૩૧૩ - ધનજીભાઈની ધીરજ તથા સત્સંગનો પક્ષ

0:000:00

આ વખતે ઝાલાવાડ દેશના હળવદ ગામમાં ખત્રી ઓધવજીને દેહ રહે નહિ તેવો મંદવાડ હતો અને તેવો જ મંદવાડ એજાર ગામમાં માલણીઆદના મુક્તરાજ ચતુરભાઈના સગા તલકશીને પણ હતો. તે બેય બાપાશ્રી જ્યારે કંકુબાની પારાયણમાં અમદાવાદ પધારેલા, ત્યારે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પોતપોતાને ઘેર આવીને થોડા દિવસે માંદા થઈ ગયા ને અહીં બાપાશ્રી ભૂજ જતાં ઘોડીથી પડી ગયા હોવાથી ભૂજમાં પાંચ દિવસ રહી પાછા વૃષપુરમાં આવી તાપશેક કરાવતા હતા. આ વખતે આ બંન્ને હરિભક્તોને બહુ જ મંદવાડ હોવાથી ખત્રી ઓધવજીના પિતા ધનજીભાઈ જે વૈદનું કામ સારું જાણતા તે હળવદમાં ઓઘવજીની સારવાર કરતા ને બબ્બે, ચાર ચાર દિવસે એજાર પણ જઈ આવતા; પણ આ મંદવાડમાં મહારાજે તેમની પરીક્ષા લીધી હોય તેમ બન્યું હતું, તે એવી રીતે કે, હળવદમાં ખત્રી ઓધવજીને મંદવાડમાં બહુ વસમું લાગતું હતું, તે વખતે એજારથી તલકશીના પિતા ભાઈચંદભાઈએ ધનજીભાઈ પર ચિઠ્ઠી લખી કે, ‘અમારા તલકશીને મંદવાડ બહુ વધી ગયો છે, તો તમો મોકલેલ ઘોડી તથા માણસ સાથે કાગળ દેખત તુરત અહીં આવી જજો.’ આ વખતે ધનજીભાઈના વૃદ્ધ પિતા સુંદરજીભાઈ ઓધવજીને પડખે બેસી તેને મહારાજની સ્મૃતિ રખાવતાં કહેતા હતા જે, ‘ધનજી! આ છોકરો હવે ઘડી-બે-ઘડી છે.’ ત્યારે તે કહે, ‘જેવી મહારાજની મરજી.’ આમ કહેતાં જ એ તો પૂજાનો ખડિયો લઈ તૈયાર થયા. ત્યારે સુંદરજીભાઈ કહે, ‘ધનજી! તું આને છેલ્લી ઘડીએ મૂકીને જઈશ?’ ત્યારે તે કહે, ‘બાપા! ભાઈચંદભાઈને એક ને એક દીકરો છે ને ચતુરભાઈના પિતાએ ચિઠ્ઠીમાં ભલામણ લખી છે. માટે મારે ત્યાં જવું જોશે.’ ત્યારે સુંદરજીભાઈ કહે, ‘ધનજી! તું કાંઈક વિચાર કર. આને આવે વખતે મૂકીને જવાય?’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપા! જો ન જાઉં તો ભાઈચંદભાઈનું ચણાનું ખેતર ઊપડી જાય.’ તે વખતે તેના પિતા કહે, ‘ભાઈ! તારે ઘેર કાંઈ જારબાજરીનું ખેતર નથી!’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપા! મહારાજે સત્સંગનો પક્ષ રાખવાનું કહ્યું છે, માટે પહેલાં તો મારે એની પાસે જવું જોઈએ. કદાચ અહીં ઓધવજીને મહારાજ તેડી જાય તો તેના દેહનો અગ્નિસંસ્કાર કરી દેજો. હું તો જાઉં છું,’ -એમ કહી એ તો ઘોડીએ બેસી ચાલી નીકળ્યા. આવો સત્સંગનો દૃઢ પક્ષ જોઈ મહારાજ તથા બાપાશ્રીએ રાજી થઈ બેય ઠેકાણે એક જ વખતે દર્શન દઈ કહ્યું જે, ‘ફિકર રાખશો માં, હજી તમને રાખવા છે.’ આવાં દર્શન ને રાજીપાથી થોડા દિવસમાં એ બેય સાજા થઈ ગયા. ત્યાર પછી જ્યારે માલણીઆદના હરિભક્તો મુક્તરાજ ચતુરભાઈ, વેલશીભાઈ આદિ વૃષપુર દર્શને ગયા ત્યારે બાપાશ્રીએ પોતાની મેળાએ આ વાત કરી ને કહ્યું જે, ‘સત્સંગનો પક્ષ તો ઓધવજીના પિતા ધનજીભાઈએ રાખ્યો. આવા પક્ષથી મહારાજ તુરત રાજી થઈ જાય.’