૧૨૧ - સમાધિમાં પૂછાવવાનો આગ્ર

0:000:00

એ વખતે સ્વામીએ ભાઈશ્રીને કહ્યું જે, ‘મહારાજ મને ક્યારે ધામમાં લઈ જશે તે સમાધિ કરીને પૂછોને?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘વૃષપુરમાં સત્યાવીશ દિવસ મહારાજ પાસે ચોવટ ચાલી હતી, તેમાં તમારો ઠરાવ થઈ ગયો છે ને હવે શું પૂછવાનું બાકી છે? આવવા-જવાનું આ લોકની રીત પ્રમાણે કહેવું પડે છે. પણ આવવું-જવું ક્યાં હતું? આપણે તો મહારાજની મૂર્તિમાં જ રહ્યા છીએ ને સ્વતંત્ર થકા બધુંય જાણીએ છીએ ને મૂર્તિમાં રહ્યા થકા મહારાજના સંકલ્પથી દેખાઈએ છીએ.’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘એ તો આપણે બે જ જાણીએ, પણ સમાધિ કરો તો કેટલાકને આશ્ચર્ય થાય જે, સમાધિમાં જઈને મહારાજને પૂછી આવે છે,’ આવા સ્વામીના વચન સાંભળીને પ્રથમ તો એમ બોલ્યા કે, ‘એમાં શું?’ પણ પછી સ્વામીશ્રીની આવી મરજી જોઈને પોતે સમાધિમાં જતા રહ્યા, તે સાંજના પાંચ વાગ્યે જાગ્યા; પછી ઇસ્પિતાલના મેડા ઉપર સ્વામીશ્રીને આસને સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી, ત્યાં આવીને વાત કરી જે, ‘આજ અમે અક્ષરધામમાં શ્રીજીમહારાજની મૂર્તિમાં જેમ અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી રસબસ રહ્યા છે, તેવી જ રીતે આ સ્વામીશ્રી નિર્ગુણદાસજીને જોયા. શ્રીજીમહારાજે મને કહ્યું જે, એ તો અમારી મૂર્તિમાં રહ્યા થકા અનંત જીવોનાં કલ્યાણ કરવા અમારી ઇચ્છાથી સત્સંગમાં દેખાય છે, એવા સમર્થ છે, તોપણ તમારા પાસે સમાધિ કરાવી પૂછાવ્યું, તે તો મનુષ્યચરિત્ર કરે છે.’ આમ વાત કરી.