૧૫૭ - ભીમજીભાઈને અલૌકિક દર્શન

0:000:00

ત્યાર પછી થોડા દિવસ થયા ત્યાં નારાયણપુરમાં જાદવજીભાઈના ઘરનાં લીરુબાઈને દેહ મૂકવા વખતે જેમ મહારાજે અલૌકિક દર્શન આપ્યાં હતાં, તેમ જ સુખપુરમાં ભીમજીભાઈએ દેહ મૂકયો, એ વખતે પણ મહારાજે સર્વોપરી પ્રતાપ જણાવ્યો. એ ભીમજીભાઈએ શ્રીજીમહારાજ તથા બાપાશ્રી અને સંત-હરિભક્તોનો ઘણો જ દિવ્યભાવ હતો. પોતે મુક્તરાજ દેવજીભાઈના મોટા ભાઈના દીકરા હોવાથી સત્સંગનો મહિમા બહુ રાખતા ને નાતની પટેલાઈનું કામ પણ કરતા. તેને મંદવાડ થઈ ગયો, ત્યારે અહોનિશ એ મહારાજને સંભાર્યા કરતા. પાસે હરિભક્તો આવે કે ઘરના મનુષ્ય બેઠા હોય તે મહારાજ વિનાની બીજી વાતો કોઈ કરી ન શકે. પોતે પણ મૂર્તિ ઘારી, ‘મહારાજ! સ્વામિનારાયણો! એમ જ કર્યા કરે. એમ કરતા તેમને મંદવાડ વધુ જણાયો, ત્યારે તો એ મહારાજને બહુ સંભારવા મંડ્યા. પછી દેહ મૂકવાને આગલે દિવસે સંધ્યા-આરતી સમે પોતે મહારાજની મૂર્તિને સંભારતા હતા, ત્યાં તો ઘરની પછીતે, તેમની વાડીમાં જાંબુડા હેઠે શ્રીજીમહારાજ, સાથે આદિ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, કેશવપ્રસાદજી મહારાજ, ભગવતપ્રસાદજી મહારાજ તથા ભેળા પાંચસો પરમહંસ, - એવાં દિવ્યસમૂહમાં શ્રીજીમહારાજ હાથી પર બેઠેલા ને છત્રચમર થતાં આવે, એવી શોભાએ સહિત મહારાજે તે વાડીમાં જાંબુડા હેઠે હાથી બાંધીને સભા કરી અને ગામમાં પણ ઘણાંને આવાં દર્શન આપ્યા. પછી તો એ દિવ્યસભામાં ગોડી, આરતી, કીર્તન તથા કથાવાર્તા થઈ રહ્યા પછી સર્વે મુક્તમંડળે સહિત મહારાજ ત્યાં જ પોઢી રહ્યા. આ બધું ભીમજીભાઈ ઘરમાં રહ્યા રહ્યા દેખે. પછી સવાર થયું ત્યારે મહારાજ હાથી પર બિરાજીને સંતોએ સહિત ગુલાલ ઉડાડતા ને કીર્તન બોલાવતા શેરીએ શેરીએ ફરીને તેમને ઘેર આવતા હતા, તે વખતે ઘણા મનુષ્યો દર્શન કરતા અને ગાયો, ભેંસો આદિ કેટલાક જાનવરો પણ ભાખોડિયાં ભરી ભરીને જાણે પગે લાગતા હોય તેમ જણાતાં હતાં. ગામમાં તો શેરીએ શેરીએ ગુલાલ-ગુલાલ થઈ રહેલો, -આમ અલૌકિક પ્રતાપ જણાવતા તેમને ઘેર આવી મહારાજે ભીમજીભાઈને હાથી પર બેસાર્યા ને એમ ને એમ પાછા એવી જ શોભાએ યુક્ત ચાલ્યા, તે માર્ગમાં એક મુસલમાન ભૂજ થી સુખપર આવતો હતો, તેણે આ શોભા જોઈને પૂછ્યું જે, ‘ભીમજી પટેલ, આ કોણ છે? ને તમે ક્યાં જાઓ છો?’ ત્યારે તે કહે, ‘આ સ્વામિનારાયણ ભગવાન છે ને એમની સાથે હું ભૂજ જાઉં છું.’ આ વાત મુસલમાને ગામમાં આવીને કરી ને અહીં તો ભીમજીભાઈએ દેહત્યાગ કર્યો હતો! આથી તે મુસલમાન આશ્ચર્ય પામી ગયો. આમ શ્રીજીમહારાજ ભીમજીભાઈને ધામમાં તેડી ગયા તે વાત ગામોગામ ફેલાઈ ગઈ. તે વખતે સદ્‍ગુરુ સ્વામીશ્રી ઈશ્વરચરણદાસજી વૃષપુરમાં હતા, તેમણે ભાઈશ્રીને કહ્યું જે, ‘શ્રીજીમહારાજે ભીમજીભાઈ ઉપર બહુ પ્રસન્નતા જણાવી?’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘આ દેશમાં દેહ મૂકનાર વાંસે લોકો બહુ રુવે છે તે રોવાનું બંધ કરાવવા સારુ મહારાજે આ ચમત્કાર જણાવ્યો છે.’ -એમ કહ્યું. (જ્યારથી ભીમજીભાઈને મહારાજ આ રીતે ચમત્કાર જણાવી તેડી ગયા ત્યારથી કચ્છની નાતમાં રોવાનું પ્રકરણ બંધ થયું છે.)