૪૨૯ - છત્રી પર સંત-હરિભક્તોને દિવ્ય સુખ

0:000:00

આ રીતે મનુષ્યભાવ સાથે દિવ્યભાવ જણાવતા બાપાશ્રીએ સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી, ભગવતસ્વરૂપદાસજી, શ્વેતવૈકુંઠદાસજી તથા દેવજીવનદાસજી આદિ સંતમંડળને પોતાની પાસે બે મહિના સુધી રાખ્યા. તેમાં રોજ નવા નવા હેતે મળે, ચંદન ચર્ચે, હાર પહેરાવે, રસોઈઓ કરાવે અને કથાવાર્તા પ્રસંગે ચમત્કારી વાતો પણ કરે. બપોરે વાડીએ પધારે તો ત્યાં સભા કરે. ગામડેથી હરિભક્તો દર્શન કરવા આવે તે હજારી ફૂલના હાર તથા પોપૈયાં આદિ લાવે, તેની પૂજા ને પ્રસાદીઓ થાય. વળી નાહતાં, જમતાં, જમાડતાં, પ્રસાદીઓ વહેંચતાં, એમ અનેક પ્રકારે બાપાશ્રી સંત-હરિભક્તોને સુખિયા કરતા. વચમાં શ્રાવણ સુદ એકાદશીને દિવસ પોતે છત્રીએ પધાર્યા. એ વખતે સાધુ મુક્તવલ્લભદાસજી ચંદન ઘસીને લાવ્યા હતા, તે લઈ સૌએ બાપાશ્રીને ભાલે હેતભર્યા ચર્ચવા માંડ્યું. એ જોઈ પોતે પ્રસન્ન થકા એમ બોલ્યા જે, ‘આ દિવ્ય ચંદનની અક્ષરધામમાં પૂજાઓ થાય છે. જેમ આ સભા અલૌકિક દિવ્ય છે તેમ આ પૂજા પણ દિવ્ય જાણજો. આ ચંદનનો છાંટો જેને અડ્યો હશે તેને અમે અક્ષરધામમાં લઈ જઈશું,’ -એમ કઈ સૌને મળ્યા ને ઘણું હેત જણાવ્યું.

આવી રીતે પૂનમ, એકાદશી, અમાસ વગેરે દિવસોએ પણ સંત-હરિભક્તોએ સહિત છત્રીએ પધારતા ને ત્યાં “રહસ્યાર્થપ્રદીપિકા ટીકાએ સહિત વચનામૃત"ની કથા કરાવી તે ગ્રંથની બહુજ પ્રશંસા કરતા ને ચંદન-પુષ્પથી પૂજાઓ કરાવી આરતી ઊતરાવતા તથા ઠાકોરજીને થાળ જમાડી સૌને પ્રસાદી વહેંચી રાજી કરતા.

ત્યાર પછી શામવેદીની શ્રાવણીનો દિવસ આવ્યો ત્યારે પણ સંત-હરિભક્તોએ સહિત છત્રીએ પધારી એ જ વચનામૃતની કથા કરાવી સંતોને જનોઈઓ પહેરાવી આશીર્વાદ આપ્યો જે, ‘ આ અક્ષરધામની જનોઈ જાણજો ને આ લીલા સંભારી રાખજો.’ પછી સંતોએ બાપાશ્રીને ચંદન ચર્ચવા માંડ્યું ત્યારે બાપાશ્રીએ તાંસળું હાથમાં લઈ સંતોને ચંદન ચર્ચી સંત-હરિભક્તોના સમૂહ પર એ ચંદન છાંટવા માંડ્યું ને બોલ્યા જે, ‘ આ સૌને મૂર્તિમાં રાખ્યાના વર્તમાન, જેવો પર્વતભાઈએ યજ્ઞ કર્યો તેવો આ યજ્ઞ જાણજો. આ બ્રહ્મયજ્ઞમાં જે જે આવ્યા છે તે સર્વેનો આત્યંતિક મોક્ષ,’ -એમ આશીર્વાદ આપી સૌને મળ્યા. પછી મંદિરમાં આવ્યા.