૧૨૨ – નિર્ગુણમૂર્તિનો મહિમા જાણી સેવા કરી લેજો

0:000:00

ત્યાર પછી થોડી વારે ભાઈશ્રીએ સૌને એમ કહ્યું જે, ‘એક આગળથી ન કહેવા જેવી વાત છે, તોપણ તમે બધા સ્વામીશ્રીના હેત-રુચિવાળા ને મહિમાવાળા છો. તેથી કહું છું કે, આસો સુદ ૧ પડવાને રોજ રાત્રે એક વાગ્યે સ્વામીશ્રી દેહોત્સવ કરશે. માટે સંતો તથા હરિભક્તો આ મહામુક્તરાજ નિર્ગુણમૂર્તિનો મહિમા જાણી ખૂબ સેવા કરી લેજો. આવા પુરુષની સેવા ફરી મળે તેવી નથી, માટે ઊંઘ, ઉજાગરો, ભૂખ કે થાક કોઈ ગણશો નહિ.’ આવા વચનથી સભામાં બેઠેલા સંત-હરિભક્તોને થોડા વખતમાં જ સ્વામીશ્રીનો વિયોગ થશે એમ જાણી ઘણું દુઃખ થયું, પણ આ મુક્તરાજે આગળથી આ વાત જણાવી, જેથી જેમ બને તેમ સેવા કરી રાજી કરી લેવાનું ટાણું મળ્યું, એ વિચારે શાંતિ પણ થઈ. પછી પરસ્પર વાતો કરવા લાગ્યા જે, ‘ભાઈશ્રી મહાસમર્થ મુક્ત છે, તેથી સમાધિમાં ઠેઠ શ્રીજીમહારાજ પાસે જઈને આ વાત નક્કી કરી, વળી દયા કરી આપણને કહ્યું, નહિ તો આમ ને આમ આપણે ખબર વિના રહી જાત.’