાવી પ્રાર્થના કરવા માંડી જે, ‘બાપજી! તમે આવા મોટા રાતોરાત આવીને પાછા અંધારામાં ઊઠીને જતા રહો તે નહિ બને. અમારા ગામનું કાંઈક અંગીકાર કરો તો ઠીક કહેવાય. આ ટાણે તો મોડું થયું છે, તે અમે બહુ નથી કહેતા, પણ સવારે અહીંથી જમ્યા પછી જવાશે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘તમારી તાણ પ્રમાણે અમારે રોકાવું જોઈએ, પણ કાલે એકાદશી છે તેથી અમારે ન જમાય! તેમ ગઢડે એકાદશીનું પહોંચવું છે ને આ સિગરામ ને ગાડાં ત્યાં જઈ પાછાં મોકલવાં છે.’ આ વાતથી ઘડીક તો એ વિચારમાં પડી ગયા, પણ પછી કહે, ‘બાપજી! અમે અત્યારે સીધુ-સામાન લાવીએ તે રસોઈ કરીને જમો.’ ત્યારે બાપાશ્રીએ તેઓને સમજાવ્યા કે, ‘સંતો દિવસમાં એક જ વાર જમે, તે અત્યારે કેમ રસોઈ કરે?’ પછી તો એ બહુ કચવાવા મંડ્યા ને કહે જે, ‘બાપજી! અમારા ગામમાંથી તમે જમ્યા વિના જાશો, તો તો અમને પાછળથી ઘણું દુઃખ થશે.’ આવી તેમની અતિ તાણ જોઈ તેમને રાજી કરવા બાપાશ્રી કહે, તમે મૂંઝાઓ મા ને ચોખું દૂધ દોવરાવી લાવો, એટલે સંતોને અમે જમાડશું.’ આ વચન સાંભળી એ સહુ રાજી થતાં થોડી વારમાં સાતઆઠ ઘેરથી નોખા નોખા વાસણમાં દૂધ દોવરાવીને લાવ્યા. આવો તેમનો પ્રેમ જોઈ બાપાશ્રી સંતોને કહે, ‘તમે આ દૂધ ઊનું કરી ઠાકોરજીને જમાડી થોડું થોડું અંગીકાર કરો ને થોડું અમને આપો. બીજી બધીય પ્રસાદી એ પાછી લઈ જશે.’ આમ આજ્ઞા થતાં સંતોએ એ દૂધ ઠાકોરજીને જમાડ્યું. પછી બાપાશ્રી તથા સંતો થોડું થોડું દૂધ જમ્યા ને પ્રસાદીનું દૂધ વધેલું તે એમને પાછું આપવા માંડ્યું ત્યારે તે ગામના માણસો બાપાશ્રીને કહેવા લાગ્યા જે, ‘તમારા હાથથી સૌને પ્રસાદી આપો તો અમે રાજી થઈએ.’ ત્યારે બાપાશ્રી કહે, ‘એ કેમ બનશે?’ પછી તેમણે માંહોંમાંહી ઠરાવ કરી મંદિરની ડેલીએ આસન પથરાવી બાપાશ્રીને ત્યાં બેસાર્યા અને છસાત ફાનસો લઈને ગામમાં સૌ ખબર આપવા નીકળ્યા જે, ‘કચ્છમાં મોટા પુરુષ સમાધિવાળા કહેવાય છે, તે અત્યારે આપણા ગામમાં આવ્યા છે, તેમનાં દર્શન કરવા ને પ્રસાદી લેવા જેને આવવું હોય તે આવજો. સવારમાં એ વહેલા ગઢડે જવાના છે.’ આમ શેરીએ શેરીએ ફરી ખબર આપવાથી નાનાંમોટાં બાઈ-ભાઈ હલકીને ભેગાં થયાં. સૌ હેઠાં બેસી બેસીને પગે લાગે. એમ કરતાં થોડી વારમાં ભીડ ઘણી થવાથી બાપાશ્રી હરિભક્તોને કહે, ‘તમે સૌને હેઠે બેસારી આ પ્રસાદી વહેંચી આપો, હું માંહી હાથ અડાડી દઉં છું.’ આમ કહેવાથી તેમણે એ રીતે કર્યું પણ તેમાંથી કેટલાકે વર્તમાન ધરાવવાનું કહ્યું ત્યારે બાપાશ્રીએ પાણી મગાવ્યું, તે વટલોઈ ભરીને લાવ્યા એટલે પોતે પાણી હાથમાં લઈ લઈને સૌ પર છાંટતા આવે ને કહે જે, ‘આ છાંટા જેના પર પડે તે સૌને વર્તમાન ધરાવ્યા એમ માનજ્યો.’ પછી બાપાશ્રી એમ બોલ્યા જે, ‘તમે કોઈ આ પાણીના છાંટા ન જાણશો, આ તો મોક્ષના છાંટા છે.’ આવાં વચનથી ગામના મોટા મોટા માણસોને બાપાશ્રીનો મહિમા બહુ જણાણો. પછી સૌએ મંદિરમાં આવીને કહ્યું જે, ‘તમે આ સિગરામ ને ગાડાં પાછાં વાળી મૂકો, અહીંથી હવે અમારાં ગાડાં ઠેઠ ગઢડા સુધી તમને મૂકવા આવશે; આટલી સેવા અમને કરવા દ્યો. અમે તમારો બીજો શું મહિમા જાણી શકીએ! એમ કહી પાળિયાદનો સિગરામ તથા ગાડાં ત્યાંથી જ પાછાં મોકલાવ્યાં અને એ તુરખા ગામથી સાત ગાડાં જોડાવી વીસ માણસો તો ગઢડા સુધી ભેળા દર્શન કરવા આવ્યા. આમ તે ગામનું વાતની વાતમાં મહા મોટું મોક્ષરૂપ કામ કરી દીધું.
ત્યાંથી બાપાશ્રી તથા સંત-હરિભક્તોનો દિવ્ય સમૂહ એકાદશીને દિવસ ગઢપુર પહોંચતાં ત્યાં પણ સમૈયા જેવું બની રહ્યું. ગઢપુર એ શ્રીજીમહારાજનું નિવાસરૂપ દિવ્ય ધામ, જ્યાં પોતે ઘણાં વર્ષ ઘર કરીને રહ્યા, તેમાં પછી શું ખામી હોય? એ ધામમાં એક કોર ચોઘડિયાં વાગે ને આરતીઓ થાય અને બીજી કોર સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય. મંદિરમાં શ્રીજીમહારાજ ને ગોપીનાથજી મહારાજ તો રાજાધિરાજ. વળી અક્ષરધામરૂપ અક્ષરઓરડી ને વાસુદેવનારાયણના ઓરડા, જ્યાં મહાપ્રભુનો અખંડ નિવાસ ને કલ્પતરુસમ નિંબવૃક્ષની શીતળ છાયા, ‘જ્યાં સંતની સભા કરી હરિ બેસતા, શ્રીહરિ સુરનર મુનિ શિરતાજ,’ –એવી દિવ્યભૂમિ તથા મહાપ્રસાદીનો ગંગાજળીઓ કૂવો, ઉન્મત્તગંગા, લક્ષ્મીવાડી, ભક્તિબાગ, રાધાવાવ વગેરે દિવ્ય સ્થાનમાં આ મુક્તમંડળ આખો દિવસ દર્શન કરતા ને સૌને દર્શન દેતા જોઈને મહિમાવાળા સંત-હરિભક્તોનાં હૈયામાં હર્ષ ઊભરાતાં માંહોમાંહી વાતો કરે જે, ‘મોટા પુરુષના સામા જવાથી ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ શાસ્ત્રવાળા લખે છે, તે તો આવા શ્રીજીમહારાજના મહા સમર્થ મુક્તની તો વાતેય નથી. આ તો એ શાસ્ત્રમાં મહિમા કહ્યો હોય તેના કરતાં અનંતગણા મોટા મુક્ત છે, શ્રીજીમહારાજના હજૂરી છે, અખંડ ભેગા રહે છે. કેટલીક વાર તો સમાધિમાં જતા રહે છે.’ આવો મહિમા જાણી દર્શન કરતા ને પ્રાર્થના કરી રાજી કરતા. સહુને એમ જે, ‘આ મુક્તરાજ બેચાર દિવસ રોકાશે ને આપણે જોગ-સમાગમ કરશું.’ પણ બાપાશ્રીએ તો સંતો સાથે ગઢપુરથી બીજે દિવસ ચાલવાનું નક્કી કર્યું હતું. ત્યાં તો ભાવનગરથી દીવાન સાહેબના ભાઈ હરગોવિંદભાઈએ માણસ મોકલી ભાવનગર પધારવા કહેવરાવ્યું ને સાથે પ્રાર્થનાભરેલો પત્ર લખ્યો જે, ‘આપે હમણાં અમદાવાદમાં થોડો વખત રહીને ગામોગામના હરિભક્તોને દર્શન દઈ રાજી કર્યા, તેમ આ સેવક પર કૃપા કરી અહીં જરૂરાજરૂર પધારશો; હું દર્શન કરવા ત્યાં જ આવત પણ મને એમ થયું જે, અહીં આપના પધારવાથી ગામના દરેક સત્સંગીને દર્શન થશે. આપ તો દયાળુ છો, તેથી ઝાઝું લખવા જરૂરી નથી.’ એ પત્ર સાથે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને પણ વિનંતી લખેલી કે, ‘સ્વામી! જો જો! બાપાશ્રી અહીં દર્શન આપ્યા વિના કચ્છમાં જવાનું ન કરે. મેં તમારા પર વિશ્વાસ રાખ્યો છે તેથી જરૂર અહીં પધારી દર્શન આપશો. બાપાશ્રીને હવે કચ્છમાં પધારવાની ઉતાવળ હશે, તોપણ બેચાર દિવસ કે છેવટ એક દિવસ પણ અહીંના હરિભક્તોને રાજી કરશો. અમે આપને ઝાઝું નહિ રોકીએ.’ આવી પ્રાર્થનાથી બાપાશ્રી કહે, ‘સ્વામી! હવે કેમ કરશું? ભલે બે દિવસ વધુ થાય, પણ હરગોવિંદભાઈને હેત ઘણું છે ને ન જવાય તો ઉદાસ થઈ જાય.’ એમ પ્રસન્નતા જણાવી, ત્યાં ઠાકોરજીને જમાડી સાંજના ચાર વાગ્યાની ગાડીમાં ભાવનગર જવા નીકળ્યા.
આગળથી માણસે જઈ ખબર આપેલા હોવાથી ગાડી ભાવનગર પહોંચી ત્યાં તો દીવાન સાહેબ ત્રિભોવનભાઈ તથા તેમના ભાઈ હરગોવિંદભાઈ અને કેટલાક હરિભક્તો સ્ટેશને સામા આવેલા, તે રાજી થયા ને ગાડીમાં બેસાડી સૌને મંદિરમાં લઈ ગયા, ત્યાં સહુએ નાહવાનું કર્યા પછી ઘણી વાર કથાવાર્તા કરી, તેથી હરિભક્તો બહુ રાજી થયા; પછી મોડેથી સહુએ આસન કર્યાં. બીજે દિવસ સવારમાં સૌ નાહી, પૂજા કરી તૈયાર થયા ત્યાં હરગોવિંદભાઈએ બાપાશ્રીને પોતાને ઘેર તેડાવી પ્રાર્થના કરી જે, ‘બાપા! આપને અહીં પાંચ દિવસ રોકીએ તો રાજી થઈ રહેશો કે કેમ?’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમારે ગઢડેથી બારોબાર કચ્છમાં જવાનું હતું. પણ વચમાં પાળિયાદના હરિભક્તો બહુ તાણ કરી ત્યાં લઈ ગયા; પછી જાણ્યું જે, હવે અહીંથી જશું. ત્યાં તમારો કાગળ લઈને માણસ આવતાં એમ થયું જે, હરગોવિંદભાઈને રાજી કરી આવીએ. આપણે પાંચ દિવસ કે એક દિવસ રહેવાય, તેમાં કામ તો રાજીપાનું છે ને! જો અમને વહેલા રજા આપો તો વધુ રાજી થઈએ.’ ત્યારે હરગોવિંદભાઈ કહે, ‘બાપા! હેતવાળા હરિભક્તોને આપને જમાડવાની ને પોતાને ઘેર લઈ જવાની તાણ હોય તેનું કેમ થાય?’ ત્યારે બાપાશ્રી કહે, ‘બધાયની વતી એક દિવસ જમાડી લ્યો ને જેને ઘેર કહો ત્યાં જઈ આવીએ.’ આમ બાપાશ્રીની ઉતાવળથી જવાની મરજી જાણી હરિભક્તોને બોલાવી જમાડવાનો તથા બાપાશ્રી અને સંતોને ઘેર તેડી જવાનો એવો નિર્ણય કરી લીધો કે, ‘બે દિવસ આ મુક્તમંડળ રહે ને સૌની રસોઈ ભેળી થાય.’ એ વાતથી હરિભક્તો ઘણા રાજી થયા; પછી તો બેય દિવસ ઠાકોરજીના થાળ થાય અને બાપાશ્રી તથા સંતો જમે અને ગાડીઓ લાવી હરિભક્તો પોતપોતાને ઘેર તેડી જાય, ત્યાં ચંદન-પુષ્પથી પૂજાઓ કરે, સંતોને વસ્ત્રો ઓઢાડે, નાનાં નાનાં છોકરાંઓને વર્તમાન ધરાવવા લાવે, સૌને માથે હાથ મુકાવે, કોઈ પ્રાર્થના કરે તો કોઈ હાથ જોડે; એ રીતે સહુએ આ દિવ્ય મુક્તોને રાજી કર્યા.
એક વખત બાપાશ્રી તથા સંતોની દીવાન સાહેબે પણ પોતાની બેઠકે પધરામણી કરી, ચંદન-પુષ્પ ને ફૂલહારથી પૂજા કરી હતી.
આ રીતે બે દિવસ ભાવનગરમાં રહી બાપાશ્રી તથા સંતોએ દીવાન સાહેબ તથા હરગોવિંદભાઈ અને હેતવાળા હરિભક્તોને રાજી કરી દીધા. પછી ત્યાંથી ગાડીએ બેસી સૌ મૂળી સ્ટેશને પહોંચ્યા. ત્યાં પણ આગળથી ખબર પડી ગઈ હોય તેમ કેટલાક સંતો સિગરામ લઈ સ્ટેશને સામા આવેલા, તેમણે બાપાશ્રી તથા સંતોને મળી પ્રાર્થના કરી જે, ‘આજ દયા કરી અહીં ઊતરી જાઓ ને કાલે ઠાકોરજીનાં દર્શન કરી સુખેથી પધારજો. યજ્ઞ વખતે સંતોને પૂરાં દર્શન કરવાનીયે નવરાશ મળી નહોતી.’ આવાં વચન સાંભળી બાપાશ્રી તથા સંતો ત્યાં ઊતરી ગયા અને મૂળીએ જઈ ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી રાત રોકાણા, તેથી સંત-હરિભક્તો સર્વે રાજી થયા; પછી ત્યાંથી બીજે દિવસ ચાલ્યા ત્યારે બીજા સંતો ત્યાં જ રોકાઈ રહ્યા અને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ કચ્છમાં જવા સાથે ચાલ્યા તે સહુ ગાડીમાં બેસી વાંકાનેર, રાજકોટ થઈ જામનગર આવ્યા.