૨૨૨ - નારાયણઘાટે બે વાર નાહ્યા
બીજે દિવસે સંઘના હરિભક્તો સાબરમતી નાહવા જતા હતા, તે ભેળા પોતે નાહવા પધાર્યા. ત્યાં નાહીને સૌને મળ્યા, પછી થોડી વાર થઈ, ત્યારે બાપાશ્રી કહે, ‘મને આજ ગરમી થાય છે તે જાણે હજુ હું નાહું એમ કહી નાહ્યા. પણ કોઈને કાંઈ કહ્યું નહિ. તે વખતે પોતાના સંબંધી કોઈએ કચ્છમાં દેહ મેલ્યો હતો. (આ વાતની જ્યારે કચ્છમાં સૌ પાછા જતા હતા ને માર્ગમાં કોઈએ સંઘના હરિભક્તોને નવરાવ્યા. ત્યારે ખબર પડી હતી). પછી ત્યાંથી હરિભક્તોએ સહિત મંદિરમાં આવી ઠાકોરજીનાં દર્શન કર્યા. થોડી વારે ચંદની નીચે સંતોની સામે આસન નાખેલ હોવાથી પોતે સભામાં આવીને બેઠા. સભામાં સૌથી નવીન દેખાતા પુષ્ટ સ્વરૂપે ને ભીને વાને મોટી પાઘડી તથા આંગડીએ સહિત જાડું ધોતિયું ને જાડા ખેસવાળા આ અનાદિ મુક્તરાજને જોઈ સૌના મનની વૃત્તિ ખેંચાતી. કેટલાક તો હેતે સહિત આવી કંઠમાં હાર પહેરાવી જતા. એમ સભા ઊઠી ત્યાં સુધી સહુ દર્શન કરી રાજી થતા. ત્યાર પછી સ્વામીશ્રીના આસને પણ એક પછી એક સંત-હરિભક્તો આવી આવીને પ્રસન્નતા લઈ જતા.