૩૪ - ‘ભાઈશ્રી’

0:000:00

હવે આ અનાદિ મુક્તરાજ જેમ જેમ પ્રસિદ્ધ થતા ગયા તેમ તેમ તેમને ‘મુક્તરાજ’ કે ‘અબજીભાઈ’ એવા નામથી જે બોલાવતા તે હવે ફક્ત ‘ભાઈ’ કહીને બોલાવવા લાગ્યા. ભૂજથી સંતો આવે ત્યારે આ મુક્તરાજને દંડવત્ કરતાં જોઈને કહે, ‘ભાઈ, રાખો.’ સીધું ઉપાડીને લાવે તો કહે. ‘ભાઈ, તમે દાખડો મ કરો.’ જાય ત્યારે કહે, ‘ભાઈ, જય સ્વામિનારાયણ.’ કોઈ સમાચાર મોકલાવે તો આટલું, ‘ભાઈને કહેજો,’ એમ કહે. અમદાવાદ કે મૂળી આદિ ગામોમાંથી કાગળ આવે તો, -‘અનાદિ મુક્તરાજ ભાઈશ્રીની સેવામાં,’ - આવી રીતે ગામપરગામથી કહેવામાં આવતાં ગામમાં પણ એ જ રીત સૌને ઠીક લાગી. સગાંવહાલાંને સંબંધભાવે જે નામે બોલાવવા કે કહેવા જોઈએ તે તો એ રીતે કહે, બોલાવે. તે સિવાય બહુધા સહુ કોઈ આ મુક્તરાજને ‘ભાઈ’ નામથી જ બોલાવતા, જેથી આપણે પણ હવે પછીના તેમના ચરિત્રમાં ‘ભાઈ’ નામથી જ વર્ણન કરીએ.