૨૩૨ - દાડમ તથા સુખડીનો થાળ
માર્ગમાં અર્ધા ગાઉ પર સરલીનો વીરડો આવ્યો ત્યાં બાપાશ્રીએ નાહવાનો વિચાર કર્યો, પણ તેમાં પાણી ઠીક નહોતું, તેથી બીજો ધરો આથમણી દિશા તરફ હતો તેમાં નાહવાનું કર્યું, ત્યારે સંતો પણ સાથે નાહવા તૈયાર થયા. પછી બાપાશ્રી બહિર્ભૂમી જઈ આવી ધરામાં નાહવા આવ્યા, ત્યારે સંતો પણ સાથે નાહ્યા ને જળમાં પરસ્પર મળ્યા; પછી વસ્ત્રો બદલાવી થોડી વાર બેઠા. તે વખતે ગામ રડુના ઠક્કર ગોવરધનભાઈએ દાડમ આપેલાં તથા રણછોડલાલભાઈએ સુખડી મોકલાવેલી, તે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કાઢી, તેમાંથી બાપાશ્રીએ મહારાજને જમાડી સંતોને પ્રસાદી આપી, પોતે પણ જમ્યા. પછી સહુને ફરી વાર મળીને ચાલ્યા, તે સાંજે વૃષપુર પહોંચ્યા. ત્યાં ચાર દિવસ રહી પાછા બાપાશ્રી તથા સદ્ગુરુમંડળ, -સર્વે ભૂજ ગયા.