૬૩ - શ્રીજીમહારાજના પ્રતાપની વાતો

0:000:00

આ વખતે ભાઈશ્રીએ ધીમે ધીમે કહેવા માંડ્યું, ‘સ્વામી! શ્રીજીમહારાજની સાથે રહેલા કેટલાક સંત-હરિભક્તો મહારાજનું સર્વોપરીપણું કહેતા અટકતા હતા, તેને મહારાજે ફેર સત્સંગમાં મોકલ્યા છે, તે તમારા જેવા મોટા સંતના જોગ-સમાગમમાં રહી જેમ છે તેમ મહારાજને જાણે, તો મહારાજના સુખમાં વહેલા પહોંચી જાય.’ એમ કહીને થોડી વાર સૂઈ રહ્યા. વળી વચમાં જાગીને બેઠા થયા, ત્યારે સ્વામીશ્રી પણ જાગ્યા ને કહ્યું, ‘ભાઈ! પાણી પીવું છે?’ ત્યારે કહે, ‘ના સ્વામી, તમને મારે પૂછવું છે.’ ત્યારે સ્વામી કહે, ‘પૂછો.’ પછી પોતે અડખેપડખે નજર ફેરવીને બોલ્યા જે, ‘સ્વામી! મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે તે વાત આપણી સભામાં થાય છે?’ સ્વામી કહે, ‘ભાઈ! એ વાતના અનુભવી થોડા છે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! શ્રીજીમહારાજે એ વાત સમજાવવાનો સંકલ્પ કર્યો છે, માટે વખત આવે મહારાજ બધુંય સારું કરશે’ –એમ કહી પોઢી ગયા.

સવારે શ્રીહરિનો જન્મદિવસ હતો, તેથી વહેલા સંત-હરિભક્તો નિત્યવિધિ કરવા લાગ્યા, ને આ સંઘના હરિભક્તો વહેલા ઊઠી ધૂન કરતા, ને કીર્તન બોલતા નારાયણ ઘાટે નાહવા ગયા. ભાઈશ્રી પણ સાથે હતા, જેથી હરિભક્તો આનંદમાં મૂર્તિ સંભારી નાહ્યા ને પરસ્પર મળ્યા; પછી કથાવાર્તામાં મોડું ન થાય તે માટે ઉતાવળ કરી મંગળા-આરતી થતી હતી, ત્યાં સહુ મંદિરમાં આવી ગયા. ઠાકોરજીનાં દર્શન કરી પૂજાવિધિથી પરવારી હરિભક્તો સભામાં આવ્યા. ત્યાં તો મોટા મોટા સદ્‍ગુરુઓ આગળ ગાદીતકિયે બિરાજેલા, પાછળ સંતની સભા, હરિભક્તોની સભામાં પણ જગ્યા મળે નહિ. ભાઈશ્રીનું આસન આગળ હોવાથી સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી તે પણ ધ્યાનસ્થ બેઠા. કેટલાક નવા હરિભક્તો તો કચ્છી સંઘનો એક પહેરવેશ તથા એક રીત જોઈ રાજી રાજી થઈ જતા હતા.

સભામાં ‘સત્સંગિભૂષણ’ની કથા થયા પછી સદ્‍ગુરુ સ્વામીશ્રી નિર્ગુણદાસજીએ શ્રીજીમહારાજના પ્રતાપની વાતો કરી કે, ‘આ સમયે સર્વોપરી ભગવાન ને સર્વોપરી મુક્ત પધાર્યા છે, તે પલમાત્રમાં આત્યંતિક કલ્યાણ કરી નાખે છે. આવી દિવ્ય સભાનાં જેને દર્શન થાય તેનાં બહુ મોટાં ભાગ્ય જાણવાં. સૂર્ય ઊગે એટલે તારા ને ચંદ્ર ક્યાંય દેખાય નહિ, તેમ આજ સહજાનંદ સ્વામીરૂપ સૂર્ય ઉદય થયા છે ને આ મુક્ત સર્વે સૂર્યમુખી કમળની પેઠે એ મૂર્તિ સન્મુખ જોઈ રહ્યા છે. ક્યાં બીજા અવતાર, ને ક્યાં સર્વોપરી અવતારી કારણમૂર્તિ શ્રીજીમહારાજ! ‘એ તો જોવા રાખી નહિ જોડ પુરુષોત્તમ પ્રગટી’ –એવા છે. માટે આપણે એમ જાણવું જે શ્રીજીમહારાજ એક જ સર્વોપરી ભગવાન છે. તે જ આપણને મળ્યા છે, આ સભા એ પુરુષોત્તમ ભગવાનની છે. મધ્યે મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદ મંદ હસે છે, સૌને અમૃતનજરે જોઈ રહ્યા છે, ફરતા મુક્તનાં વૃંદ બેઠાં છે, તે પણ એકનજરે એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે. માટે અહીંથી બીજે વૃત્તિ રહે તેટલો નાસ્તિક ભાવ જાણવો. મૂર્તિ સામી વૃત્તિ થાય એટલે અક્ષરધામ અણુ જેટલું છેટું નથી. એ મૂર્તિને મૂકીને લાખ-કરોડ જન્મે પણ ત્યાં ન પહોંચાય, -આવી વાત સમજાવવા મહારાજે આવા સંત રાખ્યા છે. જુઓને! આવા સમર્થ મુક્ત ઘેર ચાલીને દર્શન દેવા આવે એ કેવડી દયા? કચ્છમાંથી આવતાં ગામ કાજરાડાની સીમમાં સમાધિ થઈ ગઈ, તે હળવદમાં આવ્યા ત્યારે જાગ્યા. ત્યાંથી મૂળીએ આવ્યા ત્યાં પણ બે દિવસ સમાધિમાં જતા રહ્યા. અહીંની હજુ બે દિવસની જ વાત! જેતલપુરમાં સદ્‍ગુરુ ધ્રુવાનંદ સ્વામીને શ્રીજીમહારાજ તેડવા પધાર્યા ને આ સંઘ ધોળકે હતો ત્યાં આ મુક્તરાજ ભાઈશ્રીને ખબર પડી ગઈ તેથી પ્રાર્થના કરી કે, મહારાજ! આવા મોટા સદ્‍ગુરુના સંઘને દર્શન થાય તો સારું. એવા વચનથી મહારાજે તેમને ત્રણ દિવસ રાખ્યા. પછી આ સંઘ જેતલપુર પહોંચ્યો, સૌએ દર્શન કર્યાં, બે દિવસ રહ્યા, ત્યારે મહારાજે અદભુત પ્રતાપ જણાવી દર્શન દઈ ચંદનની વૃષ્ટિ કરી તેનાં છાંટણાં આ સંઘના કેડિયા, પાઘડી ને ખેસ ઉપર પડ્યા છે એ જોઈને સહુ ખાતરી કરજો, આ કોઈની સાંભળેલી વાત નથી, આ તો નજરે જોઈ શકાય તેવું છે’ એમ વાત થતી હતી ત્યાં આરતી થઈ એટલે સંત-હરિભક્તો ઠાકોરજીના દર્શન કરવા ઊઠ્યા, આ વાતથી ધર્મધુરંધર આચાર્ય મહારાજ તથા સંત-હરિભક્તોને બહુજ મહિમા સમજાયો. પછી કેટલાક હરિભક્તો ઉતારે ગયા, કેટલાક સભામાં બેઠા. ભાઈશ્રી તથા કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સ્વામીશ્રીને આસને આવ્યા.

સભામાં વાત થયેલી, જેથી ગુજરાતના પ્રેમી હરિભક્તો તો બધાયનાં કેડિયા-પાઘડીમાં ચંદનના છાંટણાં જુએ, સૂંઘે ને એ વાત પૂછીને રાજી થાય. કોઈ એમ પણ પસ્તાવો કરે જે, ‘આપણે કેવા? ચારપાંચ ગાઉ ઉપર ઘરને આંગણે આવી વાત થઈ ગઈ ને લહાવ ન લઈ શક્યા!’ કોઈ એમ કહે જે, ‘આપણે આ સંઘનાં દર્શન થયાં, તેમાં એ લહાવ આવી ગયો,’ એમ જુદા જુદા પ્રકારે સૌ રાજી થતા હતા.