૧૮ - માતાપિતાનો દિવ્યભાવ

0:000:00

એક વખત પાંચાભાઈની આંખે ગરમી વધુ જણાતી હોવાથી રાતે રાતે તે ઓછું દેખતા, તેથી એક વાર કમાડ લાગી ગયું. ઘરમાં કોઈ નહિ. આ મુક્તરાજ મંદિર હતા ને દેવબાઈ પણ કાંઈ કામે બહાર ગયેલાં, તેથી બહુ રીસ ચડી, એટલે ઊભે માર્ગે ચાલતા જ થયા! તેમનાં સગાંમાંથી કોઈ હરિભક્તે વાંસે જઈ ઘણું સમજાવ્યા ને કહ્યું જે, ‘ઘેર ચાલો’ ત્યારે કહે, ‘ઘરનાને મારો ખપ ક્યાં છે? મને લાગ્યું ત્યારે મારી પાસે કોઈ નહિ, વાડીએ આખો દિવસ મહેનત કરું, ને રોટલામાં ઘી, ગોળ ખવાય નહિ, તેથી રાતે દેખાતું નથી હવે તો માંડવી જઈને કમાઈશ, પછી ઘેર આવીશ.’ આવાં વચન બોલતા બોલતા જતા હતા. તેમને એ હરિભક્તે ફરી વાર ઘણું સમજાવીને પાછા વાળ્યા. ઘેર આવ્યા ત્યારે દેવબાઈ તથા દીકરીઓને ખૂબ વઢ્યા. સગાંવહાલાંનો પણ વાંક કાઢ્યો. ત્યારે દેવબાઈ કહે, ‘તમે બધાંયનાં નામ લઈને વઢો છો, પણ આ અબજીભાઈને જરાય વઢજો મા.’ ત્યારે પાંચાભાઈ કહે, ‘હુંય જાણું છું, એ તો એ જ છે. એમને વઢીને ક્યાં જાવું? એમનાં પુણ્યે તો આપણે સુખિયા છીએ,’ આમ બોલ્યા. આવો માતાપિતાને દિવ્ય ભાવ હતો.