૬૧૭ - સંતો વિદાય થતાં ઉદાસીનતા જણાવી
પછી થોડી વારે એમ બોલ્યા જે, ‘સ્વામી! તમો આવેથી બહુ સમાસ થયો, હરિભક્તો રાજી રાજી થઈ ગયા છે, આ ફેરે તમે મહારાજના મહિમાની વાતો કરીને બહુ સુખ આપ્યું. વળી તેડાવીએ ત્યારે વહેલા આવજો. ભૂજમાં અને ગામડામાં બધેય હરિભક્તો લઈ જશે ને અમારે ઘેર તો ઘણું રહેજો. અમારા છોકરા બાજરો પકવશે તે આપણે ઠાકોર જમાડશું અને ભેગા મળી મહારાજનું સુખ લેશું અને જે લેશે તેને આપશું. હવે તમે જ્યાં જાઓ ત્યાં બ્રહ્મયજ્ઞ કર્યા કરજો અને મૂર્તિનો રસ રેલાવજો. અમે સદાય તમારા ભેળા રહીશું.’ પછી બાપાશ્રીની ગાડી તથા સંતોનાં ગાડાં આવતાં સંતોને બેસી જવાની આજ્ઞા કરી પોતે સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સાધુ મુક્તવલ્લભદાસજીને કહ્યું જે, ‘અમારા હાથ ઝાલીને તમે અમને ગાડીમાં બેસારો.’ એ વખતે આશાભાઈ હાથ ઝાલવા ગયા, પણ તેને ના પાડીને કહ્યું કે, ‘તમે નહિ,’ એમ કહેતાં ગદગદ થઈ ગયા ને વિરહના કીર્તનની ટૂંક બોલ્યા, ત્યારે સ્વામીશ્રી કહે જે, ‘અમારે જવું નથી, જો આજ્ઞા કરો તો રહીએ.’ તે વખતે પણ બાપાશ્રીએ રહેવાની મરજી જણાવી નહિ ને કહ્યું જે, ‘તમોને સંતોથી નોખા પડાય નહિ.’ એમ કહી સંતોને રજા આપીને પોતે ચાલ્યા, પણ થોડે આગળ જઈને વળી ગાડી ઊભી રખાવી, સંતોને પાછા બોલાવ્યા ને બહુ ઉદાસીનતા જણાવી, તેથી સ્વામીશ્રીએ એ વખતે પણ રહેવા દેવાની માગણી કરી, ત્યારે વળી પ્રસન્નતા જણાવી બોલ્યા જે, ‘આપણે તો સદાય ભેળા જ છીએ એમ જાણજો ને આ વખતે તો તમે જાઓ.’ આમ કહેવાથી સંતો ભૂજ ગયા ને બાપાશ્રી વૃષપુર પધાર્યા.